
રાજ ગોસ્વામી
માણસોએ જ્યારથી સંગઠિત સ્વરૂપે રહેવાનું શરૂ કર્યું, ત્યારથી તેમના વચ્ચે, અંગત અને સાર્વજનિક, અનેક પ્રકારના સંબંધો કેળવાયા છે. એ દરેક સંબંધનાં નિશ્ચિત નામ પણ છે, જેથી તે સંબંધનું ચારિત્ર્ય નક્કી કરી શકાય. દોસ્ત અથવા મિત્ર પણ એક આગવા સંબંધનો ઘોતક શબ્દ છે. અંગ્રેજીમાં તેના માટે ફ્રેન્ડ શબ્દ છે. 21મી સદીમાં, અંગ્રેજીમાં, એક નવો સંબંધ ‘બ્રોમાન્સ’ આવ્યો છે. એમાં બે શબ્દો છે, ‘બ્રો’ (બ્રધર) અને ‘રોમાન્સ.’
રોમેન્ટિક સંબંધ કરતાં આ જુદા પ્રકારનો સંબંધ છે, જેમાં બે પુરુષો વચ્ચે તીવ્ર આત્મીયતા હોય છે. 1990ના દાયકામાં, ડેવિડ કાર્ની નામના એક લેખકે, સ્કેટબોર્ડની રમત માટેના બિગ બ્રધર મેગેઝિનમાં, પહેલીવાર આ શબ્દ પ્રયોજ્યો હતો. 2005માં, હોલિવૂડની ફિલ્મોએ તેને પ્રચલિત બનાવ્યો હતો. આપણે ત્યાં કરણ જોહરની ધર્મા પ્રોડક્શનની ફિલ્મ ‘દોસ્તાના’માં પહેલીવાર બ્રોમાન્સ બતાવવામાં આવ્યો હતો.
સમાજ કેવી રીતે બદલાઈ રહ્યો છે તેનો આ શબ્દ સાબિતી છે. 2017માં, યુ.કે.ની બેડફોર્ડશાયર અને વિન્ચેસ્ટર યુનિવર્સિટીના સંયુક્ત એક અભ્યાસમાં, એરિક એન્ડરસન નામના પ્રોફેસરે લખ્યું હતું કે, “સમાજમાં સમલૈંગિકો પ્રત્યેની નફરતમાં થઇ રહેલા ઘટાડાના કારણે બ્રોમાન્સ પ્રચલિત થયો છે. આજના યુવાનો પુરુષત્વની રૂઢિચુસ્ત માન્યતામાં બંધાઈને રહેવા માંગતાં નથી.” નવી પેઢીના લોકોમાં મિત્રો વચ્ચે ઘનિષ્ઠ સંબંધની સ્વીકૃતિ વધી છે.
બ્રોમાન્સ મેલ-બોન્ડિગ છે. તે રોમાન્સથી નીચે અને મિત્રતાથી ઉપર છે. બ્રોમાન્સ ભલે પશ્ચિમનો વિચાર લાગે, પરંતુ ભારતીય પરંપરામાં આ પ્રકારના ભાવવાળા સંબંધની નવાઈ નથી. દેશના જાણીતા માયોથોલોજીસ્ટ દેવદત્ત પટ્ટનાયક કહે છે કે પશ્ચિમની સંસ્કૃતિમાં વયસ્ક લોકો વચ્ચે સ્નેહની અભિવ્યક્તિને હેટ્રોસેકસ્યુઅલ કે હોમોસેકસ્યુઅલના અર્થમાં જ જોવામાં આવે છે. ભારતીય સૌંદર્યશાસ્ત્રમાં તેને શૃંગાર ભાવ અને સખા ભાવ કહે છે.
આપણી ભાષામાં બ્રોમાન્સ એટલે યારાના અથવા દોસ્તાના. અમિતાબ બચ્ચન અને અમઝદ ખાનની મિત્રતા પર એક ફિલ્મ આવી હતી, તેનું નામ ‘યારાના’ હતું. અમિતાભ અને શત્રુઘ્ન સિંહાની મિત્રતા પરની ફિલ્મનું નામ ‘દોસ્તાના’ હતું. અભિષેક બચ્ચન અને જોન અબ્રાહમની આ જ નામની ફિલ્મમાં બ્રોમાન્સને વધુ ઘનિષ્ઠ બતાવવામાં આવ્યો હતો. અગાઉ, ફિલ્મ ‘શોલે’માં, ‘દિલ ચાહતા હૈ’માં, ‘અંદાજ અપના અપના’માં અને ‘જિંદગી મિલેગી ના દોબારા’માં મેળ-બોન્ડિગ બતાવવામાં આવ્યું હતું.
મિત્રતાના પર્યાય તરીકે વાપરતા યાર શબ્દમાં તો એટલી ઘનિષ્ઠતાનો ભાવ છે કે સ્ત્રીના પ્રેમીને યાર અને એ પ્રેમને યારબાજી કહેવાય છે. તેના બદલે, સખા શબ્દ વધુ શુદ્ધ છે અને બ્રોમાન્સથી વધુ નજીક છે. મહાભારતમાં કૃષ્ણ અને અર્જુન વચ્ચે સખાભાવ હતો, જેમાં બંને એકબીજાનું સન્માન કરતા હતા અને એક બીજા પ્રત્યે હમદર્દી રાખતા હતા. મહાભારતમાં કૃષ્ણની ઓળખાણ જ સખા તરીકેની છે. તે અર્જુન ઉપરાંત રાધાના, સુદામાના અને દ્રૌપદીના પણ સખા છે. પુરાણોમાં, ઈશ્વરનું સન્માન કરવા માટે બે પ્રકારના ભાવની વાત છે; ભક્તિ ભાવ અને સખા ભાવ.
પશ્ચિમ અને ભારત વચ્ચે એક બીજો પણ ફર્ક છે. તમે યુરોપ-અમેરિકા જાવ, તો ત્યાં સાર્વજનિક સ્થાનો પર સ્ત્રી-પુરુષ એકબીજાના હાથમાં હાથ નાખીને ફરતાં જોવાં મળશે, પરંતુ બે પુરુષો એકબીજાના હાથ નહીં પકડે. ભારતમાં બે મિત્રો એકબીજાના હાથ પકડીને ચાલતા હોય તેવું દૃશ્ય અત્યંત સામાન્ય છે.
ઉપર કહ્યું તેમ, પશ્ચિમમાં શારીરિક સ્પર્શને ઈતરલૈંગિક કે સમલૈંગિક તરીકે જ જોવામાં આવે છે. ભારતમાં, લૈંગિક ભાવ વગર પણ સંબંધ હોય છે તે ધારણા સદીઓ જૂની છે. એટલા માટે બે મિત્રો (અને સ્ત્રી મિત્રો પણ) દરિયા કિનારે કે બગીચામાં એક બીજાનો હાથ પકડીને સહૃદયતાનો ભાવ વ્યક્ત કરતાં હોય તે આમ વાત છે.
2018માં, વિન્સેન્ટ ડોલમેન નામનો એક બ્રિટિશ ફોટોગ્રાફર ભારતના પ્રવાસે આવ્યો હતો. તેને દિલ્હી-મુંબઈની સડકો પર પુરુષ મિત્રો હાથમાં હાથ પકડીને ઊભા હોય, ચાલતા હોય કે બેઠા હોય તે જોઇને અજીબ લાગ્યું હતું. પછી તેને ધીમે ધીમે સમજાયું કે ભારતમાં આ તો બહુ સહજ છે. એ પછી તેણે એવા મિત્રોના ફોટો પાડવાનું શરૂ કર્યું હતું. તેનું એક એક્ઝીબીશન ‘ધ શો ઓફ હેન્ડ્સ’ નામથી યોજાયું હતું.
તે લખે છે, “હું ભારતમાં આઠથી નવ વાર ફર્યો હતો અને મેં કાયમ પુરુષોને એક બીજાના હાથ પકડેલા જોયા હતા. મને એ દૃશ્ય સુંદર લાગ્યું હતું (આ લેખ સાથે વિન્સેન્ટે પાડેલી એક તસ્વીર છે). એ મિત્રતા અને પ્રેમની અભિવ્યક્તિ હતી. દુનિયામાં આજે તેની બહુ જરૂર છે. પશ્ચિમના સમાજોમાં પુરુષો આવી રીતે પ્રેમ નથી બતાવતા. અમે નાના હોઈએ ત્યારે મિત્રનો હાથ પકડીએ છીએ, પરંતુ વયસ્ક થયા પછી તેની પર નિષેધ આવી જાય છે. આવી તસ્વીરો બતાવીને મારે પશ્ચિમના સમાજને કહેવું હતું કે, “જુવો, આપણે શું ગુમાવ્યું છે?”
(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 06 ઑગસ્ટ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર