
રાજ ગોસ્વામી
ગુલઝાર નિર્દેશિત સંજીવ કુમાર – જયા બચ્ચનની એવોર્ડ વિજેતા ફિલ્મ ‘કોશિશ’(1972)માં, શરૂઆતમાં મુખ્ય ભૂમિકામાં મૌસમી ચેટરજી હતાં એ વાત જાણીતી છે, પરંતુ એ ભૂમિકા કેવી રીતે જયાજી પાસે ગઈ તેને લઈને કોઈએ ખાસ ફોડ પાડ્યો નથી. વાત એવી છે કે મૌસમી મોંઘી-મોંઘી સાડીઓ, મહેનતાણાંના વધુ પૈસા અને મોડે સુધી શુટિંગ કરવાને લઈને ગુલઝારને પરેશાન કરતાં હતાં એટલે કંટાળીને તેમને પાણીચું આપવામાં આવ્યું હતું અને પછી જયા બચ્ચનને લેવામાં આવ્યાં હતાં.
તાજેતરમાં મૌસમીજીએ તેના માટે તે સમયના છળ-કપટનો દોષ કાઢ્યો છે. ‘લહેરે ટીવી’ ચેનલ માટે વરિષ્ઠ પત્રકાર ભારતી પ્રધાન સાથે વાત કરતાં તેમણે કહ્યું છે કે, “કોશિશ માટે મેં ત્રણ દિવસ શુટિંગ કર્યું હતું. હું જોતી હતી કે જયા બચ્ચનની સેક્રેટરી સવારથી સાંજ સુધી ગુલઝારની ઓફિસમાં બેસી રહેતી હતી. હું ગુલઝાર’દાને બહુ પહેલાંથી ઓળખતી હતી. એ મારાં સાસુ (સંગીતકાર અને ગાયક કલાકાર હેમંત કુમારનાં પત્ની બેલા મુખરજી)ને ઉર્દૂ શીખવાડવા માટે આવતા હતા. અચાનક જ તેમણે મને કહ્યું કે કાલથી તારે મોડી રાત સુધી શૂટિંગ કરવું પડશે. હું એ વખતે જ મા બની હતી. મેં કહ્યું કે, નહીં થાય, ઘરે શિશુ છે, હું એક જ શિફ્ટમાં કામ કરી શકું તેમ છું. તેમણે બધાની હાજરીમાં કહ્યું, તારી જગ્યા લેવા માટે ઘણી એક્ટ્રેસ લાઈનમાં છે. હું અકળાઈ અને બોલી, “તો લઇ લો.”
મૌસમી કહે છે કે આ સાંભળીને ગુલઝારે તેમના સસરા હેમંત કુમારને ફોન કર્યો કે “દાદા આ જતી રહે છે. સસરાએ કહ્યું કે ભલે જતી.” બીજા દિવસે, ગુલઝારનો સહાયક મૌસમીના ઘરે આવ્યો અને ફિલ્મમાં જે સાડી પહેરવાની હતી તેની માંગણી કરી. સાંજે તો એ જ સાડીમાં જયા બચ્ચને શુટિંગ શરૂ કરી દીધું. મૌસમીએ એ ઇન્ટરવ્યૂમાં એ એકરાર કર્યો છે કે આમ પણ, વ્યક્તિગત જીવનને પ્રાથમિકતા આપવાનાં કારણે તેના વ્યવસાયિક જીવનને ઘણું નુકશાન થયું હતું.
એમ તો સંજીવ કુમારને પણ ફિલ્મના નિર્માતા રોમુ અને રાજ એન. સિપ્પી સાથે વાંકું પડ્યું હતું. સંજીવ કુમારે ફિલ્મના નફામાં 25 ટકાની ભાગીદારીમાં એ ભૂમિકા કરી હતી, પરંતુ ફિલ્મ રિલીઝ થયા પછી નિર્માતાઓ ગલ્લાં-તલ્લાં કરવા લાગ્યા કે ફિલ્મ ફ્લોપ ગઈ છે અને નફો નથી થયો.
સંજીવ કુમારે પૈસા માટે આ ફિલ્મ નહોતી કરી, પણ નિર્માતાઓના વ્યવહારથી તેમને દુઃખ થયું હતું. ગુલઝાર અને સંજીવ કુમાર વચ્ચે એવી સમજૂતી થયેલી હતી કે બંને જણા વર્ષમાં ઓછા બજેટની હટકે ફિલ્મ કરશે. તે વખતે ફિલ્મ જગતના લોકો ગુસપુસ કરતા હતા કે આ ફિલ્મ સંજીવ કુમાર અને ગુલઝારને જોવા માટે બનાવવામાં આવી રહી છે, બાકી બહેરા-મૂંગા યુગલની ફિલ્મ જોવા કોઈ નહીં આવે.
એવું નહોતું. ‘કોશિશ’ ગુલઝાર, સંજીવ કુમાર અને જયા બચ્ચનની કારકિર્દીની એક સીમાચિહ્ન રૂપ ફિલ્મ છે. તેને 1973નો બેસ્ટ ફિલ્મ અને બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ અને બેસ્ટ એક્ટરનો બેન્ગાલ ફિલ્મ જર્નાલિસ્ટ એશોસિએશન એવોર્ડ (બી.એફ.જી.એ.) મળ્યો હતો. તે ઉપરાંત, તેને 1974ના બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેકટર, બેસ્ટ એક્ટર અને બેસ્ટ એક્ટ્રેસ ફિલ્મફેર એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી હતી. અલબત્ત, તે વર્ષે ‘કોશિશ’ની સ્પર્ધા બોબી, ઝંઝીર, દાગ, અનુરાગ (જેમાં મૌસમીજી હતાં) સાથે હતી.
ગુલઝાર અને સંજીવ કુમારનું એ સાચે જ સાહસ કહેવાય કે 80ના દાયકાના મારધાડ અને ઘોંઘાટિયા ફિલ્મોના દોરમાં તેમણે એક એવી ફિલ્મ બનાવી હતી જેમાં નાયક અને નાયિકા ન તો બોલી શકે કે ન તો સાંભળી શકે છે. માનવીય લાગણીઓની જટિલતાને બતાવવા / સમજવાની વાત આવે ત્યારે, હિન્દી સિનેમામાં ગુલઝારથી બહેતર કોઈ લેખક કે નિર્દેશક નથી. ચાહે ‘મેરે અપને’ હોય, ‘ખુશ્બૂ’ હોય, ‘આંધી’ હોય, ‘મોસમ’ હોય કે ‘ઈજાજત’ હોય, ગુલઝારે આપસી સંબંધોની સંવેદનશીલતાને બહુ પ્રેમથી પ્રદર્શિત કરી છે. એ તર્જ પર, ‘કોશિશ’માં દર્શકોને ભાવનાઓની એક અલગ જ દુનિયામાં લઇ જવાનો પ્રયાસ હતો.
મૂળમાં આ ફિલ્મ 1961માં આવેલી જાપાનીઝ ફિલ્મ ‘હેપ્પીનેસ ઓફ અસ અલોન’ પરથી પ્રેરિત હતી. 1952માં, ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં ગુલઝારે આ ફિલ્મ જોઈ હતી. તેમાં, દ્વિતીય મહાયુદ્ધમાં બરબાદ થયેલા જાપાનમાં એક મૂંગું યુગલ બાળક પેદા કરે છે અને ક્રૂર સમાજ કેવી રીતે તેમને નકામા અને નાલાયક ગણીને ઉપેક્ષા કરે છે તેની હૃદયસ્પર્શી વાર્તા હતી. ગુલઝારે તેમાં થોડા ફેરફાર સાથે તેને ભારતીય સંદર્ભમાં પેશ કરવાનું નક્કી કર્યું હતું.
એક ઇન્ટરવ્યૂમાં તે કહે છે, “એ ફિલ્મમાં દિવ્યાંગ લોકો માટે વિશેષ અને અલગ દુનિયા સર્જવાનો ખ્યાલ કેન્દ્રમાં હતો. એ વાત મને બહુ નવી લાગી હતી. એ ફિલ્મ જોઈ ત્યારથી મને થયા કરતું હતું કે દિવ્યાંગ લોકો સમાજનો જ એક અવિભાજ્ય હિસ્સો છે એ વાત મારે કહેવી છે.” આ ફરક મહત્ત્વનો છે. જાપાનીઝ ફિલ્મ દિવ્યાંગ લોકો માટે અલગ દુનિયા હોવી જોઈએ તેની વકાલત કરતી હતી, ગુલઝારની ‘કોશિશ’ એવા લોકો સમાજનો જ હિસ્સો હોવા જોઈએ તેના પર ભાર આપતી હતી.
ફિલ્મમાં હરિચરણ (સંજીવ) અને આરતી (જયા) નામનાં ગરીબ અને દિવ્યાંગ યુગલને જિંદગીમાં કેવી પરેશાનીઓમાંથી પસાર થવું પડે છે તેની પીડાને ગુલઝારે અદ્ભુત સંયમથી પેશ કરી હતી. સંયમથી એટલા માટે કે બહેરાં-મૂંગાની વાર્તા હોય એટલે દર્શકોની સહાનુભૂતિ ઉઘરાવાની લાહ્યમાં ફિલ્મમેકર તેમને બિચારાં અને દયાને પાત્ર બતાવવાની લાલચને રોકી ન શકે.
તેના બદલે, ‘કોશિશ’માં ગુલઝારે એક એવા યુગલની વાર્તા માંડી હતી જે શારીરિક કમજોરી હોવા છતાં સામાન્ય માણસથી કોઈપણ રીતે ઉતરતાં નથી. એ બાબતમાં ગુલઝાર એક જાદુગર છે. એ લાગણીઓનો તમાશો નથી કરતાં, એ તેની કવિતા રચે છે. ‘કોશિશ’ જોયા પછી આપણને હરિચરણ-આરતી પર દયા આવવાના બદલે, તેમના જીવનની સુંદરતા, અડચણો સામે ટકી રહેવાના તેમના સાહસ અને ઉત્તમ ભવિષ્ય માટેનો તેમનો આશાવાદ જોઈને આપણને આપણા ખુદના ‘તંદુરસ્ત’ જીવનને કેવી રીતે જીવવું તેની પ્રેરણા મળે છે.
પ્રેમના સહિયારાપણાનું એ પ્રદર્શન ‘કોશિશ’ ફિલ્મને એક અવિસ્મરણીય અનુભવ બનાવે છે. બે મૂંગા અને બહેરાં સ્ત્રી-પુરુષ પ્રેમમાં પડે અને આજીવન સાથે રહેવાનું નક્કી કરે એથી વધુ રોમેન્ટિક વાર્તા બીજી શું હોઈ શકે! મજાની વાત એ છે કે માત્ર ગુલઝારને જ એવો વિચાર આવેલો કે બોલિવૂડના પડદા પર એક એવી પણ ફિલ્મ બનાવવી જોઈએ જ્યાં પ્રેમને શારીરિક ક્ષમતા કે કમજોરી સાથે સંબંધ ન હોય. એટલે જ ફિલ્મનો અંત એક પંક્તિ સાથે થાય છે : એન્ડ કોશિશ કન્ટિન્યૂઝ …
સંજીવ કુમાર એક ઉત્કૃષ્ઠ અદાકાર હતા તેની અનેક ફિલ્મો ગવાહી પૂરે છે પરંતુ 1972ની ‘કોશિશ’ અને 1975ની ‘શોલે’ તેમને એક અલગ જ શિખર પર લઇ જાય છે. બંને ફિલ્મોમાં તેમણે શારીરિક કમજોરીને આધાર બનાવીને અદાકારીનો એવો રંગ બતાવવાનો હતો કે દર્શકો દયા ખાવાને બદલે જોશ અનુભવે.
‘કોશિશ’ ફિલ્મે એટલા બધા લોકોની લાગણીઓને સ્પર્શ કર્યો હતો કે મુંબઈમાં તો એ જ નામની એક દિવ્યાંગ સ્કૂલ પણ સ્થાપવામાં આવી હતી અને સંજીવ કુમાર (જયા બચ્ચનની સાથે) આજીવન એ સ્કૂલ સાથે જોડાયેલા રહ્યા હતા.
(‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 23 ઑગસ્ટ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર