ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચ સમક્ષ, ચૂંટણી બોન્ડની કાનૂની માન્યતા સંબંધી કેસની એક મહત્ત્વની સુનાવણી ચાલી રહી છે. ગુરુવારે, ત્રીજા દિવસની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ પાસેથી ચૂંટણી બોન્ડ દ્વારા 30મી સપ્ટેમ્બર સુધીનાં રાજકીય ભંડોળ અંગે માહિતી માંગી છે.
કોર્ટે ચૂંટણી પંચને યાદ અપાવ્યું કે 2019માં એક આદેશ પસાર કરવામાં આવ્યો હતો, જેમાં ચૂંટણી બોન્ડ દ્વારા દાન લેનારા તમામ રાજકીય પક્ષોની વિગતો ચૂંટણી પંચને આપવાની હતી. કોર્ટે પંચને પૂછ્યું હતું કે આ આદેશ છતાં 2019 પછી કોઈ ડેટા કેમ રજૂ કરવામાં આવ્યો નથી. પંચ હવે બેંકો અને રાજકીય પક્ષો પાસેથી ભંડોળનો ડેટા લેશે અને કોર્ટને આપશે.
આ કેસ આઠ વર્ષથી વધુ સમયથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે અને બધાની નજર તેના પર છે કારણ કે આ કેસના પરિણામની 2024ની લોકસભાની ચૂંટણી પર મોટી અસર પડી શકે છે. ચૂંટણી બોન્ડ યોજના, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રથમ કાર્યકાળ દરમિયાન, તત્કાલીન નાણાં પ્રધાન અરુણ જેટલી દ્વારા 2017ના બજેટમાં રજૂ કરવામાં આવી હતી. આ બોન્ડ દ્વારા કોઈપણ વ્યક્તિ, સંસ્થા અથવા કંપની રાજકીય પક્ષોને દાન કરી શકે છે. તે એક પ્રકારની પ્રોમિસરી નોટ છે જે કોઈપણ ભારતીય નાગરિક અથવા કંપની દ્વારા ખરીદી શકાય છે.
ચૂંટણી બોન્ડ યોજના માત્ર ચૂંટણી સુધારા અથવા રાજકીય ભંડોળ વિશે નથી. ભારતમાં રાજકીય પક્ષો અથવા સરકાર અને મોટા ઉદ્યોગપતિઓ વચ્ચે સાંઠગાંઠના આક્ષેપો દાયકાઓથી ચાલી રહ્યા છે. આ દૃષ્ટિકોણથી, ચૂંટણી બોન્ડ યોજના લોકશાહી પ્રણાલીની શુદ્ધતા અને પારદર્શિતા તેમ જ સરકાર અને રાજકીય પક્ષોની જવાબદારી સાથે સંબંધિત છે.
ચૂંટણી બોન્ડ સંબંધિત કેટલાક પ્રશ્નો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. નાગરિકોને ખબર નથી કે કોણ દાન કરી રહ્યું છે અને કયા પક્ષને તે મળી રહ્યું છે. દાતા અનામી છે અને દેશના નાગરિકો પણ અજાણ છે કે કયા પક્ષને તે અનામી વ્યક્તિ પાસેથી કેટલું દાન મળી રહ્યું છે. નરેન્દ્ર મોદી સરકાર આ યોજનાને માહિતીના અધિકાર અધિનિયમ હેઠળ લાવવા માંગતી નથી.
બીજો મુદ્દો એ છે કે અગાઉ વીસ હજારથી વધુનું દાન અને વ્યવહારોનો હિસાબ ચૂંટણી પંચ પાસે રાખવામાં આવતો હતો. ચૂંટણી પંચે આ વિગતો જાહેર પણ કરી છે. પરંતુ ચૂંટણી બોન્ડ યોજના પછી સ્થિતિ બદલાઈ ગઈ. હવે, કોઈને ખબર નથી કે કયા રાજકીય પક્ષને કેટલા પૈસા દાનમાં આપવામાં આવ્યા છે. ચૂંટણી બોન્ડ લાવવા પાછળનું સૌથી મોટું કારણ પારદર્શિતા હોવાનું કહેવાય છે, પરંતુ જાન્યુઆરી 2018 થી, જે થઈ રહ્યું છે તે તેનાથી વિપરીત છે.
એ વાત સાચી છે કે જે પણ રાજકીય પક્ષ સત્તામાં હોય, તેને શરૂઆતથી વધુ દાન મળે છે, પરંતુ ચૂંટણી બોન્ડ્સે 2018થી સ્થિતિને સંપૂર્ણપણે બદલી નાખી છે. સત્તાધારી અને વિપક્ષમાં રહેલા રાજકીય પક્ષો વચ્ચેનું અંતર નોંધપાત્ર રીતે વધ્યું છે. પારદર્શિતાની સાથે સાથે ભ્રષ્ટાચારનો પણ મુદ્દો છે. કાઁગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોએ આરોપ લગાવ્યો છે કે ભા.જ.પ.ને ગુપ્ત રીતે મોટા કોર્પોરેટ જૂથો પાસેથી મોટા પાયે દાન મળે છે અને ચૂંટણી બોન્ડ લાવવા પાછળ ભા.જ.પ. સરકારનો ઇરાદો ચૂંટણી દાનમાં પારદર્શિતા લાવવાનો, ભ્રષ્ટાચાર અને કાળું નાણું સમાપ્ત કરવાનો હતો. જો કે, ભા.જ.પ. કહેતું આવ્યું છે કે કાઁગ્રેસ નથી ઇચ્છતી કે રાજકીય ભંડોળની વ્યવસ્થા પારદર્શક હોય અને તેથી જ તે તેનો વિરોધ કરે છે.
ચૂંટણી બોન્ડ યોજનાનો શરૂઆતથી જ વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ ગોપનીયતાનો છે. એટલે કે, કયા પક્ષને આ યોજના દ્વારા કોની પાસેથી કેટલા પૈસા મળ્યા એની માહિતી જાહેર કરાતી નથી. યોજનાને 2017માં જ સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી, અને સુનાવણી 2019માં શરૂ થઈ હતી. એ પછી વિવિધ દલીલો વચ્ચે કેસ મુલતવી રહ્યો હતો. હવે તે અંતિમ સુનાવણી પર છે.
સુનાવણીના ત્રીજા દિવસે, ભારત સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ રાજકારણીઓ અને રાજકીય પક્ષોને દાન આપતા દાતાઓની ગોપનીયતાની તરફેણમાં દલીલો કરી હતી. તેમણે કહ્યું હતું કે નામો ગોપનીય હોવાથી દાતાઓ હેરાનગતિ કે વેર ભાવનાથી સલામત રહે છે.
જવાબમાં, મુખ્ય ન્યાયમૂર્તિએ આ દલીલમાં પંક્ચર પાડતા કહ્યું હતું કે આ યોજનામાં સમસ્યા એ છે કે તેમાં “સિલેક્ટિવ ગોપનીયતા” છે. તે સંપૂર્ણ ગોપનીય નથી, કારણ કે જેની પાસે તેનો પૂરો વહીવટ છે તે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કેન્દ્ર સરકારના અધિકાર ક્ષેત્ર હેઠળ આવે છે. એટલે કાનૂનનો અમલ કરાવતી એજન્સીઓને તો બધી ખબર છે.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સૌથી મોટો મુદ્દો એ હતો કે ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય પક્ષને કોણ અને કેટલું દાન આપે છે તેની લોકોને માહિતી હોવી જોઈએ કે નહીં. સરકારની એ દલીલને સ્વીકારવી અઘરી છે કે મતદારોને દાતાઓની ઓળખ જાણવાનો અધિકાર નથી.
બેંચના ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાએ કહ્યું, “આપણે ચૂંટણી બોન્ડ દ્વારા મળેલા દાનની વિગતો જાહેર કેમ ન કરી શકીએ?” તેમણે કહ્યું કે આ પૈસા વિશે બધા જાણે છે, એકમાત્ર વ્યક્તિ જેને આ વિશે જાણ કરવામાં આવતી નથી તે મતદાર છે. ન્યાયમૂર્તિ ખન્ના સરકારની એ દલીલ સાથે અસંમત હતા કે મતદારોને દાતાઓની ઓળખ જાણવાનો અધિકાર નથી.
સુનાવણી શરૂ થવાના એક દિવસ પહેલા કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું હતું. તેણે ધ્યાન દોર્યું હતું કે ચૂંટણી બોન્ડની માહિતી મેળવવાનો અધિકાર “વાજબી પ્રતિબંધો” હેઠળ આવે છે. એટલે કે, જ્યારે જરૂર પડે ત્યારે તેની માહિતીને નકારી શકાય છે. 2 નવેમ્બરના રોજ કોર્ટે કહ્યું હતું કે ચૂંટણી બોન્ડ યોજમાં કેટલીક ‘ગંભીર ખામીઓ’ છે. આને ધ્યાનમાં રાખીને વધુ સારી યોજના બનાવી શકાય તેમ છે.
અગાઉ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેટલાક ગંભીર પ્રશ્નો પૂછ્યા હતા. 1 નવેમ્બરના રોજ, સી.જે.આઈ. ચંદ્રચુડે પૂછ્યું હતું કે શા માટે સત્તામાં રહેલી પાર્ટીને જ સૌથી વધુ દાન મળે છે. કોર્ટે કહ્યું હતું કે ચૂંટણી બોન્ડ લોકો સુધી માહિતીના પ્રવાહને અવરોધી શકે છે.
આંકડા દર્શાવે છે કે પાંચ વર્ષ પહેલાં ચૂંટણી બોન્ડની શરૂઆત થઈ ત્યારથી રાજકીય પક્ષોને મળેલા દાનમાંથી અડધાથી વધુ દાન એકલા ભા.જ.પ.ને જ મળ્યું છે. ચૂંટણી બોન્ડની માન્યતાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવવાનું આ એક મુખ્ય કારણ છે. વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે મંગળવારે સુપ્રીમ કોર્ટ સમક્ષ કહ્યું હતું કે ચૂંટણી બોન્ડ યોજના કોર્પોરેટ ગૃહો પાસેથી લાંચ લેવાની એક રીત છે. તેમણે કહ્યું હતું કે, રાજકીય પક્ષો વિશેની માહિતી નાગરિકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે.
સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાઓને ટાંકીને ભૂષણે કહ્યું હતું કે જો નાગરિકોને ઉમેદવારો વિશે જાણવાનો અધિકાર છે, તો તેમને ચોક્કસપણે એ જાણવાનો અધિકાર છે કે રાજકીય પક્ષને કોણ ભંડોળ પૂરું પાડી રહ્યું છે. ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બી.આર. ગવઈ, જસ્ટિસ જે.બી. પારદીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બંધારણીય બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે.
અરજદારોમાંથી એક વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે પ્રત્યુત્તરમાં કહ્યું હતું, “કોર્પોરેટ સત્તાપક્ષને મોટું દાન આપે છે, અન્ય પક્ષોને નાનું. તેઓ સરકાર તરફથી ફાયદો લઇ રહ્યા છે. તેમને પાવરનો આનંદ મળે છે. આ પણ ભ્રષ્ટાચારનું એક સ્વરૂપ છે. જો ભ્રષ્ટાચારને નાબૂદ કરવો હોય તો આ યોજનાને તાત્કાલિક બંધ કરવી જરૂરી છે. મત આપવાનો અધિકાર ગુપ્ત છે, પરંતુ રાજકીય દાતાઓની તો દરેકને ખબર હોવી જોઈએ.”
રાજકીય ભંડોળમાં કાળા નાણાંને નાબૂદ કરીને રાજકીય પક્ષો માટે ભંડોળ એકત્ર કરવાની પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે ભારતમાં ચૂંટણી બોન્ડ રજૂ કરવામાં આવ્યા હતા. જો કે ટીકાકારોનું કહેવું છે કે ચૂંટણી બોન્ડની વિપરીત અસર થઈ છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના સહ-સ્થાપક જગદીપ છોકર કહે છે, “આ રીતે ચૂંટણી બોન્ડ શાસક પક્ષને અનુચિત લાભ આપે છે.”
બી.બી.સી. પર જારી એ.ડી.આર.ના અહેવાલ મુજબ, 2016-17 અને 2021-22 વચ્ચેના પાંચ વર્ષમાં કુલ સાત રાષ્ટ્રીય પક્ષો અને 24 પ્રાદેશિક પક્ષોને ચૂંટણી બોન્ડમાંથી કુલ 9,188 કરોડ રૂપિયા મળ્યા હતા. આ 9,188 કરોડમાંથી એકલી ભારતીય જનતા પાર્ટીનો હિસ્સો લગભગ 5,272 કરોડ રૂપિયા હતો. એટલે કે, ભા.જ.પ.ને કુલ દાનમાંથી લગભગ 58 ટકા ચૂંટણી બોન્ડ દ્વારા મળ્યું હતું. આ સમયગાળા દરમિયાન કાઁગ્રેસને ચૂંટણી બોન્ડમાંથી લગભગ 952 કરોડ રૂપિયા મળ્યા હતા જ્યારે તૃણમૂલ કાઁગ્રેસને 767 કરોડ રૂપિયા મળ્યા હતા.
એ.ડી.આર.ના અહેવાલ મુજબ, નાણાંકીય વર્ષ 2017-18 અને નાણાંકીય વર્ષ 2021-22 વચ્ચે ચૂંટણી બોન્ડ દ્વારા રાષ્ટ્રીય પક્ષોને મળેલા દાનમાં 743 ટકાનો વધારો થયો છે. બીજી તરફ, આ જ સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય પક્ષોને કોર્પોરેટ દાનમાં માત્ર 48 ટકાનો વધારો થયો છે.
આ પાંચ વર્ષમાંથી સૌથી વધુ 3,439 કરોડ રૂપિયા 2019-20(લોકસભાની ચૂંટણીના વર્ષ)માં ચૂંટણી બોન્ડ દ્વારા આવ્યા હતા. તેવી જ રીતે, વર્ષ 2021-22 માં (જેમાં 11 વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ હતી) રાજકીય પક્ષોને ચૂંટણી બોન્ડ દ્વારા લગભગ 2,664 કરોડ રૂપિયા મળ્યા હતા.
ફેબ્રુઆરી 2017માં, કેન્દ્રીય બજેટ ભાષણ દરમિયાન, તત્કાલીન નાણાં પ્રધાન અરુણ જેટલીએ આ યોજના જાહેર કરી વખતે ચિંતા વ્યક્ત કરી હતી કે, “આઝાદીના 70 વર્ષ પછી પણ દેશ રાજકીય પક્ષોને ભંડોળ આપવાની પારદર્શક પદ્ધતિ વિકસાવી શક્યો નથી, જે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીની વ્યવસ્થા માટે મહત્ત્વપૂર્ણ છે.”
વિડંબના એ છે કે આટલા ઉદ્દાત ઈરાદો હોવા છતાં આ યોજના હવે શંકા-કુશંકાઓનો વિષય બની ગઈ છે.
લાસ્ટ લાઈન:
“સમસ્યાનું સરકારી સમાધાન એ સમસ્યા જેટલું જ ખરાબ હોય છે.”
– મિલ્ટન ફ્રાઈડમેન, નોબેલ વિજેતા અમેરિકન અર્થશાસ્ત્રી
——————————-
(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 05 નવેમ્બર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર