મહાત્મા ગાંધી અને લાલબહાદુર શાસ્ત્રી – દેશસેવાનો તેમનો માપદંડ હતો દૃઢ નિષ્ઠા અને સખત પરિશ્રમ પોતાના પદ કે પ્રતિષ્ઠાનો કોઈ ફાયદો ન પોતે લીધો, ન સંતાનોને આપ્યો. પોતાનાં જીવન અને કાર્યોથી રાજકારણ જેવા વગોવાયેલા ક્ષેત્રમાં પણ સિદ્ધાંત, સાદગી અને સજ્જનતાને સ્થાન અપાવનારા આ બંને મહાનુભાવો આખરે કઈ માટીના બન્યા હશે? એવી નોખી માટી, એવા નોખા માનવીઓ હવે આ દેશ ઉત્પન્ન નહીં કરતો હોય શું?
‘આજ હૈ દો અક્તૂબર કા દિન,
આજ કા દિન હૈ બડા મહાન,
આજ કે દિન દો ફૂલ ખિલે,
જિનસે મહકા હિંદુસ્તાન,
એક કા નામ થા બાપુ ગાંધી,
ઔર એક લાલબહાદુર હૈ,
એક કા નારા અમન,
એક કા જય જવાન જય કિસાન’
1967ની ફિલ્મ ‘પરિવાર’ માટે ગુલશન બાવરાએ લખેલું અને કલ્યાણજી-આણંદજીએ સંગીતબદ્ધ કરેલું આ ગીત 2 ઑક્ટોબરે જન્મેલા દીકરા માટે મા ગાય છે. કહે છે,
‘મેરે મુન્ને દો અક્તૂબર કે શુભ દિન હી તૂ જન્મા,
મેરી યહી દુઆએં હૈં કિ ઉન જૈસા હી તૂ બનના,
ઔર જો ઉન જૈસા ના બન પાયે તો ફિર ઈતના કરના,
કમ સે કમ ઉનકે બતલાયે રસ્તે પર હી તૂ ચલના,
વિશ્વશાંતિ કે હિત મેં દેખોં ઉન વીરોં ને દિયે હૈં પ્રાણ …’
આ ગીત રચાયાને અડધી સદી જેટલો સમય થઈ ગયો છે, પણ આજે પણ શાળાઓમાં ગાંધીજયંતીના કાર્યક્રમમાં કોઈ શિક્ષક ગાંધીજી સાથે શાસ્ત્રીજીને યાદ કરતાં આ ગીત ગાય અને નાનાં નાનાં બાળકોએ તેને ઝીલે ત્યારે વાતાવરણમાં એક ઊર્જા પ્રસરી જાય છે. ગાંધીજી અને શાસ્ત્રીજી – કેવા હતા એ મહાનુભાવો અને કેવા છીએ આપણે – કહાં ગયે વો લોગ, ઔર ક્યા હો ગયે હમ લોગ?
મહાત્મા ગાંધીનો જન્મદિન 1869માં અને અને શાસ્ત્રીજીનો 1904માં. બંનેની ઉંમરમાં અડધી સદી જેટલું અંતર. મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા ત્યારે શાસ્ત્રીજી શાળામાં ભણતા વિદ્યાર્થી હતા. લોકમાન્ય તિલકને સાંભળી તેમની નસોમાં એ કૂણી ઉંમરે પણ દેશભક્તિ વહેવા લાગી. 1915માં 11-12 વર્ષની ઉંમરે તેમણે મહાત્મા ગાંધીનું પ્રવચન સાંભળ્યું. ત્યારથી તેઓ ગાંધીજીના ભક્ત બની ગયા. કાશીથી થોડાં જ કિલોમીટર દૂર આવેલા મુગલસરાઈમાં જન્મેલા લાલબહાદુરની અટક શ્રીવાસ્તવ હતી, પણ એ કાયસ્થ જ્ઞાતિ સૂચવતી હતી તેથી તેમણે એ અટક ત્યાગી દીધી હતી.
1921માં ગાંધીએ ઉપાડેલી અસહકારની લડત પૂરજોશમાં હતી. એમાં ભાગ લઈ શાસ્ત્રીજી જેલમાં ગયા, પણ તરત તેમને છોડી મૂકવામાં આવ્યા. તેમણે વિવિધ સત્યાગ્રહોમાં ભાગ લઈ કુલ નવ વર્ષનો જેલવાસ ભોગવ્યો હતો, જ્યારે ગાંધીજીએ કુલ અગિયાર વર્ષ જેલમાં ગાળ્યા હતા. 1942ની લડત પહેલા ગાંધીજીએ શરૂ કરેલા વ્યક્તિગત સત્યાગ્રહમાં શાસ્ત્રીજીએ ભાગ લીધો હતો. ગાંધીજીએ ભારતમાં આવી પહેલા સત્યાગ્રહો ચંપારણ અને ખેડાના ખેડૂતો માટે કર્યા હતા. તે પછી પચીસ વર્ષે શાસ્ત્રીજીએ સૂત્ર આપ્યું હતું, ‘જય જવાન, જય કિસાન’. શાસ્ત્રીજી નવા સ્વતંત્ર થયેલા ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત નહેરુના જમણા હાથ જેવા હતા અને તેમની જેમ ધર્મનિરપેક્ષ રાજકારણમાં માનનારા હતા, પણ નહેરુની ઔદ્યોગિક નીતિઓ સાથે તેઓ સંમત ન હતા.
1926માં બનારસમાં સ્થપાયેલી કાશી વિદ્યાપીઠમાં ફિલોસોફી અને નીતિશાસ્ત્ર લઈ તેઓ સ્નાતક થયા અને ત્યારથી શાસ્ત્રી કહેવાયા. આ કાશી વિદ્યાપીઠનું ઉદ્દઘાટન 1916માં તાજા તાજા દક્ષિણ આફ્રિકાથી આવેલા મહાત્મા ગાંધીએ કર્યું હતું. 1927માં લલિતાદેવી સાથે લગ્ન થયાં ત્યારે લાલબહાદુર ગાંધીરંગે પૂરા રંગાઈ ચૂક્યા હતા. તેમણે સસરા પાસેથી રેંટિયો અને થોડી ખાદી એટલી જ ભેટ સ્વીકારી હતી. ગાંધીજીના આશ્રમમાં લગ્ન થતાં ત્યારે ગાંધીજી શરત મૂકતા કે વિધિ, ફૂલ વગેરેનું ખર્ચ ચાર આનાથી વધારે ન થવું જોઈએ. વરવધૂ હાથે કાંતેલી ખાદીની આંટી વરમાળા તરીકે એકબીજાને પહેરાવે. આશ્રમના જ કોઈ ગોરમહારાજ બનીને વિધિ કરાવી દે.
ગાંધીજી અને શાસ્ત્રીજી બંનેએ કોઈ અંગત લાભ લીધા વિના દેશસેવા કરી. દેશસેવાનો તેમનો માપદંડ હતો દૃઢ નિષ્ઠા અને સખત પરિશ્રમ – કોઈ અંગત લાભ નહીં. પોતાના પદ કે પ્રતિષ્ઠાનો કોઈ ફાયદો ન પોતે લીધો, ન સંતાનોને આપ્યો. દેશના અદના સેવકો તરીકે બંને જીવ્યા અને મર્યા. 1948માં ગાંધીજીનું મૃત્યુ થયું ત્યારે તેમની સંપત્તિમાં ચંપલ, ચશ્માં, ઘડિયાળ વગેરે દસબાર વસ્તુઓ જ હતી. શાસ્ત્રીજી મૃત્યુ પામ્યા ત્યારે તેઓ જે જૂની કાર વાપરતા હતા તેના હપ્તા ભરવાના બાકી હતા. બેમાંથી કોઈ પાસે કોઈ મિલકત ન હતી. બેંકમાં ખાતું પણ નહોતું. પોતાનાં જીવન અને કાર્યોથી બંનેએ બતાવ્યું કે રાજકારણ જેવા વગોવાયેલા ક્ષેત્રમાં પણ સિદ્ધાંત, સાદગી અને સજ્જનતાને સ્થાન છે.
સત્યાગ્રહની લડતમાં કંઈક પણ ચૂક થાય તો ગાંધીજી એની જવાબદારી પોતે લેતા. શાસ્ત્રીજી રેલવે પ્રધાન હતા એ વખતે એક મોટો અકસ્માત થયો ત્યારે શાસ્ત્રીજીએ તેની જવાબદારી પોતે લઈને રાજીનામું આપ્યું હતું. એક પ્રધાને આવો નિર્ણય લીધો હોય તેવું દેશમાં કદી બન્યું નથી. મરણોપરાંત ‘ભારતરત્ન’ મેળવનારા શાસ્ત્રીજી પહેલા હતા.
ગાંધીજી પશ્ચિમના વિરોધી હતા એવી છાપ છે. પણ ગાંધીજીના ઘડતરમાં પશ્ચિમના અમુક મૂલ્યોનો બહુ મોટો ફાળો હતો. ચોકસાઈ, નિયમિતતા, સ્વચ્છતા, કરુણા, સમાનતા, બંધુત્વ – આ બધું જે રીતે એમના અસ્તિત્વમાં વણાઈ ગયું હતું તે આપણી આધ્યાત્મિક પરંપરા કરતાં પશ્ચિમની વિભાવનાઓને વધારે મળતું આવતું હતું. ગાંધીજી પછીની પેઢીએ આ તત્ત્વોને વધતાઓછા પ્રમાણમાં અપનાવ્યાં. શાસ્ત્રીજીમાં આ ગુણો ભરપૂર પ્રમાણમાં હતા. પરંપરાના ખૂંચે તેવા અંશોથી અલિપ્ત રહેવાના આ બંનેએ સભાન પ્રયત્નો કર્યા હતા. શાસ્ત્રીજી નરમ હતા, પણ વખત આવે સિંહની જેમ ગર્જી ઊઠતા. ગાંધીજીની જેમ તેમની અહિંસા પણ વીરની અહિંસા હતી. મહાત્મા ગાંધીએ સવિનય કાનૂનભંગ અને સત્યાગ્રહ દ્વારા ગુલામ અને કચડાયેલી પ્રજામાં આત્મવિશ્વાસ અને નિર્ભયતાનો પ્રાણ પૂર્યો. શાસ્ત્રીજી વડા પ્રધાન થયા ત્યારે એક ક્ષિતિજ પર તાજી પૂરી થયેલી ચીનની લડાઈના ધુમાડા ઊઠતા હતા, બીજી ક્ષિતિજ પર પાકિસ્તાનની લડાઈ ગાજતી હતી. અદ્દભુત કાબેલિયત અને હિંમતથી તેમણે પરિસ્થિતિ સંભાળી લડાઈ રોકવાના પૂરા પ્રયત્ન કર્યા, પણ લડવાનું આવ્યું ત્યારે હાકલ કરી, ‘જરૂર પડશે તો આપણે ભૂખ્યા રહી લઈશું પણ માતૃભૂમિની સ્વતંત્રતાનો સોદો નહીં થવા દઈએ.’ અને દેશ પોતાનાં દુ:ખો ભૂલીને જુસ્સામાં આવી ગયો.
ગાંધીજી અને શાસ્ત્રીજી બંને કોઈ વાત કહેતા પહેલા પોતે તેને અમલમાં મૂકતા. ગાંધીજીને સાંભળી લાખો લોકો ખાદીધારી બનતા, હજારો યુવાનો ગામડામાં જઈ સેવાના ભેખધારી બન્યા અને સૌ અસ્પૃશ્યતા શબ્દને ભૂલી ગયા કારણ કે ગાંધીજીએ પોતાનો દરેક શબ્દ ઉચ્ચારમાં મૂકતા પહેલા આચારમાં મૂક્યો હતો. શાસ્ત્રીજી વડા પ્રધાન હતા તે વખતે દેશમાં અનાજની તંગી હતી. અમેરિકાએ સડેલા ઘઉં મોકલ્યા ત્યારે શાસ્ત્રીજીએ કહ્યું કે આવું સડેલું અનાજ ખાવા કરતાં દરેક નાગરિક અઠવાડિયામાં એક ટંક ન ખાય તો અનાજની તંગીનો પ્રશ્ન ઉકલી જાય. કરોડો લોકોએ આ ‘શાસ્ત્રીવ્રત’ પાળવા માંડ્યું અને શહેરોના રેસ્ટોરાં પણ એક ટંક બંધ રહેવા માંડ્યા કારણ કે આ વાત કહેતા પહેલા શાસ્ત્રીજીએ પોતાના ઘરનું રસોડું પણ એક ટંક માટે બંધ કરાવ્યું હતું.
ગાંધીજી અને શાસ્ત્રીજી બંને દેખાવમાં સાવ સામાન્ય. પ્રભાવશાળી બિલકુલ નહીં. બંને સ્વેચ્છાએ અપનાવેલી ગરીબીમાં જીવ્યા. તેમના કુટુંબોએ તેમના આદર્શો અપનાવ્યા અને મૂંગા મોઢે બલિદાનો આપ્યાં. કસ્તૂરબાનું મૃત્યુ જેલમાં થયું, પુત્ર હરિલાલ સાથે કાયમી જુદાઈની સ્થિતિ આવી ગઈ. શાસ્ત્રીજી જેલમાં હતા ત્યારે તેમની પુત્રી સરવારના અભાવે મૃત્યુ પામી.
કઈ તાકાતે ઊભા રાખ્યા હશે તેમને? શું પ્રાપ્ત કર્યું તેમણે? પોતાનાં જીવન અને કાર્યોથી રાજકારણ જેવા વગોવાયેલા ક્ષેત્રમાં પણ સિદ્ધાંત, સાદગી અને સજ્જનતાને સ્થાન અપાવનારા આ બંને મહાનુભાવો આખરે કઈ માટીના બન્યા હશે? એવી નોખી માટી, એવા નોખા માનવીઓ હવે આ દેશ ઉત્પન્ન નહીં કરતો હોય શું?
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 01 ઑક્ટોબર 2023