ડોન્ટ થિંક, જસ્ટ સોલ્વ : જ્યારે હાથ મગજ બની જાય!
તમને રુબિક ક્યૂબ ખબર છે ને? 26 રંગબેરંગી ક્યૂબ્સને ઇલાસ્ટિકથી જોડીને બનાવેલી આ રમત મેજિક ક્યૂબ તરીકે પણ ઓળખાય છે. હંગેરીના શિલ્પકાર અને આર્કિટેક્ચર પ્રોફેસર એર્નો રુબિકે, વિધાર્થીઓને થ્રી ડાઈમેન્શલ જ્યોમેટ્રી ભણાવવા માટે 1974માં આ પઝલ બનાવી હતી. પછી તો એ એટલી લોકપ્રિય થઇ ગઈ કે તે ‘વીસમી સદીની 100 પ્રભાવશાળી શોધ’માં સામેલ થઇ ગઈ છે.
અત્યારે તો ઇન્ટરનેટના કારણે તેની ઘણી ડિજીટલ આવૃત્તિઓ છે, તેને સોલ્વ કરવાની અનેક રીત બની છે અને ઘણા લોકો તેના નિષ્ણાત પણ છે, પરંતુ 80ના દાયકામાં તેનું જે વિજ્ઞાપન આવતું હતું તેમાં એવું લખવામાં આવતું હતું કે, “3,000,000,000(100 કરોડ)થી વધુ કોમ્બિનેશન, પણ માત્ર એક જ સોલ્યુશન.” તે વખતે દુનિયાભરનાં માતા-પિતા તેમના સંતાનોની માનસિક ક્ષમતાને ધાર કાઢવા માટે તેમને આ પઝલ સોલ્વ કરવા પ્રોત્સાહિત કરતાં હતાં.
ખાસ તો, કોણ સૌથી ઓછા સમયમાં આ પઝલને સોલ્વ કરે છે એ તેની અસલી કસોટી હતી. તેને સ્પીડક્યૂબિંગ કહે છે. તેનું એક વર્લ્ડ ક્યૂબ એસોસીએશન પણ છે, જે તેની એક આંતરરાષ્ટ્રીય સ્પર્ધા યોજે છે. તેમાં ભાગ લેનારા લોકોને રુબિક ક્યૂબ સ્પીડસોલ્વર કહે છે. આટલી માહિતી આપવાનું કારણ આ સ્પર્ધા જ છે. તેના એક સમાચાર આવ્યા છે.
અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના 21 વર્ષના સ્પીડસોલ્વર, મેક્સ પાર્કે, 3.13 સેકન્ડમાં આ પઝલ સોલ્વ કરવાનો નવો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે. 3.13 સેકન્ડ એટલે તમે 12 ડગલાં ભરો એટલો સમય! આ અવિશ્વસનીય ગતિને બીજી રીતે પણ સમજી શકાય : એક સરેરાશ વ્યક્તિને રુબિક ક્યૂબને સોલ્વ કરતાં ત્રણ કલાક લાગી શકે, પાર્કને ત્રણ મિનિટ લાગી! 11મી જUને કેલિફોર્નિયાના લોંગ આઈલેન્ડ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં પાર્કે ચીનના યુશેંગ ડુનો અગાઉનો 3.47 સેકન્ડનો વિક્રમ તોડ્યો હતો.
આ મેક્સ પાર્ક બે વર્ષનો હતો, ત્યારે તેને તીવ્ર ઓટિઝમ હોવાનું નિદાન થયું હતું. ઓટિઝમ એક જિનેટિક બીમારી છે, અને તેનો સંબંધ બાળકની ન્યૂરોલોજી સાથે છે. ઓટિસ્ટિક બાળકની શિખવાની ક્ષમતા, બોલવા-જોવાની રીત, ચહેરાના હાવભાવ અને શરીર મુદ્રાઓ વગેરેમાં ત્રુટિઓ જોવા મળે છે અને તેનો સહજ વિકાસ રૂંધાયેલો હોય છે.
