આપણે ગયા સપ્તાહે વાત કરી હતી કે ફ્રેંચ લેખક ગુસ્તાવ ફ્લુબર્ટ(1821-1880)ની, 1856માં પ્રકાશિત નવલકથા ‘મેડમ બોવરી’ પરથી ઘણી ફિલ્મો બની છે અને એમાં એક ફિલ્મ ઋષિકેશ મુખર્જીની 1960માં આવેલી ‘અનુરાધા’ હતી. 30 વર્ષ પછી, 1993માં, કેતન મહેતાની ‘માયા મેમસાબ’ આવી. ગુસ્તાવ ફ્લુબર્ટે ફ્રેંચ સમાજમાં નૈતિક પતનની ટીકા કરવા માટે એમ્મા બાવરી નામની એક એવી સ્ત્રીનું પાત્ર રચ્યું હતું, જે રંગરેલિયાં મનાવતી રહે છે અને અંતે આર્થિક રીતે પાયમાલ થઇ જઈને આત્મહત્યા કરી લે છે.
ઋષિકેશ મુખર્જીએ ‘અનુરાધા’માં એમ્માનું ભારતીયકરણ કરી નાખ્યું હતું. તેમની અનુરાધા એક ગાયિકા છે અને એક ગ્રામીણ ડોકટર સાથે લગ્ન કરીને એકવિધ જીવનમાં ઉબાઈ જાય છે. તેની દુવિધા એ હતી કે સંગીતની દુનિયામાં તેની આગવી જિંદગી જીવવા માટે શહેરમાં જતા રહેવું કે પછી પતિ સાથે ગામડાંમાં જીવવું.
કેતન મહેતા ‘માયા મેમસાબ’માં એમ્મા બાવરીના પાત્રાંકનને વફાદાર રહ્યા એટલું જ નહીં, એક પગલું આગળ જઈને તેને ભ્રમણામાં જીવતી કલ્પનાશીલ સ્ત્રીમાં ફેરવી નાખી. એટલે જ તેમણે તેનું નામ માયા (ભ્રમ) રાખ્યું હતું.
કેતન મહેતાની માયા (દીપા સાહી) યુવાન, સુંદર અને બુદ્ધિશાળી છે. તે પિતા સાથે એક ગામડાની વૈભવી હવેલીમાં રહે છે. તેના પિતા (ડો. શ્રીરામ લાગુ) પર હૃદય રોગનો હુમલો થાય છે એટલે તે સ્થાનિક ડોકટર ચારુ દાસ(ફારુખ શેખ)ને ફોન કરે છે. માયા એટલી આકર્ષક અને નટખટ છે કે ચારુ પછી પિતાને જોવાના બહાને હવેલીમાં આવતો રહે છે. એમાં બંને પ્રેમમાં પડે છે અને લગ્ન કરી લે છે.
વર્ષો વીતી જાય છે અને ચારુ દર્દીઓની સારવાર કરવામાં વ્યસ્ત બની જાય છે જ્યારે માયા એકલતામાં ઉબાઈ જાય છે. થોડા સમય પછી, માયાના જીવનમાં રુદ્ર પ્રતાપ સિંહ (રાજ બબ્બર) નામના યુવાનનો પ્રવેશ થાય છે. માયાનો તેની સાથે પ્રેમ સંબંધ બંધાય છે. એ સંબંધ લાંબો ટકતો નથી. માયાના જીવનમાં હવે લલિત (શાહરૂખ ખાન) નામના યુવાનનું આગમન થાય છે. માયા તેની સાથે ઉત્કટ પ્રેમની શરૂઆત કરે છે, પણ થોડા સમયમાં તે તેનાથી પણ ઉબાઈ જાય છે. માયાને શારીરિક સંતુષ્ટિ કરતાં કંઇક વધુની ઇચ્છા છે.
હવે તે મોંઘી ચીજ-વસ્તુઓ તરફ આકર્ષાય છે. તે ફેશનેબલ કપડાં અને શાનદાર ફર્નિચર પર લટખૂટ ખર્ચા કરે છે. તેના માટે તે ઉછીના પૈસા પણ લે છે. એમાં તેનું ઘર લાલાજી (પરેશ રાવલ) પાસે ગિરવી મુકાઈ જાય છે. છેલ્લે તે પૈસે-ટકે બરબાદ થઇ જાય છે. તેનું ઘર ટાંચમ લેવા લાલાજી કોર્ટનો આદેશ લાવે છે.
રુદ્ર અને લલિત આર્થિક પતનની ખાઈમાં ધસી રહેલી માયાને છોડીને જતા રહે છે. માયા બજારમાંથી એક એવું તીલસ્મી ડ્રિંક લઇ આવે છે, જે તમારું હૃદય શુદ્ધ હોય તો એક ઈચ્છા પૂરી કરવાનો દાવો કરે છે. એ પીધા પછી માયા ગાયબ થઇ જાય છે. ગુસ્તાવની નવલકથામાં એમ્મા આર્સેનિક પી લઈને આત્મહત્યા કરે છે. ‘માયા મેમસાબ’માં ભ્રમ અને વાસ્તવિકતા વચ્ચેના પાતળા ભેદને ઉજાગર કરવા માટે કેતન મહેતાએ માયાને ગાયબ કરી દીધી હતી, જે હકીકતમાં એક આત્મહત્યા જ હતી. છેલ્લે, બે પોલીસકર્મીઓ એ તપાસ કરવા આવે છે કે માયાનું મોત કેવી રીતે થયું છે અને કોણે કર્યું છે.
“અંગત રીતે, માયા મેમસાબ મારા દિલથી ઘણી નજીક છે. એ સીમાચિહ્ન રૂપ ફિલ્મ છે,” નિર્દેશક કેતન મહેતાએ ફિલ્મનાં 30 વર્ષ નિમિતે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “દીપા અને મેં અગાઉ ‘મિ. યોગી’ સિરિયલ કરી હતી. તેમણે જ મને ‘મેડમ બોવરી’ પુસ્તકનો પરિચય કરાવ્યો હતો. મેં તે વાંચી પછી મને થયું કે આમાં એક માનવીય વાર્તા છે. શાહરૂખ ખાને મુંબઈમાં જે પહેલી ફિલ્મ માટે શૂટિંગ શરૂ કર્યું તે ‘માયા મેમસાબ’ હતી. અઝીઝ મિર્ઝા અને સઈદ મિર્ઝાએ તેના નામની ભલામણ કરી હતી. ત્યારે તે ‘સર્કસ’ સિરિયલ કરતો હતો. મને તેની ઉર્જા પસંદ પડી ગઈ હતી. તે એક્ટર તરીકે પોતાને પુરવાર કરવા માંગતો હતો.”
શાહરુખ ખાન અસાધારણ ભૂમિકાઓ કરવાથી પાછો પડતો ન હતો તેની સાબિતી ‘માયા મેમસાબ’ છે. કદાચ એ દુ:સાહસના કારણે જ તેને જેલમાં પણ જવું પડ્યું હતું.
1992માં, ‘માયા મેમસાબ’નું શુટિંગ ચાલતું હતું. એમાં દીપા સાહી સાથે તેનું એક બોલ્ડ દૃશ્ય હતું. તે વખતે ‘સિને બ્લિટ્ઝ’ નામના ફિલ્મી સામયિકે એક સ્ટોરી પ્રકાશિત કરી હતી કે બોલ્ડ દૃશ્ય શૂટ કરતી વખતે અસ્વસ્થતા ન અનુભવાય તે માટે કેતન મહેતાએ તેમની પત્ની દીપાને આગલી રાતે શાહરૂખ સાથે એક હોટેલમાં રહેવાની સલાહ આપી હતી. સ્ટોરી અનામી હતી. મતલબ કે તેને લખનાર પત્રકારનું તેમાં નામ નહોતું. દેખીતી રીતે જ આ સ્ટોરી શુદ્ધ ગોસિપ હતી.
એ વાંચીને શાહરુખ ખાન ભૂરાયો થયો હતો. જે દિવસે સ્ટોરી પ્રકાશિત થઇ, એ જ દિવસે એક કાર્યક્રમમાં તેનો ભેટો ‘સિને બ્લિટ્ઝ’ના એડિટર કેઈથ ડી’કોસ્ટા સાથે થયો. શાહરૂખને એમ હતું કે આ સ્ટોરી કેઈથે લખી છે. તેણે કેઈથને ત્યાંને ત્યાં જ માં-બહેનની ગાળો આપી. બાકી હોય તેમ કહ્યું કે તારા ઘરે આવીને તને મારીશ.
બીજા દિવસે એ સાચે જ કેઈથના ઘરે જઈ ચઢ્યો અને તેનાં માતા-પિતાની હાજરીમાં ગાળાગાળી કરી અને મારવાની ધમકી આપી. કેઈથ સાચે જ ગભરાઈ ગયો અને તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી અને પોલીસનું રક્ષણ માંગ્યું. પોલીસે શાહરૂખને ફિલ્મ સિટીમાંથી ઉઠાવીને લોકઅપમાં બંધ કરી દીધો. એ ચારેક ફિલ્મ કરી ચુક્યો હતો એટલે પોલીસે પણ તેને સ્ટાર સમજીને વધુ કારવાઈ ન કરી.
ખાને અમુક પોલીસવાળાને તેના ઓટોગ્રાફ પણ આપ્યા હતા અને એક ફોન કોલ કરવા વિનંતી કરી. પોલીસે છૂટ આપી એટલે ખાને કેઈથને જ ફોન કર્યો અને ફરીથી ગાળ આપીને કહ્યું કે “અત્યારે તો જેલમાં છું પણ આવીને તારી મા-બહેન એક કરું છું.” રાતે 11 વાગ્યે તેના ભાઈબંધ ચંકી પાંડેએ ખાનને જમીન પર છોડાવ્યો.
લગભગ બે વર્ષ પછી ‘સિને બ્લિટ્ઝ’ની જ એક પત્રકારે શાહરૂખ ખાનની શંકા દૂર કરી કે એ સ્ટોરી કેઈથે લખી નહોતી. ત્યાં સુધીમાં તો ‘બાઝીગર’ અને ‘ડર’ ફિલ્મ સાથે ખાન પણ મોટો અને પરિપક્વ સ્ટાર બની ગયો હતો. તેને તેની ભૂલનો અહેસાસ થયો હતો અને કેઈથના ઘરે જઈને તેને અને તેનાં માતા-પિતાની માફી માંગી હતી.
જો કે આ સ્ટોરી કોણે લખી હતી તેનો ખુલાસો ક્યારે ય ન થયો. કદાચ ફિલ્મના પ્રોડક્શન વિભાગે પબ્લિસિટી માટે આવું ડીંડવાણું ચલાવ્યું હોય તે શક્ય છે.
શાહરૂખ ખાને તેના સુપરસ્ટારડમના જોરે ખુદની રેડ ચિલીઝ એન્ટરટેન્ટમેન્ટ કંપની શરૂ કરી પછી તેણે ‘માયા મેમસબ’ની જૂની કોપીઓમાંથી બોલ્ડ દૃશ્યો કઢાવી નાખ્યાં હતાં. શાહરૂખ ખાનની ચમકતી કારકિર્દીમાં ‘માય મેમસાબ’ એક માત્ર એવી ફિલ્મ છે જે તેને યાદ રાખવી ગમતી નથી. જો કે ઇન્ટરનેટ આવ્યા પછી ફિલ્મનું એ દૃશ્ય સ્વતંત્ર ક્લિપ તરીકે ઓનલાઈન ફરતું થઇ ગયું છે.
એ દૃશ્ય અંગે કેતન મહેતાએ પેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “સેન્સર બોર્ડની પરીક્ષા સમિતિમાં કેટલીક મહિલાઓ હતી. તેમણે ટિપ્પણી કરી કે તે આ ફિલ્મ ભારતની નારીવાદી ફિલ્મોમાંની એક છે. તેમણે કોઈપણ કાપ મૂક્યા વિના તેને મંજૂરી આપી હતી. તેમણે મને આ ફિલ્મ બનાવવા માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે આ પહેલી ફિલ્મ છે જે સ્ત્રીની ઈચ્છા અને સ્ત્રીની જાતિયતાને આ રીતે રજૂ કરે છે. કોઈને લાગે નહીં કે કોઈ પુરુષે આ બનાવી છે!”
એક અન્ય ઇન્ટરવ્યૂમાં, દીપા સાહી કહે છે, “વાસ્તવમાં, મને યાદ છે કે એક પાર્ટીમાં કોઈએ સેન્સર બોર્ડના વડા શક્તિ સામંતજીને કહ્યું હતું તેમણે પક્ષપાત કરીને કેતન મહેતાને બોલ્ડ સીન કરવા દીધું છે, ત્યારે તેમણે નમ્રતાથી જવાબ આપ્યો, ‘તમે કેતને રચેલી કવિતાનો એક ટુકડો તો બનાવી જુવો, હું વચન આપું છું કે કોઈ કાપ નહીં મૂકું!’ કેવી સરસ વાત કહેવાય!”
(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 27 સપ્ટેમ્બર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર