જ્યાં પણ જશો ત્યાં આની આ ઘટમાળ પણ હશે
જીવનાર માથે જીવવાનું આળ પણ હશે
મુઠ્ઠી ખુશીની આશ લઈ જે નગર ગયાં
ન્હોતી ખબર ત્યાં જખ્મની ટંકશાળ પણ હશે
જાવું ન હો તો માર્ગ હશે બંધિયાર સહુ
દડવાનુ મન હશે તો બધે ઢાળ પણ હશે
માણસ હજીય ભેદ આ જાણી શક્યો નથી
કઈ ક્ષણ હશે જે ક્ષણમાં મહાકાળ પણ હશે
ક્યારેય અમને જાણ અછડતીય ના થઈ
કે કાચબાના પગમાં હરણફાળ પણ હશે
જે વૃક્ષ નીચે છાંયડાંની આશ લઈ ગયા
શું જાણ એનો ડાળીએ વૈતાળ પણ હશે
સાહિલ રહે છે પ્રીત સદા એ પડાવ પર
જ્યાં રીસ પણ હશે અને સંભાળ પણ હશે
•
ઘટના કારમી છું હું
તો ય લાઝમી છું હું
ચોરે ચૌટે ચર્ચાતી
ગુપ્ત બાતમી છું હું
શૂળીના સનમ જેવો
આમ આદમી છું હું
છે સપાટી ખરબચડી
માહ્ય રેશમી છું હું
શું જરૂર કોઈની
મારો ખુદ ડમી છું હું
સાવ બુદબુદા જેવો
તોય કાયમી છું હું
આમ છું અભણ સાહિલ
આમ માલમી છું હું
••
ચારેય બાજુ સગપણો ખરકી ગયો છું હું
ને વચ્ચેથી ધીમેકથી સરકી ગયો છું હું
સારુ ખરાબ કંઈક તો ચોક્કસ થવાનું છે
આંખોની જેમ આજ લ્યો ફરકી ગયો છું હું
આકાશકુસુમવત છે સપાટીને પામવી
એમ જ સમયની છાતીમાં સરકી ગયો છું હું
બસ એકલાપણાનું મારું મેણું ભાંગવા
બે વાત કરવાને મને બરકી ગયો છું હું
જન્મોથી આ સમય હજી શોધી શક્યો નથી
કંઇ એમ એની આંખમાં ગદકી ગયો છું હુ
એ ઘટના સ્વપ્નમાંય નથી કોઈ દિ ધટી
જેના વિશે વિચારી ને થરકી ગયો છું હું
સાહિલ અહલ્યા જેવું હતૉ રોમ રોમ પણ
સાંભળતાં નામ એભનું મરકી ગયો છું હું
નીસા ૩/૧૫ દયાનંદ નગર, રાજકોટ ૩૬૦ ૦૦૨
e.mail : sahilrjt1946@gmail.com