1.
ખાલીપામાં ટોળાયો છું
ઘરમાં છુ ને રોળાયો છું
ક્યાં કોઈએ કંકર ફેંક્યો
અમથી અમથો ડ્હોળાયો છું
જીવતરના જંતરમંતરમાં
ખોવાયો છું – ખોળાયો છું
ઘટના કોઈ ઘટી ના તો પણ
વારે ઘડીએ તોળાયો છું
ગાઢ ઘરોબો જળથી તોયે
મૃગજળમાં બોળાયો છું
ખાલીખમ કૂવાનો વારસ
પળ પળ તોયે ઢોળાયો છું
કોની હળવી ફકે સાહિલ
લીલુંછમ હું કોળાયો છું
…………..
2.
કહે પાંદડું ડાળ પરથી ખરેલું
મરેલું હંમેશાં રહે છે મરેલું
ખુશી શી રીતે ફરકે મારા જીવનમાં
છે અસ્તિત્વ મારું પીડાને વરેલું
બની બેઠું નભમાં જઈને સિતારો
જે અશ્રુ પ્રતીક્ષાની પળમાં સરેલું
પરિચયનો તંતુ ભલે સહુએ તોડ્યો
રહ્યો મારો સંબંધ સહુથી ઘરેલું
સીધી વાત સ્વીકારવામાં ય સાહિલ
મને મારા સાથે જ વાકું પડેલું
………………
3.
ધોરણો જેવું કશું હોતું નથી
સગપણો જેવું કશું હોતું નથી
સમજૂતીની આંખના કોઈ ખૂણે
સમજણો જેવું કશું હોતું નથી
એ જ ઘરને માનુ છું ઘર જ્યાં જવા
કારણો જેવું કશું હોતું નથી
અર્થ શું એ વાદનો જો અંતમાં
તારણો જેવું કશું હોતું નથી
પથ્થરોની આંખમાં કોણે કહ્યું
શ્રાવણો જેવું કશું હોતું નથી
ક્યાં મળ્યો એ જીવ કે જે જીવને
વળગણો જેવું કશું હોતું નથી
ત્યાં ય સાહિલ ક્યાં છિપાઈ છે તૃષા
જ્યાં રણો જેવું કશું હોતું નથી
……………….
4.
મજાલોમાં છે
સર્વ બ્રહ્માંડ મજાલોમાં છે
જેમ અજવાસ મશાલોમાં છે
ક્યાં હજી પાર રણોનો આવ્યો
રેત બસ રેત પખાલોમાં છે
મૌન જે ના કદી સંવાદ થયા
એ બધાં કોરી ટપાલોમાં છે
પ્રશ્ન પલકારે પૂછ્યો આંખોએ
ઉત્તરો સેકડો સાલોમાં છે
વાત નીકળે જો સહનશક્તિની
મારી ગણના ય કમાલોમાં છે
ઉત્તરો એના મળ્યાં ના મુજને
મારું હોવું જે સવાલોમાં છે
કેમ સમજાવું જગતને સાહિલ
કેટલાં સુખ આ મલાલોમાં છે
………
5.
કયા કાળ ચોઘડિયે ઈશે ઘડ્યો છે
મને મારો અવતાર ક્યાં પરવડ્યો છે
છે ચારે તરફ મારા બિમ્બોના ઢગલા
છતાં મારો ચહેરો મને ક્યાં જડ્યો છે
તમે જેને માની રહ્યા છો દયાળુ
જીવનભર મને એ જ ઈશ્વર નડ્યો છે
જીવ્યો છે જે જણ ખુદના ઘરમાં પૂરાઈ
એ ચારે દિશામાં જગતને જડ્યો છે
લટકતું જોઈ બંધ ડેલીએ તાળું
ઉઝરડાની ઉપર ઉઝરડો પડ્યો છે
જે મછવાને શોધી રહ્યા છો કિનારે
એ મછવો તો દરિયાના તળિયે પડ્યો છે
જનમથી પૂજારી અહિંસાનો સાહિલ
છતાં સત્ય માટે ખુદાથી લડ્યો છે
નીસા ૩/૧૫ દયાનંદ નગર, રાજકોટ ૩૬૦ ૦૦૨
04/11/2023
e.mail : sahilrjt1946@gmail.com