· સ્વતંત્રતા મળ્યા પછી પણ જો પરતંત્રતાની દુર્ગંધ આવતી રહે તો સ્વતંત્રતાની સુગંધ આવતી નથી
· લોઢું ભલે ગરમ થાય, હથોડો તો ઠંડો જ રહે છે
· આપણે સૌ એક જ દેશના સંતાન છીએ. પરસ્પર સૌહાર્દ અને સંપના પાયા જ પર આપણે આપણી નિયતિનું સર્જન કરી શકીશું. એકતા વિનાનાં ટોળાં “મેનપાવર” નથી બનતા
— સરદાર પટેલ
માર્ચ 29, 1949. ઑલ ઇન્ડિયા રેડિયોએ સમાચાર આપ્યા કે સરદાર પટેલને દિલ્હીથી જયપુર લઈ જઈ રહેલા વિમાન સાથેનો સંપર્ક તૂટી ગયો છે. એ વિમાનમાં સરદાર પટેલ, તેમનાં પુત્રી મણિબહેન, સચિવ વી. શંકર અને જોધપુરના મહારાજા હતાં. અચાનક વિમાનનું એક ઍન્જિન કામ કરતું બંધ થઈ ગયું, રેડિયો પણ બંધ થઈ ગયો અને વિમાન ઝડપથી નીચે આવવા લાગ્યું.
સરદાર પટેલના સચિવ તરીકે ફરજ બજાવી ચૂકેલા વી. શંકરે તેમની આત્મકથા ‘રેમિનિસન્સ’માં લખ્યું છે : ‘પટેલના હૃદય પર શું વીતી રહ્યું હશે એ તો હું ન કહી શકું, પણ તેઓ, જાણે કે કંઈ થતું જ ન હોય તેમ, શાંતિથી બેઠા હતા.’ ઉતરાણ પછી ઘટનાસ્થળે સૌથી પહેલાં પહોંચનાર કે.બી. લાલ નામના અધિકારીએ લખ્યું છે, ‘સરદાર વિમાનની ડિસમેન્ટલ થઈ ગયેલી ખુરશી પર બેઠા હતા. મેં તેમને કારમાં બેસવા કહ્યું ત્યારે તેમણે કહ્યું કે પહેલાં મારી ટીમના લોકો અને જોધપુરના મહારાજાને કારમાં બેસાડો.’ 15 ડિસેમ્બરે સરદાર પટેલની પુણ્યતિથિ છે, એ નિમિત્તે એમને સ્મરણાંજલિ આપીએ.
અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે સરદારે શહેરના વિકાસમાં સિંહફાળો આપ્યો હતો. આઝાદી પછી મ્યુનિસિપાલિટીએ તેમનું નાગરિક સન્માન કર્યું. નાદુરસ્ત તબિયત છતાં આમંત્રણને માન આપી સરદાર અમદાવાદ ગયા અને એમને મળેલી પંદર લાખની રકમ શહેરના વિકાસ માટે અર્પણ કરી. અંગત અને જાહેર જીવનમાં સરદારના સરદારત્વના, એમના લોખંડી મનોબળના અને કર્મઠતાના અનેક દાખલા છે. ‘પટેલ – અ લાઇફ’માં રાજમોહન ગાંધીએ લખ્યું છે : ‘આઝાદ ભારતના શાસનતંત્રને કાયદેસરતા પ્રદાન કરવામાં મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલની ત્રિમૂર્તિએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.’ છતાં સરદારની ઉપેક્ષા થઈ છે એવું એમના સહિત એકથી વધારે ચરિત્રકારો-ઇતિહાસકારોએ નોંધ્યું છે. સરદારને ‘ભારતરત્ન’ પણ ઘણું મોડું – છેક 1991માં અપાયું હતું. (મહાત્મા ગાંધીને ‘ભારતરત્ન’ મળ્યું નથી) જો કે છેલ્લા દોઢેક દાયકામાં સરદાર પર ઘણું લખાયું અને ચર્ચાયું છે. એમને મહત્ત્વ પણ અપાયું છે જેમાં ઉચ્ચ કક્ષાએ રાજકીય ગંધનો અભાવ નથી, પણ એ દરેક વખતે ભારતના નાગરિકોએ સરદાર પ્રત્યે સાચા દિલનો અને છલોછલ સ્નેહ-આદર ઉમળકાથી વ્યક્ત કર્યો છે.
