મુંબઈની વિક્ટોરિયા : યૂં તો હમને લાખ હસીને દેખે, તુમસા નહિ દેખા
યૂં તો હમને લાખ હસીને દેખે, તુમસા નહિ દેખા
ઐ દિલ, હૈ મુશ્કિલ, જીના યહાં
યે ક્યા કર ડાલા તુને
મૈ રંગીલા પ્યાર કા રાહી
હૌલે હૌલે સજના, ધીરે ધીરે બલમા
માંગ કે સાથ તુમ્હારા, મૈને માંગ લિયા સંસાર
બંદા પરવર, થામ લો જીગર
પિયા પિયા પિયા, મેરા જિયા પુકારે
સવાલ : જુદી જુદી ફિલ્મોનાં, જુદાં જુદાં ગાયક-ગાયિકાએ ગાયેલાં આ ગીતો વચ્ચે સમાનતા શી છે?
જવાબ : આ દરેક ગીતના મોટા ભાગ દરમ્યાન નાયક નાયિકા મુંબઈની વિક્ટોરિયામાં મહાલતાં હોય છે.
ભૂતકાળ બની ગયેલી વિક્ટોરિયા
એક વખત એવો હતો જ્યારે મુંબઈમાં નહોતી ટ્રામ, બસ, કે ટેક્સી. ત્યારે બે જ સાધન હતાં – પાલખી અને ઘોડા ગાડી. તવારીખમાં, સાલવારીમાં, વિગતોની જાળવણીમાં આપણને રસ ઓછો. એટલે મુંબઈમાં વિક્ટોરિયા ક્યારે દાખલ થઈ, કોણે કરી, એ ખાતરીપૂર્વક કહી શકાય નહિ. પણ ૧૯મી સદીમાં આપણે ઘણી બધી વસ્તુઓ, વ્યવસ્થા, ગ્રેટ બ્રિટન પાસેથી અપનાવી. આ વાહનનાં નામ અને ડિઝાઈન જોતાં કહી શકાય કે ગ્રેટ બ્રિટન પાસેથી આપણે વિક્ટોરિયા લઈ આવ્યા. એક જમાનામાં ચર્ની રોડ, ગ્રાન્ટ રોડ, બોમ્બે સેન્ટ્રલ જેવાં સ્ટેશનોની બહાર હારબંધ વિક્ટોરિયા ઊભી રહેતી. મોટા ભાગના ગાડીવાળા મુસ્લિમ બિરાદરો. માથે કાળા ફૂમતાવાળી લાલ ટોપી. એક હાથમાં લગામ, બીજા હાથમાં ચાબૂક. ગાડીની બે બાજુ કાચની ચોરસ ચીમનીમાં રાતે ઘાસલેટના દીવા કરવાના. ફોલ્ડિંગ હૂડ. ચોમાસામાં કે તડકામાં પેસેન્જરને થોડી રાહત આપે. પણ ગાડીવાને તો ટાઢ, તડકો, વરસાદ, બધું વેઠવું પડે. હા, વરસાદમાં સીધા હેન્ડલવાળી છત્રી પાઈપના ટુકડામાં ખોસી રાખી હોય તે વરસાદથી ચાલકને થોડો બચાવે.
બોમ્બે સેન્ટ્રલ સ્ટેશન ૧૯૩૭માં આવું દેખાતું હતું
આ લખનારને બાળપણની વિક્ટોરિયાની મુસાફરીઓ હજી યાદ છે. ખાસ તો બહારગામ જવાનું હોય ત્યારે બોમ્બે સેન્ટ્રલ જવા માટે વિક્ટોરિયા જ ભાડે કરાય. ટ્રેન ઉપડવાના ટાઈમ કરતાં બે-અઢી કલાક વહેલા નીકળી જવાનું ઘરેથી. બહારગામ જતી ટ્રેનમાં એ વખતે ચાર ક્લાસ : ફર્સ્ટ, સેકન્ડ, ઇન્ટર, અને થર્ડ. થર્ડ ક્લાસમાં એડવાન્સ બુકિંગ કે રિઝર્વેશનની સગવડ નહિ. સ્ટેશને પહોંચીને ટિકિટ લેવાની. એટલે ઘરેથી વહેલા નીકળી જવાનું. પહેલું કામ વિક્ટોરિયાના ચાલક સાથે ભાવ-તાલ. ત્યાર બાદ એક પછી એક ‘દાગીના’ વિક્ટોરિયામાં ગોઠવાતા જાય. પહેલાં આવે પતરાની ટ્રન્કો. નકૂચા પર પિત્તળનું તાળું. દરેક ટ્રંકના ઢાકણા પર કાકાનું (પિતાને અમે ‘કાકા’ કહેતા) નામ લાલ અક્ષરે લખેલું હોય. પછી આવે બિસ્તરો – ઠાંસી ઠાંસીને ભરેલો, ચામડાના જાડા પટ્ટાથી બાંધેલો. બે પટ્ટા વચ્ચેનો ભાગ કોઈ માલેતુજાર શેઠિયાની ફાંદની જેમ ફૂલેલો હોય. પિત્તળનો પાણીનો કુંજો. જર્મન સિલ્વરની પાનની પેટીને તો ‘કાકા’ ક્ષણભર પણ અળગી ન કરે. પછી આવે ભાતાની મોટી પેટી – ગૂંથેલા નેતરની. એમાં અંદર નાનાંમોટાં, આડાંઊભાં ખાનાં. આગલી રાતે મોડે સુધી જાગીને માએ બનાવેલી જાતજાતની વાનગીઓ છાપાના કાગળમાં બાંધીને ખાનાંઓમાં વ્યવસ્થિત ગોઠવાઈ હોય. ડબ્બાને બદલે કાગળ, જેથી એક તો વજન ઓછું થાય, અને બીજું, ખાલી વાસણ ધોવાની માથાકૂટ નહિ. મેથીનાં ઢેબરાં, જેને અમારા સુરતી-અમદાવાદી પડોશીઓ ‘થેપલાં’ કહેતાં. ટ્રેનમાં ઠંડાં ઢેબરાં ખાતી વખતે પેલું લોકગીત યાદ આવે :
મારે ઘેર આવજે માવા, ઊનાં ઊનાં ઢેબરાં ખાવા.
બટેટાંના તળેલા કટકા. ઉપરથી મીઠું-મરચું ખાતી વખતે ભભરાવી લેવાનું. ‘કપુરિયાં બટેટાં’ (આજની સૂકી ભાજીની ગોરી બહેન) બાફેલાં, એટલે જલદી બગડી જાય. એટલે એને બદલે તળેલાં બટેટાં. (બટાકા શબ્દ અમારા ઘરમાં ક્યારે ય વપરાતો નહિ.) બટેટાં વગર નાગરના ઘરમાં પાટલો પડે નહિ. એક નવી વહુ રસોઈ કરીને સાસુ પાસે આવી. ‘બેટા, આજે શેનું શાક કર્યું છે?’ ‘મા, બટેટાનું.’ ‘સારું, સારું, પણ એમાં બટેટાં ઉમેર્યાં કે નહિ? આપણા ઘરમાં દરેક શાકમાં બટેટાં તો જોઈએ જ.’ પછી હોય પૌઆનો ચેવડો. અમારું કુટુંબ ગિરગાંવકર, એટલે ચેવડો અસ્સલ મરાઠી ઇસ્ટાઈલનો. ગોળપાપડી, તીખા ગાંઠિયા, નાનખટાઈ, વગેરે. કાચની બાટલીઓમાં માએ બનાવેલાં મેથિયાં કેરી, ગળ્યો અને તીખો છૂંદો, કટકી કેરી, વગેરે અથાણાં. એક ખાનામાં પ્લેટ, ગ્લાસ, ચમચી વગેરે. બધાં તાંબા-પિત્તળનાં. સૌથી ઉપર બે-ત્રણ જૂનાં છાપાં.
મુસાફર અને મજૂર
બોમ્બે સેન્ટ્રલ પહોંચીને લાલ ખમીસ પહેરેલા મજૂર સાથે વાટાઘાટ શરૂ થાય. સામાન તો ડબ્બામાં ચડાવવાનો જ, પણ ચાર ‘બર્થ’ પણ અપાવવાની. આઠ-દસ રૂપિયાનો મામલો. ચાલતી ટ્રેને મજૂર કે તેનો સાથીદાર ટ્રેનમાં ચડી જાય અને ફાળિયું કે ચાદર પાથરીને ‘બર્થ’ અમારે માટે રોકી લે. એ વખતના થર્ડ ક્લાસના ડબ્બામાં બેસવા માટે લાકડાના બાંકડા. ઉપ્પર સૂવા માટે પાટિયું. પંખાની જરૂર ન રેલવે કંપનીને લાગતી, ન મુસાફરોને. બારીને સળિયા હોય, કે નયે હોય. ‘મારી માતાએ બેઉ જનમ્યા તેમાં હું નટવર નાનડો’ એટલે બારી પાસે બેસવાનો જન્મસિદ્ધ અધિકાર. પણ બેઠા પછી ઘણી વાર ઉમાશંકર જોશીની પેલી પંક્તિઓ જેવી દશા થાય :
સમાન પલ્લાં વિધિની તુલાનાં,
જયાજયો તે મનનાં જ બહાનાં.
એ જમાનો સ્ટીમ એન્જિનનો. ધૂમાડા ભેગી કોલસાની કરચો પણ ઊડતી હોય. એમાંની એકાદ આંખમાં આવીને બેસી જાય. આંખ રાતી ચોળ. થોડી વારે માંડ નીકળે. પણ તો ય બારી પકરી તે પકરી. છોડવાની નહિ.
આંખ ઠેકાણે આવે એટલે નજર સામે મકાનો, માણસો, ખટારા, ખખડધજ બસો, ઝાડ, નદી-નાળાં, ટેકરીઓ, બધું ઝડપભેર પસાર થતું રહે. દાદર, વાંદરા, બોરીવલી જેવાં સ્ટેશને બહારગામની ટ્રેનો ઊભી ન રહે. સીધું આવે પાલઘર. ત્યાં ચા પીવાની જ. ચા વેચવાવાળા બે જાતના : ‘ચાય, બામણિયા ચાય’ એવી બૂમો પાડનારા, અને બીજા ‘ચાય ગરમ, ચાય’ એમ બોલનારા. પહેલાના ઘરાકો ઉજળિયાત બામણ-વાણિયા. જ્યારે ચોથા વર્ણના અને પારસી, ખ્રિસ્તી, મુસ્લિમ વગેરે છડિયાં ‘ચાય, ગરમ ચાય’ના ઘરાકો. કાચનાં કપ-રકાબી. ઠીક ઠીક મોટાં. આજના કાગળના કપ જોઇને તો એમ લાગે કે હવે થોડા વરસમાં ગણીને રોકડાં દસ ટીપાં ચા ડ્રોપરથી સીધી મોઢામાં રેડશે. અમારા જેવા ઘણા મુસાફર પોતાનાં કપ-રકાબીમાં ચા લેવાનું પસંદ કરે. પિત્તળની કિટલીમાંથી ઉપરથી ધાર કરીને ચા કપમાં રેડાય, મિઠ્ઠી, કડક. ઉપર ફીણનું પડ બાઝી જાય.
જી.આઈ.પી. (આજની સેન્ટ્રલ) રેલવેમાં બહારગામ જઈએ તો વારે વારે નાનાં-મોટાં બોગદાં આવે. ‘રસિક’ મુસાફરો તો એ વખતે પણ હતા જ. આપણા કવિ નર્મદે લખ્યું છે :
ગાડી જ્યારે જાય ટનલમાં ચિંઇઈ કરીને,
તારે સહુ જન થાય અજબ બહુ,
એવી વેળા થોડી વારના અંધારામાં
નિજ પ્રિયજનને છાતીસરસું ખૂબ ચાંપવું,
એ સુખડું તો સ્વર્ગનું સાચે.
બી.બી.સી.આઈ. (આજની વેસ્ટર્ન) રેલવેમાં વચમાં વચમાં નદી પર બાંધેલા પૂલ પરથી ગાડી પસાર થાય. તાપી કે નર્મદા જેવી પહોળા પટની નદી પરથી ટ્રેન ધીમે ધીમે પસાર થાય ત્યારે ‘ભમભમ, ભભમભમ, એવો અવાજ આવે. આજની જેમ બે-ત્રણ મિનિટ નહિ, દરેક સ્ટેશને ટ્રેન ખાસ્સું રોકાય. નવાં પાણી-કોલસો ભરાય. ડ્રાઈવર બદલાય. એ વખતે બી.બી.સી.આઈ. રેલવેના બધા મોટા સાહેબો અંગ્રેજ કે એન્ગલો ઇન્ડિયન્સ. બાકીના સ્ટાફમાં પારસીઓ અને ભાઠેલાઓની બહુમતી.
રેલવે કંપની ટ્રેન ચલાવે છે તે આપણને રોજગારની તક આપવા માટે, એમ માનનારા ફેરિયાઓ બેધડક ડબ્બામાં આવે. દહાણુ સ્ટેશને ચણાની તળેલી દાળ વેચનારા. ગોલવડમાં ચીકુ અને સફેદ જાંબુ વેચનારી બાઈઓ. સંજાણ કે ઉદવાડા સ્ટેશને કસ્તી કે સુખડ વેચતો પારસી ફેરિયો પણ ક્યારેક દેખાઈ જાય. સુરત તો ફરસાણ અને મીઠાઈનું પાટનગર. માત્ર ફેરિયા જ નહિ, લારીઓ પણ પ્લેટફોર્મ પર દેખાય. અહીં ટ્રેન લાંબો વખત ઊભી રહે એટલે ઘણા મુસાફર ઊતરીને જોઈતી ખરીદી કરી લે. ભરૂચની ખારી સિંગ અને વડોદરાનો લીલો-સૂકો ચેવડો અને નડિયાદનું ભૂંસું તો લેવાનાં જ. ગળે હાર્મોનિયમ બાંધીને ગીતો ગાઈને પાઈ-પૈસો ઉઘરાવાનારાઓ, રોજિંદી જરૂરિયાતની વસ્તુ વેચનારા, નાનાં-મોટાં રમકડાં વેચનારા, ગળેથી લટકતા વાંસના ટોપલાવાળા પાન-પટ્ટીવાળા વગેરે ફેરિયાઓની આવન-જાવન ચાલતી ટ્રેને પણ થતી રહે.
BBCI રેલવે કંપનીની ટ્રેન
ટ્રેન અડધો પોણો કલાક અમદાવાદ સ્ટેશને રોકાય, અને પછી ઊપડે વિરમગામ તરફ. ત્યાંથી શરૂ થાય પીળી ભોમકા, એટલે કે દેશી રજવાડાંનો પ્રદેશ. વિરમગામ સુધી બ્રોડ ગેજ, પછી મિટર ગેજ ટ્રેક. એન્જિન, પાટા, ડબ્બા, બધું નાનું થઈ જાય. વિરમગામ સ્ટેશનના પ્લેટફોર્મની એક બાજુ બી.બી.સી.આઈ.ની બ્રોડ ગેજની મુંબઈથી આવેલી ટ્રેન ઊભી રહે. બીજી બાજુ મિટર ગેજની રજવાડી ટ્રેન ઊભી હોય. પણ એકમાંથી ઊતરીને બીજી ટ્રેનમાં સીધા બેસી ન જવાય. આખા પ્લેટફોર્મ પર વચ્ચોવચ જાળીવાળાં મોટાં પાંજરાં, લાઈન દોરી કે જકાતનાં. બધા મુસાફર સામાન સાથે એક બાજુથી પાંજરામાં દાખલ થાય. ઇન્સ્પેક્ટર સામે બેગ-બિસ્તરા ખોલવાના. જકાતના પૈસા માગે તો મૂંગે મોઢે આપી દેવાના. નહિતર ‘પછી જોશું’ કહી એક બાજુ બાંકડા પર બેસાડી દે તો તમારી ટ્રેન ઉપડી ગયા પછી જ સામે જુએ.
વિરમગામથી મોટે ભાગે અમારી ટિકિટ ઇન્ટર ક્લાસમાં ‘અપગ્રેડ’ કરાવીએ. પાતળી ફાટેલી ગાદીવાળી સીટ. ચાલવું કે નહિ એ નક્કી ન કરી શકતો પંખો. વિરમગામ પછી રજવાડાની રેલવે લાઈન, ડબા, એન્જિન. દરેક બીજું સ્ટેશન ‘જંકશન.’ બે કે વધુ લાઈન ભેગી થાય. દરેક જંકશને બે-ચાર ડબ્બા કપાય ને બે ચાર નવા જોડાય. એટલે ટાઈમ ટેબલમાં ભલે દસ મિનિટ લખી હોય, ટ્રેન દરેક જંકશન પર અડધો કલાક તો રોકાય જ. બાપુની ગાડીની ઝડપ પણ ધીમી. ભાવનગર પહોંચતાં સુધીમાં અધમૂઆ થઈ જવાય. સ્ટેશનની બહાર આવીને રમકડાની હોય તેવી, દૂબળા ઘોડાવાળી ગાડી જોઈએ કે તરત યાદ આવે મુંબઈની બાદશાહી વિક્ટોરિયા. અને મન ગણગણવા લાગે : ‘ચલ મન મુંબઈ નગરી.’
E.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 19 ફેબ્રુઆરી 2022