
રાજ ગોસ્વામી
1984માં, ભોપાલમાં ઘટેલી ગેસ ગળતરની ભયાનક દુર્ઘટના ઉપર, નેટફ્લિકસ પર આવેલી સિરીઝ “ધ રેલવેમેન” જોયા પછી ઘણા લોકોને પહેલીવાર રેલવે કર્મચારીઓની, અને ખાસ કરીને ભોપાલ રેલવે સ્ટેશનના ડેપ્યુટી રેલવે સુપરિન્ટેન્ડન્ટની, એ ટ્રેજેડીમાં આટલી મહત્ત્વની ભૂમિકા હતી તેની જાણ થઇ છે. વાસ્તવમાં પણ બહુ ઓછા લોકોને આ ખબર હતી.
ભોપાલ ગેસ દુર્ઘટનાની કમનસીબ રાત્રે ભોપાલ રેલવે સ્ટેશન પર જે સમયસૂચકતા વાપરવામાં આવી હતી, તેના સમાચાર મૂળ દુર્ઘટનાના સમાચારોમાં દબાઈ ગયા હતા. અને દબાઈ જ જાય ને! કારણ કે જીવતા રહી ગયેલાઓ કરતાં મરી ગયેલાઓની સંખ્યા અને યાતના બહુ મોટી હતી.
ગેસ ગળતરનું કારણ આજે મામૂલી પણ ચોંકાવાનારું લાગે; ભોપાલ શહેરને અડીને આવેલી અમેરિકન કંપની યુનિયન કાર્બાઈડની ફેક્ટરીમાં, મિથાઈલ આઈસોસાઈનેટ ગેસની ટેંકમાં પાણી ભળી ગયું. એમાં ટેંકમાં દબાણ વધી ગયું અને ગેસ હવામાં ફેલાઈ ગયો.
એ એક જ રાતમાં ભોપાલ શહેરના 3,000 લોકોએ જીવ ગુમાવ્યો હતો. એ પછીના દિવસો-મહિનાઓમાં 15થી 20 હાજર લોકોનાં મૃત્યુ થયાં હતાં અને પાંચ લાખથી વધુ લોકોને નાની-મોટી ઈજાઓ, બીમારીઓ, અપંગતાઓનો સામનો કરવો પડ્યો હતો.
2-3 ડિસેમ્બર, 1984ની એ રાત ભોપાલ માટે કતલની રાત હતી. ત્યાંની હવામાં મિથાઈલ આઈસોસાઈનેટ ગેસનું ઝેર ફેલાઈ ગયું હતું. ફેક્ટરીની નજીક એક ઝૂંપડપટ્ટી હતી, જ્યાં દૂરના લોકો કામની શોધમાં રહેતા હતા. અહીં કેટલાક લોકો ઊંઘમાં જ મૃત્યુ પામ્યા હતા. જ્યારે ગેસ ઘરોમાં પ્રવેશવા લાગ્યો, ત્યારે લોકો ગભરાઈને બહાર આવી ગયા, પરંતુ કોઈ રસ્તામાં જ મરી ગયા તો કોઈ હાંફીને મરી ગયા.
આ બધા વચ્ચે, ભોપાલ રેલવે જંકશન પર જે માહોલ હતો, એ તો સાવ જ જુદો હતો. બહારના લોકો ટ્રેનોમાં સવાર થઈને ભોપાલ આવવાના હતા અને ભોપાલના લોકો ટ્રેનોમાં સવાર થઈને બહાર જવાના હતા. સ્વાભાવિક રીતે જ, સ્ટેશનના ડેપ્યુટી રેલવે સુપરિન્ટેન્ડન્ટ ગુલામ દસ્તગીર એક અલગ જ પ્રકારના સંકટને ટાળવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા; આવતી-જતી ટ્રેનોના પ્રવાસીઓ ગેસની ઝપટમાં આવ્યા તો?
તેમનો એ રાતનો સંઘર્ષ બહુ મહિનાઓ સુધી બહાર આવ્યો ન હતો. તેમનું મૃત્યુ થયું તે પછી તેમણે એ રાતે ભજવેલી ભૂમિકાની વાતો ચર્ચામાં આવી. થોડીક વાતો તેમણે તેમના દીકરાને કહી હતી, થોડીક સ્ટેશન પર ફરજ પર તૈનાત કર્મચારીઓ તરફથી આવી હતી. પછી તો મીડિયાનું ધ્યાન પણ ગુલામ ગુલામ દસ્તગીરના પરાક્રમ તરફ ખેંચાયું. હવે તેમને ન્યાય આપતી સિરીઝ બની છે અને કદાચ ફિલ્મ પણ બની રહી છે.
અંગ્રેજીમાં એક શબ્દ છે; અનસંગ હીરો – જેણે સંકટના સમયે પરાક્રમી કૃત્ય કર્યું હોય પણ લોકોના ધ્યાનમાં આવ્યું ન હોય તેવો ગુમનામ નાયક. ગુલામ દસ્તગીર ઇતિહાસનો એવો એક ગુમનામ નાયક છે.
તે રાત્રે, ડેપ્યુટી સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટ ગુલામ તેમની નાઈટ ડ્યુટીમાં ગોરખપુર મુંબઈ-એક્સપ્રેસના આગમનની તપાસ માટે બહાર નીકળ્યા તો, પ્લેટફોર્મ પર પગ મૂકતા જ તેમને ગળામાં ખંજવાળ અને આંખોમાં બળતરા થઇ. અચાનક ગૂંગળામણ અનુભવતા દસ્તગીરને ખબર પણ નહોતી તેમના બોસ, સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટ હરીશ ધુર્વે સહિત 23 સાથીઓએ દમ તોડી દીધો છે. દસ્તગીરને કંઈ સમજાતું નહોતું, પરંતુ વ્યસ્ત રેલવે લાઈન પર વર્ષોની તાલીમ પરથી તેમને લાગ્યું કે કંઈક ખોટું થયું છે. તેમણે સમયસૂચકતા વાપરીને વિદિશા અને ઇટારસી જેવા નજીકના સ્ટેશન માસ્ટરને ભોપાલ તરફ આવતી તમામ ટ્રેનોને સ્થગિત કરવા ચેતવ્યા હતા.
જો કે, પ્રવાસીઓથી ભરચક ગોરખપુર-કાનપુર એક્સપ્રેસ પહેલેથી ભોપાલના પ્લેટફોર્મ પર ઊભી હતી અને તેના છૂટવાના સમયને હજુ 20 મિનિટની વાર હતી. દસ્તગીરે તાત્કાલિક ટ્રેનને રવાના કરવા આદેશ કર્યો. ટ્રેનને 20 મિનિટ વહેલી રવાના કરવા માટે મુખ્ય કાર્યાલય સહિત બહુ બધા સાહેબોને જાણ કરવી પડે, પણ દસ્તગીરે કહ્યું કે મારી પાસે એક પણ મિનિટ નથી અને પૂરી જવાબદારી હું લઉં છું.
એ વખતે દસ્તગીર ખુદ શ્વાસ લઇ શકે તેવી સ્થિતિમાં નહોતા અને તમામ નિયમોનો ભંગ કરીને, કોઈની પણ પરવાગી વગર ગોરખપુર-કાનપુર એકપ્રેસને તાબડતોબ ભોપાલથી રવાના કરી દીધી. કલ્પના કરો કે એ ટ્રેન જો સ્ટેશન પર જ હોત અને તેના ડબ્બાઓમાં ઝેરી ગેસ પ્રવેશી ગયો હોત તો? ટ્રેનોમાં લાશો હોય તેવાં દૃશ્યો છેલ્લે ભારત-પાકિસ્તાનના વિભાજનની હિંસામાં જોવા મળ્યાં હતાં. ગુલામ દસ્તગીરે એ રાતે પોતાનો જીવ બચવવા માટે નાસી જવાને બદલે ટ્રેનના મુસાફરોને એક ભયાનક દુર્ઘટનામાંથી બચાવી લીધા હતા.
એ પછી પણ તેમનું કામ પત્યું નહોતું. તે કંટ્રોલ રૂમમાં દોડી ગયા અને ઉપરી સાહેબોને સ્થિતિની ગંભીરતા સમજાવી. તેમણે સ્ટેશન પર ટ્રેન સેવાઓ બંધ કરી દીધી. ઝેરી ગેસથી બચવા માટે દોડી આવેલા લોકોથી સ્ટેશન ભરાઈ ગયું હતું. લોકો હાંફતા હતા, રડી રહ્યા હતા અને દસ્તગીરે દોડાદોડ કરીને લોકોને બનતી મદદ પહોંચાડવાનું ચાલુ રાખ્યું હતું.
જો કે, ગેસ દુર્ઘટનાએ તેમને અને તેમના પરિવારને બરબાદ કરી દીધો હતો. તેમના એક પુત્રનું એ રાત્રે મૃત્યુ થયું હતું અને બીજાને આજીવન ચામડીનો રોગ થઇ ગયો હતો. દસ્તગીરનાં ખુદનાં અંતિમ 19 વર્ષનો મોટાભાગનો સમય હોસ્પિટલોમાં પસાર થયો હતો. ઝેરી ગેસના કારણે તેમનાં ફેફસાંને અસર થઇ હતી. 2003માં જ્યારે તેમનું અવસાન થયું ત્યારે તેમના મૃત્યુ પ્રમાણપત્રમાં લખવામાં આવ્યું હતું કે તેઓ મિથાઈલ આઇસોસાયનેટ ગેસના સીધા સંપર્કમાં આવવાને કારણે થતી બિમારીઓથી પીડાતા હતા.
કમનસીબે, ભોપાલ ગેસ દુર્ઘટનામાં તે રાતે રેલવે સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓની ભૂમિકા વિશે કોઈ રેકોર્ડ નથી. ખાલી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર એક ઉપેક્ષિત આરસપહાણની તકતી છે, જેમાં તે રાત્રે મૃત્યુ પામેલા 23 કર્મચારીઓનાં નામ કોતરવામાં આવ્યા છે.
2003માં ગુલામ દસ્તગીરના મૃત્યુ પછી, તેમના પુત્રોએ ભારતના રાષ્ટ્રપતિને પત્ર લખીને તેમના પિતાની ભૂમિકાને માન્યતા આપવા માંગ કરી હતી. જો કે, આ પત્ર રેલવે મંત્રાલયને મોકલવામાં આવ્યો હતો, જેણે પરિવારને જવાબ આપ્યો હતો કે આ મધ્ય પ્રદેશ સરકાર સાથે સંબંધિત બાબત છે. પરિવારે એ પછી એ દિશામાં કોઈ પ્રયાસ ન કર્યો, માત્ર અખબારોમાં તે રાતની ઘટનાને લઈને છપાતા નાના-મોટા સમાચારોનાં કટિંગ સાચવી રાખ્યાં.
ભોપાલ સ્ટેશન પર પેલી તખ્તીમાં ગુલામ દસ્તગીરનું નામ નથી, કારણ કે તેમનું મૃત્યુ “એ રાતે” થયું નહોતું. આમ, દસ્તગીર એક ગુમનામ નાયક તરીકે જ રહી ગયા, જેમનું એ જ ઝેરી ગેસની અસરથી 19 વર્ષ પછી મોત થયું હતું, જેમાંથી અનેક લોકોનો જીવ તેમણે એ રાતે બચાવ્યા હતા.
દસ્તગીર સાચા ભારતીય હતા. તે રાતે તે ભૂલી ગયા હતા કે વ્યક્તિ ક્યા ધર્મની છે, તેની જાતિ કઈ છે, કઈ ભાષા બોલે છે. ઉત્તમ ભારતનું નિર્માણ કરવા માટે જે તમામ ભેદભાવને બાજુએ મૂકે છે તે સાચો નાગરિક છે. દસ્તગીરની સાહસિક વાર્તાનો એ પણ એક સાર છે.
(પ્રગટ : ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 03 ડિસેમ્બર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર