Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9345136
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માણસ યુદ્ધ માટે જન્મ્યો નથી : દર્શકનું દર્શન 

સોનલ પરીખ|Opinion - Literature|15 October 2023

‘હામ તો છે કે પાછો એક દિવસ આવીશ. તું એ વખતે નાહીને ભીને વાળે કપડાં સૂકવતી હોઈશ. એક–બે વાછરડાં તારી આજુબાજુ ફરતાં હશે. આપણી બોરસલીની ઘટામાં ચકલીઓ, પોપટ ખેલતાં હશે. તારી સાથે માથું ઘસવા આવતી વાછરડીને તું હસીને થોભી જવા કહેતી હોઈશ. એ હાસ્યને નીચું પડતું અટકાવી, ઝીલી લેવા હું આવીશ, પણ સંભવ છે કે ન પણ આવું … તારું હાસ્ય ને નિર્મલ તેજ ન વિલાય તે રીતે જીવન ગોઠવજે. જે પ્રેમ બાંધે છે, તે મોહનું છદ્મરૂપ છે.’

મનુભાઈ પંચોળી ‘દર્શક’

મનુભાઈ પંચોળી ‘દર્શક’ એટલે માત્ર સાહિત્યપુરુષ નહીં, સાહિત્યે તો એમના જીવનનો ત્રીજો ભાગ જ રોક્યો છે. બાકીના દર્શક શિક્ષણપુરુષ અને પ્રજાપુરુષ છે. વિમલાતાઈએ ‘સદભિ: સંગ’ની પ્રસ્તાવનામાં દર્શકને વર્ણવ્યા છે : ‘પિંડ દેશભક્તિનો, પૂજારી સત્યના, હાડોહાડ શિક્ષક, લોહીમાં સાહિત્યસર્જનની છોળો! કાવ્યપ્રેમ શબ્દાતીત. કોઠાસૂઝ રાજનીતિજ્ઞની. ઈતિહાસના મર્મજ્ઞ અને વર્તમાનના શિલ્પી.’ 29 ઑગસ્ટે દર્શકની પુણ્યતિથિ છે. વાત કરીએ દર્શકની અને ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’માં પ્રગટ થયેલા એમના દર્શનની.

મનુભાઈ પ્રાથમિક શાળાના શિક્ષકનાં આઠ સંતાનો પૈકી ચોથા. સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લેવા નવમા ધોરણથી શાળા છોડી, સત્યાગ્રહી બન્યા અને જેલમાં જઈ આવ્યા. નાનાભાઈ ભટ્ટ સાથે પરિચય થતાં એમની સંસ્થાઓ ભાવનગરની દક્ષિણામૂર્તિ, આંબલાની ગ્રામદક્ષિણામૂર્તિ અને સણોસરાની લોકભારતીનાં સ્થાપના-સંચાલનમાં જોડાયા. વચ્ચે તળાજા પંથકનાં ગામોમાં લોકચેતના જાગ્રત કરવા મથામણ કરી.

દરમિયાન ભાવનગર રાજ્યના પ્રજાતંત્રમાં શિક્ષણ પ્રધાન, ગુજરાત વિધાનસભાના સભ્ય અને ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી બન્યા. શિક્ષણવિદ તરીકે ડેન્માર્કની તથા સાહિત્યકાર તરીકે ઇઝરાયલ, ઇંગ્લૅન્ડ-યુરોપ તથા અમેરિકાની યાત્રા કરી. રણજિતરામ સુવર્ણચંદ્રક, ‘સૉક્રેટિસ’ નવલકથા માટે સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર અને ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ નવલકથા માટે ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર જેવાં સન્માન મેળવ્યાં. ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીનાં અધ્યક્ષપદ શોભાવ્યાં.

આવા દર્શક વિશ્વઇતિહાસ, ધર્મતત્ત્વદર્શન, સાહિત્ય, રાજનીતિ, શિક્ષણશાસ્ત્ર, કૃષિવિદ્યા અને સમાજકારણના ઊંડા અભ્યાસી; પણ એમનું સર્જક-હાડ મધ્યકાલીન સંતપરંપરા, ગાંધીવિચાર, સૌંદર્યપ્રેમ અને જીવનરાગથી બંધાયેલું. કહેતા, ‘હજારોના ચિત્તને જે નિર્મળ, ઉજ્જવળ અને ઉદાત્ત કરે તેવું સાહિત્ય સર્જાવું જોઈએ.’ ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ નવલકથાને આ શબ્દોના અજવાળામાં જોઈએ, તો જ એનું સાચું તેજ આપણી ઝાંખી આંખમાં ઊગે.

ત્રણ ભાગમાં લખાયેલી આ નવલકથા પૂરી થતાં લગભગ ચાલીસ વર્ષ લાગ્યાં – ભાગ 1, 2 અને 3 અનુક્રમે 1952, 1058 અને 1985માં પ્રગટ થયા. વચ્ચે ‘સોક્રેટિસ’ લખાઈ. વાચકોવિવેચકોએ ખૂબ રસપૂર્વક, જિજ્ઞાસાપૂર્વક, પ્રેમપૂર્વક આટલાં વર્ષ રાહ જોઈ અને નવલકથાને એવી તો વધાવી લીધી કે ત્રણે ભાગોની અનેક આવૃત્તિઓ થઈ. 1989માં આર.આર. શેઠે કરેલી ત્રણ ભાગની સંયુક્ત આવૃત્તિનાં પણ એક ડઝનથી વધારે પુનર્મુદ્રણ થયાં. 

પહેલા ભાગમાં સત્યકામ અને રોહિણીનો ગોપાળબાપાની વાડીમાં થતો ઉછેર, લગ્નમાં ન પરિણમતો તેમનો પ્રણય, ગોપાળબાપાનું અવસાન, શીતળાને કારણે દૃષ્ટિ ગુમાવી બેઠેલા સત્યકામનો આત્મહત્યાનો પ્રયાસ, તેમાંથી બચી જતાં કેશવદાસ નામે ને સાધુરૂપે બૌદ્ધ ધર્મનો અભ્યાસ, હેમન્ત સાથેનું રોહિણીનું લગ્ન ને વૈધવ્ય, દિયર અચ્યુતના ઘડતરમાં રોહિણીની સક્રિયતા વગેરે મુખ્ય ઘટનાઓ છે. ગોપાળબાપાની ધર્મપરાયણ સેવાવૃત્તિ ને કુદરતને ખોળે ખીલતાં પુષ્પો જેવી જ સુંદર, કોમળ અને સુગંધી સત્યકામ-રોહિણીની પ્રણયકથા વાચકને પુલકિત કરે છે.

બીજા ભાગમાં બૌદ્ધ ધર્મનો વિશેષ અભ્યાસ કરવા સત્યકામ યુરોપ જાય છે. પ્રથમ વિશ્વયુદ્ધે વેરેલા વિનાશનો ભોગ બનેલાંઓના પુનર્વસવાટ માટે મથતાં જ્યોર્જ ક્લેમેન્શો, ભગિની ક્રિશ્વાઈન, વોલ્ટર રેથન્યૂ અને એમના કામમાં અવરોધો ઊભા કરનાર નાઝી-નેતા હેર કાર્લ જેવા પાત્રોની સાથે સંકળાતા પંડિત કેશવદાસની નોંધપોથીરૂપે ઊથલપાથલથી ઘેરાયેલા યુરોપની કથની વર્ણવાઈ છે. ત્રીજા ભાગમાં મહત્ત્વ ધારણ કરનાર અચ્યુતનો પાત્રવિકાસ પણ આ ભાગમાં જ થયો છે.

ત્રીજા ભાગમાં વર્ષો પછી કેશવદાસ તથા ડૉ. અચ્યુતનું સ્વદેશાગમન, રેથન્યૂના પુત્રોને વતન પહોંચાડવા માટે અચ્યુતનું ઈઝરાયેલ જવું, યહૂદી પ્રજાની વ્યથા, બીજા વિશ્વયુદ્ધમાં ભારતની બર્મા-સરહદે તબીબી સેવા આપતાં અચ્યુત-મર્સીનું પ્રસન્ન-દાંપત્ય તથા યુદ્ધ દરમ્યાન એમનું વિખૂટાં પડી જવું, નર્સ બનીને યુદ્ધમોરચે પહોંચેલી રેખા દ્વારા અચ્યુત-મર્સીનાં બાળકોનું જતન કરવું તેમ જ કથાના અંતે અચ્યુત, બાળકો અને રેખા તથા સત્યકામ અને રોહિણીનાં સુભગ મિલન જેવી ઘટનાઓ આલેખાઈ છે. યુદ્ધનાં તાદ્દશ વર્ણનો વચ્ચે સ્થવિર શાંતિમતિ સાથેની કેશવદાસ, જેમ્સ લેવર્ટી, ડૉ. અચ્યુત, બર્મી સેનાની ઓંગસો તથા જાપાની સેનાપતિ યામાશિટાએ કરેલ ધર્મમીમાંસા પણ નિરુપાઈ છે.

અંત સુખદ અને પ્રેમના-સેવાના કલ્યાણકારી વિકાસની શક્યતાઓ આપતો છે. કથા સુખાન્ત જણાય છે પણ જગતમાં વ્યાપેલા ઝેરની પ્રતીતિ આખી નવલકથામાં થતી રહી છે. રોહિણીની જેમ બહુ થોડા માણસો પોતાની પરવા કર્યા વિના સર્પદંશનું ઝેર ચૂસી શકે છે. આ જ રોહિણી અંતે ‘ધ્યાનમાં બહુ એકલું લાગતું હતું’ કહી સત્યકામને આલિંગે છે ત્યારે કેવી સહજ પ્રણયિની બની જાય છે!

અને સત્યકામ? એ કહે છે, ‘આ બ્રહ્માંડમાં આપણે તો સાવ રજકણ જેવાં છીએ, પણ ઈશ્વરે આપણા મનમાં બ્રહ્માંડમાં ય ન માય એટલું સુખ કેમ કરીને ગોઠવી દીધું હશે ?’ અને લખે છે, ‘હામ તો છે કે પાછો એક દિવસ આવીશ. તું એ વખતે નાહીને ભીને વાળે કપડાં સૂકવતી હોઈશ. એક-બે વાછરડાં તારી આજુબાજુ ફરતાં હશે. આપણી બોરસલીની ઘટામાં ચકલીઓ, પોપટ ખેલતાં હશે. તારી સાથે માથું ઘસવા આવતી વાછરડીને તું હસીને થોભી જવા કહેતી હોઈશ. એ હાસ્યને નીચું પડતું અટકાવી, ઝીલી લેવા હું આવીશ, પણ સંભવ છે કે ન પણ આવું … તારું હાસ્ય ને નિર્મલ તેજ ન વિલાય તે રીતે જીવન ગોઠવજે. જે પ્રેમ બાંધે છે, તે મોહનું છદ્મરૂપ છે.’

પણ, લેખકને તો વિશ્વઇતિહાસના પ્રવાહો, યુદ્ધની વિભિષિકા અને વિવિધ ધર્મશ્રદ્ધાઓ બધું આવરી લેવું છે. રઘુવીર ચૌધરીએ નોંધ્યું છે કે ‘વીસમી સદીના વૈશ્વિક મનુષ્યને અહીં ભારતીય નજરે જોવામાં આવ્યો છે.’ વિશાળ ફલક પર પથરાયેલી હોવાથી વાર્તાપ્રવાહમાં અકસ્માતોનો અતિરેક અને શિથિલતા બન્ને પ્રવેશ્યાં છે, છતાં અત્યંત સુંદર ગદ્ય, જીવંત પાત્રો અને કુશળ વાર્તાકલા કૃતિની મહત્તા પ્રગટ કર્યા વિના રહેતાં નથી. યુદ્ધની ભયાનકતા, કીડીઓથી ખવાઈ ગયેલા કાર્લના હાડપિંજરનું અને યામાશિટાએ કરેલી હારાકીરીનાં વર્ણનો અદ્દભુત છે. લેખકે બે વિશ્વયુદ્ધોનાં સાક્ષી બનતાં પાત્રો દ્વારા માનવધર્મની, કલ્યાણરાજની ઝંખના પૂરી થશે એવો રચનાત્મક નિર્દેશ આપ્યો છે. વાચકમાં મૈત્રી, મુદિતા, કરુણા, ઉપેક્ષાનો ભાવ કેળવાતો આવે છે. મનના વિલય પછીની અવસ્થા – બ્રહ્મવિહાર વિશે સમજ કેળવાય છે. શાંતમતિ આહાર ઘટાડીને દેહ છોડવાના છે. કહે છે, ‘મરવાની પણ તૃષ્ણા નથી, સહેજે બધું થશે.’

કૃષિજીવન, સંતસંસ્કૃતિનું પવિત્ર વાતાવરણ, સંન્યસ્ત, પ્રેમ, અનુરાગ અને દામ્પત્ય, લગ્નમાં બ્રહ્મચર્ય, વૈધવ્ય, ભારતના આશ્રમજીવન સાથે પશ્ચિમનાં વિશ્વયુદ્ધોની ભૂમિકા, જર્મનોનો યહૂદીદ્વેષ, સત્યકામને મળતાં રેથન્યુ અને ક્રિશ્વાઈન જેવાં માનવતાપૂર્ણ પાત્રો, એમનાં મનોમંથનો, સંવાદો, પત્રો અને ડાયરીઓ રૂપે આવતાં વર્ણનો અને વિચારો – વાચકને જીવનનું એક બહુઆયામી ચિત્ર જોવા મળે છે.

કથાની પરિકલ્પના મનમાં આકાર લેતી હતી ત્યારથી જ દર્શક સ્પષ્ટ હતા કે વાચકને ક્યાંથી ક્યાં લઈ જવાનો છે ને ક્યાં પહોંચાડવાનો છે. પ્રસ્તાવનામાં એમણે લખ્યું છે, ‘આ નવલકથા વેરાન કોતરોને જાતમહેનતે પલ્લવિત કરતા નિર્ગુણિયા સંતથી શરૂ થઈ, રાષ્ટ્ર અને જાતિના અભિમાનમાં અટવાયેલા યુરોપને આશ્વસ્ત કરી, મધ્ય પૂર્વમાં યહૂદીઓના જીવનસંગ્રામને સલામી આપી, મ્યાનમારની હજાર બુદ્ધની ગુફામાં સ્નાનશુદ્ધ થઈ કોરિયાના અવિસ્મરણીય ઘેરામાં પ્રવેશે છે.’

વિશ્વયુદ્ધની પરિસ્થિતિ આલેખતી વખતે તો દર્શકની વર્ણનશૈલી મહાકાવ્યને સ્પર્શે છે, પણ તેઓ જ્યારે યુદ્ધનું વર્ણન કરે છે ત્યારે તેમને આલેખવો તો હોય છે માનવીય મૂલ્યો માટેનો સંઘર્ષ. વાચકને પીડા, યાતના, ઘોર નિરાશા અને શ્રદ્ધાની કટોકટી સુધી લઈ જઈ, આ બધામાંથી પસાર કરાવીને દર્શક એવી પ્રતીતિ આપે છે કે વિશ્વનો કોઈપણ ખૂણો હોય, ‘માણસ યુદ્ધ માટે જન્મ્યો નથી, નહીંતર તેને મગર જેવા દાંત કે વાઘ જેવા પંજા કુદરતે આપ્યા હોત.’

હા, માણસ યુદ્ધો માટે જન્મ્યો નથી – પ્રેમ માટે જન્મ્યો છે. અને પ્રેમનો તો અનંત અર્થવિસ્તાર છે…

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 27 ઑગસ્ટ  2023

Loading

15 October 2023 સોનલ પરીખ
← ‘કાળી પેટી, કેસરી કામળી, પીંગળી આંખો’
કૃત્રિમ બુદ્ધિ નૈસર્ગિક બુદ્ધિને પરાજિત કરી રહી છે  →

Search by

Opinion

  • લાકડાના વેપારીની બોઇંગ કંપનીનું સો વર્ષનું એકચક્રી શાસન ડામડોળ થઇ રહ્યું છે
  • ….. તો શું થાત?
  • અમેરિકી પ્રમુખ ટ્રમ્પને નોબેલ ‘અશાંતિ’ પુરસ્કાર અપાવો જોઈએ …
  • ભારતીય ઉડ્‍ડયન ક્ષેત્રના રન-વેની વિટંબણાઓઃ સલામતી, આર્થિક મજબૂતાઈ, નીતિની ગૂંચ જેવા બર્ડ હિટ
  • પશ્ચિમનો યુગ પૂરો થઈ ગયો છે

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • ગાંધીમાર્ગ કઠિન છે?
  • બાપુનો દાંત
  • વિરાટદર્શન
  • નિર્મમ પ્રેમી
  • મારી અહિંસા-યાત્રા

Poetry

  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …
  • તારવણ
  • હે કૃષ્ણ ! કોણ છે તું?
  • આ યુદ્ધ છે !

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved