(1)
અમે ડૂબી જવા કૂદ્યા અને દરિયો તરી બેઠા
અને જખ્મી કરી ગઈ એ જ પળને ઓતરી બેઠા
ઘણાં વર્ષો પછી આજે અચાનક એમને જોયા
ફરી વર્ષો પછી રૂઝ્યા જખમને ખોતરી બેઠા
હવે શી રીતે ઓઝલ અમારાથી થઈ શકશો
હવાની આંખમાં ચહેરો તમારો કોતરી બેઠા
નથી ચાલ્યાં કદીયે આંગણાથી દૂર ડગલુંયે
છતાંયે જાતને ક્યાં ક્યાં અમારી જોતરી બેઠા
જખમની સાથ સાહિલ જીવતાં શીખી જવું પડશે
અમે ખુદ સામે ચાલી ખંજરોને નોતરી બેઠા
(2)
મારા જ હાથે રાત ‘દિ ખાલીપા ઠાલવ્યા
પાછા વળી મેં જીવની માલીપા ઠાલવ્યા
પૂછી રહી છે ઘરની દિવાલો મને હજી
કે ટેરવાંમાં કોણે આ ઓળીપા ઠાલવ્યા
અંધાર ઓઢી બેઠા છે જનમોજનમથી જે
મેં એવાં ઓરડાઓ મહીં દીપા ઠાલવ્યા
વર્ષોથી સામસામે છીએ આપણે પછી
કોણે મિલનના માર્ગમાં ખોટીપા ઠાલવ્યા
સાહિલ મેં છિન્ન સ્વપ્નને પાંપણની પાળથી
ઓલીપા ઠાલવ્યા કદી આણીપા ઠાલવ્યા
(3)
પરિણામ એક સરખા મળ્યા અમને પ્રીતમાં
છે જીત હારમાં અને છે હાર જીતમાં
એ બાગ એ ઘટા અને એ મૌન બાંકડો
જોઈ બિચારો જીવ સરે છે અતીતમાં
મન મારીને રહેવું પડે છે તો ય સર્વને
જીવ્યાં છે કોણ ચૈનથી દુનિયાની રીતમાં
ના કેમ થાબડું કવિની પીઠને કહો
જખ્મીને જે ઉતારે છે સૂરીલા ગીતમાં
સાહિલ મેં કાંચળીને ઉતારી નથી હજી
શું એટલે ગણાયો છું હું યે પુનીતમાં
(4)
હાથવા હોવા છતાં પણ હાથમાં આવ્યા નહીં
જેમને અંગત ગણ્યા એ આથમાં આવ્યા નહીં
એમના અવતારને અવતાર માનું કેમ હું
નામ જેઓના સમયની ગાથમાં આવ્યા નહીં
હાથ ફેલાવી વીતાવ્યો બાગમાં મનખો છતાં
એક બે વાસી ફૂલો પણ બાથમાં આવ્યાં નહીં
જિંદગાનીની સફરમાં સેંકડો આવ્યા છતાં
કોઈ મનગમતાં ઉતારા પાથમાં આવ્યા નહીં
શ્વાસની જેમ જ રહ્યા જે સાથ સાહિલ ઉમ્રભર
એ ય પણ અંતિમ સફરમાં સાથમાં આવ્યા નહીં
નીસા 3/15 દયાનંદ નગર, રાજકોટ 360 002
e.mail : sahilrjt1946@gmail.com