23મી જૂને, પટનામાં 15 વિરોધ પક્ષની બેઠક મળી અને 2024ની લોકસભા ચૂંટણી માટે સહિયારો મોરચો ઊભો કરવા માટે પ્રારંભિક વાતચીત થઇ, તેના બે દિવસ પછી, રવિવારે, વડા પ્રધાન નરેદ્ર મોદી અમેરિકા-ઈજીપ્તની મુલાકાત લઈને પાછા દિલ્હી આવ્યા. તે પછી તેમણે ત્રણ બેઠક કરી. પહેલી બેઠક કેબિનેટની હતી, જેમાં તેમણે મણિપુરની પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો. બીજી બેઠક મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સાથે હતી. વડા પ્રધાન વંદે ભારત ટ્રેનને ઝંડી ફરકાવા માટે ભોપાલ આવ્યા હતા.
મંગળવારે, ત્રીજી બેઠક મધ્ય પ્રદેશ ભા.જ.પ.ના બૂથ સ્તરના કાર્યકરો સાથે હતી. તેમાં સંબોધન કરતાં તેમણે દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુ.સી.સી.) લાગુ કરવાની વાત કરી. તેમણે કહ્યું કે એક ઘરમાં બે કાનૂન હોય તેવી બેવડી વ્યવસ્થા પર દેશ કેમ ચાલી શકે? તેમણે તેમના બયાનના સમર્થનમાં એમ પણ કહ્યું કે બંધારણ દરેક નાગરિકને સમાન અધિકાર આપવાની વાત કરે છે અને સુપ્રીમ કોર્ટે પણ સમાન ધારાઓની ભલામણ કરી છે.
તેમનું આ બયાન નોંધપાત્ર છે. મધ્ય પ્રદેશ સહિત, દેશમાં આ વર્ષે 7 રાજ્યોમાં ચૂંટણીઓ છે અને 24માં 3 રાજ્યોની અને એ પછી ‘મધર ઓફ ઓલ ઈલેકશન’ લોકસભાની ચૂંટણી છે. ભોપાલમાં વડા પ્રધાને જે ભારપૂર્વક સમાન નાગરિક ધારાનો મુદ્દો આગળ ધર્યો, તેના પરથી સ્પષ્ટ છે કે આગામી તમામ ચૂંટણીઓમાં, અને ખાસ તો લોકસભા ચૂંટણીમાં, ભારતીય જનતા પાર્ટી આ મુદ્દા પર જનતા સમક્ષ જશે.
સરકારો, હાલની કે અતીતની, ભાગ્યે જ તેમના પરફોર્મન્સ પર જનતા પાસે મત માગતી હોય છે. સંસદીય લોકતાંત્રિક પ્રણાલીમાં, દર પાંચ વર્ષે જનતામાં સત્તા વિરોધી ભાવના (એન્ટિ-ઇન્કમબન્સી સેન્ટીમેન્ટ) મજબૂત થતી હોય છે. વિરોધ પક્ષો સરકારના પરફોર્મન્સને લઈને જ તેને ઘેરે છે અને જનતામાં સત્તા વિરોધી લહેરને હવા આપવાનું કામ કરે છે. એટલા માટે સરકારો હંમેશાં એવા મુદ્દાઓ પર ચૂંટણીઓ લડતી હોય છે જે ભવિષ્યગામી હોય અને ભૂતકાળને ઢાંકી દે.
ભા.જ.પ. આમાં માહેર છે. તેણે તેની વિચારધારાની ફાઈલમાં એવા પ્રોજેક્ટ બનાવીને રાખ્યા છે જેને તે ચૂંટણીઓમાં ખુલ્લા કરે છે. 2019માં, લોકસભા જીત્યા પછી, નરેન્દ્ર મોદીની સરકારે દેશને એક નવી વૈચારિક દિશા આપવાના ભાગ રૂપે ત્રણ મહત્ત્વના સુધાર કર્યા હતા; 370ની કલમની નાબૂદી, નાગરિક ધારો અને ત્રિપલ તલાકનું અપરાધીકરણ. ત્રીજું વચન સુપ્રીમ કોર્ટે પૂરું કરી આપ્યું હતું; અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ.
આ બધા જ મુદ્દાઓ પક્ષના એજન્ડામાં હતા. એમાં એક મુદ્દો સમાન નાગરિક ધારો પણ છે. 2024ની ચૂંટણી પહેલાં, હવે પાર્ટીએ તેનું બલૂન છોડ્યું છે. ભા.જ.પ. તેના ઘોષણાપત્રમાં લખે છે, “ભા.જ.પ. માને છે કે જેમાં તમામ સ્ત્રીઓના અધિકારોનું રક્ષણ થાય છે તેવા સમાન નાગરિક ધારાને ભારત ન અપનાવે ત્યાં સુધી લિંગ સમાનતા નહીં આવે અને ભા.જ.પ. સમાન નાગરિક ધારો બનાવાનો તેના નિશ્ચયનો પુનરોચ્ચાર કરે છે.”
મંગળવારના વડા પ્રધાનના બયાન પછી દેશમાં સમાન નાગરિક ધારાને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. વડા પ્રધાનના બયાન પછી થોડાક જ કલાકોમાં મુસ્લિમ પર્સનલ બોર્ડની બેઠક મળી હતી અને તેણે તેમના વિચારો-ચિંતાઓ લો કમિશનને રજૂ કરવાનું નક્કી કર્યું હતું.
વિરોધ પક્ષો તરફથી તીખી પ્રતિક્રિયા હતી. તેમણે વડા પ્રધાન પર આરોપ મુક્યો હતો કે ચૂંટણીઓ આવી રહી છે એટલે ભા.જ.પ. આ મુદ્દાને લાવી રહી છે, બાકી તેને લઈને સંસદમાં એક બિલ પડ્યું જ છે, પણ સરકાર અત્યાર સુધી તેના વિશે ગંભીર નહોતી.
કાઁગ્રેસે કહ્યું કે ફુગાવો, બેરોજગારી અને મણિપુરની સ્થિતિમાંથી ધ્યાન ભટકાવવા માટે ભા.જ.પ. સમાન ધારાને ચગાવે છે. અસસુદ્દીન ઓવૈસીએ કહ્યું કે વડા પ્રધાનને દેશની વિવિધતા અને બહુતાવાદથી સમસ્યા છે એટલે આવી વાતો કરે છે. તમિલનાડુની શાસક ડી.એમ.કે. પાર્ટીએ કહ્યું છે કે સમાન ધારાને પહેલાં હિંદુઓમાં લાગુ કરો અને તમામ જાતિના લોકોને મંદિરોમાં પ્રવેશવા દો.
અત્રે એ ઉલ્લેખનીય છે કે વિરોધ પક્ષોની છાવણીમાંથી આમ આદમી પાર્ટી અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના સમાન નાગરિક ધારાના પક્ષમાં છે. આપ તો દિલ્હીમાં કેન્દ્રના નીમેલા લેફ્ટનન્ટ ગવર્નર સાથે માથાકૂટ ટાળવા માટે ભા.જ.પ.ની પડખે રહે છે, પણ ઉદ્ધવ સેનાએ તો ઘણા વર્ષોથી સમાન ધારાની માંગણી કરેલી છે. જો કે વર્તમાનમાં તેણે સરકાર પાસે એ જાણવા માંગ્યું છે કે આ ધારાથી હિંદુઓને કેટલું નુકસાન થશે. તેમણે કહ્યું હતું, “એ લોકો (ભા.જ.પ.) જો આખા દેશમાં ગૌ હત્યા પર પ્રતિબંધ લગાવી શકતા ન હોય, તો સમાન ધારો કેવી રીતે લાગુ કરશે?”
લગભગ 30 જેટલાં આદિવાસી સંગઠનોએ ચિંતા વ્યક્ત કરી છે કે સમાન નાગરિક ધારાથી તેમના આદિવાસી રિવાજ મુજબના નિયમો નબળા પડી જશે. ભારતમાં ધર્મ, રિવાજ અને પરંપરાઓના આધારે 5 મોટા પર્સનલ લો છે. તે અને આદિવાસી સમુદાયોના અમુક પરંપરાગત કાયદાઓ સમાન નાગારિક ધારો આવતાં ખતમ થઇ જશે. મતલબ કે દેશમાં તમામ સમુદાયોના લોકોની સંપત્તિ, લગ્ન, છૂટાછેડા, વારસાઈ, દત્તક લેવાની પ્રથાઓ પર એક જ સમાન કાનૂન લાગુ થશે.
સુપ્રીમ કોર્ટે તેના વિવિધ ચુકાદાઓમાં સમાન ધારાનું સુચન કરેલું છે. 2018માં, મોદી સરકારની વિનંતી પર, લો કમિશને ફેમિલી લોમાં સુધારા કરવા માટે 185 પાનાંનો અહેવાલ સુપ્રત કર્યો હતો. ત્યારે લો કમિશને કહ્યું હતું કે “સમાન ધારો અત્યારે ન તો જરૂરી છે કે ન તો ઇચ્છનીય.”
તો હવે એ કેમ જરૂરી અને ઇચ્છનીય બની ગયો? કારણ કે ભા.જ.પ. જે પ્રકારનું ભારત જોવા માંગે છે તેમાં તેના ત્રણ મુખ્ય પ્રોજેક્ટ છે. એમાંથી રામ મંદિર અને 370 પૂરા થઇ ગયા છે. સમાન ધારો બાકી છે. પહેલાં બે 2019ની જીત પછી પૂરા કરવામાં આવ્યા હતા, જેથી ‘ભા.જ.પ. જે કહે છે તે કરે છે’નો તેના મતદારોમાં વિશ્વાસ પેદા થાય.
સમાન ધારાનો મુદ્દો લોકસભા ચૂંટણી પહેલાં ફોકસમાં લાવવામાં આવ્યો છે. ભા.જ.પ.ને ખબર છે કે ચૂંટણીમાં વિરોધપક્ષો અર્થતંત્ર, બેરોજગારી, મોંઘવારી, સામાજિક ભેદભાવ, સીમા વિવાદ જેવા પરફોર્મન્સ સંબંધી મુદ્દાઓ ઊછાળશે. એમાં સમાન ધારાનો મુદ્દો પૂરા દેશમાં ભા.જ.પ.ના સમર્થકો અને કાર્યકરોમાં એક જુસ્સો ભરી દે તેવો છે, કારણ કે એ અત્યંત ભાવનાત્મક અને ધ્રુવીકરણ ઊભું કરે તેવો છે, જે ચૂંટણીમાં ફાયદાકારક રહેશે તે ભા.જ.પ.ને ખબર છે.
એ યાદ રાખવા જેવું છે કે 2022માં, ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ તેના થોડા જ દિવસો પહેલાં, રાજ્ય સરકારે રાજ્યમાં સમાન નાગરિક ધારો લાગુ કરવા માટે કમિટીની રચના કરી હતી. તે વખતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું હતું, “અમે રામ જન્મભૂમિ, 370ની નાબૂદી અને સમાન ધારાની માંગણી કરી રહ્યા છીએ. હું મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલને અભિનંદન આપું છું કે તેમણે ભા.જ.પ.ની જૂની માંગણી સંતોષવા માટે પગલું ભર્યું છે.” એ દાવ કારગત નીવડ્યો હતો. ભા.જ.પ.ને જબ્બર બહુમતી મળી હતી.
ભા.જ.પ. સમાન નાગરિક ધારાને એકતા અને સમાનતાનો કાનૂન કહે છે, પરંતુ દેશમાં એવી એક વ્યાજબી ચિંતા પણ છે કે તેનાથી લઘુમતીઓ અને આદિવાસીઓના ‘બંધારણીય-અધિકાર’ આધારિત પર્સનલ લો છીનવી લેશે. અમુક લોકો કહે છે કે દેશમાં સાંપ્રદાયિક અને સમકક્ષ ધારાની જરૂર છે. બંધારણના ઘડવૈયાઓએ સમાન નાગરિક ધારાની સાંપ્રદાયિક સંહિતા તરીકે કલ્પના કરી હતી.
અમુક રાજકીય નિરીક્ષકોનો મત એવો પણ છે કે સમાન નાગરિક ધારાની વાત નવી નથી, અને (ભા.જ.પ. સહિતની) ઉત્તરોત્તર સરકારોએ તેમાં રસ બતાવ્યો નથી. ભા.જ.પ.ના એજન્ડામાં પણ રામ જન્મભૂમિ અને 370ની કલમની પ્રાથમિકતા હતી. લોકસભામાં ભા.જ.પ.ના જ સાંસદનું બિલ પેન્ડિગ છે, પણ સરકારે એમાં કોઈ ઉતાવળ બતાવી નથી. હવે, 2024ની ચૂંટણીની પૂર્વસંધ્યાએ સમાન ધારાની વાત છેડીને ભા.જ.પ. તેને વાસ્તવમાં કેટલી આગળ લઇ જાય છે તે પણ જોવા જેવું છે.
લાસ્ટ લાઈન :
“મને વ્યક્તિગત રૂપથી એ સમજમાં નથી આવતું કે ધર્મને એટલું વિશાળ અને વ્યાપક અધિકાર ક્ષેત્ર શા માટે આપવું જોઈએ કે તે પૂરા જીવનને સમાવી લે અને વૈધાનિક અતિક્રમણને રોકે.”
— ડો. બી.આર. આંબેડકર
(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ ડે”; 02 જુલાઈ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર