અમારા સમયમાં વાતાવરણ ખૂબ પ્રેરક હતું. શિક્ષિત અને સેવાભાવી માબાપ અને આઝાદીનાં સંઘર્ષ વિશે માહિતી આપતા શિક્ષકોને લીધે મારામાં ગાંધીમૂલ્યો, સ્વતંત્રતા તેમ જ આત્મનિર્ભરતા સહેજે સહેજે ઊતરી આવ્યાં. આજે શિક્ષણનો સમાજ સાથે સંબંધ રહ્યો નથી. શિક્ષણથી યુવાન ચારિત્રશીલ અને ઉદ્યમી બનવો જોઈએ. તેના હૈયે સમાજનું હિત વસવું જોઈએ. એવું ક્યાં થાય છે ? જેને કામ મળે છે એ સ્વાર્થી થઈ જાય છે. બીજી બાજુ શિક્ષિત બેકારોની સંખ્યા વધતી જાય છે. સ્ત્રીમાં પરિવર્તનની આગેવાની લેવાની શક્તિ છે. એના સક્રિય પ્રદાન વગર આપણે ગરીબીને દૂર કરી શકવાના નથી.
— ઇલાબહેન ભટ્ટ
‘સ્ત્રીઓ જ પરિવર્તનની વાહક છે. એમની ભાગીદારી વગર ગરીબી દૂર થઈ શકશે નહીં’. ‘સમાજની ગરીબીને સહેતા રહેવું એ નૈતિક નિષ્ફળતા છે’. ‘દરેક કામમાં જોખમ હોય જ છે. દરેક સફળતાની અંદર નિષ્ફળતાનું બીજ હોય જ છે, પણ તે અગત્યનું નથી. તમે તેની સાથે શી રીતે તાલ મિલાવો છો એ જ ખરો પડકાર છે.’
કોઈપણને ક્યારે પણ પ્રેરણા આપી શકે એવા આ શબ્દો છે ‘સેવા’ના પર્યાયરૂપ બની રહેલા ઈલાબહેન ભટ્ટના. સફળ, સુંદર, કલ્યાણકારી જીવન પૂર્ણ કરી ‘સેવા’ના સ્થાપક, પદ્મભૂષણ અને ગૂજરાત વિદ્યાપીઠના ભૂતપૂર્વ કુલપતિ ઇલાબહેન ભટ્ટે ચિરવિદાય લીધી. ઈલાબહેનનું સૌથી ભવ્ય પ્રદાન લાખો ગરીબ સ્ત્રીઓને સ્વમાનભેર જીવતી કરવાનું હતું અને એક શ્રમજીવી બહેને આંખમાં આંસુ સાથે કહેલા શબ્દો ‘અમ ગરીબોની તો એ મા હતી’ એ એમને મળેલી સર્વશ્રેષ્ઠ અંજલિ હતી.
વિશ્વના કપરા પ્રશ્નોને હલ કરવા પોતાના જ્ઞાન તથા અનુભવને કામે લગાડવાના આશયથી જુલાઈ ૨૦૦૭માં નેલ્સન મંડેલા, વાર્કા માકેલ અને ડેસમન્ડ ટુટુએ એક સભા ગોઠવી જેને પછીથી નેલ્સન મંડેલાએ એક સંગઠન તરીકે સ્થાપી ‘ધ એલ્ડર્સ’ નામ આપ્યું. બેન કી મૂન, પાકિસ્તાની માનવઅધિકાર કર્મશીલ હીના જિલાની, બાંગલાદેશના મહમ્મદ યુનુસ, કોફી અન્નાન જેવાં લોકો તેના સભ્યો હતા. આ ‘ધ એલ્ડર્સ’ના ભારતીય સભ્ય હતાં ઇલાબહેન ભટ્ટ.
‘ધ એલ્ડર્સ’ની વૅબસાઇટ પર ઈલાબહેને લખેલું છે, ‘અન્યાય સામેની લડત અહિંસક રૂપે હોય તો વધુ અસરકારક સાબિત થાય છે. આ લડતમાં શસ્ત્રો વાપરનાર કાયર સાબિત થાય છે. અહિંસક લડતમાં વધુ શક્તિ અને મહેનતની જરૂર પડે છે.’ ‘ધ એલ્ડર્સ’ સ્ત્રી સમાનતા અને બાળવિવાહ અંગે જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરે છે. ૨૦૧૨ના ફેબ્રુઆરીમાં ઇલાબહેને ‘ધ એલ્ડર્સ’ના સભ્યો ડેસમન્ડ ટુટુ, ગ્રોહાર્લેમ બ્રુટાલેન્ડ અને મેરી રોબિન્સન સાથે બિહારનો પ્રવાસ કર્યો, ‘જાગૃતિ’ નામની બાળવિવાહને લગતાં કાર્ય કરતી સંસ્થાની સમીક્ષા કરી અને ઑગસ્ટ ૨૦૦૯ અને ઑક્ટોબર ૨૦૧૦માં એલ્ડર્સના પ્રતિનિધિમંડળ સાથે મધ્યપૂર્વના દેશોની મુલાકાત લીધી હતી.
ઇલા રમેશ ભટ્ટ જન્મ ૧૯૩૩માં અમદાવાદમાં. પિતા સુમંતરાય ભટ્ટ સફળ વકીલ હતા અને માતા વનલીલા ઓલ ઇન્ડિયા વિમેન્સ કોન્ફરન્સના સેક્રેટરી હતાં. ઈલાબહેનનું બાળપણ સુરતમાં વીત્યું, ૧૯૫૨માં અંગ્રેજી વિષયમાં સ્નાતક થયાં અને ૧૯૫૪માં સુવર્ણ ચંદ્રક સાથે તેમણે એલ.એલ.બી. કર્યું. થોડો વખત મુંબઈની એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટીમાં અંગ્રેજી શીખવ્યા બાદ ૧૯૫૫માં તેઓ અમદાવાદની મિલ મજૂર સંઘમાં જોડાયાં અને અનસૂયા સારાભાઈ સાથે ઘણું કામ કર્યું. ૧૯૫૬માં તેમનાં લગ્ન રમેશ ભટ્ટ સાથે થયાં. ગુજરાત સરકારમાં થોડાં વર્ષ કાર્ય કર્યા બાદ તેમને મજૂર સંઘની મહિલા પાંખના વડા બનવાનું કહેવામાં આવ્યું. ૧૯૭૧માં તેમણે ઈઝરાઈલના તેલ અવીવની આફ્રો એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ લેબર કો-ઓપરેટિવ્સમાં ત્રણ મહિના અભ્યાસ કરી મજૂર અને સહકારી મંડળનો આંતરરાષ્ટ્રીય ડિપ્લોમા મેળવ્યો.
મિલો બંધ થવા માંડી ત્યારે ઘણી સ્ત્રીઓ ઘરમાં ટેકો કરવા મજૂરી કરતી, પરંતુ તેમને કાયદાનું સંરક્ષણ ન મળતું. ઇલાબહેને આવી બહેનોને મજૂર સંઘની મહિલા પાંખ હેઠળ સંગઠિત કરી. ૧૯૭૨માં તેમણે સ્વાશ્રયી મહિલા સેવા સંઘ(સેલ્ફ-એમ્પ્લૉય્ડ વિમેન્સ એસોશિએશન)ની સ્થાપના કરી અને ૧૯૭૨થી ૧૯૯૬ સુધી તેના જનરલ સેક્રેટરી પદે રહ્યાં. કાયદાના સ્નાતક તો હતાં જ, ઈન્ટરનેશનલ લેબર, સ્ત્રીઓને લગતા વિષયો, માઈક્રો ફાયનાન્સ અને સહકારી મંડળ સંલગ્ન ચળવળો સાથે પણ જોડાતાં ગયાં અને લાખો ગરીબ સ્ત્રીઓનાં સશક્તીકરણ બદલ પદ્મભૂષણ, રેમન મેગ્સેસે ઍવોર્ડ, રાઈટ લાઈવલીહુડ એવૉર્ડ, નીવાનો શાંતિ પુરસ્કાર, ગ્લોબલ ફેરનેસ ઍવોર્ડ, રેડક્લિફ પદક તેમ જ ઇંદિરા ગાંધી શાંતિ પુરસ્કાર જેવાં અનેક સન્માનો મેળવ્યાં.
૧૯૭૯માં સ્થપાયેલી વિમેન્સ વર્લ્ડ બેંકિંગના તેઓ એસ્થર ઓક્લૂ એમીશેલા વોલ્શ સાથે સ્થાપક સભ્ય હતાં. ૧૯૮૦થી ૧૯૯૮ સુધી તેના પ્રમુખ રહ્યાં. સેવા કો-ઑપરેટીવ બેંક, લારીવાળાઓના આંતરરાષ્ટ્રીય સંગઠન-હોમનેટના તેઓ પ્રમુખ હતાં. છેક સુધી વિમેન ઈન ઇન્ફોર્મલ એમ્પ્લોયમેન્ટ : ગ્લોબલાઈઝીંગ એન્ડ ઑર્ગેનાઈઝીંગના બોર્ડ ઑફ ડાયરેક્ટર તેમ જ રોકેફેલર ફાઉન્ડેશનના ટ્રસ્ટી હતાં. તેમને અમેરિકાની હાવર્ડ અને જ્યોર્જટાઉન યુનિવર્સિટી, બેલ્જિયમની યુનિવર્સિટી લીબ્રે અને યેલ અને નાતાલ યુનિવર્સિટીએ માનવતા માટેની ડોક્ટરેટની પદવી આપી છે.
‘વી આર પુઅર બટ સો મેની : ધ સ્ટ્રોરી ઑફ સેલ્ફ-એમ્પ્લોય્ડ વુમન ઈન ઇન્ડિયા’ તેમ જ ‘અનુબંધ : બિલ્ડીંગ ઑફ હન્ડ્રેડ માઈલ કોમ્યુનિટીઝ’ એમનાં ખૂબ જાણીતાં પુસ્તકો છે જે ગુજરાતી, ઉર્દૂ, હિન્દી, તમિળ અને ફ્રેંચમાં ભાષામાં અનુવાદ પામ્યાં છે.
ઇલાબહેન કહેતાં, ‘મહિલાઓને આર્થિક અને સામાજિક ક્ષેત્રે યોગ્ય સ્થાન અને તક આપીએ ત્યારે જ તેઓ ખરા અર્થમાં સ્વંતત્ર થઇ શકે. અમારા સમયમાં વાતાવરણ ખૂબ પ્રેરક હતું. માતાપિતા શિક્ષિત અને સેવાભાવી, શિક્ષકો પણ આઝાદીનાં સંઘર્ષ વિશે માહિતી આપતા. આમ ગાંધીમૂલ્યો, સ્વતંત્રતા તેમ જ આત્મનિર્ભરતા મારામાં સહેજે સહેજે ઊતરી આવ્યાં.’
ઘરે બેસીને રોજગારી મેળવવા ઈચ્છતી કે હુન્નર જાણતી મહિલાઓને કામ મળે અને સન્માનજનક આવક મળે એ માટે ઇલાબહેનની દીર્ઘદૃષ્ટિ હેઠળ અનેક પ્રોજેક્ટ્સ કાર્યરત રહ્યા, જેનો લાખો મહિલાઓએ લાભ લીધો. ગરીબ મહિલાઓને રોજગાર માટે લોન મળે એ માટેના તેમનાં પ્રોજેક્ટ્સનું વિશ્વમાં અન્યત્ર પણ અનુકરણ થયું છે. સેવા 8 રાજ્યોમાં કામ કરે છે. 120 સહકારી સંસ્થાઓ ચાલે છે. સેવાની પોતાની બૅન્ક છે. સેવા યુનિયન પણ ચાલે છે. સેવાની કુલ સભ્ય સંખ્યા 19 લાખની છે.
વર્તમાન શિક્ષણવ્યવસ્થા માટે પૂછવામાં આવે તો તેઓ કહે છે, ‘તોબા તોબા. હાલનું શિક્ષણ પ્રાથમિક જરૂરિયાત પણ નથી પૂરી પાડી શકતું. હાલના સમયમાં પ્રામાણિક અને મહેનતુ લોકો ગરીબ જ રહે છે. તેમના પર અત્યાચારો થતા રહે છે. શિક્ષણનો સમાજ સાથે સીધો સબંધ હોવો જોઇએ, તે ક્યાં છે? શિક્ષણથી યુવાન ચારિત્રશીલ અને ઉદ્યમી બનવો જોઈએ. તેના હૈયે સમાજનું હિત વસવું જોઈએ. એવું ક્યાં થાય છે ? જેને કામ મળે છે એ સ્વાર્થી થઈ જાય છે. બીજી બાજુ શિક્ષિત બેકારોની સંખ્યા વધતી જાય છે. આપણે આઝાદ છીએ પણ ટેક્નોલોજીનાં ગુલામ બની રહ્યાં છીએ. ટેક્નોલોજી નહીં, પણ તેનો ખોટી રીતનો ઉપયોગ માણસને ગુલામ બનાવે છે.
આજની યુવતીઓ વિશે પણ તેમનો આવો જ મત છે. તેઓ કહે છે કે ‘આજે યુવતીઓ શિક્ષિત, વિશ્વના પ્રવાહોથી પરિચિત અને આત્મવિશ્વાસથી ભરપૂર થતી જાય છે એ તો સારી વાત છે. પણ તેમનામાં મૂલ્યોની તાકાત નથી. સમજનું ઊંડાણ નથી. અન્ય પ્રત્યેની જવાબદારીની ખેવના નથી. જિંદગીનાં ધ્યેય અને અર્થની બાબતમાં તેમની પાસે નક્કર વિચાર નથી. દુનિયાની પ્રગતિમાં મહત્ત્વનું પરિબળ મહિલા ચળવળ છે. મહિલાઓએ દેખા-દેખીથી દૂર રહેવું જોઇએ. સ્ત્રીસહજ, માતૃસહજ મૂલ્યોને જાળવવાં જોઇએ. આ ગુણોથી જ ભારત વિશ્વશાંતિની આગેવાની કરી શકાશે. સ્ત્રીમાં પરિવર્તનની આગેવાની લેવાની શક્તિ છે. એના સક્રિય પ્રદાન વગર આપણે ગરીબીને દૂર કરી શકવાના નથી. સ્ત્રી પોતાનાં કુટુંબ અને સમાજનો વિચાર કરે છે. ઘરકામ અને બાળઉછેર પણ સ્ત્રીસશક્તીકરણનાં ક્ષેત્રો છે. દરેક સ્ત્રી માતા અને પત્ની છે તેમ જ કુટુંબ ચલાવે છે. આ પ્રદાનને આધુનિક મહિલાએ અવગણવું જોઈએ નહીં.’
તેઓ લોકોને પણ જાગૃત કરે છે, ‘આરોગ્ય, શિક્ષણ અને બૅન્કિંગ આપણી પાયાની સેવાઓ છે. તેને લગતી યોજનાઓ સરકાર આપે છે, પણ તેનું અમલીકરણ થવું જરૂરી છે. માત્ર સરકારી સ્તરે નહીં, સામાજિક અને વ્યક્તિગત રીતે પણ અમલીકરણ થવું જોઇએ. આજે લોકશક્તિ તૈયાર કરવી આવશ્યક છે. લોકશક્તિથી પાયાનાં સવાલોનું નિરાકરણ આવી શકે.’
ઇલાબહેન જીવનભર ગાંધીજીનાં માર્ગે જ ચાલ્યાં હતાં. કહેતાં, ‘મને સાદગી અત્યંત પ્રિય છે. હું માનું છું કે સાદગી અપનાવવાથી અંગતથી માંડી વૈશ્વિક પ્રશ્નો હલ થઈ જાય છે. સાદગીથી જીવનારને ખોટું બોલવાની કે ખોટું કરવાની જરૂર જ રહેતી નથી. લોભ, ઈર્ષા, ગુસ્સો, ધિક્કાર કે હિંસા તેને પજવતાં નથી. માણસ અંદરબહારથી સ્વચ્છ-સુંદર થતો જાય છે. દુનિયાને આવા જ સૌંદર્યની જરૂર છે.’
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 06 નવેમ્બર 2022