અમદાવાદની વરસગાંઠ અને ગોધરા-અનુગોધરા વીસવરસીના અઠવાડિયામાં બે અક્ષરો પાડી રહ્યો છું ત્યારે થોડા સ્ફુટ વિચારો દોહરાવવાની રજા લઉં છું.
સોળે સાન અને વીસે વાન એ કહેવત મુજબ ૨૦૦૨ પછીનાં વરસોમાં આપણે પ્રજાકીય હિસાબ શો અને કેવો આપ્યો છે એ વિશે જાતતપાસને ધોરણે એકબે વાતો કરવા ચહું તો મારી પ્રતીતિ એ છે કે સ્વરાજસંગ્રામ અને બંધારણનિર્માણની જે કંઈ પુરાંત હશે તેનાં સંગોપન ને સંવર્ધનને બદલે (અને અલબત્ત શોધનને બદલે) આપણું વલણ વેડફાટનું રહ્યું છે. અને આ વેડફાટની બલિહારી પાછી એ છે કે એની તરફેણમાં એક આખી તર્કસરણી અને વિચારસરણીનો અસબાબ આપણી કને છે, ચાટુકારો સમેત.
ગોધરા-અનુગોધરાના સમગ્ર, રિપીટ, સમગ્ર ઘટનાક્રમને આપણે કેટલાકે કેમ જાણે કોઈ દ્વિરાષ્ટ્રવાદ પ્રેરિત આંતરવિગ્રહ તરીકે જોયો અને ઘટાવ્યો, અલબત્ત અપરિભાષિતપણે પણ. વાત પહેલી તો, સીધીસાદી, કાયદાના શાસનની હતી. ક્રિયા અને પ્રતિક્રિયાના ન્યૂટનનિયમ થકી વાજબીપણાના વ્યાયામની નહીં પણ ચુંટાયેલ સરકાર હસ્તક ધોરણસરના શાસનની હતી. કાયદો હાથમાં લેવાની નહીં, ‘હાથમાં લેવા’ને હવા આપવાની નહીં પણ ધોરણસરની રાજવટ હસ્તક કાયદો પાળવાની અને પળાવવાની હતી. શાસન અને અનુશાસનની હતી, નહીં કે દુઃશાસન અને નિઃશાસનની.
નાગરિક સમાજના કોઈક હિસ્સામાં, સરકારને ભાવતી રીતે, બિનસાંપ્રદાયિક્તા અને રાષ્ટ્રવાદને ધોરણે કેવળ વ્યામોહવ્યસ્ત વિતંડાનો અનુભવ ત્યારે અને ત્યાર પછી થતો રહ્યો છે. ભાઈ, માણસ માણસને મારવાબાળવા લે એ પ્રવૃત્તિને રોકવા ખાળવા દંડવાની જવાબદારી સરકારની હતી, છે અને રહેશે. જેમણે નાગરિક રાહે બિનસાંપ્રદાયિકતાની ભૂમિકા લીધી તે જાણે પરબારા રાષ્ટ્રવિરોધી રાજદ્રોહી અને આતંકવાદી ઠર્યા – ને કાયદો હાથમાં લઈ નિર્ઘૃણ કાંડ રચનારા એક હિસ્સાને રાષ્ટ્રવાદનું ઝભલું પહેરાવાયું.
અહીં હું જસ્ટિસ વર્માનું સ્મરણ કરવું લાજિમ ગણું છું. સર્વોચ્ચ અદાલતના સ્તરેથી એમણે હિંદુત્વ એક જીવનરીતિ (વે ઑફ લાઈફ) છે એવો ચુકાદો આપ્યો હતો, અને તે ચુકાદો રથી અડવાણીના એક તબક્કે અતિ પ્યારાં અવતરણો પૈકી હતો. આ જ જસ્ટિસ વર્મા જ્યારે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના અધ્યક્ષની હેસિયતથી ગોધરા-અનુગોધરા તપાસ સારુ અમદાવાદ પહોંચ્યા ત્યારે એમને હિંદુત્વ રાજનીતિ હસ્તક શું થઈ શકે એનો સાક્ષાત્કાર થયો અને એમણે ચોક્કસ તપાસ માટે આગ્રહ સેવ્યો એ હવે ઇતિહાસવસ્તુ છે.
ઊલટ પક્ષે, ગોધરા-અનુગોધરા તપાસમાં જેમ વિચારધારાકીય મોચનો વણછો પહેલેથી લાગેલો હતો તેમ આપણી સંસ્થાગત મર્યાદાઓ પણ ખાસી વળગેલી હતી. બ્રિટિશ વારાથી ચાલી આવેલી પબ્લિક પ્રોસીક્યુટર પ્રણાલિ પરના સાંસ્થાનિક ઓથારને અહીં ગુજરાતઆંગણે એક ઓર વળ ચઢેલો હતો. પબ્લિક પ્રોસીક્યુટરોનો ખાસો હિસ્સો વિશ્વ હિંદુ પરિષદ સાથે કંઈક સીધો કંઈક આડકતરો સંકળાયેલો હતો. માથે રાજવટની વિચારધારાનું અભયછત્ર અને અદાલતમાં વિ.હિં.પ. પ્રોસીક્યુટરો, સૈંયા ભયે કોતવાલ. તપાસ બચાડી મુજરો ભરે. ને ન્યાય? ન જાને કિસ ખેત કી મૂલી … નહીં કે કંઈ થયું જ નથી. નહીં કે ન્યાયપાલિકા વિશે કોઈ અનાદર છે. માત્ર, પ્રજાસત્તાક બંધારણવશ જે પણ આશાઅપેક્ષા હશે એમાં પછાડનો અનુભવ છે તે છે.
રાજ્યશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે હૉબ્ઝનું ‘લેવિયેથન’ પહેલ પ્રથમ વાંચવાનું થયું એને હવે તો છ દાયકા સહેજે થયા હશે. રાજ્યસંસ્થાના નિર્માણનું જે વાજબીપણું હૉબ્ઝે જોયું છે તે જંગલના કાયદાને સ્થાને વ્યવસ્થા–સંસ્થાપક શાસનરૂપે રજૂ કર્યું છે. શાસન વિનાની સ્થિતિમાં મનુષ્યનું જીવન, હૉબ્ઝના શબ્દોમાં, solitary, nasty, poor, short, brutish છે – એકાંકી, હીણું, દરિદ્રી, અલ્પાયુ, પશુવત્ (કે પાશવી) આ અનવસ્થાનું વારણ રાજ્યસંસ્થા થકી અપેક્ષિત છે. ગોધરા-અનુગોધરા દિવસોમાં રાજ્યસંસ્થા એક ટૂંકાગાળા માટે અંતર્ધ્યાન અનુભવાઈ હતી, તો તે સાથે અનવસ્થાની અનુમોદના કરતી પણ અનુભવાઈ હતી. માટે સ્તો, અગાઉ કહ્યું કે શાસન અને અનુશાસનનો નહીં પણ દુઃશાસન અને નિઃશાસનનો એ અનુભવ હતો.
નાગરિક છેડેથી આ વાસ્તવદર્શનની સાથે બીજો પણ એક મુદ્દો પ્રસ્તુત વરતાય છે. કાયદાના શાસનને વિચારધારાકીય વણછા સાથે લકવી મારતી આ પ્રક્રિયા (ખરું જોતાં વિક્રિયા) વસ્તીના ખાસા હિસ્સાને વાસ્તવિક રાજકીય-શાસકીય સહભાગિતાથી વંચિત કરી મેલે છે. હમણાં બંદૂકવાલા ગયા અને એમને દિલી અંજલિઓ પણ ઠીક અપાઈ. પણ મને પોતાને એમનો ઉત્તરકાળનો એક વસવસો સવિશેષ સાંભરે છે. છેલ્લાં વર્ષો એમણે મુસ્લિમ છાત્રોમાં શૈક્ષણિક પ્રસાર અને કારકિર્દીનિર્માણમાં આપ્યા એનું ગૌરવ પણ થયું – અને ન્યૂક્લીઅર ફિઝિક્સની દોમદોમ અમેરિકી સાહ્યબી મેલી વડોદરે વિદ્યાજીવનમાં વિલસ્યા એ અલબત્ત મોટી વાત હતી. પણ ઉત્તરવર્ષોમાં જે એક વિષાદયોગ આ ધર્મગભરુ નાગરિક જીવને કોરી રહ્યો હતો એ આપણા અંજલિવિમર્શમાં વણગાયો રહી ગયો; અને તે એ કે દેશની રાજકીય-શાસકીય પ્રક્રિયામાં ન્યાયપુરસ્સર સહભાગિતાથી વંચિત રહેવાની નિયતિ સ્વીકારી લઈ મુસ્લિમોએ કારકિર્દીનિર્માણની તકો ખોજવાની છે. સહભાગિતાથી બાકાત રહેવાની આ દુર્નિવાર અવસ્થા (ખરું જોતાં અનવસ્થા) એક મોટા હિસ્સાને વસ્તુતઃ વિ-નાગરિકવત્ બનાવી મેલે, એ સાદી સમજનું આજે ક્યાં છે કોઈ ખરીદાર.
