સામાજિક અગ્રણી, લેખક, ‘નવસર્જન’ના સ્થાપક સભ્ય માર્ટિન મૅકવાને સ્થળ મુલાકાત બાદ આંખ ખોલનારો અહેવાલ રજૂ કર્યો છે :
દલિત અત્યાચાર પર યોજાનાર સેમિનારમાં જવા અંગે ગઈ કાલે અવઢવમાં હતો ત્યારે જ મિત્ર શિવ શંકરની એક ઇ-મેઇલ આવી. ખેરાલુ તાલુકા અને મહેસાણા જિલ્લાના લુણવા ગામની ઘટનાનો તેમાં ઉલ્લેખ હતો. મેં સાથી કાર્યકર ભરતભાઈને ફોન કર્યો અને અમદાવાદથી 125 કિલોમીટર દૂર આવેલ ગામે ભરતભાઈ અને શાંતાબહેન સાથે જવા નીકળી પડ્યો.
80 દલિત અને 400 જેટલા અંદાજિત મુસ્લિમ કુટુંબોવાળા આ ગામમાં સરપંચ નસરુદ્દીન હતા. તે અમને સનેવાર ખાનના ઘરે લઇ ગયા. સનેવાર ખાન નાના ખેડૂત છે અને પાંચ વીઘા જમીન ધરાવે છે. જમીનમાં સિંચાઇની વ્યવસ્થા નથી એટલે ભાગે ખેતીમાંથી વર્ષે સાત-આઠ હજાર રૂપિયા આવકમાં મળે છે. કુટુંબમાં તેમના 85 વર્ષનાં અને સાત ચોપડી ભણેલાં માતુશ્રી મેહેરુનિસા ઉપરાંત 4 બાળકો છે. ઊનેશા બાનુ 12મા ધોરણમાં ભણે છે. અરનાઝ બાનુએ 11મા ધોરણમાં પ્રવેશ મેળવ્યો છે. અરીના સાતમા ધોરણમાં અને સૌથી નાનો ઝિયાન બાલમંદિરમાં છે.
હાલ દેશના ઘણાં છાપાં અને સામાજિક પ્રસાર માધ્યમોમાં ચર્ચાના કેન્દ્રમાં સનેવાર ખાન અને સોહાનાબાનુની 15 વર્ષની દીકરી અરનાઝ બાનુ છે. લુણવા ગામની કે.ટી. પટેલ સ્મૃતિ વિદ્યાલય શાળામાં અરનાઝ બાનુએ ભણી 10મા ધોરણની બૉર્ડની પરીક્ષામાં શાળાના તમામ વિદ્યાર્થીઓમાં સૌથી વધુ 78.66 ટકા અને 91.60 પર્સેન્ટાઇલ ગુણ મેળવી માર્ચ 2023માં પ્રથમ અંક હાંસલ કર્યો છે. આ શાળાની પ્રથા અનુસાર, દર વર્ષની 15 ઑગષ્ટના રોજ આઝાદી પર્વની ઊજવણી કાર્યક્રમ દરમિયાન તેજસ્વી તારલાઓનું જાહેર સન્માન થાય છે અને ત્યાર બાદ શાળામાં જાહેરમાં લગાવેલ પાટિયામાં આવા પ્રથમ આવનાર વિધાર્થીનું નામ પણ લખાય છે. આવો જ આઝાદી પર્વનો કાર્યક્રમ તારીખ 15 ઑગષ્ટ, 2023ના રોજ શાળામાં યોજાયો. સમયસર તૈયાર થઇ અરનાઝ બાનુ પણ શાળામાં પહોંચી ગઈ. આજે તેના જીવનનો ધન્ય દિવસ હતો, કારણ જીવનમાં પ્રથમ વાર તેનું જાહેરમાં સન્માન થવાનું હતું. રાષ્ટ્રગીત ગવાયું અને ધ્વજવંદન પણ થયું. હવે એ ક્ષણ આવી જ્યારે આ વર્ષે શાળાનું નામ રોશન કરનાર વિધાર્થીનું નામ જાહેર કરી તેમને મંચ પર બોલાવી તેમનું સન્માન કરવાનું હતું. 15 વર્ષની અરનાઝની ભોળી આંખો આ જ ઘડીના ઈંતજારમાં હતી.
પણ અરનાઝના અગાઉની રાતોમાં જોયેલાં તમામ સપનાં તૂટીને ચકનાચૂર થઇ ગયાં. એસ.એસ.સીના બૉર્ડની પરીક્ષામાં શાળામાં બીજા, ત્રીજા અને ચોથા ક્રમે આવેલ બાળકોનાં નામ જાહેર કરી મંચ પર બોલાવીને તેમનાં સન્માન કરાયાં પણ અરનાઝનું નામ જાણે હવામાં ઓગળી ગયું. અરનાઝની હિન્દુ અને મુસ્લિમ બહેનપણીઓની આંખો આશ્ચર્યથી તેને જોઈ રહી. કાર્યક્રમ સમાપ્ત થતાં વેંત અરનાઝ ઘરે આવી. ઘરના બારણે જ માબાપનો ભેટો થયો. દીકરીના રડમસ ચહેરાથી તેમને આઘાત લાગ્યો. અરનાઝના પ્રથમ શબ્દો હતા : ‘હું ન ભણી હોત તો સારું’. શાળામાં તેનું સન્માન તો ન થયું પણ ભરી સભામાં તેને ઉતારી પાડવામાં આવી. હજુ થોડા દિવસ પહેલાં જ સનેવાર ખાન અરનાઝની માર્કશીટ લેવા શાળામાં ગયા હતા ત્યારે આચાર્યે તેમને કહ્યું હતું કે અરનાઝનો શાળાના વિધાર્થીઓમાં પ્રથમ ક્રમ આવ્યો છે. સનેવાર ખાન શાળાની ‘સ્કૂલ મેનેજમેન્ટ કમિટી’ના સભ્ય પણ રહી ચુક્યા છે. પોતાની દીકરીના અપમાનનો મુદ્દો તેમણે શાળાના અધિકારી સમક્ષ ઉઠાવ્યો. શાળાના ઘણા ઉડાઉ જવાબોમાંથી બે ત્રણ જવાબો આવા હતા. (1) અરનાઝ આ કાર્યક્રમમાં ગેરહાજર હતી માટે તેનું સન્માન રહી ગયું. (2) ખરો કાર્યક્રમ તો 26 જાન્યુઆરીના રોજ યોજાનાર છે ત્યારે સન્માન કરીશું. (3) તમે કહો તો કાલે જ સન્માન કરીએ.
આ બધાં જ જૂઠાણાં હતાં. અરનાઝ કહે છે કે આવો સન્માન કાર્યક્રમ માત્ર 15 ઓગષ્ટના રોજ જ યોજાય છે અને 26 જાન્યુઆરીએ આવો કાર્યક્રમ ક્યારે ય યોજાયો નથી. સનેવાર ખાનના કહેવા અનુસાર શાળામાં CC TV કેમેરા લાગેલા છે અને અરનાઝની કાર્યક્રમમાં હાજરી જોઈ શકાય છે. આ બધા પરથી એક વાત નક્કી જણાય છે. અરનાઝનું જાહેર સન્માન ન કરવાની ઘટના પૂર્વયોજિત છે. આમ કરવાનું કારણ?
અમે અરનાઝને બોલાવી એટલે તે ઘરની બહાર આવી અને શાંતાબહેન સાથે અમારા આગ્રહથી ખાટલા પર બેઠી. એની માસૂમ આંખો આંસુથી છલકાયેલ હતી. શાળા હવે તેનું સન્માન કરે તેમાં તેને કોઈ જ રસ નથી અને તે શાળાનાં પગથિયાં ચઢવા માંગતી નથી. આ વાતચીત દરમિયાન ઘણા સ્ત્રી-પુરુષ-બાળકો ત્યાં આવી ચઢ્યાં. મુસ્લિમ-દલિત પરિવાર એક જ ફળિયામાં રહે છે. અમારી સાથે તે તમામે ચા-પાણી કર્યાં. દલિતો પણ માને છે કે અરનાઝ સાથે ભેદભાવ કરવામાં આવ્યો છે. ત્યાં આવેલ દશરથભાઈ કહે છે કે એમની દીકરી નિશા સાથે પણ આ જ શાળાએ એવું જ વર્તન કર્યું હતું. અમે નિશાને બોલાવડાવી.
નિશા હાલ બી.કોમ.નો અભ્યાસ કરી રહી છે. 2019ના માર્ચમાં SSCની બોર્ડની પરીક્ષામાં આ જ શાળામાં નિશા પ્રથમ ક્રમે આવી હતી. નિશાનું જાહેર સન્માન કરવામાં આવ્યું ન હતું પણ શાળાના પાટિયા પર તેનું નામ અંકિત થયેલ છે. નિશાના પિતા જમીનવિહોણા ખેતમજૂર છે અને મજૂરી તથા પશુપાલનથી રોજીરોટી કમાય છે.
અન્ય એક દલિત યુવાન ત્યાં હાજર છે અને આક્રોશમાં છે. હાલ તે M. Ed.નો અભ્યાસ કરે છે. પોતાની ઇન્ટર્નશિપ માટે તે આ શાળામાં ગયો ત્યારે તેને અપમાનિત કરવામાં આવ્યો હતો.
સનેવાર ખાનનું ખેતર આ શાળાને અડીને આવેલું છે. થોડાં વર્ષ પહેલાં સરકારના ચાર મંત્રીની શાળામાં પધરામણી થવાની હતી ત્યારે શાળાની વિનંતીથી તેમના ખેતરમાં જાહેર કાર્યક્રમ થઇ શકે તે માટે તેમણે પાકની વાવણી કરવાનું માંડી વાળ્યું હતું. સામાન્ય ફરિયાદ પ્રમાણે મુસ્લિમ પરિવારો પોતાની દીકરીઓને ઝાઝું ભણાવતા નથી પણ અહીં તો 12 ચોપડી ભણેલ સનેવાર ખાન અને 7 ચોપડી ભણેલ સોહાનાબાનુંએ આ વર્ષે પોતાનું ખેતર એક લાખ રૂપિયામાં ગીરવે મૂક્યું છે, જેથી તે પોતાની બંને દીકરીઓને ભણાવી શકે. આ ગામમાં અત્યારે વહીવટદાર નિમાયા છે પરંતુ અગાઉ પાંચ વર્ષ સુધી સરપંચ નસરુભાઈ હતા. આ શાળાએ ક્યારે ય ગામના સરપંચને કોઈ જાહેર કાર્યક્રમમાં કે આઝાદીની ઊજવણી કાર્યક્રમમાં પણ નિમંત્રણ આપ્યું નથી.
શાળામાં ભણતા હતા ત્યારે આઝાદી બાદ ભારતના ભાગલા પડી તેમાંથી ભારત-પાકિસ્તાનના સર્જન વિષે માહિતી મળેલ હતી. દુનિયાના નકશામાં ગુજરાત-રાજસ્થાન-પંજાબ અને કાશ્મીરની સરહદે એક જ પાકિસ્તાન આવેલું હતું પણ કમનસીબી છે કે ભા.જ.પ. અને તેના વિવિધ સાથી પક્ષોએ ભારતના દરેક ગામ અને શહેરમાં નવા પાકિસ્તાનની રચના કરી, પાકિસ્તાનનો વિસ્તાર વધાર્યો છે. આ સંકુચિત દૃષ્ટિવાળા રાજકારણમાં ધર્મને આધારે ધ્રુવીકરણનો ફાયદો જરૂર તેમને સત્તા ટકાવવામાં મદદ કરી રહ્યો છે પણ એની સાથે સાચા રાષ્ટ્રવાદીઓની ચિંતા અનુસાર ભારત નબળું પડી ગયું છે. દેશની પ્રજા વિભાજીત હોય ત્યાં અવિભાજ્ય રાષ્ટ્રના સપનાં ઝાંઝવાનાં જળ સમાન છે.
નાનાં-ભૂલકાં જેવા નિર્દોષ બાળકોના દિલ-દિમાગમાં ધૃણાનાં વાવેતરનો ફાલ આવે ત્યારે એને લણવા કોણ જશે ? સમુદ્રમંથન સમયે વિષ આરોગી જનાર નીલકંઠ હતા પણ હવે જ્યાં નીલકંઠનું કામ કરતી તમામ જાહેર સામાજિક-સાંસ્કૃતિક કે ધાર્મિક સંસ્થાઓને ગળે ટૂંપો દેવાઈ રહ્યો છે ત્યારે ભારતનું ભવિષ્ય કેવું હશે તે ચિંતા સામાન્યજનને કોરી ખાય તે સ્વાભાવિક છે.
અરનાઝનું અપમાન તે તો હકીકતે તેનું અપમાન કરવાવાળાઓનું અપમાન છે. બે કલાક ગામમાં રહી હું પાછો વાળ્યો ત્યારે આંસુથી છલકાતી અરનાઝની વાત મને કોરી રહી છે. મેં તેને પૂછ્યું હતું : ‘અરનાઝ તને શું જોઈએ?’ એણે મને કહ્યું, ‘ન્યાય’. મારી પાસે એનો ઉત્તર નથી, તમારી પાસે છે?
[સૌજન્ય : માર્ટિન મેકવાન]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર