ના, ના ! ઉં એમ પૂછું કે
કોઈ બારણે આવે તેને હુરતીઓ આમ તગેડી મેલે
કે હેવ ખમણ મંગાવે
કે લાપસી ભજિયાં જમાડે?
જમાડવાનું તો મંઈ પેંહી ગિયું,
આ તો હાળા ઘરમાંથી હો બા'ર કા'ડે છે
તે ઉં હું કૂતરો છું કે આમ હડે હડે કરો છો?
એ ની ભૂલો કે ઉં ઘરમાં આઇવો તો તમે ઘર ભેગા થિયા
બાકી નોકરીની લા'યમાં હગ્ગી બૈરીનું ડાચું હો ભૂલવા લાગેલા તે ભૂલી ગિયા?
એ ખરું કે કોઈને કોરા ની રાયખા એટલે બધા કોરોના કે'ય છે
એ તો અમણાં ઢીલો પઇડો
બાકી મારો કૈં ઓછો તાપ ઉ'તો?
જેવો હે'રમાં આઇવો કે બદ્ધા રોગ ઊભી પૂંછડીએ નાઠા
કેન્સર હો કાં' ભરાઈ ગિયો તે એ જ જાણે!
દવાદારૂ એવા બંધ થઈ ગિયા કે કોઈ ડાક્ટર નાડી જોવા હો રાજી ની!
ની નાડી જુએ કે ની નાડું જુએ
હાળો આડું જુએ
રખેને ઉં આંખથી જ વળગી પડવાનો ઓઉં તેમ દૂરથી જ વાત કરે
દૂર ર'ઇને હો ડાકટરે પૈહા તો પાંહે લીધા જ !
આમ કે'વાય ડોકટર પણ
કામ તો ડોક કટરનું જ કઇરું છે જો !
ઈલાજ કોઈ પાંહે ની ઉ'તો તો હો લાખોના બિલ ફાઈડા
હેના? તો કે ઇમ્યુનિટી વધારવાના!
એમાં ઇમ્યુનિટી ડાક્ટરની વઇધી
ને કોમ્યુનિટી લોકોની ઘઇટી
કેન્સર કે હાર્ટએટેક કરતા હો મારું બિલ ભારે
ઘણાં તો બિલ ચૂકવવું પડહે એ બીકે મરી ગિયા
જોકે કેટલાક ડાક્ટર હાચેમાચના ડાક્ટર ઉ'તા
ભગવાનના માણહ !
રાતદા'ડો સેવા કઇરી
ને સેવા કરવામાં જ ભગવાનને વા'લા થઈ ગિયા
તો કેટલાકે ભગવાનને તાં' હો મોકલી આઇપા દર્દીને
અઈલા, હાચું ક'ઉંને તો ઉં કૈં ઉ'તો જ ની !
મારે નામે ચરી ખાધું બધાએ
એ તો હું છે કે થોડો માલ વધી પડેલો તે ખપાવવો ઉ'તો એટલે માસ્ક ને પીપીઈ કિટને વેન્ટિલેટર ને એવું બધું વેચાઇવું
વેપારીઓને હો બેઠા તો કરવાના જ ઉ'તા
ની તો એ હૂઈ જાય એમ ઉ'તું
ઉં એકલો તે કેટલાકના ઉઠમણા કરું?
ને તમે હુરતીઓ તો ઘારી ભૂસા વગર મહાણમાં હો ની બેહો
ને જમવાનું ની ઓય તો તમે તમારા લગનમાં હો ની જાવ તેવી જાત !
એટલે જ કરફ્યુ પાછો લેવડાઈવો ને લગન ચાલુ કરાઈવા
મંત્રીને હો લેવડાઈટો કે કાં' હુધી તમે હાળા સભા ભઈરા કરહો ને લોકોને ઘરમાં ગોંધી રાખહો?
લોકો હો હાળા એવા અધ્ધર ભેજાનાં તે
માસ્ક બદલે
પણ સ્વાસ ની બદલે
સ્વાસ લે'ય ને બા'ર કાડે પછી એ જ અ'વા પાછી ખેંચે
કારણ નાકે તો માસ્ક મારેલું
અ'વા બા'ર જાય તો
તાજી અ'વા અંદર લે'યને!
એ જ વાહી અ'વાથી ખેંઈંચા કીધું
એમાં ને એમાં અડધું લોક
ખેંચાઈ ગિયું
મંત્રીને કીધું હો કે અ'વે બધું છૂટું કરો
તો એ કે'ય કે ગાંધીના ગુજરાતમાં બધું છૂટું ની થાય
મેં કીધું ઉં ઢીંચવાનું નથી પૂછતો
સ્કૂલનું પૂછું છું
આ પોઇરા હાળા મોબાઇલની મેથી મારી મારીને ઘરમાં જ ઘરડાં થઈ રે'વાનાં
તે ભણાવવાના કે'ની?
એ હાચું કે સ્કૂલમાં હો એ હાળા નથી જ ભણવાના
પણ ઘરમાં ભણે એના કરતાં સ્કૂલમાં ની ભણે તે હારું
આ તમે સ્કૂલમાં ભણીને અભણ રિ'યા તો હો
મંત્રી થિયા જ કે'ની!
તેમ એ હો દાટ વાળહે એટલું જ ને!
વાળવા દેવ!
ને અ'વે તીજી લે'ર ને ચોથી લે'રનાં નાટક બંધ કરો !
ઉં કોરોના છું
કૈં ગંગાની લે'ર નથી કે બધા ડૂબકી મારે
ખરા છે હાળા!
મારે નામે લે'ર લાઈવા ને લીલાલે'ર પોતે કીધી
ને અ'વે હાચું કીધું તો મને જ બા'ર કાડવાનો?
ઠીક છે, જાઉં છું !
પણ મંત્રી મંતરે એટલે બધું હાચું ની માની લેવાનું, હું કીધું?
આવજો !
000
e.mail : ravindra21111946@gmail.com