રાધાઃ પૂછે છે રાધા, પાસે જઈ કાનાને, વ્હાલપથી કાનમાં,
અગર જો રાધા, હોત જરા શ્યામ,
સાચુકડું કે’જે, શું ચાહત તું શ્યામ?
કૃષ્ણઃ પૂછે કાં રાધા, આમ અણગમતું કાનમાં,
અગર જો રાધા, હોત જરા શ્યામ,
સાચુકડું કહેજે, તું જાણે ના જવાબ?!!
રાધાઃ પૂછે છે રાધા, પાસે જઈ કાનાને, ધીરેથી કાનમાં,
અગર જો હોત ના ગાયો ને ગોપી,
તો મથુરામાં વાસ કરી, ખેલત તું હોળી ?
કૃષ્ણઃ પૂછે કાં રાધા, આમ, અમથું સાવ કાનમાં,
અગર જો હોત, ના ગાયો ને ગોપી,
તો સઘળું સરજીને હા, ખેલત હું હોળી !
રાધાઃ પૂછે છે રાધા, પાસે જઈ કાનાને, હળવેથી કાનમાં,
અગર જો હોત ના છિદ્ર આ વાંસળીમાં,
વીંધ્યા વિણ સૂર, શું રેલત તું વાંસળીના ?
કૃષ્ણઃ પૂછે કાં રાધા, આમ ખોટું ખોટું કાનમાં,
અગર જો હોત, ના છિદ્ર આ વાંસળીમાં,
વીંધ્યા વિણ સૂર, શું પામત તું વાંસળીના ?
રાધાઃ પૂછે છે રાધા, પાસે જઈ કાનાને, સ્નેહેથી કાનમાં,
અગર જો મોરપીંછ હોત જરા પીળુંપચ,
સાચુકડું કે’જે, શું રાખત તું શિર પર ?
કૃષ્ણઃ અગર જો મોરપીંછ, હોત આ પિત્તરંગ,
રુદિયાનો રંગ ભરી, રાખત હું શિર પર !!
રાધાઃ પૂછે છે રાધા, પાસે જઈ કાનાને, વ્હાલપથી કાનમાં,
અગર જો રાધા હોત જરા શ્યામ,
સાચુકડું કે’જે, શું ચાહત તુ શ્યામ?
કૃષ્ણઃ પૂછ ના, પૂછ ના ગોરી, મનમાની, તું આવ જરા ઓરી,
અગર જો રાધા, હોત જરા શ્યામ,
શ્યામ રંગ, શામ સંગ, આમ દિસત એકાકાર !!!
e.mail : ddhruva1948@yahoo.com
http://devikadhruva.wordpress.com