છાયા સિવાય કાંઈ નથી કાંઈ પણ નથી
પડઘા સિવાય કાંઈ નથી કાંઈ પણ નથી
ફંફોસતા રહ્યા અમે મનનો ખૂણે ખૂણો
પીડા સિવાય કાંઇ નથી કાંઈ પણ નથી
કાલે નિરાંતની ક્ષણો મળશે એ વાત તો
અફવા સિવાય કાંઈ નથી કાંઈ પણ નથી
ચારે તરફ છે માણસો બસ માણસો છતાં
ટોળાં સિવાય કાંઈ નથી કાંઈ પણ નથી
જાણી શક્યો છું ભાવિ વિષે એટલું જ હું
આશા સિવાય કાંઈ નથી કાંઈ પણ નથી
મિલ્કતના નામે માણસોની પાસે દોસ્તો
સપનાં સિવાય કાંઈ નથી કાંઈ પણ નથી
સાહિલ જીવન ઞઝલને ગઝલ કેમ માનવી
મિસરા સિવાય કાંઈ નથી કાંઈ પણ નથી
રાજકોટ 360 002
e.mail : sahilrjt1946@gmail.com