1.
જળ, હવા, આભમાં અગ્નિમાં, ધરામાં છે કોણ
જેમ મુજમાં છો તમે એમ બધાંમાં છે કોણ
વાદળો જેમ હવા સંગ વહે રાત દિવસ
તોય જાણી ન શક્યો વ્હેતી હવામાં છે કોણ
ઉમ્રભર પૂછ્યા કર્યું કિન્તુ મળ્યો ના ઉત્તર
હોઉં કર્તા જો હું તો મારી ક્રિયામાં છે કોણ
સહુ અનાદિથી મથે તોય નથી તાગ મળ્યો
ફિક્કા અસ્તિત્વની ઉપરાંત ત્વચામાં છે કોણ
મૌન પડઘાય છે વાતાવરણમાં પ્રશ્ન થઈ
બંધ ઘરમાં હું રહું છુ તો સભામાં છે કોણ
કોઇ દિનરાત ભરી જાય રગોમાં ઘટના
નથી સમજી શક્યો હું કાળી વ્યથામાં છે કોણ
છે સુરાલયમાં બધાં ચૂર નશામાં સાહિલ
તોય પૂછે છે પરસ્પરને નશામાં છે કોણ
•
2.
સર્વ વ્યથાઓ તગડી છે
કિસ્મત બિલ્કુલ બગડી છે
જીવતર આઠે આઠ પ્રહર
એક સળગતી સગડી છે
છઠ્ઠી ધાવણ યાદ કરે
એમ પીડાને રગડી છે
વાંચી લે પળમાં ચહેરો
આંખો જબરી દગડી છે
પગલાંની સેના હરદમ
રસ્તા સાથે ઝગડી છે
જીવવા જેવી ધૂન સદા
સન્નાટામાં વગડી છે
મુફલિસ સાહિલના માટે
ગઝલો સોના લગડી છે
••
3.
ગઝલ
મનથી મન મળ્યાં કરે
જાત ઓગળ્યા કરે
લાગણીના વિશ્વને
લાગણી છળ્યા કરે
શું અછડતી વાતના
અર્થ નીકળ્યા કરે
દૃશ્યની હવેલીમાં
દર્પણો પળ્યા કરે
એ મથક જુદાઈનું
માર્ગ જ્યાં મળ્યાં કરે
કાળ જેવા કાળથી
સ્વપ્ન ક્યાં ટળ્યા કરે
વાત ધ્યાનથી સાહિલ
મૌન સાંભળ્યાં કરે
•••
નીસા- 3/15, દયાનંદ નગર, રાજકોટ – 360 002
e.mail : sahilrjt1946@gmail.com