પાકિસ્તાની પદાર્થવિજ્ઞાની અને સમાજચિંતક પરવેઝ હૂડભોય આપણે ત્યાં થોડુંઘણું વાંચી-સમજી શકનારાઓમાં લાડલા છે. પરવેઝ હૂડભોય કરાંચીથી પ્રકાશિત થતા ‘ડૉન’ નામના અખબારમાં કોલમ લખે છે જેમાં તેઓ પાકિસ્તાનના શાસકો અને મુલ્લાઓની આકરી ટીકા કરતા રહે છે. ટીકાનો તેમનો કેન્દ્રવર્તી મુદ્દો એ હોય છે ખોટો ઇતિહાસ શીખવવાથી, ખોટાં કલ્પનો (મીથ) પેદા કરવાથી, વાસ્તવિકતાઓથી નજર ફેરવી લેવાથી, ધર્મના આધારે લોકો વચ્ચે ભેદભાવ કરવાથી કોઈ ફાયદો થતો નથી એનો મૂર્તિમંત દાખલો પાકિસ્તાન છે. પાકિસ્તાનનો ૭૫ વરસનો ઇતિહાસ જો કોઈ એક વાત કહેતો હોય તો એ આ છે અને એમ તેઓ લગભગ પચીસ વરસથી કહે છે. પરવેઝ હૂડભોયના લેખો કેટલાક ભારતીય અખબારોમાં પ્રકાશિત કરવામાં આવે છે અને હિન્દુત્વવાદીઓ તેમના ઉપર ફિદા છે.
પરવેઝ હૂડભોયે તાજેતરમાં પ્રકાશિત થયેલા તેમના લેખમાં લખ્યું હતું કે પાકિસ્તાનની સ્થાપના થઈ ત્યારે પાકિસ્તાનના પ્રાંતોમાં જન્મેલા એવા કેટલા બધા હિંદુઓ, પારસીઓ, ઈસાઈઓ, અહમદદિયા મુસલમાનો, સેક્યુલર મુસલમાનો, અન્ય ધર્મીઓ અને નાસ્તિકો હતા જેમણે જે તે ક્ષેત્રમાં નામના મેળવી હતી અથવા આગળ જતાં મોટા થઈને નામના મેળવી હતી. જો ધર્મને વચ્ચે લાવ્યા વગર અને ઇસ્લામ અંગેની ચોક્કસ ધાર્મિક માન્યતાઓને વચ્ચે લાવ્યા વગર એ બધા લોકોને પાકિસ્તાને પોતાનાં માન્ય હોત તો તેઓ પાકિસ્તાનને કેટલું બધું આપી શક્યા હોત! પણ બન્યું એવું કે પાકિસ્તાનના શાસકોએ, મુસ્લિમ કોમવાદીઓએ અને મૂળભૂતવાદી ઝનૂની મુસ્લિમોએ તેમને સતાવ્યા જેને પરિણામે એ લોકોએ નાછૂટકે પાકિસ્તાનમાંથી ઊચાળા ભર્યા અને તેઓ બહાર જઈને ઝળક્યા. વધારે નુકસાન કોને થયું? પાકિસ્તાનને કે એ લોકોને? એ લોકો તો વધુમાં વધુ ન્યાય નહીં મળ્યો હોવાની અને વતન છોડવાની પીડા ધરાવે છે, પણ પાકિસ્તાન તો પ્રગતિથી વંચિત રહેવાની વાસ્તવિકતાની પીડા ધરાવે છે. નોબેલ પારિતોષિકથી વિભૂષિત અબ્દુસ સલામ આનું ઉદાહરણ છે. તેઓ અહમદિયા મુસલમાન હતા એટલે સતાવવામાં આવ્યા અને તેઓ બહાર જઇને ઝળક્યા. તેમના યોગદાનથી પાકિસ્તાન વંચિત રહ્યું છે. પરવેઝ હૂડભોયે બીજા એક નોબેલ પારિતોષિક વિજેતા હિંદુ વિજ્ઞાની હરગોવિંદ ખુરાનાનો દાખલો ટાંક્યો છે. તેઓ લાહોરના હતા અને લાહોરમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. જો પાકિસ્તાને હિંદુઓને પોતાનાં ગણ્યાં હોત તો ખુરાના પાકિસ્તાનમાં રહ્યા પણ હોત! આવા તો બીજા અનેક લોકો છે.
પાકિસ્તાન અને મુસલમાનો વિષે આવું બધું વાંચવું-સાંભળવું હિન્દુત્વવાદીઓને ગમે છે, પણ એ જ વાત ભારતના સંદર્ભમાં અત્યારે આ લખનાર જેવા સેક્યુલર હિંદુ કે બીજો કોઈ વિધર્મી કે જગતના પ્રવાહો ઉપર નજર રાખનારા નિરીક્ષકો કહે તો હિન્દુત્વવાદીઓને મરચાં લાગે છે. પરવેઝ હૂડભોયનો લેખ પ્રકાશિત થયો એનાં બીજા અઠવાડિયે ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હમીદ અન્સારીએ તેમની આત્મકથાના પ્રકાશન નિમિત્તે કહ્યું હતું કે અત્યાર સુધી ભારત નાગરિક રાષ્ટ્ર હતું એટલે તેણે પ્રગતિ કરી છે, પણ હવે હિંદુ રાષ્ટ્ર આકાર લઈ રહ્યું છે જેમાં માણસની ગણના અને તેના કૌવતનું આકલન ધર્મના ત્રાજવે કરવામાં આવે છે. આ કોઈ પણ રાષ્ટ્ર માટે પતનનો માર્ગ છે. હમીદ અન્સારીએ કહ્યું હતું કે તેમણે દેશની વિદેશસેવામાં પોતાની જે કોઈ સજ્જતા હતી તેના આધારે યોગદાન આપ્યું હતું, તેને મુસ્લિમ હોવાપણા સાથે કોઈ સંબંધ નથી. હોવો પણ ન જોઈએ.
અહીં નાગરિક રાષ્ટ્ર અને હિંદુ રાષ્ટ્ર વચ્ચે શું ફરક છે એ સંક્ષેપમાં ભક્તોને સમજાવી દઉં. નાગરિક રાષ્ટ્ર એ છે જેમાં નાગરિક રાષ્ટ્રનું મૂળભૂત એકમ છે અથવા પાયાનો પથ્થર છે. રાષ્ટ્રની આખી ઈમારત નાગરિકના ખભે ઊભી હોય છે. હિંદુ રાષ્ટ્ર, ઇસ્લામિક રાષ્ટ્ર કે એવા બીજા કોઈ પણ રાષ્ટ્રના પાયામાં બહુમતી ધરાવતા જે તે પ્રજાસમૂહો હોય છે. નાગરિક રાષ્ટ્રમાં દેશના નાગરિક, નાગરિક તરીકે એક સરખો દરજ્જો ધરાવે છે જ્યારે બહુમતી પ્રજા આધારિત રાષ્ટ્રમાં (ભારતમાં હિંદુ રાષ્ટ્ર) બહુમતી વિશેષ દરજ્જો ધરાવે છે અને બીજી પ્રજા સાથે ઓરમાયો વહેવાર કરવામાં આવે છે. શરૂઆત વહાલાં-દવલાંનાં વહેવારથી કરવામાં આવે છે અને એવા વહેવારને જો બહુમતી પ્રજા અપનાવે, રાજકીય માન્યતા આપે, ચૂંટણીમાં વહાલાં-દવલાંનો વહેવાર કરનારાઓને જીતાડે તો પછી બંધારણમાં સુધારા કરીને નાગરિક રાષ્ટ્રને બહુમતી રાષ્ટ્રમાં ફેરવવામાં આવે છે. વિધિવત્ ભારતમાં પાકિસ્તાન આકાર પામે.
હવે જો બહુમતી પ્રજા માથાભારે થઈને ફરે, લઘુમતીને સતાવે, તેની સાથે ઓરમાયો વહેવાર રાખે, તેમને તકથી વંચિત રાખે તો પરિણામ શું આવે? એ પ્રજા રાષ્ટ્રજીવનમાંથી અળગી થઈ જાય અને અન્યત્ર પોતાની જગ્યા બનાવે. શક્તિશાળી બીજ ક્યાંક તો ફૂટવાનું જ, પણ તમારી ધરતી તેનાથી વંચિત રહી જાય. અને યાદ રહે, શક્તિને ધર્મ સાથે લેવાદેવા નથી. જો ઇસ્લામ જગતનો શ્રેષ્ઠ ધર્મ છે તો જગતના તમામ તેજસ્વી માણસો મુસ્લિમ ઘરમાં પેદા થવા જોઈતા હતા. જો હિંદુ ધર્મ શ્રેષ્ઠ ધર્મ છે તો જગતના તમામ જ્યોતિર્ધરો હિંદુ હોવા જોઈતા હતા. પણ એવું નથી. ઊલટું માણસ જેટલો અસ્મિતામુક્ત એટલો વધારે તેજસ્વી હોવાનો અથવા એમ કહો કે જેને આભમાં પ્રકાશવું હોય તેણે અસ્મિતાઓનાં દીવડાઓથી મુક્ત થવું પડશે. આનું પરિણામ એ આવે છે કે જેઓ આભ આંબવાના મનોરથ સેવે છે અને કૌવત ધરાવે છે એવા લોકો ધર્મ જેવા અસ્મિતાઓના સંકુચિત રંગમંચ ઉપર ગુંગળામણ અનુભવે છે. ગુંગળામણ અનુભવતા લોકો ગુંગળામણને વાચા આપશે, તેઓ વાચા આપશે એટલે ભક્તો તેમને સતાવશે, ટ્રોલિંગ કરશે અને સરવાળે તેઓ અન્યત્ર જતા રહેશે. ૭૫ વરસ પહેલાં પાકિસ્તાનમાં આ રીતે જ શરૂઆત થઈ હતી જે રીતે અત્યારે ભારતમાં શરૂઆત થઈ છે અને પરવેઝ હૂડભોય કહે છે એમ પરિણામ આપણી સામે છે.
