1.
ખુલ્લો છું તો ય અર્થ હું પર્દોનો થઈ ગયો
દુનિયાનો ન મારી થઈ તો હું દુનિયાનો થઈ ગયો
ઊંડાણ અંધકારનું માપી શક્યા પછી
હું હણહણાટ સૂર્યના ઘોડાનો થઈ ગયો
લોકો સમજ પ્રમાણે રહ્યા છે ઉકેલતા
લોકોના માટે પ્રશ્ન હું પાયાનો થઈ ગયો
ગરકી ગયો હું મૌન સરોવરમાં જે ક્ષણે
અવતાર એ જ ક્ષણથી હું વાચાનો થઈ ગયો
કંઈ કેટલાં પ્રયોગ કર્યા સત્યના સતત
પર્યાય તો ય આખરે અથવાનો થઈ ગયો
તરતો રહ્યો તો ચોતરફ સામે મળ્યાં વમળ
ડૂબી ગયા પછી જ કિનારાનો થઈ ગયો
ક્યારેય મારી જાતથી ના થઈ શક્યો અલગ
સાહિલ હું અંશ આખરે ટોળાંનો થઈ ગયો
2.
આઈનાનું મૌન ક્યાં સમજાય છે
તો ય મનખો કેટલો હરખાય છે
પાણીથી પણ પાતળું હોવા છતાં
પોત પળનું ક્યાં કદી પરખાય છે
ઉંબરા પાસે હજી પ્હોચ્યાં નથી.
માર્ગ ત્યાં તો કેટલાં ફંટાય છે
રાત આવે છે-ની નોબત સાંભળી
શું ખબર ક્યાં સૂર્ય સરકી જાય છે
શી રીતે હું ખુદને છોડાવી શકું
મારા પડછાયા મને વિંટળાય છે
જીવવાનો અર્થ ના પૂછો મને
ખાલીપામાં ખાલીપા ઠલવાય છે
ભીતરી એકાંત છે કેવું અજબ
મૌન પણ સાહિલ અહીં પડઘાય છે
3.
એટલું તો જ્ઞાન છે
લાગણી અહેસાન છે
આવકારો જો મળે
માનવું સમ્માન છે
જે વ્યથાને ઓળખે
એ ખરો ઈન્સાન છે
ક્ષણજીવી જીવતર અને
સેંકડો અરમાન છે
વિશ્વમાં સહુથી ગહન
સ્નેહનું વિજ્ઞાન છે
ઉમ્રભર ભર બોલો ભલે
પણ અધૂરું બ્યાન છે
જીવવું નિર્લેપ થઈ
ઈશ્વરી વરદાન છે
સ્નેહ સાહિલ વાવવું
એ જ બસ અભિયાન છે
4.
દૃષ્ટિ જરા ફરે ને સિતારો રફી દફે
જ્યાં નાવ લાંગરે એ કિનારો રફે દફે
તડકાની તીવ્રતાને સહો ઉમ્રભર હવે
હોવાપણાનો ભીનો ઈશારો રફે દફે
પ્રત્યેક પળ જીવનની ભલે છિન્ન ભિન્ન થઈ
તો પણ થયો ન આશ મિનારો રફે દફે
ભીના કસમની લાજને અકબંધ રાખવા
કીધો મેં જીવ જેવો સહારો રફે દફે
કઈ પળના માથે ઈશ્વરે સાહિલ લખ્યો હશે
જીવતર ઉપરનો મારો ઈજારો રફે દફે
5.
જીવવાનું દર્દ ક્યાં થોડું હતું
ડગલે ડગલે પાછું મધપોડું હતું
કેમ જટિયા પકડી પટકું ઉંબરે
લાલસાનું માથું તો બોડું હતું
રુવેરુવું સૂર્યના તાપે બળે
ને ભીતરમાં સાવ ટાઢોડું હતું
એ મળે તો પણ નથી કંઈ કામનું
જગ દશેરે દોડતુ ઘોડું હતું
કેમ ધખધખતા રણને વીંધવા
જે મળ્યુ એ ઊટં તો ખોડું હતું
જ
રાજમાર્ગો વામણા લાગ્યાં બધા
કદ અપેક્ષાનું ગજબ ચોડું હતું
પ્હાડ જેવું આયખું ડૂબી ગયું
ક્યાં કૂવામાં પાણી માથોડું હતું
ના પૂછો હું કેમ નીકળ્યો સોસરો
ડગલે ડગલે નહિ તો મધપોડું હતું
આપણે જ્યાં બેઠતા એ બાકડે
આજ એક નવલોહિયુ જોડું હતું
બોલવા દેતું નથી સાહિલ મને
મૌન મારું ખૂબ વાતોડું હતું
તો ય સાહિલ કેટલા ઝંઝા ઝીલ્યાં
હોવું તો એક છિદ્રાળુ હોડું હતું
29/11/2023
નીસા, ૩/૧૫ દયાનંદ નગર, રાજકોટ ૩૬૦ ૦૦૨
e.mail : sahilrjt1946@gmail.com