રશિયાની નજર યુક્રેનના બે પ્રાંતો ઉપર છે અને તેને તે ગળી જવા માગે છે. આની સામે યુક્રેનના શાસકોએ હોહા કરી મૂકી છે અને તેના પ્રતિસાદમાં અમેરિકા અને યુરોપના દેશો સક્રિય થયા છે. નાટો (નોર્થ એટલાન્ટીક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન – સોવિયેત રશિયાનો વિરોધ કરવા કેટલાક દેશોએ આપસમાં લશ્કરી સહયોગ કરવા માટે રચવામાં આવેલું જૂથ) જે સામ્યવાદી રશિયાના પતન પછી અપ્રસાંગિક બની ગયું હતું એ પાછું સક્રિય થયું છે. રશિયા સામે વ્યાપારિક પ્રતિબંધો, અસહકાર, યુનોમાં ઠરાવ અને વળતો લશ્કરી હુમલો કરવા સુધી વાત પહોંચી છે. જગતના દેશો સક્રિય થયા એટલે રશિયાએ પણ પારોઠનાં પગલાં ભર્યાં છે. દરમ્યાન રશિયા અને ચીનની ધરી રચાઈ રહી છે અને પાકિસ્તાન આ બે દેશોની પાંખમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન આ લખાય છે ત્યારે મોસ્કોમાં છે. ઇમરાન ખાન આ પહેલાં આ મહિનાના પહેલા સપ્તાહમાં ચીન ગયા હતા. પાકિસ્તાન અસમંજસમાં નથી. તેણે અમેરિકાનો હાથ છોડી દીધો છે અને ચીનનો પકડી લીધો છે. હવે તે રશિયાને ટેકો આપીને રશિયાની નજીક જવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ઉપાધિ ભારતની છે. ભારતના શાસકો નક્કી જ નથી કરી શકતા કે ચીનની સામે રચાઈ રહેલી ધરીમાં અસમંજસ ફગાવીને અને જોખમ ઊઠાવીને જે થવું હશે એ થશે એમ વિચારીને જોડાઈ જવું જોઈએ કે પછી ચીનની સરસાઈ સ્વીકારીને ચીન સામે ટકાઉ સમજૂતી કરવી જોઈએ? અમેરિકા ઈચ્છે છે કે ભારત ખુલ્લીને આગળ આવે. હજુ પખવાડિયા પહેલાં અમેરિકન સરકારે જાગતિક સ્થિતિનો જે વાર્ષિક અહેવાલ બહાર પાડ્યો છે એમાં ચોખ્ખું કહ્યું છે કે ભારત ઉપર ચીન તરફથી મોટું લશ્કરી સંકટ તોળાઈ રહ્યું છે. એક રીતે આ ઈજન હતું કે ચીન સામે ખુલ્લો મોરચો માંડ્યા વિના ભારત પાસે કોઈ વિકલ્પ નથી, માટે જે વિકલ્પ ઉપલબ્ધ છે એ સ્વીકારી લેવો જોઈએ. આ વિકલ્પ આસાન નથી. જોખમી છે અને ભારત ચીનનો પાડોશી દેશ હોવાથી એ વિકલ્પ ઘણો વધારે મોંઘો પડી શકે.
ચીન આ જાણે છે અને તેનો તે લાભ લઈ રહ્યું છે. તેને ખબર છે કે ભારત ચીન સાથે અથડામણમાં ઉતરતાં પહેલાં સો વાર વિચાર કરશે. અમેરિકા ભરોસાપાત્ર નથી એનો અનુભવ ભારતને અને જગતના બીજા દેશોને અનેકવાર થયો છે. ચીનના નેતાઓ આ ઉપરાંત એક બીજી વાત પણ જાણે છે. તેમને ખબર છે ભારતના પોતાને બહાદુર તરીકે ઓળખાવનારા રાષ્ટ્રવાદી શાસકો ચીનની સરસાઈનો જાહેરમાં સ્વીકાર કરવાના નથી. એમાં તેઓ નાનપ અને ભોંઠપ અનુભવે છે અને આ માનસિકતાનો પણ ચીન લાભ ઊઠાવી રહ્યું છે. ચીન છાતી પર ચડીને ગુદગુદી કરી રહ્યું છે અને આપણા શાસકો ભોંઠપના માર્યા ઊંહકારો કરતા નથી. સરહદ તરફ નજર કરતા નથી, એક શબ્દ બોલતા નથી અને પ્રજાનું ધ્યાન અન્યત્ર દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચીનને જેમજેમ આ માનસિકતાની ખાતરી થતી જાય છે એમ તે વધારે ને વધારે ગુદગુદી કરી રહ્યું છે.
જેમ ચીનને આ વાતની ખાતરી છે એમ ભારતના વર્તમાન શાસકોને પણ એક વાતની ખાતરી છે કે ચીન ભારતનું માર્કેટ ગુમાવવા માગતું નથી એટલે તે વધુમાં વધુ ભારતને સતાવશે, ગુદગુદી કરશે પણ ઘણું કરીને આક્રમણ નહીં કરે. ભારતનું માર્કેટ ગુમાવવાથી ચીનના અર્થતંત્રને બહુ મોટો ફટકો પડી શકે છે અને તે લશ્કરી કે ભૌગોલિક-રાજકીય લાભ કરતાં વધારે નુકસાનકારક સાબિત થઈ શકે છે. માટે ભારતના શાસકો સતામણી અને ગુદગુદી સહન કરે છે.
પણ ક્યાં સુધી? આ રોજેરોજની સતામણી અને ગુદગુદીનું શું? એ અપમાનજનક સ્થિતિ છે એ ન ભૂલવું જોઈએ.
છે કોઈ ઉપાય? ઉપાય છે વાસ્તવિકતાનો સ્વીકાર કરવાનો. દીવાલ પરના લખાણને વાંચવાનો. સરહદના પ્રશ્નને વાટાઘાટો દ્વારા બાંધછોડ કરીને ઉકેલવાનો. વિરોધ પક્ષોને અને પ્રજાને વિશ્વાસમાં લેવાનો. ચીન સાથે સર્વસંમતિ આધારિત સાતત્યપૂર્વકની ટકાઉ વિદેશનીતિ ઘડવાનો. પાડોશી દેશો સાથે ઝૂકતું માપ આપીને પણ સંબંધ સુધારવાનો. ચીન સામેના આર્થિક વ્યવહારમાં ધીરેધીરે હાથ ઉપર કરવાનો. અર્થતંત્ર મજબૂત કરવાનો. જો પક્ષીય રાજકારણ વચ્ચે લાવ્યા વિના બે દાયકા માટે વ્યવહારુ નીતિ સાતત્યપૂર્વક અપનાવવામાં આવે તો ચીનની રોજની ગુદગુદીથી મુક્તિ મળે. પણ આ બધા માટે દેશમાં પ્રજાકીય એકતા જરૂરી છે. એક પ્રજાને બીજી પ્રજા સામે ભડકાવવાથી તેમ જ લડાવવાથી માત્ર ચૂંટણી જ જીતી શકાય, બાકી દરેક મોરચે પરાજય અટલ છે. ચીનના શાસકો પ્રજા વચ્ચે વિખવાદ નથી પેદા કરતા. જગતના તમામ શક્તિશાળી દેશો તરફ નજર કરશો તો આ જ હકીકત નજરે પડશે. લડતી પ્રજા દેશને સમૃદ્ધ ન કરી શકે.
વાત ગળે ઉતરે છે? વિચારી જુઓ!
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 27 ફેબ્રુઆરી 2022