ગુજરાતમાં હવે બાળકોએ જન્મવાનું બંધ કરી દીધું લાગે છે અથવા તો તે હવે સીધાં હાઇસ્કૂલમાં જવાની ઉંમરે જ જન્મે તો નવાઈ નહીં ! થોડાં વર્ષો પછી સીધા કોલેજિયન્સ જ જન્મે તો હાઇ સ્કૂલ સુધીનું શિક્ષણ આપવાનું મટે ને વાલી તથા સરકારને પણ શિક્ષણના ખર્ચા બચે એમ બને. વાલી તો બિચારો ઉધાર-ઉછીનું કરીને પણ બાળકોને શિક્ષણ આપવા મથે કદાચ, પણ બાળકોને ભણાવવાનું હવે સરકારને પરવડતું નથી. આમ સરકાર ભલે ખોટમાં ચાલતી હોય કે લોકોને ખોટમાં નાખતી હોય, તો પણ તેને પ્રાથમિક શિક્ષણ મોંઘું પડતું હોય એમ લાગે છે. તેને જેમ બધું વેચવા કે બંધ કરવાની ટેવ પડી છે તેમ પ્રાથમિક સ્કૂલોને પણ તે દાવ પર લગાવે એમ બને. આજે જ વડોદરા – દહીસરનો હાઇવે વેચીને 20 હજાર કરોડ સરકાર ઊભા કરવા માંગે છે એવા સમાચાર છે. એમ જ એલ.આઇ.સી.નો પણ અમુક ભાગ સરકાર વેચવાની છે એવી વાત છે. આ બધાંમાં લોકો તો તમાશો જુએ કે વીડિયો ઉતારે એમ બને. લોકો આથી વધુ કૈં કરી શકે એમ જ નથી. આઝાદી પછી સૌથી વધુ નિર્માલ્ય અને મતલબી પ્રજા કદાચ આ સમયમાં મળી છે. એ ખૂન થાય તો ય જુએ છે ને ધૂન વાગે તો ય જુએ છે.
લોકડાઉન ને કરફ્યુના લાંબા બે વર્ષ વીત્યાં એ દરમિયાન શિક્ષણ વિભાગે શિક્ષણનો ઘડો લાડવો કરી નાખ્યો છે. જે અગાઉ ન હતું તે ઓનલાઈન શિક્ષણ પેધું પડ્યું અને તેની (કુ)ટેવ પડવાને લીધે કેટલાંક વિદ્યાર્થીઓ ‘ઘેર’હાજર રહીને ગેરહાજર જેવું જ ભણ્યા. પરીક્ષાઓ આપી, પણ પુસ્તકમાંથી ઉતારો કરીને. વાંચીને પરીક્ષા આપવાને બદલે પરીક્ષા વખતે જ વાંચીને ઉતારવું એવું જ્ઞાન તેમને હાથ લાગ્યું. એમાં વાલીઓ અને મિત્રોએ સહાય કરી એટલે અંતે તો પરીક્ષા સમૂહલેખનનો જ ઉપક્રમ બની રહી. હવે ઓફલાઇન શિક્ષણ ફરજિયાત થયું છે ત્યારે વિદ્યાર્થીઓને સ્કૂલ સુધી ખેંચાવાનું ભારે પડે છે. શિક્ષકની પ્રત્યક્ષ નજરનો સામનો કરવાની ટેવ છૂટી ગઈ હતી, તે ટેવ ફરી પાડવાની અઘરી લાગે છે ને પ્રત્યક્ષ શિક્ષણ હજી માંડ શરૂ થયું છે ત્યાં તો બોર્ડની પરીક્ષાની તારીખો પણ જાહેર થઈ ગઈ છે. શિક્ષણ વિભાગને પરીક્ષાની છે એટલી ચિંતા લર્નિંગ લોસની નથી. એને તો પરીક્ષા થાય એટલે ગંગા નાહ્યા ! શિક્ષણ વિભાગ શિક્ષણ વગર પરીક્ષાઓ કેવી રીતે લેવી એમાં પાવરધો છે. મુખ્ય હેતુ તો વિદ્યાર્થીને ઉપર ચડાવવાનો છે ને તે કૃપા ગુણથી ચડી ય જાય છે. આમાં અંતરિયાળ વિસ્તારનું શિક્ષણ સરકારની જેમ જ રામ ભરોસે ચાલે છે. જો કે, હવે મોબાઈલ કે નેટની તકલીફ કદાચ ગામડાંના વિદ્યાર્થીઓને વેઠવાની નહીં આવે, પણ તેણે દૂરની સ્કૂલે ભણવા જવું પડે એમ બને. કારણ શિક્ષણ વિભાગે સ્કૂલોનાં વિલીનીકરણનો રાજ્ય વ્યાપી ઉપક્રમ શરૂ કર્યો છે.
આમ માતૃભાષા દિવસને નામે બધું ગુજરાતી કરવાનું નાટક દર વર્ષની જેમ આ વખતે પણ થયું, પણ ગુજરાતીની હાલત બદથી બદતર થતી જાય છે તે તરફ સરકારનું ધ્યાન જ નથી. તેનું કારણ છે કે ઉજવણું એક જ દિવસ ચાલે છે ને બાકીના દિવસોએ તો ઉઠમણું જ હોય છે. જો ધ્યાન અપાયું હોત તો છેલ્લાં પાંચ વર્ષમાં ધોરણ 10-12માં 7.80 લાખ વિદ્યાર્થીઓ ગુજરાતીમાં જ નાપાસ ન થયા હોત ! ગુજરાતી માધ્યમની જ વાત કરીએ તો એનાં પરિણામમાં 12.44 ટકાનો ઘટાડો થયો છે. છેલ્લાં ત્રણ વર્ષમાં ગુજરાતી માધ્યમની 50 સ્કૂલો માત્ર અમદાવાદમાં બંધ થઈ છે. આ બધાં પરથી પણ ગુજરાતીની હાલત સમજી શકાય એમ છે. ગ્રામીણ વિસ્તારોની વાત કરીએ તો 1,500 જેટલી ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થઈ છે. આમાંની મોટા ભાગની સ્કૂલો સરકારની ગ્રાન્ટ અને ટોકન ફી લઈને ચાલતી હતી. એક અંદાજ પ્રમાણે દર વર્ષે રાજ્યમાં 100 જેટલી સ્કૂલો બંધ થઈ રહી છે તે કદાચ ‘વિકાસ’નું જ પરિણામ છે.
હવે જરા પ્રાથમિક શિક્ષણની દશા જોઈએ. એમાં 14 હજાર શિક્ષકોની જગ્યા જ ભરાઈ નથી. 1થી 5માં 5,868 અને 6થી 8માં 8,173 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. એમાં પણ 1,862 જગ્યાઓ તો માત્ર 6થી 8 ધોરણના ભાષાના શિક્ષકોની છે. જે શિક્ષણનો પાયો ગણાય તે પ્રાથમિક શિક્ષણની દશા દયનીય છે. સરકાર બેન્કોની જેમ પ્રાથમિક શાળાઓમાં મર્જર લાવી ચૂકી છે. અત્યાર સુધીમાં ધોરણ 6થી 8ના 1,659 વર્ગો નજીકની સ્કૂલમાં મર્જ કરાયા છે, વાત વર્ગોના મર્જર પૂરતી જ સીમિત નથી, આખીને આખી 472 પ્રાથમિક સ્કૂલો નજીકની સ્કૂલોમાં મર્જ કરી દેવાઈ છે. આ કોઈ પણ રીતે ક્ષમ્ય નથી. સ્કૂલો બંધ કરવાનું કે મર્જ કરવાનું પ્રાથમિક સ્કૂલોમાં જ છે. એ ખાનગી સ્કૂલોમાં નથી. ખાનગી સ્કૂલો તો ખૂલતી જ જાય છે. છેલ્લાં ત્રણ વર્ષમાં 1,157 ખાનગી પ્રાથમિક સ્કૂલોને માન્યતા મળી છે. એનો અર્થ એ થાય કે પ્રાથમિક સ્કૂલોને ભોગે ખાનગી સ્કૂલો ચાલે છે. દાખલો તો એવો પણ ગણાય છે કે જે યુનિટ ખોટમાં ચાલે છે તેને સરકાર બંધ કરે છે અથવા તો મર્જ કરે છે. એ થિયરી જો સરકાર પ્રાથમિક શિક્ષણમાં લાગુ કરતી હોય તો તે ભીંત ભૂલે છે. જો સરકારની દાનત આવી જ હોય તો જતે દિવસે એક પણ પ્રાથમિક સ્કૂલ નહીં રહે એમ બને. એક બાજુ સરકાર એમ કહે છે કે ધંધો કરવાનું તેનું કામ નહીં, બીજી બાજુએ તે કરે તો ધંધો જ છે. ગંધ તો એવી આવે છે કે સરકાર જ શિક્ષણ માટે ખર્ચ કરવા નથી ઇચ્છતી. તેણે પ્રાથમિક શિક્ષણમાં કમાવાનું નથી તો તે સ્વાભાવિક રીતે જ ઈચ્છે કે પ્રાથમિક શિક્ષણની કોઈક રીતે લપ જાય.
સરકાર બહુ યુક્તિપૂર્વક કહે છે કે પ્રાથમિક સ્કૂલોમાં વિદ્યાર્થીઓ થતા નથી એટલે 30થી ઓછી સંખ્યા હોય ત્યાં તે બંધ કરવામાં આવે છે અથવા તો તેને નજીકની સ્કૂલમાં મર્જ કરી દેવામાં આવે છે. 5,610 પ્રાથમિક સ્કૂલોમાં 100થી ઓછાં બાળકો છે. સરકારે જિલ્લા શિક્ષણાધિકારીઓને પરિપત્ર કરીને પુછાવ્યું છે કે આ સ્કૂલોની આસપાસ એક કિલોમીટર વિસ્તારમાં બીજી સ્કૂલ હોય તો તેમાં જે તે શાળા મર્જ થઈ શકે એમ છે કે કેમ? સરકારે શિક્ષણાધિકારીઓને એમ પણ પૂછ્યું છે કે જો શાળાઓ મર્જ થઈ શકે એમ નથી તો તેનાં કારણો કયાં છે? એ બધું સરકારી રાહે ચાલશે અને નજીકના ભવિષ્યમાં વિદ્યાર્થીઓ ન મળવાને કારણે હજારો સ્કૂલો બંધ થાય એમ બને. મોટી કંપનીઓ પણ કોઈ યુનિટ નબળું ચાલે કે નફો ન કરે તો તેને સુધારવાની કોશિશ કરે છે, પણ તેને બીજી કંપનીને માથે નથી મારતી, જેમ બેન્કોની બાબતમાં થયું છે, નબળી બેંકને બીજી બેન્કોને માથે મારી જ છે કે બંધ કરી છે. આ જ ધંધો સરકાર પ્રાથમિક શિક્ષણમાં કરી રહી છે. આ બરાબર નથી. જો સરકાર ઇચ્છતી હોય કે ગામડાંનું બાળક પણ ભણે, તો તેણે સ્કૂલોને બંધ કરવાનું કે મર્જ કરવાનું પડતું મૂકવું જોઈએ. ગામડાંમાં એક જ સ્કૂલ હોય ને તે બીજામાં મર્જ થાય તો જે તે ગામડાંમાંથી તો સ્કૂલ જશે જ, પણ બાળક દૂર જવા તૈયાર નહીં થાય તો તે ભણતું પણ અટકશે. આ ખોટ ખાવા જેવી ખરી કે ખોટ જતી હોય તો પણ જે તે વિસ્તારમાં સ્કૂલો ચાલુ રાખવી તે સરકારે વિચારવાનું રહે. સરકારની દાનત સાફ નથી લાગતી. જો સ્કૂલો મર્જ થાય તો શિક્ષકો પણ મર્જ થાય. એટલે જે શિક્ષકોની ઘટ પડે છે તે સંખ્યા ઘટે. તેમનો પગાર બચે ને જગ્યા નથી ભરાતી-નો જે હોબાળો થાય છે તે પણ અટકે. બને કે આવી કોઈ ગણતરી સ્કૂલો બંધ કરવા પાછળ રહી હોય, પણ એમ થશે તો શિક્ષિતોની બેકારી વધશે એ ધ્યાને લેવાનું રહે.
વિદ્યાર્થીઓ નથી મળતા એ બહાનું છે. કોલેજોમાં, ખાનગી સ્કૂલોમાં વિદ્યાર્થીઓને એડમિશન નથી મળતું, ખાનગી પ્રાથમિક સ્કૂલોમાં પણ મોટી ફી ભરીને વિદ્યાર્થીઓ ભણે જ છે, ત્યાં વિદ્યાર્થીઓની તંગી નથી, તો સરકારી સ્કૂલોમાં મફત ભણવાનું છે ત્યાં વિદ્યાર્થીઓની તંગી કેવી રીતે હોય? સરકારી સ્કૂલો માટે બાળકોએ જન્મવાનું છોડી દીધું છે કે શું? આખા રાજ્યની વસ્તી વધે છે ને બધે જ એડમિશનના પ્રશ્નો છે તો સરકારી સ્કૂલોને જ વિદ્યાર્થીઓ ન મળે એ વાત સમજાતી નથી. સરકારી સ્કૂલોને અસરકારક શિક્ષણ માટે સજ્જ કરવામાં આવે તો રાજ્યમાં એટલા ગરીબો તો છે જ જે પ્રાથમિક સ્કૂલોમાં પોતાનાં સંતાનોને ભણાવવા તત્પર હોય. કોરોના કાળમાં એવું બન્યું છે કે સ્કૂલો બંધ હતી, છતાં ખાનગી સ્કૂલોએ ફીની ઉઘરાણી ચાલુ રાખી ને જેમની આવક જ ન હતી એવા વાલીઓએ તેમનાં સંતાનોને એ સ્કૂલમાંથી ઉઠાડી લઈ સરકારી સ્કૂલોમાં દાખલ કરાવ્યાં. એટલે બધાં જ ખાનગી સ્કૂલોમાં સંતાનોને મોટી ફી ભરીને ભણાવવા માંગે છે એવું નથી. સરકારે એટલું સમજી લેવાનું રહે કે કોઈ પણ કાળમાં પ્રાથમિક સ્કૂલો ચાલુ રહે એટલા ગરીબો તો રાજ્યમાં રહેવાના જ છે. એટલે વિદ્યાર્થીઓ નથી મળતા એ વાત હમણાં જ નહીં, કોઈ પણ કાળમાં સાચી નથી લાગવાની તે સરકારે સમજી જવાનું રહે. મૂળભૂત સવાલ જ દાનતનો છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 25 ફેબ્રુઆરી 2022