સરદાર પટેલની જીવનકથા ‘ધ મૅન હૂ સેવ્ડ ઇન્ડિયા’માં હિંડોલ સેનગુપ્તાએ લખ્યું છે : ’ગાંધીની ઇમેજ એક અહિંસક, ચરખો ચલાવતા અને માનવીય લાગણીઓથી ઓતપ્રોત એવી વ્યક્તિની છે, નહેરુ કોટના બટનમાં લાલ ગુલાબ લગાવતા ચાચા નહેરુ છે. જ્યારે સરદાર પટેલના જીવનમાં કોઈ રોમાન્સ નથી. પોતાના વિશે અને પોતાની જરૂરિયાતો બાબતે સરદાર બહુ ઓછું જણાવે છે.’ રશિયન વડા પ્રધાન નિકોલાઈ બુલગાનિન રાજાઓને ખતમ કર્યા વિના રજવાડાંઓને વિખેરી નાખવાની સરદાર પટેલની સિદ્ધિ બિસ્માર્કની જર્મનીના એકીકરણની સિદ્ધિ કરતાં પણ મોટી ગણાવે છે. પ્રશિયાના વડા પ્રધાન ઑટો વૉન બિસ્માર્કે જર્મન રાજ્યોનું એકીકરણ કર્યું, પણ તેમણે લોહી અને શસ્ત્રોનો માર્ગ પસંદ કર્યો. દસ વર્ષ અને ત્રણ યુદ્ધ પછી એમનું કાર્ય સિદ્ધ થયું જ્યારે સરદારે ઘણા ઓછા સમયમાં અને ‘બ્લડલેસ રિવોલ્યુશન’ના માર્ગે ભારતના સાડાપાંચસો રજવાડાંનું એકીકરણ કર્યું. એટલે જ અમુક અભ્યાસીઓને સરદાર અને બિસ્માર્કની સરખામણી પસંદ નથી.
ભારતીય સૈન્યના નાયબ વડા અને આસામ તથા જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ એસ.કે. સિન્હાએ તેમની આત્મકથા ‘ચેન્જિંગ ઇન્ડિયા – સ્ટ્રૅઈટ ફ્રૉમ હાર્ટ’માં એક કિસ્સો નોંધ્યો છે : એક વખત જનરલ કરિઅપ્પાને સંદેશો મળ્યો કે સરદાર પટેલ તેમને તાત્કાલિક મળવા ઈચ્છે છે. કરિઅપ્પા તરત કાશ્મીરથી દિલ્હી આવ્યા અને પાલમ એરપોર્ટથી સીધા સરદાર પટેલના ઘરે પહોંચ્યા. સરદારે તેમને એક જ સવાલ પૂછ્યો, ‘હૈદરાબાદ ઑપરેશન દરમિયાન પાકિસ્તાન તરફથી કોઈ પ્રતિક્રિયા આવશે તો વધારાની કોઈ મદદ વિના તમે તેનો સામનો કરી શકશો?’ કરિઅપ્પાએ કહ્યું, ‘હા.’ એસ.કે. સિન્હા લખે છે : ‘વાસ્તવમાં એ સમયના ભારતીય સૈન્યના વડા જનરલ બૂચર કાશ્મીરની પરિસ્થિતિને જોતાં હૈદરાબાદમાં કોઈ કાર્યવાહી કરવાના પક્ષમાં ન હતા. બીજી તરફ ઝીણા ઘમકી આપતા હતા કે ભારત હૈદરાબાદમાં હસ્તક્ષેપ કરશે તો બધા મુસ્લિમ દેશો તેની સામે ઊભા થઈ જશે. પણ કરિઅપ્પાના જવાબ પછી તરત જ સરદારે હૈદરાબાદમાં ઑપરેશન હાથ ધરવાનો આદેશ આપ્યો. એક સપ્તાહમાં હૈદરાબાદ ભારતનું એક અંગ હતું.’
નહેરુ અને પટેલે લગભગ એક જ સમયે પરદેશમાં વકીલાતનો અભ્યાસ કર્યો હતો, પણ એ દરમિયાન તેમની મુલાકાત થઈ હોય એમ લાગતું નથી. સરદાર પટેલને તેમના લંડન પ્રવાસ દરમિયાન પશ્ચિમી વસ્ત્રો ગમી ગયાં હતાં. પછીથી ગાંધીજીના સ્વદેશી આંદોલનથી પ્રભાવિત થઈ સરદારે ખાદીના ભારતીય શૈલીનાં વસ્ત્રો ધારણ કર્યાં. એ સમયે ખાદી વસ્ત્ર નહીં, વિચાર હતો. સરદાર દીકરી મણિબહેને કાંતેલી ખાદી જ પહેરતા. સરદારમાં ખેડૂત જેવી જીદ, બરછટપણું અને દરિયાદિલી હતાં. બે મહાન નેતાઓની સરખામણી કરવી યોગ્ય નથી, પણ એમના સમયથી આજ સુધી સરદાર અને નહેરુ વચ્ચે સરખામણી થતી જ રહી છે. લૉર્ડ માઉન્ટબેટન કહેતા, ‘સરદાર પટેલ જમીન સાથે જોડાયેલા છે, નહેરુ આકાશમાં ઊડે છે.’ સરદાર અને નહેરુએ તો વિચારભેદ છતાં એ કપરા સંજોગોમાં સાથે મળીને દેશને સાંભળ્યો પણ બંનેના ટેકેદારોને વિવાદોમાંથી ઊંચા આવવું નથી. હિંડોલ સેનગુપ્તાએ લખ્યું છે : ‘નહેરુનું જૂથ તેમના નેતાને એક વૈશ્વિક નેતા અને તરીકે દેખાડવાનું પસંદ સરદાર પટેલને એક પ્રાંતીય નેતા – હાથ મરડીને રાજકીય જીત મેળવતા ગામડિયા ‘સ્ટ્રૉંગમૅન’ ગણે છે, અને સરદારના ટેકેદારો નહેરુને સારાં વસ્ત્રો પહેરતા, દેખાવડા પણ મુશ્કેલ રાજકીય પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવાની ક્ષમતા વિનાના નિર્બળ નેતા માને છે.’ મહાત્મા ગાંધીના પૌત્ર રાજમોહન ગાંધીએ સરદાર પટેલનું ઉત્તમ જીવનચરિત્ર લખ્યું છે. તેઓ લખે છે : ‘1947માં પટેલ ઉંમરમાં 10 કે 20 વર્ષ નાના હોત તો કદાચ બહુ સારા અને સંભવતઃ નહેરુથી પણ વધુ બહેતર વડા પ્રધાન સાબિત થયા હોત, પરંતુ 1947માં સરદાર નહેરુથી ઉંમરમાં 14 વર્ષ મોટા હતા અને વડા પ્રધાનપદને ન્યાય આપી શકે એટલા સ્વસ્થ પણ ન હતા.’ 1941થી એમને આંતરડાની તકલીફ હતી. માર્ચ 1948માં ડૉક્ટરોએ સરદારના સવારે ચાલવા જવા પર પણ પ્રતિબંધ લગાવ્યો હતો. સરદારે લોકોને હળવામળવાનું પણ ઓછું કરી નાખ્યું હતું.
1950ના ડિસેમ્બરની શરૂઆતમાં જ સરદાર પટેલને અંદાજ આવી ગયો હતો કે અંત નજીક છે. એ દિવસોમાં તેઓ કબીરની પંક્તિ ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ ખૂબ ગણગણતા. ડૉક્ટરોએ કહ્યું કે સરદારને કદાચ મુંબઈની મોસમ માફક આવશે 12 ડિસેમ્બર, 1950ના રોજ વૅલિંગ્ટન ઍરસ્ટ્રિપથી ભારતીય હવાઈદળનું ડાકોટા વિમાન તેમને મુંબઈ લઈ ગયું. રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ, વડાપ્રધાન પંડિત નહેરુ, ભૂતપૂર્વ ગવર્નર જનરલ સી. રાજગોપાલાચારી અને ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ બિરલા તેમને વળાવવા આવ્યા હતા. સૌના ચહેરા પર ચિંતાની ઘેરી રેખાઓ હતી. સ્વસ્થ સ્મિત સાથે સરદારે વિદાય લીધી. મુંબઈમાં 15 ડિસેમ્બર 1950ના મળસ્કે ત્રણ વાગ્યે સરદારને હૃદયરોગનો હુમલો આવ્યો. ચાર કલાક પછી તેઓ થોડા ભાનમાં આવ્યા મણિબહેના હાથે મધ મેળવેલું ગંગાજળ બેત્રણ ચમચી પીધું અને સવારે 9.37 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. તેમના પાર્થિવ શરીરને બળતું જોઈ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે કહ્યું, ‘સરદારની પ્રસિદ્ધિને વિશ્વનો કોઈ અગ્નિ બાળી શકશે નહીં.’
સરદાર કહેતા, ‘સ્વતંત્રતા મળ્યા પછી પણ જો પરતંત્રતાની દુર્ગંધ આવતી રહે તો સ્વતંત્રતાની સુગંધ આવતી નથી.’ ‘લોઢું ભલે ગરમ થાય, હથોડો તો ઠંડો જ રહે છે.’ ‘આપણે સૌ એક જ દેશના સંતાન છીએ. પરસ્પર સૌહાર્દ અને સંપના પાયા જ પર આપણે આપણી નિયતિનું સર્જન કરી શકીશું. એકતા વિનાનાં ટોળાં “મેનપાવર” નથી બનતા.’ … યાદ રાખીશું?
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 15 ડિસેમ્બર 2024