બંધ મુઠ્ઠીમાં
આભ સંતાયું બંધ મુઠ્ઠીમાં
હેત સચવાયું બંધ મુઠ્ઠીમાં
આંધળાભીત સૂર્યના માટે
તેજ રેલાયું બંધ મુઠ્ઠીમાં
તોય ખાલીપો એટલો જ રહ્યો
શું ઉમેરાયું બંધ મુઠ્ઠીમાં
રુવેરુવે પડ્યાં ઉઝરડાઓ
છિદ્ર છેદાયું બંધ મુઠ્ઠીમાં
વિશ્વમાં ક્યાંય મન ન માન્યું તો
સત્ય સચવાયું બંધ મુઠ્ઠીમાં
કોઈ ના જાણે એમ રાત દિવસ
મન મનાવાયુ બંધ મુઠ્ઠીમાં
મારા હોવાથી જે હતું સાહિલ
વિશ્વ વિખરાયુ બંધ મુઠ્ઠીમાં
///////////////////////
નીકળ્યું
પાંદડુ તકદીર આડું નીકળ્યું
ઝૂલણૂં માન્યું એ ઝાડુ નીકળ્યું
સિંહ ગઢની શેરીમાં સોપો પડ્યો
શ્વેત સસલું ધાડપાડુ નીક્ળ્યું
આત્મહત્યા દર્પણોએ ત્યાં કીધી
જે તરફ બિમ્બોનુ ઘાડું નીકળ્યું
એને વાઘા એક પણ અરઘે નહીં
સત્ય હંમેશાં ઉઘાડું નીકળ્યું
જ્યાં સુરંગો ટાપીને બેઠી હતી
એ તરફ ખુશિયોનુ ગાડું નીકળ્યું
શું તમારા શોર્યની વાતો કરું
નાગ સમજી ભાગ્યા નાડું નીકળ્યું
પાણીથી પણ પાતળા અવતારનું
પોત સાહિલ કેવું જાડું નીકળ્યું
નીસા, ૩/૧૫ દયાનંદ નગર, રાજકોટ ૩૬૦ ૦૦૨
e.mail : sahilrjt1946@gmail.com