મેક્સ પાર્કની મોટર સ્કિલ્સની ત્રુટિઓથી ચિંતિત તેની માતા મિકિ પાર્કે તેના મગજને તેજ કરવા માટે રુબિક ક્યૂબની પઝલ કેવી ઉકેલવી તે શીખવાડ્યું હતું. એ ઉંમરથી પાર્કની એ રમતમાં દિલચસ્પી વધતી ગઈ. રુબિકની પઝલમાં માતા-પિતાને પાર્કનો ઈલાજ દેખાયો અને તેમણે તેને સ્પર્ધાઓમાં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યો. આવી સ્પર્ધાઓમાં જવાનો બીજો સૌથી મોટો ફાયદો એ થયો પાર્કને સાર્વજનિક સ્થળોએ કેવી રીતે વ્યવહાર કરવો તે પણ આવડતું ગયું.
તેનાં માતા-પિતાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “એ જ્યારે નાનો હતો ત્યારે અમે તેની થેરાપિ માટે મથામણ કરતા હતા. ઓટિઝમની દુનિયામાં મુખ્યત્વે બાળક બીજા લોકો સાથે હળવા-મળવા માટે સક્ષમ થાય તેના પર ધ્યાન આપવા આવે છે, એટલે અમે પાર્કને ક્યૂબિંગ સ્પર્ધાઓમાં લઇ જવાનું શરૂ કર્યું જેથી તેને લોકોની ટેવ પડે. એ વખતે તેનામાં મોટર સ્કિલ્સ નહોતી. એ પાણીની બોટલ પણ ખોલી શકતો નહોતો. એટલે અમે એવું વાતાવરણ ઊભું કરતા હતા જ્યાં તેને મોટર સ્કિલનો ઉપયોગ કરવો પડે” (મોટર સ્કિલ એટલે ઈચ્છા અથવા વિચાર થકી શરીરના સ્નાયુઓને કોઈક કામ કરવા માટે સક્રિય કરવા).
પાર્ક સ્પર્ધાઓમાં જાય ત્યારે તેને લાઈનમાં ઊભા રહેવું પડે, કોઈને એવું કહેવું પડે, “હું તૈયાર છું,” હાથના ઈશારાથી ચીજો બતાવવી, હેન્ડ શેક કરવા, થેંક્યુ બોલવું વગરે. સામાન્ય વ્યક્તિ માટે આ સાધારણ બાબત છે, પણ ઓટિસ્ટિક વ્યક્તિ માટે એ એક મહેનતનું કામ હોય. આ બધી બાબતો ઓટિસ્ટિક મન માટે પડકાર બની જાય. એટલે ક્યૂબિક સ્પર્ધામાં જવાનો મૂળ હેતુ તો સામાજિક વ્યવહાર શીખવાનો હતો એમાં તેને પઝલમાં મજા આવતી ગઈ.
આ પઝલમાં ધીમે ધીમે પાર્કની એવી પકડ આવતી ગઈ કે તે સ્પર્ધાઓ જીતતો ગયો. 15 વર્ષની ઉંમરે તે રુબિક ક્યૂબની રમતમાં વિશ્વ ચેમ્પિયન બની ગયો હતો. આજે તો તે રુબિકનો સત્તાવાર રીતે બ્રાન્ડ એમ્બેસેડર છે. 2020માં નેટફ્લિક્સ પર તેના જીવન અને તેની રમત પર ‘ધ સ્પીડ ક્યૂબર્સ’ નામની એક ડોક્યુમેન્ટરી આવી હતી. એ પછી તો તેનું નામ દુનિયાભરમાં જાણીતું થઇ ગયું.
પાર્કે એકવાર તેની આ આશ્ચર્યજનક આવડત અંગે કહ્યું હતું કે, “મારો મંત્ર છે – ડોન્ટ થિંક, જસ્ટ સોલ્વ (વિચારો નહીં, ઉકેલો).” એટલે શું? વિચાર્યા વગર કેવી રીતે કશું કરી શકાય? તેના માટે તમારે ઓટિસ્ટિક બાળકો કેવી રીતે વર્તતાં હોય છે તે સમજવું પડે. મોટાભાગનાં બાળકો, ઘરના આરામદાયક વાતાવરણમાં ક્યૂબ સોલ્વ કરવાની પ્રેક્ટિસ કરતાં હોય છે, અને તે પણ અત્યંત ધીમે-ધીમે. સ્પર્ધાની વાત આવે ત્યારે ગતિ મહત્ત્વની બની જાય છે, કારણ કે હાર-જીત ઘડિયાળના કાંટે નક્કી થાય છે.
પાર્કનાં પેરેન્ટ્સ કહે છે કે પાર્કને ક્યૂબ ગોઠવતાં આવડી ગયેલું હતું. એટલે તેના શીખવા માટે કે ગોઠવવા માટે મગજ કસવાની જરૂર નહોતી. પાર્કને થયું કે સ્પર્ધાઓમાં વિજયી થવું હોય તો હાથ ચલાવવા પડશે, મગજ નહીં. તેણે હાથને એટલા ‘ટ્રેઈન’ કરી દીધા હતા કે તેનું મગજ હાથ ‘કહે’ તેમ કરતું થઇ ગયું હતું. આ જબરદસ્ત કહેવાય. સામાન્ય લોકોના કિસ્સામાં મગજ વિચારે તે પ્રમાણે હાથનું હલનચલન થાય. સહજ રીતે જ, વિચારવામાં સમય જાય. પાર્કે વિચારવાનું કામ હાથને સોંપી દીધું (તમે યુટ્યુબ પર તેનો એ વીડિયો જોજો, જેમાં પાર્ક જે રીતે 3.13 સેકન્ડમાં રુબિક ક્યૂબ પઝલ સોલ્વ કરે છે તે જોઈએ તમને પણ થશે કે તમને એ સમજવામાં જેટલી વાર લાગે તે પહેલાં તો તે પઝલ સોલ્વ કરી દે છે).
પાર્કની આ આવડત નોંધપાત્ર છે કારણ કે રુબિક ક્યૂબ વ્યક્તિની બુદ્ધિ નહીં, તેની સ્કિલ માપે છે. જે લોકો તે સોલ્વ નથી કરી શકતા તે બેવકૂફ છે એવું ન કહેવાય. એ જ રીતે, પાર્ક તેને સોલ્વ કરી શકે છે તેનો અર્થ એ નહીં કે બુદ્ધિશાળી છે. તેની ઓટિસ્ટિક સમસ્યાઓ તો ઠેરની ઠેર છે, પરંતુ તેને એકવાર એ પઝલ આવડી ગઈ પછી તે એટલી સરળ થઇ ગઈ કે તેને માત્ર હાથ ચલાવાની સ્કિલ પર જ ફોકસ કરવાની જરૂર હતી.
મહત્ત્વનું એ જ છે. 3x3x3ના રુબિક ક્યૂબમાં અલગ-અલગ 43 ક્વિન્ટીલિયન (1 ક્વિન્ટીલિયન એટલે 1 પછી 18 શૂન્ય) કોમ્બિનેશન છે. એટલે તેને ‘વગર વિચારે’ (ઇન્ટ્યૂઇશનથી-અંતર્જ્ઞાનથી) સોલ્વ કરવું અસંભવ છે. મેક્સ પાર્કની આ સિદ્ધિ અને તેના જીવન પરથી જો કશું શીખવા જેવું હોય, તો તે છે માનસિકતા. કોઇપણ પ્રકારની કસોટીમાં આપણો આપણી જાત સાથે પહેલો પ્રશ્ન એ હોય છે કે “હું આ કરી શકીશ?” આનો જવાબ એવો પણ હોઈ શકે કે “ના, આ મારથી નહીં થાય.” વાસ્તવમાં, આવો પ્રશ્ન પૂછીને આપણે આપણને નહીં કરવાનો વિકલ્પ આપી છીએ.
પાર્કના કિસ્સામાં સમજવા જેવું છે કે તે “હું આ કરી શકીશ?” ના સ્તરથી ઉપર ઊઠી ગયો હતો. તેનું ઓટિઝમ તો એક નક્કર કારણ હતું કે તે આ પઝલ સોલ્વ ન કરી શકે, પરંતુ તેણે જાતને “હું આ કરી શકીશ?” એવો સવાલ પૂછવાને બદલે “હું આ કેવી રીતે કરું?” એવો સવાલ પૂછ્યો હતો અને તે “રીતો”ને શોધવાની વૃતિમાંથી તે એવી સ્થિતિએ પહોંચ્યો જ્યાં તેણે 3.13 સેકન્ડમાં રુબિક પઝલ સોલ્વ કરી.
(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 25 જૂન 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર