તાજેતરમાં, જે અમદાવાદમાં બિઝનેસમેન પરાગ દેસાઈનો રખડતા કૂતરાના કારણે જીવ ગયો, એ જ અમદાવાદમાં 100 વર્ષ પહેલાં, 1926માં, પણ રખડતાં ચોપગાં પ્રાણીઓનો આવો જ ત્રાસ હતો અને એ વખતના મિલ માલિક અંબાલાલ સારાભાઈએ એવાં 60 કૂતરાંને મારી નાખ્યાં હતાં. એક અહિંસા પ્રેમી ચુસ્ત હિંદુ હોવાના નાતે, અંબાલાલને આવી હિંસાથી પસ્તાવો થયો અને તેમણે પીડાનું સમાધાન કરવા માટે મહાત્મા ગાંધીનું શરણું લીધું. ગાંધીજીએ તેમના કૃત્યને ટેકો આપતાં કહ્યું હતું, “આમાં બીજું થઇ પણ શું શકે?”
અહિંસાના પૂજારીએ કૂતરાંને મારી નાખવાના કૃત્યને સમર્થન આપ્યું એટલે જીવદયા પ્રેમીઓમાં હોબાળો થયો. મહાત્માને કાગળો લખવામાં આવ્યાં અને તેમની ટીકા થઇ. મહાત્માએ તેના જવાબમાં, તેમના “યંગ ઇન્ડિયા” સામયિકમાં એક લેખ લખીને તેમનો મત વધુ સ્પષ્ટ કર્યો:
“જ્યારે રાજ્ય રખડતા કૂતરાઓની ચિંતા કરતું ન હોય, ન તો મહાજન કરતું હોય, અને જ્યારે કોઈ તેમની સંભાળ રાખવા તૈયાર ન હોય, તો પછી, અને જો એ સમાજ માટે જોખમી હોય, તો તેમને મારી નાખવા જોઈએ અને તેમને મરવાના વાંકે જીવવામાંથી રાહત આપવી જોઈએ.”
2015માં, સડકો પર રખડતાં ઢોરોના ત્રાસ અંગે સર્વોચ્ચ અદાલતમાં થયેલી એક અરજી પરની સુનાવણી વેળા, વરિષ્ઠ એડવોકેટ દુષ્યંત દવેએ, “યંગ ઇન્ડિયા”માં છપાયેલો ગાંધીજીનો આ લેખ તેમની દલીલના સમર્થનમાં રજૂ કર્યો હતો.
ગાંધીજીએ આ મુદ્દે ચર્ચા કરતી વખતે લેખમાં કહ્યું હતું કે, “રખડતાં કૂતરાઓ સમાજની સંસ્કૃતિ અથવા કરુણાની નિશાની નથી; તેનાથી વિપરીત, તેઓ સડકો પર રખડે છે તે સમાજના લોકોની અજ્ઞાનતા અને નિષ્ક્રિયતા બતાવે છે. કૂતરો એક વફાદાર સાથી છે. કૂતરાઓ અને ઘોડાઓની વફાદારીના અસંખ્ય ઉદાહરણો છે, અને તેનો અર્થ એ થયો કે આપણે તેમને સારી રીતે રાખવા જોઈએ અને તેમને રખડતા મુકવા ન જોઈએ. રખડતા કૂતરાઓનાં દૂષણને વધવા દઈને આપણે તેમના પ્રત્યેની જવાબદારીમાંથી છટકી ન જઈ શકીએ.”
કમનસીબે, સો વર્ષમાં રખડતા કૂતરાઓનું દૂષણ ભારતમાં સતત વધ્યું છે, એક સમાજ તરીકે આપણે અજ્ઞાનતા અને નિષ્ક્રિયતા જ સેવી છે. વિકિપીડિયા પર ઉપલબ્ધ માહિતી અનુસાર, પૂરી દુનિયામાં ભારતમાં રખડતા કૂતરાઓના સૌથી વધુ હુમલા થાય છે. મહાત્માએ સાચી વાત કરી હતી. કૂતરાઓ વફાદાર તો છે, પણ આપણે સો વર્ષ પછી તેની સંભાળ રાખવાનું શીખ્યા નથી. એક અંદાજ પ્રમાણે, ભારતમાં 1 કરોડ પાલતું કૂતરાઓ છે. તેની સામે, રખડતાં કૂતરાઓની સંખ્યા 6 કરોડ છે. આ સંખ્યા ઉત્તરોતર વધી રહી છે.
પૂરી દુનિયામાં થઈને, હડકવાથી મરનારા લોકોની સંખ્યા ભારતમાં 36 પ્રતિશત છે. ભારતમાં બાળકો અને વૃદ્ધો સૌથી વધુ આવા કૂતરાઓનો ભોગ બને છે. હમણાં માર્ચ મહિનામાં, હૈદરાબાદની એક સોસાઈટીમાં ચાર વર્ષના એક બાળકને કૂતરાઓએ ફાડી ખાધું તેનો વાઈરલ વીડિયો જોઇને લોકો ધ્રુજી ઉઠ્યા હતા. એપ્રિલ મહિનામાં, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કેમ્પસમાં એક નિવૃત્ત ડોકટરને કૂતરાઓ ફાડી ખાધા હતા. મજાની (!) વાત એ છે કે ભારતમાં રખડતાં કૂતરાઓના મોટાભાગના હુમલાની ફરિયાદ પણ નોંધાતી નથી.
મોટાભાગના ભારતીયો માને છે કે તેમના વિસ્તારમાં રખડતા કૂતરાઓના હુમલા રોજના છે અને નગરપાલિકા કૂતરાં કરડવાથી બચવા માટે જરૂરી પગલાં લેતી નથી. ઉત્તર પ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ રખડતા કૂતરાઓ છે. તમિલનાડુ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ સંખ્યામાં કૂતરાઓ કરડે છે. બિહાર સરકારે શોધી કાઢ્યું હતું કે રાજ્યમાં થતા રોગોનું સૌથી મોટું ત્રીજું કારણ રખડતાં કૂતરાઓનું કરડવું છે.
રખડતા કૂતરાઓના રક્ષણ માટે 2001માં બનાવવામાં આવેલા કાયદાના કારણે રખડતાં કૂતરાઓની સંખ્યામાં વધારો થયો છે. પશુ નિયંત્રણની યોગ્ય વ્યવસ્થાના અભાવમાં ભારતમાં રખડતાં કૂતરાઓની વસ્તીનો વિસ્ફોટ થયો છે. થોડા મહિના પહેલાં, ગુજરાતની વડી અદાલતના ચીફ જસ્ટિસ એ.જે. દેસાઈએ એક જનહિતની અરજી દાખલ કરતાં કહ્યું હતું કે રખડતાં કૂતરાઓના ત્રાસના કારણે શહેરના ઘણા લોકોનું વોકિંગ કરવાનું અઘરું થઇ ગયું છે. પરાગ દેસાઈનું મૃત્યુ તેનો જીવતો જાગતો દાખલો છે.
ભારતમાં રખડતાં કૂતરાઓનો ત્રાસ વધી જવાનું એક કારણ એ જ છે, જે 100 વર્ષ પહેલા મહાત્મા ગાંધીન સમયે હતું; કૂતરાઓને લઈને ધાર્મિક અને સામાજિક માન્યતાઓ. દેશના ઘણા સમુદાયોમાં કૂતરાઓને પવિત્ર માનવામાં આવે છે એટલે ન તો તેમનું વ્યંધીકરણ થાય છે કે ન તો તેમને પકડાવામાં આવે છે. અમુક વર્ગોમાં કૂતરાઓને ઘરમાં પાલતું બનાવવા પર પણ નિષેધ છે. ઉપરાંત, ભારતમાં જીવદયાની ભાવના પણ ઘણી તીવ્ર છે એટલે રખડતાં કૂતરાઓ સામે કોઈ કાર્યવાહી અઘરી થઇ જાય છે.
ગાંધીજીએ ત્યારે પણ કહ્યું હતું કે કૂતરાં રખડતાં રાખવાં એ “શરમ”ની વાત છે. ઉદાર માણસે તેની આવકમાંથી અમુક પૈસા કૂતરાઓની સંભાળ રાખતી સંસ્થાઓને આપવા જોઈએ, અથવા તેણે જાતે એક કે એકથી વધુ કૂતરાઓની જવાબદારી ઉપાડી લેવી જોઈએ.
એમાં પણ એક સમસ્યા છે. ભારતમાં ગરીબી ઘણી છે. જ્યાં પરિવારજનોને ખવડાવા-પીવડાવાના વેંત ન હોય, ત્યાં ગરીબ લોકો કૂતરાઓ ને કેવી રીતે પાળે? દેશના શહેરોમાં ગરીબ વિસ્તારોમાં કૂતરાઓ સૌથી વધુ ભટકતાં જોવા મળે છે. તે જ સંબંધમાં, બીજી એક હકીકત એ પણ છે કે શહેરી વિસ્તારોની સોસાઈટીઓમાં રખડતાં કૂતરાઓ “ગાર્ડ”ની ફરજ બજાવતાં હોય છે. સોસાઈટીમાં રહેતાં લોકોમાં ચોરનો ડર ઘણો હોય છે અને તેમને એવું લાગે છે આસપાસમાં કૂતરાં હોય તો રાતે તે ચોરથી સુરક્ષિત રાખે છે.
મનુષ્યો અને કૂતરાઓનો સંબંધ સદીઓ જૂનો છે, પરંતુ એક વાત નોંધવા જેવી છે કે ભારતમાં શહેરીકરણની સાથે તેમનો ત્રાસ વધ્યો છે. કૂતરાઓની વસ્તીને નિયંત્રણમાં રાખવાની કોઈ વ્યવસ્થા નથી એટલે અને માણસોના ગામડાઓમાંથી શહેરમાં થતાં સ્થળાંતરમાં સાથે કૂતરાઓનું પણ આગમન થાય છે એટલે સડકો પર તેમની સંખ્યા વધી ગઈ છે. તેની સાથે સંબંધિત પ્રશ્ન કૂતરાઓના ખાવાનો છે. મોટાભાગે તે ખોરાકની તલાશમાં સડકો પર, ગલીઓમાં ફરતાં હોય છે અને એમાં જ મનુષ્યો સાથે સંઘર્ષમાં આવે છે.
કૂતરાઓ શાંત અને નિર્દોષ પ્રાણી છે એવી એક વ્યાપક માન્યતા ખોટી તો નથી જ, પરંતુ શહેરી વાતાવરણમાં રહીને કૂતરાઓના સ્વભાવમાં પરિવર્તન આવ્યું છે તે પણ હકીકત છે. કૂતરાઓની અને વાનરોની આક્રમકતા લગભગ એક સરખી જ છે. વાનરો પણ ખોરાકના અભાવમાં શહેરમાં આવીને હિંસક થઇ જાય છે. અમુક વેટેનરી નિષ્ણાતો એવું પણ માને છે કે રખડતાં કૂતરાઓને કાચું માંસ ખાઈને તેનો સ્વાદ જીભે લાગી ગયો હોય છે એટલે તે માણસો પર હુમલા કરે છે.
રખડતા કૂતરાઓનું શું કરવું તેને લઈને દેશમાં આજે પણ એક મત નથી. એક વર્ગ માને છે કે તેમને મારી નાખવા જોઈએ. બીજો વર્ગ એવી હિંસાના પક્ષમાં નથી અને સરકારે તેની વ્યવસ્થા કરવી જોઈએ એવું માને છે. પરિણામે દેશની વડી અદાલતો અને સર્વોચ્ચ અદાલતમાં તેને લગતી ઘણી અરજીઓ થઇ છે.
મહાત્મા ગાંધીનો મત પણ આ પ્રશ્નનો ઉકેલ લાવવામાં મદદરૂપ બની શક્યો નથી એ જ બતાવે છે કે સમસ્યા કેટલી જટિલ છે. બાકી, જ્યાં સુધી નૈતિકતાનો પ્રશ્ન છે ત્યાં સુધી મહાત્માએ તેનો સરળ ઉપાય સૂચવ્યો હતો. પેલા લેખમાં તેમણે અંબાલાલ સારાભાઇના “પાપ”ના સંદર્ભમાં લખ્યું હતું, “જો તેઓ કૂતરાને મારે, તો તે પાપ કહેવાય. જો ન મારે, તો વધુ ગંભીર પાપ કહેવાય. એટલે, તેમણે ઓછું પાપ કરીને પોતને મોટા પાપમાંથી બચાવી લીધા છે. હડકાયા કૂતરાનો નાશ કરવો એ ઓછામાં ઓછી હિંસા છે.”
(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિકક કોલમ, “સંદેશ”; 06 નવેમ્બર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર