નારીવાદી નવલકથા ‘ધ વુમન્સ રૂમ’ કહે છે કે સ્ત્રી માટે ઘર અને પુરુષ માટે દુનિયા એવી સંસ્કૃતિમાં લગ્નથી પુરુષને લાભ મળે છે અને સ્ત્રીને અન્યાય થાય છે. મુક્ત થવાનો તેમનો માર્ગ વિઘ્નોથી ભરેલો છે. આ સ્થિતિ સાચી છે અને એમાંથી નીકળવાનો પ્રયત્ન સ્ત્રીએ જ કરવાનો છે, પણ પુરુષવિરોધી થયા વિના. જે વ્યવસ્થાની શિકાર સ્ત્રી છે એનો શિકાર પુરુષ પણ છે. પુરુષના હિસ્સામાં વધારે લાભ આવ્યા છે અને એથી એની આંખ મોડી ખૂલે છે પણ તે છીછરો કે અત્યાચારી જ છે અને સ્ત્રીને કદી સાથ નથી આપતો એવું તારણ નીકળે તે જાગૃત સ્ત્રીઓને પણ ખૂંચે.
‘સ્ત્રીને ખતમ કરવી છે? બહુ સહેલું છે. તેને મારી નાખવાની જરૂર નથી. બળાત્કાર કરવાની કે માર મારવાની પણ જરૂર નથી. બસ, તેની સાથે લગ્ન કરી લો, કામ થઈ જશે.’ આ શબ્દો છે પ્રખ્યાત નવલકથા ‘ધ વુમન્સ રૂમ’ની અમેરિકન નારીવાદી લેખિકા મેરિલીન ફ્રેન્ચના. આ નવલકથા પ્રગટ થયાને 45 જેટલાં વર્ષ થયાં એટલે કે લગભગ બે પેઢી ત્યાર પછી બદલાઈ. વિશ્વ પર બહુ ઝડપથી બહુ મોટાં પરિવર્તનોનાં મોજાં ફરી વળ્યાં. છતાં ‘ધ વુમન્સ રૂમ’નું સાહિત્યિક, ઐતિહાસિક અને સામાજિક મહત્ત્વ ઘટ્યું નથી.
21 નવેમ્બરે મેરિલીન ફ્રેન્ચનો જન્મદિન છે. ‘ધ વુમન્સ રૂમ’ મેરિલીન ફ્રેન્ચની પહેલી નવલકથા હતી, નારીવાદના અમેરિકન ઇતિહાસમાં પણ તે આ પ્રકારની પહેલી નવલકથા હતી અને ભારતીય પરિપ્રેક્ષ્યમાં પણ તેને જોવાની મજા આવે એમ છે.
આ નવલકથાએ મેરિલીનને નારીવાદી ચળવળની અગ્રણી બનાવી હતી. નાયિકા મીરાની જેમ તે પણ લગ્ન અને છૂટાછેડાના અનુભવમાંથી પસાર થઈ હતી અને તેની જેમ જ હાર્વર્ડમાં અંગ્રેજી સાહિત્યમાં પીએચ.ડી. કરી નારીવાદી આંદોલનમાં જોડાઈ હતી. જો કે તે કહે છે, ‘આ નારીવાદ કે તેના આંદોલનની નહીં, આજની નારીના જીવનની કથા છે.’ નવલકથા પ્રગટ થઈ કે તરત તેના પર ટીકાઓનો વરસાદ વરસ્યો કે તે વધુ પડતી નકારાત્મક અને પુરુષવિરોધી છે પણ તેથી તો તેની લોકપ્રિયતા અત્યંત વધી ગઈ હતી.
નાયિકા મીરાની યુવાની બીજા વિશ્વયુદ્ધ પછીના ‘બેબી બૂમ પિરિયડ’માં વીતે છે. ‘બેબી બૂમ પિરિયડ’ એટલે બીજા વિશ્વયુદ્ધ પછીના 1940થી 1960ના દાયકાઓનો ગાળો. આ ગાળામાં અમેરિકામાં નાની ઉંમરમાં થતાં લગ્ન અને બાળજન્મને સરકારી પ્રોત્સાહન મળતું હતું. ત્યારે લોકો શહેરથી દૂર વસતા, ઓછા પૈસામાં જીવન શક્ય હતું અને સ્ત્રીએ પરંપરાગત ગૃહિણી અને મા તરીકે ઘરમાં સંતુષ્ટ જીવન જીવવું એવી પરંપરા હતી. 60ના દાયકામાં નારીવાદનું બીજું મોજું આવ્યું જેમાં પોતાના શરીર અને કાર્યક્ષેત્રના નિર્ણયો સ્ત્રીના હાથમાં હોવા જોઈએ એવો મુદ્દો ઊપડ્યો. 1963માં ‘ધ વિમેન્સ મિસ્ટિક’માં લેખિકા બેટ્ટી ફ્રીડને સ્ત્રીના આવા – જેનું કોઈ નામ નથી’ – એવાં પ્રશ્નોની ચર્ચા કરી. આ વિચારધારાને જ આગળ વધારીને લેખિકાએ ‘ધ વુમન્સ રૂમ’માં ઘર સંભાળતી સ્ત્રીઓના વ્યાપક એવા અસંતોષને વ્યક્ત કર્યો છે.
50-60ના દાયકામાં અમેરિકાના મધ્યમવર્ગીય પરિવારમાં ઉછરેલી તરુણ મીરાને એક યુવાન સાથે નિકટની મૈત્રી છે, પણ તે તેને ભવિષ્યમાં ‘એકલી ને ઘર સાફ કરતી’ છોડીને પોતાની દુનિયામાં ચાલ્યો જશે એમ લાગતાં એ તેની સાથે લગ્ન કરતી નથી. ત્યાર પછી નૉર્મ નામના એક ડૉક્ટર સાથે એ લગ્ન કરે છે ને બે સંતાનોની મા બને છે. દાંપત્યજીવન સરસ ચાલતું હોય છે, પણ ધીરે ધીરે નૉર્મ વ્યસ્ત થતો જાય છે, પરિવાર સાથે સમય વીતાવી શકતો નથી. મીરા એકલી અને બાળઉછેર, રસોઈ ને સાફસૂફીના નીરસ અને કોઈ વળતર વગરના પરિશ્રમમાં ફસાયેલી રહી જાય છે. તે અનુભવે છે કે સ્ત્રી માટે ઘર અને પુરુષ માટે દુનિયા એવી સંસ્કૃતિમાં લગ્નથી પુરુષને લાભ મળે છે અને સ્ત્રીને અન્યાય થાય છે. તે એ પણ જુએ છે કે બીજી અનેક સ્ત્રીઓની સ્થિતિ તો પોતાના કરતાં ય ખરાબ છે. આ સ્ત્રીઓ લગ્ન બહારના સંબંધોમાં કે પાર્ટીઓ વગેરેમાં પોતાની એકલતાનો ઈલાજ શોધવાની નિષ્ફળ મથામણ કરી રહી છે.
એક દિવસ નૉર્મ મીરાને કહે છે કે તે હવે રસકસ વિનાની બની ગઈ છે અને એવી સ્ત્રી સાથે પોતે જીવન વીતાવી શકે એમ નથી. હતબુદ્ધ મીરા પહેલા તો આત્મહત્યાનો પ્રયાસ કરે છે, પછી સખી માર્થાની સમજાવટથી પતિને છૂટો કરે છે અને શિક્ષણ તેના રસનો વિષય હોવાથી હાર્વર્ડમાં પ્રવેશ મેળવી અંગ્રેજી સાહિત્યમાં પીએચ.ડી. કરે છે. સમાન વિચારવાળી સહેલીઓ મળતી જાય છે. જુદું વિચારતી સ્ત્રીઓ તરીકે તેમને કોઈ ને કોઈ સમસ્યા છે. મીરાની એક સહેલી વાલ તેને નારીવાદનો પરિચય કરાવે છે. આ વાલની દીકરી પર બળાત્કાર થાય છે, ત્યારે વાલ આક્રોશથી કહે છે, ‘જાહેર જીવનમાં જે પણ હોય, સ્ત્રી સાથેના સંબંધમાં દરેક પુરુષ માત્ર બળાત્કારી સિવાય કશું નથી. તેઓ આપણા પર નજરથી, કાયદાથી અને નિયમોથી અત્યાચાર જ કરતાં આવ્યા છે.’
અહીં મીરાને આફ્રિકાનો રાજદૂત બેન મળે છે. તેની સાથેના પ્રેમમાં મીરાને તનમનની તૃપ્તિ અને સ્વાતંત્ર્ય બંનેનો એકસાથે અનુભવ થાય છે ને તેના મનમાં સ્ત્રીને તેની સ્ટીરિઓટાઈપ્ડ ભૂમિકામાંથી મુક્ત કરવાનો વિચાર આકાર લેતો જાય છે. મીરાના વિકસતા જતા વ્યક્તિત્વને જોઈને તેનાં સંતાનો પણ ખુશ થાય છે. બેન સાથે મીરા ખુશ છે, પણ આફ્રિકાનો બેન તેને પોતાના દેશમાં લઇ જવા માગે છે ત્યારે તેમનો સંબંધ પૂરો થાય છે.
વાર્તાના અંતે બેન તેની સેક્રેટરી સાથે લગ્ન કરી બે બાળકોનો પિતા બન્યો છે, મીરા એક કોલેજમાં ભણાવે છે – તેના જીવનમાં કોઈ પુરુષ નથી. વાલ બળાત્કાર માટે કાઢેલા એક મોરચામાં મૃત્યુ પામી છે.
2009માં લેખિકાનું મૃત્યુ થયું ત્યારે વીસ ભાષામાં તેની બે કરોડ નકલો વેચાઈ ચૂકી હતી.
1983માં પ્રગટ થયેલી ને તે પહેલા ‘જન્મભૂમિ પ્રવાસી’માં હપ્તાવાર છપાયેલી કુન્દનિકા કાપડિયાની ‘સાત પગલાં આકાશમાં’ આ સંદર્ભે યાદ આવ્યા વિના ન રહે. તેમની વસુધા અને તેની સાહેલીઓ પણ સ્ત્રીની પરંપરાગત ભૂમિકાના અન્યાયની શિકાર છે, પણ મુક્ત થવાનો તેમનો માર્ગ વિઘ્નોથી ભરેલો છે. આસપાસની અનેક સ્ત્રીઓમાં વસુધા પોતાનું પ્રતિબિંબ જુએ છે. એ પણ જુએ છે કે અનેક સ્ત્રીઓ પોતાનાથી પણ બદતર સ્થિતિમાં જીવે છે. ત્રણ દાયકાના લગ્નજીવન પછી વસુધા પણ ઘર છોડે છે અને મૈત્રી અને સમાનતાના સિદ્ધાંત પર રચાયેલી આનંદગ્રામ નામની વસાહતમાં રહેવા જાય છે. આ નવલકથાની સત્તર આવૃત્તિ થઈ છે.
‘ધ વુમન્સ રૂમ’ જેટલી વખણાઈ તેટલી જ તેની ટીકા પણ થઈ. ‘સાત પગલાં આકાશમાં’ને પણ ‘લેખિકાને નોબેલ પ્રાઇઝ મળવું જોઈએ’થી માંડીને ‘લેખિકાને જેલમાં પૂરી દેવાં જોઈએ’ જેવા પ્રતિભાવો મળ્યા હતા. કુન્દનિકાબહેને આ પ્રતિભાવોનું એક આખું પુસ્તક ‘આનંદ અને આક્રોશ’ બહાર પાડ્યું છે. તેના પ્રત્યુત્તર કે પ્રત્યાઘાત રૂપે મીરા ભટ્ટની ‘સાત પગલાં સાથે’ અને ઉષા શેઠની ‘અવનવી’ જેવી સુંદર નવલકથાઓ લખાઈ છે.
‘ધ વુમન્સ રૂમ’ અને ‘સાત પગલાં આકાશમાં’ની મોટી મર્યાદા એ છે કે તેમાં મજબૂત પુરુષપાત્રોનો લગભગ અભાવ છે અને લેખિકાઓની દૃષ્ટિ સારી એવી એકાંગી છે. એમાં વર્ણવાયેલી સ્ત્રીની સ્થિતિ ભલે સાચી છે. એમાંથી નીકળવું જોઈએ એ પણ સાચું છે, પણ એથી પુરુષવિરોધી થવાનું કારણ નથી, કારણ કે જે વ્યવસ્થાની શિકાર સ્ત્રી છે, પુરુષ પણ તે જ વ્યવસ્થાનો શિકાર છે. પુરુષના હિસ્સામાં લાભ વધારે આવ્યા છે એટલે તેની આંખો મોડી ખૂલે છે; પણ તે છીછરો કે અત્યાચારી જ છે અને સ્ત્રીને કદી સાથ નથી આપતો એવું તારણ નીકળે તે ખોટું. જાગૃત સ્ત્રીઓને પણ આ ખૂંચે, તો પુરુષોને તો આ ન જ ગમે. ગમે તેમ, 1977 સુધી અમેરિકામાં આ વિષયમાં નૉનફિક્શન જ લખાતું ને વંચાતું તે ચીલો ‘ધ વુમન્સ રૂમ’ નવલકથાએ તોડ્યો, અને તેનું નામ ‘અંકલ ટોમ્સ કેબિન’, ‘સાયલન્ટ સ્પ્રિંગ’ કે ‘ટુ કિલ ધ મોકિંગબર્ડ’ જેવી સીમાચિહ્નરૂપ કૃતિઓ સાથે મુકાયું તે એ વિક્રમસર્જક ઘટના હતી.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 17 નવેમ્બર 2024