જરી વ્યાપકપણે પણ આ વિષાદમુદ્દો ખોલવા જેવો છે. વિકાસથી વંચિતો વિશેનો વિમર્શ વૈશ્વિકીકરણનાં વર્ષોમાં ‘વિકાસના વંચિતો’ (‘વિકાસવશ વંચિતો’) રૂપે એક દુર્દૈવ વાસ્તવ તરીકે ક્ષણોક્ષણ સામે આવી રહ્યો છે. એક પા, હમણાં વર્ણવ્યા તેવા વિ-નાગરિકવત્ તબકા તો બીજી પા આ નવ્ય વંચિતતા – અને એનું વકરવું, દેશજનતાને કઈ હદે ગ્રસી શકે, સમજાય છે? આખરે તો, ખલિલ જિબ્રાનનાં સટીક વચનોમાં, કોઈપણ સાંકળ એની નબળામાં નબળી કડી જેટલી જ મજબૂત હોઈ શકે છે.
કાઁગ્રેસ-ભા.જ.પ.ના કુંડાળામાં નહીં ગોટવાતા, એથી હટી ઊંચે ઊઠી નાગરિક સમાજને છેડેથી આ બધું વિચારવાની મથામણ વસ્તુતઃ પેલી નબળી કડીને મજબૂત કરી આખી સાંકળને મજબૂતી આપવાની દિશામાં છે. પણ પેલો દુઃશાસન-નિઃશાસન અભિગમ હવે દેશના વડા સુરક્ષા સલાહકાર અજિત દોવલની ભાષામાં એક ઓર ખતરાનું બહુમાન પામે છે ત્યારે શું કહીશું, સિવાય કે મોસમ છલકે છે.
પાયાગત વિચારની રીતે બે’ક ઇંગિતો મૂકી મારી વાત સંકેલવાની કોશિશ કરું. જે બે સંજ્ઞાઓ વિશે વર્તમાન શાસકીય વર્તુળોએ આપણને પ્રજાસત્તાક સ્વરાજથી પાછોતરી અવદશામાં નાખ્યા છે તે ‘રાષ્ટ્ર’ અને ‘ધર્મ’ છે. રાષ્ટ્રની સાંકડી વ્યાખ્યાના રાજકારણે ભારતના ભાગલા પડાવ્યા એ સાદું સત્ય એને સમજાતું નથી, અને એ જ સાંકડી વ્યાખ્યાવશ પોતે વગર ભાગલે વિભાજકતા વકરાવી રહેલ છે એની એને ખાસ તમા પણ નથી. કોઈ ચોક્કસ ધર્મકોમબદ્ધ રાષ્ટ્રની વ્યાખ્યાથી ખસી બંધારણીય મર્યાદામાં સહજીવનને ધોરણે વિકસતી વિલસતી દેશજનતાનો અભિગમ એ યુગમાંગ છે. તમે ચાહે તો એને બંધારણીય રાષ્ટ્રવાદ કહો, ચાહે તો નાગરિક રાષ્ટ્રવાદ.
હમણાં જેના જન્મદિવસની જિકર કરી તે અમદાવાદના નામાન્તર વિવાદને આ સંદર્ભમાં લગરીક સંભારી લઉં? એને કર્ણાવતી કહેવાનો જોસ્સો પેલી સાંકડી વ્યાખ્યાવશ વૈચારિક વ્યામોહમાંથી આવેલો છે, અને વ્યામોહગ્રસ્ત માનસિકતા સ્વાભાવિક જ ઇતિહાસબોધથી મુક્ત હોઈ પણ શકે. અહમદશાહે વસાવેલું નગર કોઈ કર્ણાવતી ભાંગીને વસાવેલું નગર નહોતું. કર્ણાવતીની કામગીરી વસ્તુતઃ સોલંકીકાલીન છાવણીનગર તરેહની હતી. કર્ણાવતી અને અહમદાબાદ પડોશમાં પણ અલગથલગ હતાં. જો ઇતિહાસમાં પાછળ જ જવું હોય તો પડોશવશ એવું સ્થાનક આશાપલ્લીની ભીલ ઠકરાતનું છે. પણ હિંદુત્વની મુશ્કેલી એ છે કે તે સોલંકીને તો સટ દઈને આગળ કરી શકે, પરંતુ ભીલને વિશે એને જો ઉત્સાહ હોય ત્યારે ય ઓછો તો હોય જ. ગમે તેમ પણ, કાલવ્યુત્ક્રમને ધોરણે ૧૯મી સદીના ઉત્તરાર્ધ અને ૨૦મી સદીના પૂર્વાર્ધની કથિત હિંદુ-મુસ્લિમ સામસામીને અગાઉના સૈકાઓની હિંદુરાષ્ટ્ર વિ. ઇતરની નવી ઇતિહાસકથામાં ઢાળવાના ઉદ્યમની મૂર્છા ઉતરે એટલું પણ સાન-વાનની દૃષ્ટિએ વીસવરસીએ સમજાય તો એથી રૂડું શું.
ફેબ્રુઆરી ૨૬, ૨૦૨૨
સૌજન્ય : "નિરીક્ષક", 01 માર્ચ 2022; પૃ. 01-02