રોજ જીવું છું, રોજ મરું છું.
સામા વ્હેણે રોજ તરું છું.
“ભૂલી જવાનું, ગળી જવાનું”
રોજ ટપારું, તોયે સ્મરું છું.
દર દર રખડી રખડી થાકું
તોયે હજી ક્યાં કામ કરું છું.
માણસ નહીં, પડછાયો થઈને
શહેર-ગલીમાં રોજ ફરું છું.
નામ ભૂંસાયાં, ગામ લુંટાયાંઃ
અંધકારમાં રોજ સરું છું.
રોઝા,મસ્જિદ, મઝાર, કિલ્લા
નક્કર છું ને તોયે ખરું છું.
હિજાબ, બુર્ખા, નકાબ, પર્દા
અંદર અંદર થરથરું છું.
‘એ લોકો’ના અચ્છે દિનથી,
કસમ ખુદાકી, ભૌત ડરું છું.
આઘે ને આઘે ઠેલાઉંઃ
આખિર તો ભૈ, જુહાપરું છું.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2022; પૃ. 02