વિનોબાજી કહેતા, ‘એવી રીતે જોડાવું કે ક્ષણવારમાં મુક્ત થઈ શકાય.’ સ્થળ, કાળ કે વ્યક્તિનાં બંધનમાં વિનોબાજી બંધાયા નથી. કાર્યકરોને કહેતા કે કામ પણ બંધન ન બનવું જોઈએ અને સાધકોને પણ ચેતવતા કે જોજો, સાધનાનો આનંદ અને ગર્વ ક્યાંક બંધન ન બની જાય.
ટાગોરે ગાયું છે, ‘અગ્નિવીણા બાજાઓ’ વિનોબાજી અગ્નિને શ્રમિકોની વેદના સુધી લઈ ગયા છે. ટાગોરનો મનોભાવ જુદો હોઈ શકે, પણ વિનોબાજીના અર્થઘટનની પણ એક અપીલ જરૂર છે.
‘અગ્નિવીણા બાજાઓ તુમિ કેમન કરે, આકાશ કાંપે તારાર આલોર ગાનેર ઘોરે – તમે કેવી રીતે અગ્નિવીણા વગાડી કે આકાશ તારાઓના પ્રકાશગાનના ઘોર રવથી કંપી રહ્યું છે…’ આવી અદ્દભુત પંક્તિ ટાગોર સિવાય કોણ લખી શકે? પણ આચાર્ય વિનોબા ભાવે પોતાની આગવી શૈલીમાં આ કાવ્યનું રસદર્શન કરાવતા હોય એવું બની શકે? હા, એવું બન્યું છે. વિનોબાજી અગ્નિને શ્રમિકોની વેદના સુધી લઈ ગયા છે અને વહેંચીને ખાવાથી ભગવત-સ્પર્શ થશે, પીડા પીડા નહીં રહે એમ કહે છે. ટાગોરનો મનોભાવ જુદો હોઈ શકે, પણ વિનોબાજીના અર્થઘટનની પણ એક અપીલ જરૂર છે.
1962માં વિનોબાજીએ આસામમાં મૈત્રી આશ્રમ સ્થાપ્યો. એમાં કેટલોક વખત રોજ સાંજે કોઈ ટાગોરનું એક ગીત ગાય અને વિનોબાજી એને સમજાવે એવો ઉપક્રમ ચાલ્યો હતો. એ સમય સર્વોદય-ભૂદાન-ગ્રામદાનના જુવાળનો. એટલે વિનોબાજી ટાગોરનાં સૌંદર્યદર્શનમાં સર્વોદય પણ વણી લે.
કેવા હતા વિનોબા? મહાત્મા ગાંધીએ 25 વર્ષના વિનોબાને એક પત્રમાં લખેલું, ‘તમારો પ્રેમ અને ચરિત્ર મને મોહમાં ડુબાડી દે છે. તમારી ભક્તિ અને શ્રદ્ધા આંખમાં ખુશીનાં આંસુ આણે છે. હું એને લાયક હોઉં કે ન હોઉં, પણ તમને તે ફળશે જ. તમે મોટી સેવાનું નિમિત્ત બનશો …’ એની પણ પહેલાં 1917માં 22 વર્ષના વિનોબાને ગાંધીજીએ એમને ‘આશ્રમનાં દુર્લભ રત્નોમાંના એક’ કહીને ઉમેર્યું હતું કે ‘તેઓ આશ્રમને પોતાનાં પુણ્યથી સીંચવા આવ્યા છે. પામવા નથી આવ્યા, આપવા આવ્યા છે.’
દસ વર્ષની વયે બ્રહ્મચર્ય અને દેશસેવાનું વ્રત લેનાર વિનોબાએ 21 વર્ષની વયે ગૃહત્યાગ કર્યો. એમના મનમાં હિમાલયમાં જઈ બ્રહ્મસાધના કરવી કે બંગાળમાં જઈ ક્રાંતિ કરવી એ મનોમંથન ચાલતું હતું એ વખતે ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં અનાસક્ત દેશસેવાના પ્રયોગ કરી રહ્યા હતા. વિનોબા બનારસ આવ્યા એ પહેલા બે મહિને ગાંધીજી એમનું વિખ્યાત ભાષણ કરી ચૂક્યા હતા. એમની નિર્ભય, નિર્વેર, અનાસક્ત, કર્મઠ દેશસેવાએ વિનોબાને આકર્ષ્યા. એમને ગાંધીજીમાં શાંતિ અને ક્રાંતિનો સંગમ મળ્યો અને ગાંધીજીને વિનોબામાં એમના આધ્યાત્મિક વારસ મળી ગયા.
વિનોબાજી કહેતા, ‘એવી રીતે જોડાવું કે ક્ષણવારમાં મુક્ત થઈ શકાય.’ સ્થળ, કાળ કે વ્યક્તિનાં બંધનમાં વિનોબાજી બંધાયા નથી. કાર્યકરોને કહેતા કે કામ પણ બંધન ન બનવું જોઈએ અને સાધકોને પણ ચેતવતા કે જોજો, સાધનાનો આનંદ અને ગર્વ ક્યાંક બંધન ન બની જાય.
વિશ્વના આધ્યાત્મિક સાહિત્યનો અભાસ કરી વિનોબાજી વિજ્ઞાન અને અધ્યાત્મને ‘જોડનારાં’ અને રાજકારણ અને ધર્મને ‘તોડનારાં’ પરિબળો કહે છે. તેમનો ઉદ્દેશ માનવ-માનવ વચ્ચે એકતા સ્થાપવાનો હતો. તેમની ભૂમિકા સમન્વયની હતી. ગાંધીજીના મૃત્યુ પછી વિનોબાજીએ 13 વર્ષ પદયાત્રા કરી અને 47 લાખ એકર જમીન દાનમાં મેળવી. એ દરમ્યાન આસામમાં એમણે ટાગોરનાં કાવ્યો વિશે વાત કરી હતી.
ટાગોર જીવનસૌંદર્યના ઉપાસક અને વિનોબાજી જીવનસત્યના આરાધક. ટાગોર જીવનનું ગીત માણે, વિનોબાજી જીવનને યજ્ઞ સમજે. ટાગોર વિનોબા કરતાં 34 વર્ષ મોટા, પણ બંનેનું ચૈતન્ય આજે પણ તાજગીભર્યું વહે છે. બંને પરમના પ્રેમી અને હકારના માણસ. બંનેના મનોભાવવિશ્વનું કેન્દ્ર માણસ છે. વિનોબાજી ઘણીવાર ચાલતાં ચાલતાં ‘એકલા ચલો રે’ ગાતા. પણ ટાગોરે લખેલા ‘ઓ રે અભાગા’ને બદલે વિનોબાજી ‘ઓ રે ભાગ્યવાન’ ગાતા. આવા વિનોબાજી અને ટાગોરના મિલનની પળ કેવી પાવક હશે! એ પળ સુધી પહોંચાડનાર અને એ પળના સાક્ષી બનનાર બંને પણ એવા જ ધન્ય છે એની પ્રતીતિ આપણને ‘સત્ય-સૌંદર્ય સચરાચરમાં’ પુસ્તકમાંથી પસાર થતાં અચૂક થાય.
આ પુસ્તકનાં અનુવાદક છે ભદ્રા-વિક્રમ સવાઈ. થયું એવું કે વિનોબાજીએ આલેખેલાં વ્યક્તિચિત્રોનો ‘ભૂમિપુત્ર’ માટે અનુવાદ કરતાં ભદ્રાબહેનને ‘દેવર્ષિ રવીન્દ્રનાથ ટાગોર’ શીર્ષક હેઠળ વિનોબાજીએ આપેલો ટાગોરનો પરિચય તો મળ્યો, પણ સાથે મળી પૂજાગીતો અંગેની નોંધ પણ. વિનોબાજીએ આ ગીતો નિમિત્તે સર્વોદયસમાજની, એકાદશવ્રતની, રચનાત્મક કાર્યક્રમની વાત તો કરી છે, સાથે વિશ્વૈક્ય, અહંકાર ઓગાળવો, ચિત્તશુદ્ધિને પણ સાંકળ્યા છે. ટાગોરના સૌંદર્યબોધ સાથે વિનોબાજીના સત્યબોધ અને સર્વહિતબોધનું આ મિલન મજાનું છે. આ ગીતોનું વિનોબાજીએ કરેલું અર્થઘટન ભદ્રાબહેન અને વિક્રમભાઈને એવું અનોખું લાગ્યું, એવું સ્પર્શી ગયું કે ભાષા-કૉપીરાઈટ-પ્રકાશનના કોઠા ઓળંગી તેમણે આ સુંદર પુસ્તક આપણા સુધી પહોંચતું કર્યું જ. સુઘડ-સુંદર પ્રકાશન નવભારતનું છે. 11 સપ્ટેમ્બરે આવતાં વિનોબાજીના જન્મદિન નિમિત્તે આચમન કરીએ આમાંના કેટલાંક કાવ્યોનું.
‘તારાં ગીત ગાતાં ગાતાં ક્યારનો નીકળ્યો છું હું, એ વાત આજની નથી, આજની નથી’ – વિનોબાજી કહે છે, નદી નીકળી પડે છે, વહે છે, ક્યાંક સાગરને મળે છે. પોતાના પ્રવાસની એને ખબર નથી, કોઈ પ્રેરણા એને ચલાવે છે. હું કૉલેજમાં હતો ત્યારે રોજ આઠદસ માઈલ ચાલતો. જો આ ટેવ ન હોત તો ભૂદાનની પદયાત્રા કરી શક્યો ન હોત. એ વખતે સંસારમાં ન પડવાનો સંકલ્પ ન ઊઠ્યો હોત તો પણ ભૂદાનયાત્રા થઈ ન હોત. એ વખતે મને ખબર નહોતી પણ એ સંકલ્પ ‘આજકે નય, આજકે નય’(આજનો નહોતો, આજનો નહોતો). એ બધી પ્રેરણા પરમાત્માની હોય છે અને જ્યાં સુધી પરમાત્મામાં ન ભળી જઈએ, ચાલતા રહેવાનું હોય છે.
‘સ્વચ્છ કરી દો મને પ્રકાશ-નિર્ઝરની ધારાથી … વિશ્વહૃદયમાંથી વહી આવતી પ્રકાશઘેલી હવાથી મારા હૃદયને નમાવી દો’ – વિનોબાજી કહે છે, વિશ્વહૃદય બનાવવું હશે તો પહેલા ગ્રામહૃદય બનાવવું પડશે. ગ્રામસમાજની જડતાના ઘેનને ટાગોર કહે છે તેમ અહિંસાના અરુણતેજના મુલાયમ સ્પર્શથી ઉતારવું પડશે. હવા તૈયાર થઈ રહી છે, આખી દુનિયા જાગશે અને કલ્યાણપંથે ચાલશે.
‘જાતજાતનાં બહાનાં કાઢી તારું નામ લઈશ, મારા મનની છાયા તળે એકલો બેસીને તારું નામ લઈશ’ વિનોબાજી કહે છે, બાળકો ‘મને બોલતાં આવડે છે’ એમ બતાવવાને બોલતાં હોય છે એમ આપણે ભગવાનનું નામ એટલા માટે લઈએ છીએ કે આપણને એમનું નામ લેતાં આવડે છે.
‘અંતર મમ વિકસિત કરો અંતરતર હે’ – વિનોબાજી કહે છે, આ ‘અંતરતર’ શબ્દ રવીન્દ્રનાથે ઉપનિષદમાંથી લીધો છે. અંતર્યામીને કવિ પ્રાર્થના કરે છે કે અમારાં સકલ કર્મોમાં શાંત લયનો સંચાર કરો. આ ગીત ભાવસમાધિ આપે એવું છે. આપણે અંતર્સૃષ્ટિ અને બહિર્સૃષ્ટિના સંગમ પર ઊભા છીએ. શરીરને કારણે બહારનો ને ચિત્તને કારણે અંદરનો સંપર્ક થાય છે. જે કામ કરીએ, એવું કરીએ કે બહાર અને અંદર બંને જગ્યાએ સંતોષ થાય. પ્રેમપૂર્વક ભૂમિહીનોને ભૂમિ આપવાથી આ બંને પ્રકારનો સંતોષ થાય છે. સારાંશ, ભક્તિ દ્વારા નિર્મળતા, જ્ઞાન દ્વારા ઉજ્જવળતા અને સમત્વ દ્વારા સુંદરતા આવે છે.
‘વિરાજો હે સત્ય, હે સુંદર, આનંદલોકમાં, મંગલ આલોકમાં’ – વિનોબાજી કહે છે, આ એક પ્રસિદ્ધ સૂક્તનો અનુવાદ છે. આવાં ગીતો ભારતની લગભગ દરેક ભાષામાં છે. આવાં જ ગીતોનો લોકો પર પ્રભાવ પડે છે. આવાં જ ગીતોએ લોકોની સદ્દભાવના કાયમ રાખી છે. એનો ઉપયોગ સમાજજીવનમાં કરવો જોઈએ. દરેક ગામ આનંદલોક હોવું જોઈએ, માંગલ્યથી પ્રકાશિત હોવું જોઈએ. અને યાદ રાખીએ કે જેટલો ત્યાગ કરીશું તેટલો વધારે આનંદ મળશે.
‘મનના નકામા નિષેધોને દૂર કરનારી આગ ભડકાવો’ – વિનોબાજી કહે છે, જો નવો પુરુષાર્થ કરવાનો મોકો મળે નહીં તો સૃષ્ટિ રસશૂન્ય થઈ જાય.
ટાગોર વિશેના લેખમાં વિનોબાજી ટાગોરને ‘સંકુચિત દેશાભિમાનથી ભારતને મુક્ત રાખનારા’ કહે છે. ટાગોર અને વિનોબા બંનેનાં ચિત્ત તમામ પ્રકારની સંકુચિતતાઓથી ઉપર ઊઠેલાં હતાં. ટાગોરે ‘વિશ્વમાનુષ’ને ગાયો અને વિનોબાએ ‘જય જગત’નો નારો આપ્યો.
દેશને આજે આ બંનેની કેટલી જરૂર છે!
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 10 સપ્ટેમ્બર 2023