બિઝનેસમેન અને ઈનોવેટર ઈલોન મસ્કે, ગયા ઓકટોબરમાં સોશ્યલ નેટવર્કિંગ સાઈટ ટ્વીટરને રૂપિયા 3,36,910 કરોડમાં ખરીદી લીધું, તે પછી તેના પર નફરતનો ઘોડો બેલગામ થયો છે. અમેરિકામાં સેન્ટર ફોર કાઉન્ટરિંગ ડિજિટલ હેટ, એન્ટી-ડેફેમેશન લીગ અને ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર નજર રાખતાં અન્ય સંગઠનોના અભ્યાસ અનુસાર, અગાઉ ટ્વીટર પર અશ્વેત અમેરિકનો વિરુદ્ધ એક દિવસમાં સરેરાશ 1,282 નફરતી બયાનો થતાં હતાં. ઈલોને ટ્વીટરનો હવાલો લીધો પછી તેમાં જબ્બર વધારો થયો છે; હવે રોજનાં 3,876 બયાનો થાય છે. અગાઉ, સમલૈંગિક લોકોનું અપમાન કરતી રોજની સરેરાશ 2,506 ટ્વીટ પોસ્ટ થતી હતી, હવે તેની સંખ્યા વધીને 3,964 થઇ છે. ઈલોને ટ્વીટરનો સોદો પૂરો કર્યો તેના બે જ સપ્તાહમાં, યહૂદી લોકો અથવા યહૂદી ધર્મ વિરુદ્ધ નફરત ઓકતી પોસ્ટ્સમાં 61 પ્રતિશત વધારો થયો હતો.
અમેરિકામાં સક્રિય ટ્વીટર યુઝર્સ 8 કરોડની આસપાસ છે. તેની સરખામણીમાં, આ અભ્યાસમાં જે આંકડા બહાર આવ્યા છે તે બહુ મોટી સંખ્યા નથી, પરંતુ મહત્ત્વની વાત સંખ્યાની નથી, મહત્ત્વની વાત કેટલી ઝડપે સંખ્યા વધી તેની છે. ઈલોનના માલિક બનવાની સાથે જ નફરતમાં વધારો થયો તેનું કારણ ઈલોનની પોતાની વિચારધારા છે; ઈલોન મસ્ક ફ્રી સ્પીચની નિરંકુશ આઝાદીમાં માને છે. તે માને છે કે ઓનલાઈન સ્પેસમાં કોઈ પણ પ્રકારના સરકારી કે અન્ય કોઈ હસ્તક્ષેપ કે નિયંત્રણ વગર, જેને જે કહેવું હોય તે કહેવાની આઝાદી હોવી જોઈએ.
જેમ કોઈ સરકાર કે રાજ્ય તેની કોઈ નીતિ હેઠળ જેલ ભોગવી રહેલા કેદીઓને માફી બક્ષીને છોડી મૂકે, તેવી રીતે ઈલોને આવતાં વેંત જ ટ્વીટર પર પ્રતિબંધિત તમામ એકાઉન્ટસને માફી બક્ષી દીધી હતી. તેમાં સૌથી જાણીતું એકાઉન્ટ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું હતું. 2021માં, રાષ્ટ્રપતિની ચૂંટણીનાં પરિણામો ટ્રમ્પની વિરુદ્ધ ગયાં, ત્યારે તેમણે તેમની હાર સ્વીકારવાને બદલે લગાતાર ટ્વીટ કરીને તેમના અનુયાયીઓને ભડકાવ્યા હતા અને પરિણામે વોશિંગ્ટન ડી.સી.માં કેપિટલ હિલ પર ટ્રમ્પ સમર્થકોએ આક્રમણ કર્યું હતું. તે પછી ટ્વીટરે તેમના એકાઉન્ટને બંધ કરી દીધું હતું.
એવી રીતે, આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલાં ઘણાં એકાઉન્ટ, જે અગાઉ પ્રતિબંધિત હતાં, તેને ઈલોનના ‘રાજ’માં સક્રિય કરવામાં આવ્યાં છે. ઈલોને ટ્વીટર સંભાળ્યું તેના 12 જ દિવસમાં, આઈ.એસ.આઈ.એસ. સંબંધિત 450 એકાઉન્ટ ખોલવામાં આવ્યાં હતાં.
કયુએનોન નામનું એક એકાઉન્ટ, જે કટ્ટર જમણેરી વિચારધારા હેઠળ જાત-ભાતના ‘ગપગોળા’ ફેંકવા માટે કુખ્યાત છે, તેને ઈલોને વેરિફાઈડ સ્ટેટસ આપ્યું છે. આવી રીતે પાછાં સક્રિય થયેલાં પ્રતિબંધિત ઘણાં એકાઉન્ટમાં એવાં પણ છે જે હિંસાની ધમકીઓ આપે છે, હેરેસમેન્ટ કરે છે અથવા ગેરમાહિતીઓનો પ્રચાર કરે છે.
અભ્યાસકર્તાઓ અને સામાજિક કાર્યકરો ઈલોનના કારભારને ચિંતાજનક ગણાવે છે. સોશ્યલ મીડિયામાં આમ પણ નફરતનું પ્રમાણ ઘણું છે. તેના પર લગામ ખેંચવાના પોતપોતાની રીતના પ્રયાસો થતા રહે છે, પણ ઈલોન મસ્કે તો દરવાજા જ ખોલી નાખ્યા છે અને તેનાં પરિણામ વિશ્વભરમાં માઠા હશે. 27 દેશોના બનેલા યુરોપિન યુનિયને તો ઈલોનને ચેતવણી આપી છે કે તેમનું ટ્વીટર હેટ સ્પીચ પર નિયંત્રણ નહીં રાખે તો તેમણે યુનિયનના કાયદાઓનો સામનો કરવો પડશે.
ઈન્ટરનેટ પર મિસોજિની ભયંકર છે. ૨૦૧૬ના એક અભ્યાસ મુજબ, ટ્વીટર પર એક દિવસમાં ૧૦,૦૦૦ વખત (એક મિનિટમાં ૬ વખત) સ્ત્રીઓ માટે ‘વેશ્યા’ કે ‘ચાલુ’ શબ્દો વપરાયા હતા. એમનેસ્ટી ઇન્ટરનેશનલનો ૨૦૧૭નો એક અહેવાલ કહે છે, સ્ત્રીઓને એબ્યુઝ કરવાનું, એમને નફરત કરવાનું ચલણ ઓનલાઈન પર ચિંતાજનક રીતે વધી રહ્યું છે. અમેરિકા, યુ.કે., ડેન્માર્ક, ઇટલી, ન્યુઝીલેન્ડ, પોલેન્ડ, સ્પેન અને સ્વિડનની ૧૮થી ૫૫ વર્ષની, ૨૩ ટકા સ્ત્રીઓને, ઓનલાઈન એક યા બીજી રીતે ગાળો પડી હતી.
ખુદ ટ્રમ્પે જ્યારે રાષ્ટ્રપતિ હતા, ત્યારે ઓફલાઈન ભાષણો અને ટ્વીટર પર સ્ત્રીઓ વિશે એલફેલ બોલતા હતા. ૨૦૦૬માં ટ્રમ્પ સાથે અફેર હતો એવા દાવા સાથે સ્ટોર્મી ડેનિયલ્સ નામની પોર્ન સ્ટારે ફેડરલ કોર્ટમાં ખટલો માંડ્યો હતો (ટ્રમ્પે મોઢું બંધ રાખવા માટે ડેનિયલ્સને ૧,૩૦,૦૦૦ ડોલર ચૂકવ્યા હતા). આ કેસને કોર્ટે ફગાવી દીધો પછી, ટ્રમ્પે ટ્વીટ કરીને લખ્યું છે, “ગ્રેટ. હવે હું આ ઘોડાના મ્હોંવાળી અને એના થર્ડ-રેટ વકીલને જોઈ લઈશ.” ટ્રમ્પે ઘણી સ્ત્રીઓ માટે ઓનલાઈન પર ‘જાડી, કદરૂપી, સનકી, કમીની, કૂતરી, ડુક્કર જેવી’ જેવા શબ્દો વાપર્યા હતા.
એક અન્ય અભ્યાસ અનુસાર ફેસબૂક ઇન્સ્ટાગ્રામ પર હેટ સ્પીચમાં અનુક્રમે 37 અને 86 પ્રતિશતનો વધારો થયો છે, જેમાં મોટા ભાગે હિંસાની ઉશ્કેરણી કરતાં લખાણો હતાં. સોશ્યલ મીડિયા, ખાસ કરીને ટ્વીટર અલગ-અલગ દેશોમાં અનેક પ્રકારનાં ધ્રુવીકરણને પ્રેરી રહ્યું છે જેના પરિણામે હેટ સ્પીચમાં વધારો થઇ રહ્યો છે.
ભારતમાં ટ્વીટર, ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને અન્ય પ્લેટફોર્મ મળીને લગભગ 50 કરોડ સોશ્યલ મીડિયા યુઝર્સ છે. આપણે ત્યાં પણ અનેક પ્રકારની હેટ સ્પીચનું પ્રમાણ વધ્યું છે. ગયા માર્ચ મહિનામાં સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ એલ. નાગેશ્વર રાવે કહ્યું હતું કે સોશ્યલ મીડિયાના જમાનામાં ભારતે હેટ સ્પીચને ગંભીરતાથી લેવાનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું હતું કે લો કમિશને હેટ સ્પીચ રોકવા માટે ભારતીય દંડ સંહિતા(આઈ.પી.સી.)માં ફેરફારની ભલામણ કરી છે પણ સરકારે તેની પર ધ્યાન નથી આપ્યું.
ઇલોન મસ્કનો ફ્રી સ્પીચનો વિચાર વિવાદાસ્પદ છે. કોઈને કશું પણ બોલવાનો અધિકાર છે તે સાચું. પણ તેના નામે નફરત ફેલાતી હોય, ગેરમાહિતીનો પ્રચાર થતો હોય, ફેક ન્યૂઝ વાઈરલ કરવામાં આવતા હોય, તેને અભિવ્યક્તિની આઝાદી ન કહેવાય.
મને મારા વિચારો વ્યક્ત કરવાનો અધિકાર છે, પણ મને તમારું અપમાન કરવાનો કે ધમકાવાનો અધિકાર નથી. ફ્રી સ્પીચ (free speech) અને હેટ સ્પીચ(hate speech)માં આ ફરક છે. ફ્રી સ્પીચ તમારા બોલવાના અધિકારનું સન્માન કરે છે. હેટ સ્પીચ તમારા બોલવાની નિંદા કરે છે. ફ્રી સ્પીચ વિચારના વિરોધમાં હોય છે, હેટ સ્પીચ વ્યક્તિના વિરોધમાં હોય છે. ફ્રી સ્પીચ મતભેદને ઉત્તેજન આપે છે, હેટ સ્પીચ મનભેદને વધારે છે. ફ્રી સ્પીચ બોલવાની આઝાદીનો સદુપયોગ છે. હેટ સ્પીચ તેનો દુરુપયોગ છે. ફ્રી સ્પીચ વૈચારિક આક્રમકતાને ઉત્તેજન આપે છે. હેટ સ્પીચ શારીરિક આક્રમકતાને ઉત્તેજિત કરે છે.
પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 08 જાન્યુઆરી 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર