તણખલાં ટોળે મળી પ્હાડ ઝકડવા આવ્યાં
છાતી ફૂલાવીને લ્યો ખીણમાં પડવા આવ્યા
નાતની બારા મુકાયેલા બધાં પંખીઓ
પાંખ ગીરો મૂકી પિંજરથી ઝગડવા આવ્યાં
ઉમ્રભર માણેલી મીઠાશ ભુલાઈ પળમાં
એક બે કોળિયા જો સ્વાદમા કડવા આવ્યાં
જેને પોષ્યા છે અમે લોહી સીંચી આજ સુધી
એ અમારા ઈરાદા અમને કનડવા આવ્યા
આંખમાં પ્હોચવાની વાત અધૂરી જ રહી
પાંપણો નીચે રહી સપનાંઓ સડવા આવ્યાં
અંધના ટોળે અમસ્તા કર્યા ક્યાં કેસરિયા
તેજ કિરણો કપાળે ખીલાઓ જડવા આવ્યાં
મળશે ફુરસદ તો લડી લેશું જગતથી સાહિલ
આજ તો જાત સાથે મન ભરી લડવા આવ્યા
નીસા ૩/૧૫ દયાનંદ નગર, રાજકોટ ૩૬૦ ૦૦૨
e.mail : sahilrjt1946@gmail.com