1
મન ન માને એમને નમતો નથી
એટલે તો કોઈને ગમતો નથી
ભૂખ જીવતરનું ગળું ટુંપે ભલે
જૂઠનો વેપાર હું ખમતો નથી
મારી કેડી મેં જ કંડારી સદા
ભોમિયા સંગાથ હું ભમતો નથી
એ નથી પૂરી થવાની જાણું છું હું
તોય ઈચ્છાઓને હું દમતો નથી
મન દુભાયે કોઈનું જેના થકી
જાણીબૂઝી એ રમત રમતો નથી
આશનો બંદો છું સાહિલ એટલે
હું નિરાશાની ધમણ ધમતો નથી
2
ખુલ્લો છું તોય અર્થ હું પર્દોનો થઈ ગયો
દુનિયાનો ન મારી થઈ તો હું દુનિયાનો થઈ ગયો
ઊંડાણ અંધકારનુ માપી શક્યા પછી
હું હણહણાટ સૂર્યના ઘોડાનો થઈ ગયો
લોકો સમજ પ્રમાણે રહ્યા છે ઉકેલતા
લોકોના માટે પ્રશ્ન હું પાયાનો થઈ ગયો
ગરકી ગયો હું મૌન સરોવરમાં જે ક્ષણે
અવતાર એ જ ક્ષણથી હું વાચાનો થઈ ગયો
કંઈ કેટલા પ્રયોગ કર્યા સત્યના સતત
પર્યાય તોય આખરે અથવાનો થઈ ગયો
તરતો રહ્યો તો ચોતરફ સામે મળ્યાં વમળ
ડૂબી ગયા પછી જ કિનારાનો થઈ ગયો
ક્યારેય મારી જાતથી ના થઈ શક્યો અલગ
સાહિલ હું અંશ આખરે ટોળાંનો થઈ ગયો
3
બોલો નમો શિવાય હવે હૉઈ નહીં મળું
છે આખરી વિદાય હવે હું નહીં મળું
જ્યાં જાઉં છું હું ત્યાંથી પ્રભુ ઈચ્છે તોય પણ
પાછું નહીં ફરાય હવે હું નહીં મળું
આંખો મીચો તો તત્ક્ષણે હું હાજરાહજૂર
શોધો તો જગમાં ક્યાંય હવે હું નહીં મળું
યત્નો પ્રયત્નો એળે તમારા જશે બધા
કોટિ કરો ઉપાય હવે હું નહીં મળું
આકાશકુસુમવત્ છે હવે મળવું રુબરુ
સપનાં સ્મરણ સિવાય હવે હું નહીં મળું
આઠે પહોર હું તમારી આસપાસમાં
હાજર હઈશ છતાંય હવે હું નહીં મળું
4
આયખું આખું વીતાવ્યું બાગમાં
તોય લાગે જીવ્યાં છીએ આગમાં
જિંદગી પૂરી ગીતો ગાતાં રહ્યાં
ગીત ના એકે ગવાયું રાગમાં
કામનો શું એ વસંતી વાયરો
પાંપણો ભીની કરે જે ફાગમાં
સાતે સ્વર્ગો એ મજા ના દઈ શક્યા
જે મદજા મનને મળી છે ત્યાગમાં
એમનાથી ના કશુંયે થઈ શકે
જે જીવે છે જોઈને પંચાગમાં
વિશ્વ સઘળાં મારા હિસ્સામાં મળ્યાં
હું જ ના આવ્યો છું મારા ભાગમાં
મારા ઘરમાં હું જ સાહિલ ના મળ્યો
માત્ર ખાલીપો મળ્યો અસબાબમાં
5
જ્ઞાનમાં મીંડું છતાં જી. એ. – છીએ
અટપટા પ્રશ્નો તણાં ઈ.એ. – છીએ
પાઠશાળા ના ગયાં તો શું થયું
કોઠા વિધ્યાપીઠના બી.એ. – છીએ
શબ્દથી સંબંધ બંધાયા પછી
આપણે ભગવાનના પી.એ. – છીએ
ઘરના ખૂણે બેસી કીધી નોકરી
તોય ગામેગામના ટી.એ. – છીએ
ક્યાં હિસાબો લાગણીના જાળવ્યા
આમ સાહિલ જાણીતા સી.એ. – છીએ
જી.એ. – ગુડ આર્કિટેક્ટ
ઈ.એ. – એક્સપર્ટ એડવાઈઝર
બી.એ. – બેચલર ઓફ આર્ટસ
પી.એ. – પર્સનલ આસીસ્ટન્ટ
ટી.એ. – ટ્રાવેલિંગ એલાઉન્સ
સી.એ. – ચાર્ટર્ડ એકાઉટન્ટ
14-11-2023
નીસા 3/15, દયાનંદ નગર, રાજકોટ 360 002
e.mail : sahilrjt1946@gmail.com