ક્ષણમાં તમે મળ્યાં છો તમારી તલાશમાં
હું ના મને મળ્યો કદી મારી તલાશમાં
ભૂલાતાયે ન જોયું કદાપિ હૃદય મહીં
અવતાર વેડફ્યો મેં બિચારી તલાશમાં
શસ્ત્રોનું પાણી માપવાનો યત્ન મેં કર્યો
પામ્યો છું કાટ ખાધી કટારી તલાશમાં
નક્શા છે હાથમાં છતાં મંઝિલ મળી નહીં
આઠે પ્રહર ઠગાયો ઠગારી તલાશમાં
મારી ને ધર્મરાજની છે પ્રકૃતિ સમાન
હારી ગયો છું મુજને જુગારી તલાશમાં
ક્યાં અલ્પજીવી આયખાને જાણ કૈં હતી
કોઠા હશે અપાર દુલારી તલાશમાં
સાહિલ હું સીધી વાતને સમજી શક્યો નહીં
સર્પો વિના મળે શું મદારી તલાશમાં
રાજકોટ 360 002
e.mail : sahilrjt1946@gmail.com