સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ માર્કેન્ડેય કાટ્ઝૂ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે, ક્યારેક ઉચિત કારણોથી, ક્યારેક અનુચિત ટીપ્પણીઓથી. ૨૦૧૨માં, દિલ્હીમાં પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના એક કાર્યક્રમમાં તેમણે કરેલું એક વિધાન લોકો આજે ય યાદ કરે છે; "નેવું ટકા ભારતીયો બેવકૂફ છે. તમને લોકોને માથામાં દિમાગ જ નથી. તમને ભરમાવા બહુ સરળ છે. તમે કોકના ઈશારે અંદરોઅંદર જ લડ્યા કરો છો, અને તમને તેની સમજ પણ પડતી નથી." એનો બહુ વિવાદ થયો, તો તેમણે કહ્યું હતું કે, "જાતિવાદ, કોમવાદ, પછાતપણા અને અંધશ્રદ્ધામાંથી લોકોને જગાડવા મેં એ કહ્યું હતું."
તેમનું બેબાકપણું લોકોને ખૂંચે છે, કારણ કે તેઓ કોથળીમાંથી પાંચશેરીને બહાર કાઢીને મારે છે. તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફાર થયા તેને કાટ્ઝૂએ 'નૌટંકી' ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું, "આનાથી આમ જનતાના જીવનમાં શું ફર્ક પડશે? શું મંત્રીઓ બદલવાથી દેશમાં વ્યાપક અને ભયાનક ગરીબી, બેરોજગારી, મોંધવારી, કુપોષણ, સ્વાસ્થ્ય સેવા, સારા શિક્ષણનો અભાવ, ખેડૂતોનું સંકટ, ભ્રષ્ટાચાર, દલિતો અને લઘુમતીઓ પરના અત્યાચાર જેવી સમસ્યાઓ દૂર થઇ જશે? બિલકુલ નહીં. આ નૌટંકી છે."
કાટ્ઝૂ કાણાને કાણો કહેતાં અચકાતા નથી, એ ઘણા લોકોને પસંદ નથી આવતું, પરંતુ તેમની વાત અસ્થાને નથી હોતી. એ જે કહે છે તેમાં સત્યનો અંશ હોય છે, પણ તેમની 'ઉદ્ધત' ભાષામાં એ ખોવાઈ જાય છે. હમણાં ફિલ્મ અભિનેતા દિલીપ કુમારનું અવસાન થયું, ત્યારે તેમણે તેમને શ્રદ્ધાંજલિ આપવાના એક કાર્યક્રમમાં જવાની એટલા માટે ના પાડી દીધી કારણ કે તેમને તેમના 'મનની વાત' કહેવા મળવાની ન હતી.
મનની વાત શું હતી? કાટ્ઝૂએ કહ્યું કે દિલીપ કુમાર નિઃશંકપણે બહેતર અભિનેતા હતા, પણ 'મહાન' ન હતા. હું તેમની વાત કરતી વખતે તેમને 'મહાન' નહીં ગણાવું. આપણે શબ્દની ગંભીરતાને સમજ્યા વગર ગમે તેને માટે 'મહાન' શબ્દ વાપરીએ છીએ. કાટ્ઝૂએ આ આમંત્રણવાળી વાતને એક લેખમાં લખતાં કહ્યું હતું, "હું તેને મહાન ગણું છું જેણે ઇતિહાસમાં સમાજ પર સકારાત્મક પ્રભાવ પાડ્યો હોય, જેમ કે – બુદ્ધ, જીસસ ક્રાઈસ્ટ, પયગંબર, લિંકન, લેનિન વગેરે."
તેમણે કહ્યું કે હું લોકે, રૂસો, માર્ક્સ જેવા વિચારકો અને શેક્સપિયર, ડિકન્સ, તોલ્સતોય, વિકટર હ્યુગો, મિર્ઝા ગાલીબ, ફૈઝ, શરદ ચંદ્ર ચટ્ટોપાધ્યાય જેવા લેખકોને મહાન કહું, પણ દિલીપ કુમારે સમાજ માટે શું કર્યું છે કે તેમને 'મહાન' કહેવા પડે? તેમણે લોકોનું મનોરંજન કર્યું હતું પોતાના માટે પૈસા બનાવ્યા હતા એટલું જ.
દિલીપ કુમારની વાત બાજુએ મુકીએ તો પણ, કાટ્ઝૂએ 'મહાન' શબ્દના ઉપયોગને લઈને જે સવાલ ઉઠાવ્યો છે તે વ્યાજબી તો છે. કાટ્ઝૂની એ વાત તો સાચી જ છે કે આપણે ‘મહાન’ શબ્દને એટલો સસ્તો બનાવી દીધો છે કોઇ પણ સારી, સફળ, લોકપ્રિય વસ્તુ કે વ્યક્તિ માટે ‘મહાન’ શબ્દનો પ્રયોગ કરતાં અચકાતા નથી, આપણને તેની એવી ટેવ પડી ગઈ છે કે આપણે રોજ અનેક જગ્યાએ એ શબ્દને વાંચીએ /સાંભળીએ છીએ અને આપણને એવો પ્રશ્ન પણ થતો નથી કે ગીતા જો મહાન ગ્રંથ હોય, તો પછી એક ફિલ્મ કે એક ટેલીવિઝન સિરિયલ પણ મહાન હોય? બંને વચ્ચે કોઈ ભેદ નહીં?
હકીકતમાં, આપણે ‘ઉત્તમ’ અને ‘મહાન’ વચ્ચે ભેળસેળ કરીએ છીએ. આપણે એક માણસને ઉત્તમ કહીએ છીએ, પછી તેનાથી વધુ ઉત્તમ માણસને મહાન ગણીએ છીએ. દાખલા તરીકે, જર્મનીમાં ઘણા ઉત્તમ નેતાઓ થઇ ગયા, પણ એડોલ્ફ હિટલર એ બધાથી અલગ હતો એટલે આપણે તેને મહાન કહીએ છીએ. મહાનતાનો સંદર્ભ વિશાળતા સાથે છે. સાધારણ અથવા ઉત્તમ માણસો જે ઊંચાઈ, કદ કે માત્રામાં જે કામ કરવા સક્ષમ ન હોય, તેની સાથે આપણે મહાનતાને જોડીએ છીએ.
પરંતુ મહાનતા એટલાથી નક્કી નથી થતી. કોઈ વસ્તુ કે વ્યક્તિ વ્યાપક જનહિતમાં કેટલી કલ્યાણકારી છે તેના પરથી તેની મહાનતા નક્કી થાય છે. જેમ કે, નિકોલસ કોપરનિકસને આપણે મહાન ખગોળશાસ્ત્રી કહીએ છીએ, કારણ કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે તેવી શોધ કરીને તેણે આધુનિક ખગોળશાસ્ત્ર અને અવકાશ વિજ્ઞાનની શકલ બદલી નાખી હતી. આપણે ચાર્લ્સ ડાર્વિનને મહાન જીવવિજ્ઞાની કહીએ છીએ કારણ કે તેને ઉત્ક્રાંતિનો સિદ્ધાંત વિકસાવીને પૃથ્વી પર જીવ સૃષ્ટિના રહસ્યને ઉકેલી નાખ્યું હતું. એ રીતે હિટલર મહાન નથી ગણાતો, કારણ કે તેણે માનવજીવનનું અહિત કર્યું હતું.
તમિલ મહાભારતમાં પરોપકારી કર્ણની એક વાર્તા છે. તેનું મૃત્યુ થવાનું હતું ત્યારે ભગવાન કૃષ્ણ ગરીબ બ્રાહ્મણ બનીને તેની પાસે જાય છે અને વિનંતી કરે છે તેણે આજીવન પરોપકાર કરીને જે ફળ મેળવ્યાં હતાં તે દાનમાં આપી દે. કૃષ્ણનો ઈરાદો એવો હતો કે કર્ણનો જીવ એમાં અટકેલો છે તે છૂટો થાય અને તે મરી જાય.
કર્ણ એ વિનંતીને માન્ય રાખે છે અને પરોપકારનાં ફળ બ્રાહ્મણને દાનમાં આપી દે છે. એ પછી કર્ણનો જીવ છૂટી જાય છે. અહીં ચાલાક કૃષ્ણ અને પરોપકારી કર્ણની મહાનતાનો પ્રશ્ન છે. બંનેમાંથી કોણ મહાન છે? આમાં કબીરની પેલી દુવિધા જેવું છે :
ગુરુ ગોવિંદ દોઉં ખડે, કિસ કો લાગુ પાય
બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય
ઉપર મહાનતાની વિશાળતાની વાત કરી તે પ્રમાણે, મહાન એ છે, જે ઉત્તમ લોકોની સીમાથી આગળ જાય છે. મહાન માણસ તેના અંગત સ્વાર્થથી આગળ જઈને વ્યાપક હિતમાં બલિદાન આપે છે. કર્ણને માતાએ, પિતાએ, ભાઈઓએ, ગુરુએ બધાએ ત્યજી દીધો હતો. જેનું કામ તેનું રક્ષણ કરવાનું હતું તે કૃષ્ણએ પણ ચાલાકી કરીને તેને ત્યજી દીધો, પણ પરોપકાર કર્ણની નિયતિમાં હતો. તેણે તો ભગવાનને પણ દાન આપ્યું, અને મહાન દાતા સાબિત થયો.
સાર : સદાચાર તમને ઉત્તમ બનાવે છે, પણ પરોપકાર સદાચારથી એક કદમ આગળ છે, અને એ તમને મહાન બનાવે છે.
સૌજન્ય: રાજ ગોસ્વામીની ફેઇસબૂક દિવાલ પરેથી સાદર