હિન્દી ફિલ્મોની એક સદાબહાર ગાયક કલાકાર તરીકે, લતા મંગેશકર વિશે બધાને ઘણું બધું ખબર છે. નહીં હોય તો ખબર પડી જશે, એટલું લખાયું છે અને લખાતું પણ રહેશે, પરંતુ સંગીતના જાણકારોને એક વાતનું વિસ્મય કાયમ રહેશે કે એક એકથી ચડિયાતી અનેક ગાયિકાઓ વચ્ચે, લતા દીદીના અવાજની એવી કઈ વિશેષતા હતી, જે તેમને સર્વેથી અલગ કરી ગઈ એટલું જ નહીં, ગાયિકીની દૃષ્ટિએ તેમને લાંબી ઉંમર આપી ગઈ? આ લેખ, લતા દીદીના અવાજની જવાનીનું રહસ્ય જાણવા માટે છે.
લતા મંગેશકરના અવાજની આવરદા બેમિસાલ છે. હિન્દી સિનેમાનું સુગમ સંગીત હોય કે પછી ભારતની શાસ્ત્રીય સંગીતની પરંપરા, કોઇ પણ ગાયિકાનો અવાજ આટલાં વર્ષો સુધી 'જવાન' રહ્યો નથી. નિયમિત રિયાઝથી ગળું ચોક્કસ એક સૂરમાં રહે, પરંતુ શરીરની બાયોલોજી બદલાય તેમ તેમ શરીરના અંગ-ઉપાંગોની કરામત પણ બદલાય. લતા દીદીના કિસ્સામાં તેમની વોકલ સિસ્ટમ ઘણાં વર્ષો સુધી એ જ ‘સૂર’માં રહી. લતાની બહેન આશા ભોંસલેનો અવાજ પણ હાઈ પિચ છે, એટલે એવું કહી શકાય કે મંગેશકર ખાનદાનની એ બાયોલોજીકલ ગીફ્ટ હતી કે સર્વે બહેનો અસાધારણ ઊંચા સ્વરમાં ગાઈ શકતી હતી.
લતા મંગેશકરના અવાજની વાત નીકળે ત્યારે, જ્ઞાની લોકો એક શબ્દ 'સોપ્રાનો'(એસ.ઓ.પી.આર.એન.ઓ.)નો ઉલ્લેખ કરે છે. સોપ્રાનો એટલે તાર સપ્તક અવાજ. સોપ્રાનો શબ્દ ઇટાલિયન 'સોપ્રા' (ઉપર, ઊંચું) પરથી આવે છે. ઇટાલિયન ઓપેરા સંગીતમાં ઊંચા અવાજે ગાતી સ્ત્રી ગાયિકાને 'સોપ્રાનો' કહેવાય છે. લતાને ભારતની સોપ્રાનો કહેવામાં આવે છે.
ભારતીય સંગીતશાસ્ત્રમાં સાત સૂરોના સમૂહને સપ્તક કહે છે; સા, રે, ગા, મા, પ, ધ અને ની. તેમાં પ્રત્યેક સ્વરની અંદોલન સંખ્યા તેના પાછળના સ્વરથી વધુ હોય છે. બીજી રીતે કહીએ તો, તમે જેમ જેમ 'સા'થી આગળ જાવ, તેમ તેમ સ્વરોના આંદોલનની સંખ્યા વધતી જાય. શાસ્ત્રીય સંગીતકારોએ આ સ્વરોને ત્રણ સપ્તકમાં વહેંચ્યાં છે; મન્દ્ર સપ્તક, મધ્યમ સપ્તક અને તાર સપ્તક.
પાર્શ્વગાયનમાં નીચેના સૂરમાં ગાવાનું અનિવાર્ય હોય છે, પણ તેમાં તમે ઉપરનાં સ્તર સર કરતા જાવ, તેમ તેમ ગાયનની ગુણવત્તામાં ઉમેરો થતો જાય. લતા મંગેશકરનો અવાજ આ ત્રણ સપ્તકની પણ ઉપર જઈ શકતો હતો.
પ્રસિદ્ધ ગાયિકા શોભા મુદગુલ કહે છે કે અવાજને ઊંચોને ઊંચો ફેંકતા (પિચિંગ) રહેવાની લતા મંગેશકરની ક્ષમતા અદ્વિતીય છે. ઉદાહરણથી સમજવું હોય તો એમ કહેવાય કે લતા નાળિયેરી જેવા સૂરોના ઊંચા-સીધા સપાટ ઝાડ પર ચઢી જઈને ત્યાં આરામથી બેસી શકતાં હતાં. બીજો ગાયક ત્યાંથી લપસી પડે. સૂર ગમે તેટલો અઘરો હોય, લતા તેને એ ઊંચાઈ પર પણ એટલી સરસ રીતે પકડી રાખે છે કે શ્રોતા તેમાં મંત્રમુગ્ધ થયા વગર ન રહે, અને અવાજની એ ગુણવત્તા કારકિર્દીના પહેલા ગીતથી લઈને છેલ્લા ગીત સુધી અખંડ રહી હતી તે લતાની લોકપ્રિયતાનું રહસ્ય છે.
મંગેશકર બહેનોના આગમન પહેલાં, હિન્દી ફિલ્મોમાં સુરૈયા અને શમશાદ બેગમ જેવી નાકમાંથી ગાતી અને લો પિચ અવાજવાળી ગાયિકાઓનો જમાનો હતો. કદાચ પરંપરાગત, રૂઢિચુસ્ત અને પુરુષોના આધિપત્ય હેઠળ રહેતી તે વખતની હિરોઈનોનાં સ્ત્રી પાત્રો માટે દબાયેલો, ભારેખમ અવાજ યોગ્ય હશે, પણ હિન્દી સિનેમામાં હિરોઈનો ઉન્મુક્ત થઇ, પુરુષ સમાન થઇ અને પોતાના આગવા વ્યક્તિત્વને નિખારતી થઇ તેમાં લતા મંગેશકરનો (અને પછી આશાનો) તીણો, ઊંચો અને નાજુક અવાજ આધુનિક સ્ત્રી પાત્રોનું પ્રતીક બની ગયો.
આ જ સંદર્ભમાં કહેવાય છે કે આશાએ લતાથી અલગ પાડવા માટે એ જ સમયની ‘સેક્સી’ અથવા વેસ્ટર્ન હિરોઈનોનો અવાજ બનવાનું નક્કી કર્યું. જેમ કે, કેબ્રે ડાન્સ નંબર માટે લતાનો અવાજ ‘યોગ્ય’ નહોતો ગણાતો, પણ ઓ.પી. નૈયર અને પાછળથી આર.ડી. બર્મને આશાને સેક્સી ગીતો ગાતી કરી દીધી. આશાજી એમાં એટલાં સફળ રહ્યાં હતાં કે લતાજી પર એવો આરોપ પણ છે કે ‘હું પણ આશાની જેમ ગાઈ શકું છું’ એવી જિદ્દમાં તેમણે ‘મૈ ક્યા કરું રામ મુજે બુઢ્ઢા મિલ ગયા’ કે ‘કૈસે રહું ચૂપ કે મૈને પી હી કયા હૈ’ જેવા ફાસ્ટ નંબર પણ કર્યા હતા.
લતા મંગેશકર સાથે સંગીતકારો અવાજની રેંજમાં નવા નવા પ્રયોગ કરતા થયા, કારણ કે ઉપર કહ્યું તેમ, તે નાળિયેરી જેવા ઊંચા સૂર પર પણ આસાનીથી સડસડાટ ચઢી જતાં હતાં એ જ વખતે એવી હિરોઈનો પણ આવવા લાગી (મીના કુમારી, મધુબાલા, નરગિસ, વહીદા રહેમાન, નૂતન, સાયરા બાનુ, ગીતા બાલી, રેખા, શર્મિલા ટાગોર જયા ભાદુરી, હેમા માલિની, વગેરે), જે હીરોની સમોવડી હતી, જે પોતાના સ્વતંત્ર અસ્તિત્વને ડંકાની ચોટ પર જાહેર કરતી હતી. લતાનો અવાજ આ હિરોઈનોની આઝાદીનો અવાજ હતો.
૨૦૧૬માં, એક ઇન્ટરવ્યૂમાં લતાને આ સવાલ પૂછવામાં આવ્યો હતો કે તમારા અવાજમાં રેંજ હતી એટલે સંગીતકારોએ બિનજરૂરી રીતે તમારી પાસે ઊંચા અવાજમાં ગવડાવતા હતા, ત્યારે તેમણે કહ્યું હતું, “એ વાત સાચી છે. બે ઉદાહરણ આપું. ‘જંગલી’માં અહેસાન તેરા હોગા મુજ પર અને ‘લવ ઇન ટોકિયો’માં ઓ મેરે શાહ-એ-ખૂબા બંનેને શંકર-જયકિશને સ્વરબદ્ધ કર્યાં હતાં. બંને ગીતો પહેલાં મોહમ્મદ રફી સાબે ગાયાં હતાં. એ પછી એવું નક્કી થયું કે એ જ ગીતો મારે પણ ગાવાં જોઈએ. ‘જંગલી’માં સાયરા બાનુ અને ‘લવ ઇન ટોકિયો’માં શર્મિલા ટાગોર પર ગીતો શૂટ કરીને તેમણે મને કહ્યું કે હવે આવી રીતે ગાવ. તેમણે રફી સા’બના અવાજમાં હિરોઈનો પર ગીત શૂટ કર્યું હતું!”
લતાના અવાજની બીજી એક વિશેષતા એ છે કે તે ‘છોકરિયાળ’ છે. અંગ્રેજીમાં તેને ગર્લિશ કહે છે. સામાન્ય રીતે છોકરી પુખ્તવયની થાય ત્યારે તેનો અવાજ થોડો ફાટે અને તેમાં હોર્મોનની ‘કર્કશતા’ આવે. લતા દીદીના અવાજમાં શરૂઆતથી ગર્લિશ હતો. ફિલ્મો ગીતો માટે તો એ અવાજ બાલિશ કહેવાય. ઇન ફેક્ટ, તેમણે જ્યારે પાર્શ્વગાયન માટે ૧૯૪૭માં ફિલ્મીસ્તાન સ્ટુડીઓનો સંપર્ક કર્યો હતો ત્યારે તે લોકોએ એવું કહીને લતાને ના પાડી દીધી હતી કે તારો અવાજ બહુ પાતળો છે.”
એ અવાજ એટલા માટે આજીવન ‘જવાન’ રહ્યો. અલગ-અલગ સમયની અલગ-અલગ હિરોઈનો આગ્રહ રહેતો હતો કે તેમનું ગીત લતા દીદી ગાય કારણ કે એક તો એ અવાજમાં ઉંમર વર્તાતી નહોતી, અને બીજું, પ્રેમ હોય, પીડા હોય કે ખુશી હોય, લતા એ તમામ લાગણીઓને એક સરખી તાકાતથી અભિવ્યક્ત કરી શકતાં હતાં. હિરોઈનો જ નહીં, ભારતના કરોડો શ્રોતાઓને પણ એ અવાજમાં પોતાના ભાવ વ્યક્ત થતા જણાતા હતા.
પંડિત જશરાજે એક કિસ્સો જાવેદ અખ્તરને વર્ણવ્યો હતો. ૧૯૫૦માં પંડિતજી શાસ્ત્રીય ગાયક ઉસ્તાદ બડે ગુલામ અલી ખાનને મળવા અમૃતસર ગયા હતા. બંને ગપસપ મારતા હતા] અને અચાનક ખાન સા’બે પંડિતજીને ચૂપ રહેવા કહ્યું. તેમના કાનમાં ‘અનારકલી’નું લતાનું ગીત ‘યે જિંદગી ઉસી કી હૈ’ પડ્યું. ખાન સા’બ મંત્રમુગ્ધ થઇ ગયા. છેલ્લે બોલ્યા, “કમબખ્ત, કભી બેસૂરા હોતી હી નહીં.”
લતા મંગેશકર દેશનો સૂર હતી.
પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 13 ફેબ્રુઆરી 2022