જેમના હાથમાં સુકાન હતું!
એમને ક્યાં દિશાનું ભાન હતું?
પાણીમૂલે ગયું જે વેચાઈ,
મારું ગઈ કાલનું ઈમાન હતું.
આ જગત માણસોનું હોવાં છતાં
માણસાઈનું કોને સાન હતું!
એ જ વાતે વધી પરેશાની,
અમને જે વાતનું ગુમાન હતું.
બેઉ છેડે કશું હતું જ નહીં,
જે હતું દોસ્ત! દરમિયાન હતું
બાગને જેમણે કર્યો ઉજ્જડ
નામ એનું જ બાગવાન હતું.
કોઈ પણ રીતે જીવવું ‘સાહિલ’
જંગનું એ જ સંવિધાન હતું.
રાજકોટ
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2016; પૃ. 07