તૂટી-ફૂટી ઝૂંપડી સળગી ગઈ,
સાથમાં એક છોકરી સળગી ગઈ.
નોંધમાં એક ગોદડી-બે ઠામણાં,
આમ ઘરવખરી પૂરી સળગી ગઈ.
દિલ હજી જેવું હતું એવું જ છે,
પણ બધી દરિયાદિલી સળગી ગઈ.
કોટડી સળગી ગઈ મજદૂરની,
શેઠને મન ગંદકી સળગી ગઈ.
આદમી લાચારવશ જોતો રહ્યો,
જોતજોતામાં ખુદી સળગી ગઈ.
વાત પસ્તાતી શું ધર્મોની ઊડી,
પળમાં દિલની દોસ્તી સળગી ગઈ.
આગથી જીવ્યાં સલામત અંતરે,
તોય સાહિલ જિંદગી સળગી ગઈ.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2022; પૃ. 04