એક વાત યાદ રાખજો, ટોળાંમાં બુદ્ધિ હોતી નથી, બુદ્ધિ વ્યક્તિમાં હોય છે. હકીકત તો એ છે કે ટોળાંનો હિસ્સો બનવા માટે બુદ્ધિનો અભાવ જરૂરી હોય છે. તો પાકિસ્તાનના પરવેઝ હૂડભોય કહે છે પાકિસ્તાનની બરબાદીનું કારણ ટોળાંનું સત્ય અને ટોળાંનું માથાભારેપણું છે. જો વ્યક્તિને એટલે કે નાગરિકને ઊગવા દીધો હોત તો પાકિસ્તાનની સ્થિતિ અલગ હોત. ભારતના હમીદ અન્સારી કહે છે કે ભારતે જે કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરી છે એ વ્યક્તિને એટલે કે નાગરિકને ઊગવા દીધો એનું પરિણામ છે, પણ અત્યારે હવે હિંદુ રાષ્ટ્રના નામે ટોળાંનું સત્ય માથે મારવામાં આવી રહ્યું છે એ ઘાતક છે.
બન્નેના કથનમાં શો ફરક છે? બન્ને એક જ વાત કહી રહ્યા છે. પરવેઝ હૂડભોયના શબ્દો મીઠા લાગે અને હમીદ અન્સારી એ જ વાત કહે તો મરચાં લાગે એવું શા માટે? ભારત સરકારના પ્રવક્તાએ હમીદ અન્સારીની ટીકા કરતાં કહ્યું છે કે તેઓ દેશને બદનામ કરી રહ્યા છે અને ભારતને બદનામ કરવાનું જાગતિક ષડયંત્ર છે. હવે જો પાકિસ્તાનના શાસકોની, મુલ્લાઓની, કોમી તત્ત્વોની, ધર્મઝનૂનીઓની ટીકા કરીને પરવેઝ હૂડભોય પાકિસ્તાનને બદનામ કરી રહ્યા છે એમ જો તમે માનતા હો તો હમીદ અન્સારીની ટીકા સ્વીકારી શકાય. પાકિસ્તાનને જગતમાં પરવેઝ હૂડભોય જેવાઓએ બદનામ કર્યું છે કે અસહિષ્ણુ ધર્મઝનૂનીઓએ અને ભેદભાવ કરનારા શાસકોએ? ભારતને બદનામ હિંદુ ધર્મઝનૂનીઓ અને કોમવાદીઓ કરી રહ્યા છે કે હમીદ અન્સારી જેવા ચેતવણી આપનારાઓ? હમીદ અન્સારી મુસ્લિમ છે એ ગૌણ છે.
જો ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ એમ કહેતા હોય કે દેશમાં લડાઈ ૮૦ ટકા વિરુદ્ધ ૨૦ ટકા વચ્ચેની છે અને વડા પ્રધાન જો તેમને વારતા ન હોય અને સરેરાશ હિંદુનું મૂક સમર્થન હોય તો પાકિસ્તાનની પંક્તિમાં બેસવામાં શરમ શેની! ખોટો ઢોંગ શા માટે? ગર્વ સે કહો હમ પાકિસ્તાન જૈસે હૈ. પંક્તિ તમે અને તમારા હિંદુ શાસકો પસંદ કરી રહ્યા છો, અમે તો ઊલટું એ પંક્તિમાં બેસવામાં જે જોખમ છે તેની ચેતવણી આપી રહ્યા છીએ.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 03 ફેબ્રુઆરી 2022