પીપલ્સ રિપ્રેઝન્ટેશન ઍક્ટને આધારે ભારતનું ચૂંટણીપંચ ચૂંટણી-પ્રક્રિયા હાથ ધરે છે, તે ઉપરાંત પીપલ્સ રિપ્રેઝન્ટેશન ઍક્ટના અર્થઘટન માટે વારંવાર રાજકીય પ્રશ્નો અને નાગરિકો સર્વોચ્ચ અદાલત સુધી ગયા છે, એટલે, સર્વોચ્ચ અદાલતનું પણ વારંવાર દિશાચિહ્ન ચૂંટણીપંચને મળે છે. ચૂંટણીપંચ એક રીતે સ્વાયત્ત સંસ્થા છે. કમનસીબે ભારત જેવા કહેવાતા લોકશાહી દેશમાં હવે સ્વાયત્તસંસ્થાઓની સ્વાયત્તતા પર પ્રશ્નો ઊઠ્યા છે.
આ વખતની ચૂંટણીમાં સ્પષ્ટ રીતે લાગ્યું કે, જાણે PMO કાર્યાલયની સૂચના મુજબ જ ચૂંટણીપંચ કામ કરતું હોય. મીડિયાને પણ ખબર હતી કે, ચૂંટણીપંચ ક્યારે ચૂંટણીની જાહેરાત કરે છે. વડાપ્રધાનશ્રીના સત્તાવાર કાર્યક્રમો ૧૦મી માર્ચે પૂરા થતા હતા, તે ૧૦મી માર્ચની સાંજે જ ચૂંટણીપંચે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો, ત્યારથી જ ચૂંટણી આચારસંહિતા લાગુ પડી. સી.એસ.આઈ.એફ. પચાસમો ઉદયદિવસ ઊજવાયો ત્યાર બાદ જ ચૂંટણીપંચે ચૂંટણીઓ જાહેર કરી.
ચૂંટણીનો કાર્યક્રમ ખૂબ જ લાંબો અને સાત ચરણમાં મૂકવામાં આવ્યો. ઉનાળાની ગરમીમાં આટલો લાંબો સમયગાળો અને વધારે ચરણોની દેશના વહીવટીતંત્ર પર, કર્મચારીઓ પર ગંભીર અસરો જોવા મળી.
ચૂંટણીપંચે આ વખતે જે ચૂંટણી-આચારસંહિતા જાહેર કરેલી. તેમાં સ્પષ્ટ લખેલું કે, ધર્મ અને સેનાના નામે મત ના માગવા. છતાં ય માનનીય પ્રધાનમંત્રીએ વિવિધ સ્વરૂપે ચૂંટણીપંચ કી ઐસી કી તૈસી કરી. ચૂંટણી – આચારસંહિતાના ભંગ અંગેનાં પગલાં ના લેવાયાં. પ્રધાનમંત્રીશ્રીએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સેનાના નામનો ઉપયોગ કર્યો. પ્રધાનમંત્રી અને ભા.જ.પ. પ્રમુખે ધર્મ/સેનાનો મોટા ભાગની સભામાં ઉપયોગ કર્યો. ખાનગી ટી.વી. ચૅનલોને આપેલ ઇન્ટરવ્યૂમાં પણ સેનાને પોતે જ આદેશ અને માર્ગદર્શન પૂરું પાડ્યું. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા કેટલાંક રાજ્યો અને નીતિઆયોગમાં માહિતીઓ માગવામાં આવી, જેનાથી નરેન્દ્ર મોદી ચૂંટણી-સભાઓમાં ઉપયોગ કરી શકે.
પ્રધાનમંત્રી અને ભા.જ.પ. પ્રમુખ સામેની આચારસંહિતાભંગની ફરિયાદોનો નિકાલ ખૂબ જ મોડો કરવામાં આવ્યો અને ક્લીન ચિટ આપવામાં આવી. નામદાર સર્વોચ્ચ અદાલતે દખલ દેવાની ના પાડી.
મૂળ મુદ્દો શિક્ષણનો છે. આજની શિક્ષણપદ્ધતિમાં લોકશાહીની સમજણ આપવામાં શિક્ષણતંત્ર નિષ્ફળ ગયું છે. આજના યુવા મતદારોને ખબર જ નથી કે, ચૂંટાયેલા સાંસદો વડાપ્રધાનની નિયુક્તિ કરે. ઊલટાનું એવું સમજાયું કે, પહેલા વડાપ્રધાનપદનો ઉમેદવાર નક્કી કરવામાં આવે અને આ વ્યક્તિ અન્ય સભ્યોની જાણે નિયુક્તિ ન કરતો હોય! વડાપ્રધાનના ઉમેદવાર એમ કહે કે, મારી સામે જુઓ મારા ઉમેદવારો નહિ; અને લોકો વડાપ્રધાનથી જ તમામ કામો થવાનાં હોય તેમ વડાપ્રધાનને નામે મત આપે, તેવી ખોટી પરંપરા પ્રસ્થાપિત થઈ ગઈ છે.
E-mail : paryavaranmitra@yahoo.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2019; પૃ. 04