૨૦૧૨ના મે માસની ૪ તારીખે આ 'વિચરતા વિચારો' લેખશ્રેણી શરૂ કરેલી.
ત્યારે લખેલું કે –
મને એ નથી સમજાયું કે મારા વિચારો મને ચલાવે છે કે હું એમને. એટલે એમને મારાથી છુટ્ટા ભમતા રખડતા કે ચરતા વિચરતા ગણવા એમાં જ મારું કે એમનું ભલું છે – આ પોતે જ એવો નથી?
એક આ વિચાર જુઓ :
કહે છે, માણસ જ એવું પ્રાણી છે જે વસ્ત્રોથી શરીર ઢાંકે છે.
જો કે વસ્ત્ર વગરનું કોઈ પક્ષી કે જાનવર ક્યારે ય મને નાગું નથી લાગ્યું. દાખલા તરીકે, કબૂતર કે ગાય – તમને ય નથી લાગ્યું !
માણસને નગ્નતાની શરમ છે. કોઈ આભડી જશે એવી બીક પણ ખરી.
માણસની કરુણતા તો એ છે કે શરીરના ઢાંકેલા ભાગો જ એને આભડવાને બોલાવે છે !
ને ત્યારે એને એકેય શરમ યાદ નથી આવતી !
ઇશ્વરની યોજનામાં ઍબ્સર્ડ છે પણ માણસે એમાં અદ્ભુત વધારો કરી દીધો છે, ખરું કે નહીં?
+ + +
એ પછી, રફતે રફતે કંઈ ને કંઈ લખતો હતો.
+ + +
જેમ કે, એક આ :
હું કદાચ ખોટો પડું, પણ મારું માનવું છે કે માણસજાત પાસેથી બીજાં પ્રાણીઓ, શું હિંસક કે અહિંસક, કશું શીખ્યાં નથી. જેમ કે, ઢોર. ભાંભર્યાં કરે, ગાંગર્યા કરે, આરડ્યા કરે. હરાયાંનાં હરાયાં.
એ અહિંસકોએ – ગાય ભેંશ બળદ આખલા ઊંટ બકરીઓ ઘેટાં, વગેરેએ – સભાઓમાં, પરિસંવાદોમાં, કે વ્યાખ્યાનમાળાઓમાં જઇ પગ વાળીને બેસવું ન જોઇએ?
જેમ કે, ચકલી-કબૂતર. કાબર-લૅલાં. આખો દા’ડો ચૅંચૅં ચૅંચૅં કર્યા કરે. અહીંથી તહીં ને તહીંથી અહીં કૂદતાં ને ભટકતાં. એમણે ગાયનશાળામાં જઇ સારેગમ ન શીખવું જોઇએ? કંઈ નહીં તો ‘ઇન્ડિયન આઇડોલ’ સામે કાન માંડીને બેસે કે નહીં?
ગાય-વાછરડાં ટ્રેનમાં બેસીને આવ-જા કરે તો કેટલું સારું લાગે !
કૂતરાં સ્કૂટરો પર, ચકલીઓ ઍરો-પ્લેનમાં, કબૂતરો હેલિ-કૉપ્ટરમાં મુસાફરીઓ કરે તો કેવાં રૂડાં લાગે !
હિંસકો પણ ધારે તો માણસ પાસેથી ઘણું શીખી શકે. ભક્ષ્ય પાછળ દોટો લગાવવાને બદલે વાઘ કે સિંહ પિસ્તોલ કે રાઇફલ રાખી શકે. શક્તિ કેટલી બધી બચે !
ચિત્તા ભાલા કે ખંજર વાપરી શકે, હડીઓ કાઢવાની જરૂર નહીં !
વરુ તીર-કામઠાં વાપરે તો શ્વાસોચ્છ્વાસ બચાવી શકે, હાંફે તો નહીં !
દીપડા મૉં ઍઠું કરવાને બદલે નાઇફ-ફૉર્ક વાપરી શકે.
શિયાળવાં પડાપડી કરવાને બદલે કડિયાળી ડાંગો અપનાવી શકે.
સદ્ભાગ્યે જો આ બધું બને તો હિંસક હોવા છતાં આ બધાં પાશવી ન લાગે, માનવીય લાગે …
બાકી, માણસોએ તો બીજાં પ્રાણીઓ પાસેથી ક્યારનું ઘણું-જ-ઘણું શીખી લીધું છે :
દાખલા તરીકે, કૂતરાની જેમ માણસને ભસતાં આવડે, પૂંછડી તો એવી પટપટાવી જાણે કે ન પૂછોની વાત.
ઉંદરની જેમ ફૂંક મારીને કરડતાં આવડે.
સમડીના જેવી ચિલ-ઝડપ? માણસને બરાબર આવડે.
બગલાની માફક લાગ જોઈને મોડે લગી બેસી રહેતાં પણ માણસને એટલું જ આવડે.
માણસ સાપની જેમ ફણા માંડે.
વીંછીની જેમ ડંખ મારે.
કીડીની જેમ ચટકે.
સાબદું હોય એને ઊધઇની જેમ છૂપું છૂંપું કરકોલીને ખોખરું કરી નાખે.
ગીધડાંની જેમ માણસ શિકારને પેખી પાડે ને એવી જ સિફતથી પંજાના નહોર વાપરીને ચીરી ચાખી આરોગવા મંડે.
માણસ દાંતિયાં કરે, એક ડાળેથી બીજી ડાળે કૂદકા લગાવે, એ કારણે કહેવું કે એ વાનરમાંથી ઊતરી આવ્યો છે; તો તે ચાવેલું ચાવવા બરોબર છે – ચર્વિતચર્વણા.
માણસ શિયાળ જેવો લુચ્ચો છે, કાગડા જેવો ફૂલણજી છે. એ પણ એમ છે – ચર્વિતચર્વણા.
એ તો વળી સ્વલ્પોક્તિ પણ છે. કેમ કે માણસની દિનચર્યા માત્ર કાગડાની જ પૂરી અને માત્ર પૂરી જ પડાવી લેવા જેવી મર્યાદિત થોડી છે? માણસ માત્ર ગાવાની વાતે જ ફૂલણજી થોડો છે?
માણસોમાં જેઓ રાજકારણમાં પડેલા છે, પડ્યા રહેનારા છે, એઓ જળઘોડાની રીતના છે.
માણસોમાં જેઓ અધ્યાપકો છે, બિલકુલ મયૂર જેવા છે, ને અધ્યાપિકાઓ જે છે, આબાદ કોયલ જેવી છે.
માણસોમાં જે વડેરાઓ છે, જેમાંના કેટલાક વડેરા, ચિમ્પાન્ઝી જેવા મેંઢા છે.
જેમાંના કેટલાક, હાથી જેવા ઠાવકા છે.
તો એમનામાં જે વડેરીઓ છે, જેમાંની કેટલીક વડેરીઓ મેના જેવી મધ-બોલી છે; જેમાંની કેટલીક, હોલા જેવી ઘૂ-ઘૂ-કારી છે …
વગેરે વગેરે … વગેરે વગેરે …
કેમ કે આ પ્રાણીય શિક્ષણ-યાદી ન ખૂટે એવી અખૂટ છે …
+ + +
એક આ પણ જુઓ :
કહે છે, ઘોડો હમેશાં, રાતદિવસ, ઊભો જ રહે છે. જો કે, મને એની એથી વિશેષ જાણ નથી.
Pictures courtesy : A Horse : sutterstock : A Tree : Adobe
પણ હું ચોક્કસ જાણું છું કે વિશ્વનું કોઈ પણ વૃક્ષ અહર્નિશ ઊભું જ હોય છે.
ટૂંટિયે વળીને બપોરની વામકુક્ષી નથી લેતું.
સોડ તાણીને રાતની નિદ્રા નથી લેતું.
હા, પોતાની છાયામાં કોઈ પસીનાભીના મજૂરને વિસામો લેવા જરૂર બોલાવે છે.
વરસાદમાં ભીંજાઇ ગયેલી કોઈ ગૃહિણીને છતરી જરૂર ધરે છે.
ચોરને પોતાની બખોલમાં ચોરીનો માલ જરૂર સંતાડવા દે છે.
ઊભા રહેવું એ જ વૃક્ષનો સ્થાયી મનોભાવ છે.
પણ, વય વીત્યે —
એનું લાકડું હોડી રૂપે સીધું વહે છે.
ગાડાનું પૈંડું બની ગોળ દોડે છે.
ભમરડો બની ચકરાતું ભમે છે.
ગિલ્લી બનીને ઊડે છે.
કોઈ ડોશીમાની લાકડી બનીને કાયમી ટેકો થઈ જાય છે.
સુખી પરિવારનો મોભ બની રૂઆબ છાંટે છે.
હરાયા ઢોરના ગળે હેડલો થઈ લટકે છે.
તો, કોઈની ચિતામાં બળીને રાખ થઈ જાય છે.
વય વીત્યે વહેતા રહેવું એ એનો બીજો સ્થાયી મનોભાવ છે …
માણસોને સ્થાયી મનોભાવ ખરા? કયા? કોઈ એક-બે એવા ખરા જેની આવી વાત થઈ શકે …? …
= = =
(February 13, 2022: Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર