થોડા વખત પહેલાં, અસ્પૃશ્યતાના વિષય પર બિમલ રોયે બનાવેલી સુંદર અને સંવેદનશીલ ફિલ્મ ‘સુજાતા’(1959)ની વાત અહીં કરી હતી. તેમાં ફિલ્મની હિરોઈન નૂતનના 1995ના એક ઇન્ટરવ્યૂને ટાંક્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું, “મારી બે ગમતી ભૂમિકા ‘બંદિની’ અને ‘સુજાતા’ હતી. બંને ફિલ્મોએ સ્ત્રીત્વનાં અજાણ્યા પાસાઓને એટલી તાકાતવર રીતે બતાવ્યા હતા, જે મારી બીજી ફિલ્મોમાં જોવા નથી મળ્યાં.” આપણે ત્યારે કહ્યું હતું કે ‘બંદિની’ની વાત ક્યારેક કરીશું. આજે કરીએ.
‘બંદિની’ 1963માં આવી. પૂરી કારકિર્દીમાં 11 ફિલ્મફેર એવોર્ડ અને 6 નેશનલ એવોર્ડ વિજેતા બિમલ રોયની આ અંતિમ ફિલ્મ. અંગ્રેજીમાં ‘સ્વાન સોંગ’ નામનો શબ્દ છે. કોઈ કલાકારનું અંતિમ અને યાદગાર પર્ફોમન્સ હોય તેને ‘સ્વાન સોંગ’ કહે છે. ગ્રીક પુરાણકથાઓમાં એક હંસ(સ્વાન)ની વાત છે, જે બીજા પક્ષીઓની જેમ તેની ગાયનકળા માટે જાણીતો નથી, પરંતુ એક અકસ્માતમાં મરતાં પહેલાં તે એક અદ્ભુત ગાયન ગાઈને લોકોને ચકિત કરી દે છે.
બિમલ રોયનું અવસાન તો ત્રણ વર્ષ પછી, 7 જાન્યુઆરી 1966માં થયું, પણ 1963માં તેમણે ‘બંદિની’ના રૂપમાં તેમનું ‘સ્વાન સોંગ’ પેશ કર્યું. માત્ર એવોર્ડ્સની જ જો વાત કરીએ તો, ‘બંદિની’ને 6 ફિલ્મફેર એવોર્ડ (બેસ્ટ ફિલ્મ, બેસ્ટ સ્ટોરી, બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ ડિરેકટર, બેસ્ટ સિનેમેટોગ્રાફી, બેસ્ટ સાઉન્ડ) અને બેસ્ટ હિન્દી ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો હતો.
ફિલ્મ એ વર્ષે બોક્સ ઓફિસ ઓર સુપરડુપર હિટ ગઈ એટલું જ નહીં, હિન્દી સિનેમાના ચાહકો આજે પણ તેને નૂતનના કેરિયર-બેસ્ટ પરફોર્મન્સ, બિમલ રોયના યથાર્થવાદી નિર્દેશન અને સચિન દેવ બર્મનના મધુર સંગીત માટે યાદ કરે છે.
ગુજરાતીમાં એક કહેવત જાણીતી છે; શાંત પાણી ઊંડા હોય. હિન્દી ફિલ્મોમાં મૌનના મહત્ત્વને અલગ-અલગ રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું છે, પરંતુ ‘બંદિની’માં નૂતને જે રીતે તેની મૌન શક્તિનો પરિચય કરાવ્યો હતો તે અદ્વિતીય છે. કલ્યાણીની તેની ભૂમિકા પણ મૌન રહેવા માટે જ હતી. અતીતમાં પ્રેમ અને પીડાના અવેશમાં આવીને કલ્યાણીએ એક ખૂન કર્યું હોય છે અને એવા જ આવેશમાં એ ખૂનનો એકરાર પણ કર્યો હોય છે. એની સજા બદલ તે જેલમાં આજીવન સજા કાપી રહી હોય છે (એટલે જ ફિલ્મનું નામ ‘બંદિની’ છે).
ફિલ્મ કલ્યાણીની જેલથી શરરૂ થાય છે અને પછી ફ્લેશબેકમાં જાય છે. તેની વાર્તા સ્વતંત્રતા પહેલાંના 30ના દાયકાના બંગાળી ગામડાની છે. ગરીબ પિતા સાથે રહેતી કલ્યાણી ગામના એક સ્વાતંત્ર્ય સેનાની યુવાન વિકાસ(અશોક કુમાર)ના પ્રેમમાં પડે છે. વિકાસ પાછા આવવાનું વચન આપીને શહેર જતો રહે છે અને પાછો નથી આવતો.
પિતાની અને પોતાની મુસીબતોથી પરેશાન કલ્યાણી ઘર-ગામ છોડીને શહેર આવી જાય છે. અહીં તે એક બીમાર, વિક્ષિપ્ત મહિલાની સાર-સંભાળ રાખે છે. આ મહિલા વિકાસની પત્ની નીકળે છે. કલ્યાણીને ખબર પડે છે કે તેની શોધમાં શહેર આવેલા તેના પિતાનું અકસ્માતમાં મૃત્યુ થઇ ગયું છે. જીવનની આવી આકરી પરીક્ષાથી વ્યથિત કલ્યાણી આવેશમાં પ્રેમીની પત્નીને ઝેર પીવડાવી દે છે.
એ અપરાધ બદલ તેને જેલમાં પુરવામાં આવે છે. જેલમાં પણ તે સૌને મદદરૂપ બને છે. ખાસ કરીને તે એક વૃદ્ધા કેદીની બીમારીમાં સારવાર કરે છે. કલ્યાણીની માનવતા જોઈને જેલનો ડોકટર દેવેન્દ્ર (ધર્મેન્દ્ર) તેના તરફ આકર્ષાય છે, પરંતુ તેના અતીતના કારણે કલ્યાણી દેવેન્દ્રના પ્રેમનો સ્વીકાર નથી કરી શકતી. કલ્યાણીના અસ્વીકાર પછી દેવેન્દ્ર રાજીનામું આપીને ઘરે જતો રહે છે.
દેવેન્દ્રના રાજીનામાનું કારણ જાણ્યા પછી જેલર કલ્યાણીને બોલાવીને તેના અતીત વિશે પૂછે છે. અહીંથી ફિલ્મ ફ્લેશબેકમાં જાય છે. કલ્યાણીની સજા પૂરી થયા પછી જેલર તેને દેવેન્દ્રની માતાનો પત્ર આપે છે. જેમાં તેને ખબર પડે છે કે દેવેન્દ્રની માતાએ તો તેને વહુ તરીકે સ્વીકાર કરી હતી. કલ્યાણી હવે દેવેન્દ્ર પાસે જવાની તૈયારી કરે છે.
એ સ્ટેશન પહોંચે છે તો ત્યાં ફરી એકવાર વિકાસનો ભેટો થાય છે. વિકાસ બીમારીનો ભોગ બન્યો છે અને તેનો અંતિમ સમય ગામમાં વિતાવા માંગે છે. કલ્યાણી માટે હવે દુવિધા ઊભી થાય છે. તેણે ગામમાં જેને પ્રેમ કર્યો હતો તેની સાથે રહેવું કે જેલમાં તેને જેણે પ્રેમ કર્યો હતો તેની પાસે જવું? છેવટે તે વિકાસની સાર-સંભાળ લેવાનું નક્કી કરે છે અને દેવેન્દ્રને ભૂલી જાય છે.
આ વાર્તાનો એક સાદો સાર છે કે સ્ત્રીઓ દીવાલોમાં કેદ નથી હોતી, પ્રેમની જેલમાં બંધ હોય છે. જેણે તેને ગામ છોડવા મજબૂર કરી, જેણે તેને હત્યા કરવા ધકેલી, જેણે તેને જેલમાં પહોંચાડી દીધી, જેણે તેની મોટાભાગની જિંદગી બરબાદ કરી નાખી તે વિકાસના પ્રેમમાંથી કલ્યાણી છૂટી શકતી નથી અને હવે એ જ પ્રેમ માટે તે દેવન્દ્રના પ્રેમનું બલિદાન આપી દે છે. કલ્યાણી જેલમાં છૂટવાની હોય છે ત્યારે જેલર તેને કહે હે પણ ખરા, “મેરી કૈદ સે તો છુટકારા મિલ ગયા, અબ ઘર ગ્રહસ્થી કી જેલ મેં કૈદ રહોગી.”
‘બંદિની’ સ્ત્રીની એ કેદની વાર્તા છે. બિમલ રોયે જે જમાનામાં ફિલ્મ બનાવી હતી તેમાં પુરુષ ગમે તેટલો બદમાશ હોય, સ્ત્રીએ એકવાર તેને મનનો માણીગર માન્યો, પછી હર હાલમાં તેની સાથે જ રહેવાનું. આજે ઈમ્તિયાઝ અલી જેવા કોઈ નિર્દેશક જો ‘બંદિની’ને ફરીથી બનાવે તો તે કલ્યાણીને દેવેન્દ્ર પાસે મોકલે, વિકાસ પાસે નથી. મહેશ ભટ્ટે તો વળી ‘અર્થ’ ફિલ્મમાં પૂજાને બે ય પુરુષોથી દૂર મોકલી દીધી હતી. પ્રેમી કે પતિ વગર સ્ત્રી કેમ રહી ના શકે? એવો ક્રાંતિકારી સવાલ ભટ્ટે ‘અર્થ’માં પૂછ્યો હતો.
‘બંદિની’ની અંતમાં કલ્યાણી જ્યારે વિકાસ સાથે જાય છે ત્યારે બર્મન’દાના અવાજમાં ગીત વાગે છે, ‘ઓ માઝી, ઓ માઝી, મેરે સાજન હૈ ઉસ પાર.’ એમાં ગીતકાર શૈલેન્દ્રએ કલ્યાણીની સ્થિતિને એક પંક્તિમાં આબાદ વ્યક્ત કરી હતી; મૈં બંદિની પિયા કી, મૈં સંગીની હૂં સાજન કી.” તે એની દુવિધા પણ હતી અને તેની સ્વતંત્રતા પણ.
ફિલ્મમાં કુલ 7 ગીતો હતાં અને ઉપર લખ્યું તે સિવાય બીજાં બે ગીતો પણ એટલાં જ મશહૂર થયાં હતાં. એક હતું મૂકેશના અવાજમાં ‘ઓ જાને વાલે હો સકે તો લૌટ કે આના,’ જે કલ્યાણી ઘર-ગામ છોડે છે ત્યારે વાગે છે. બીજું હતું લતા મંગેશકરના અવાજમાં ‘મોરા ગોરા અંગ લાઈ લે, મુજે શ્યામ રંગ ડાઈ દે.’
આ ગીત ગામમાં કલ્યાણીના સુખી સમયનું ગીત છે. ગીત પહેલાં તેના કાને કૃષ્ણ ભગવાનની વાર્તા પડે છે કે રાધા શ્યામ દેખાય તેવી ઘટ્ટ ભૂરી સાડી, ભૂરી બંગડીઓ અને શ્યામ કાજલ લગાવીને અંધારામાં કૃષ્ણને મળવા જાય છે જેથી કોઈ તેને જોઈ ન જાય, પરંતુ તેનો ગોરો વાન અંધારામાં ચમકે છે એટલે તે પ્રાર્થના કરે છે કે તેનો રંગ શ્યામ થઇ જાય. કલ્યાણી વિકાસને યાદ કરીને પછી ગાય છે, ‘મોરા ગોરા અંગ લાઈ લે, મુજે શ્યામ રંગ ડાઈ દે.’
આ ગીત સાથે ગુલઝારનો હિન્દી ફિલ્મોમાં પ્રવેશ થયો હતો. એક જૂના ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું તેમ, ‘બંદિની’ બનતી હતી ત્યારે એસ.ડી. બર્મન અને શૈલેન્દ્ર વચ્ચે કોઈક મગજમારી થઇ અને અબોલા થઇ ગયા. બિમલ’દાને તાત્કાલિક એક ભક્તિ ગીત જોઈતું હતું. ગુલઝાર ત્યારે મુંબઈમાં એક કાર ગેરાજમાં કલર કામ કરતા હતા અને શોખથી કવિતાઓ અને શાયરીઓ લખતા હતા. પ્રોગ્રેસિવ રાઈટર્સ એસોસિયેશન સાથે જોડાયેલા હતા એ નાતે બિમલ રોયે તેમને મળવા બોલાવ્યા હતા. તેમણે ગુલઝારને બર્મન’દા પાસે મોકલ્યા.
બર્મન’દાએ ધૂન અને દૃશ્ય સમજાવ્યું. અઠવાડિયા પછી ગુલઝારે ગીત આપ્યું. બર્મન’દા ખુશ થઇ ગયા અને તેમને બિમલ’દા પાસે મોકલ્યા. તેમને પણ ગીત ગમી ગયું. ગુલઝારે રાધા-કૃષ્ણને ધ્યાનમાં રાખીને અવધી ભાષામાં એ ગીત લખ્યું હતું. એ પછી તો બિમલ’દાએ તેમને કહ્યું કે તારા માટે ગેરાજ એ કોઈ કામ કરવાની જગ્યા નથી, મારી પાસે આવી જા અને તેમની બીજી ફિલ્મ ‘કાબુલીવાલા’થી ગુલઝાર ગીતકાર બન્યા.
આજે પણ એ ગીત એટલું જ તાજું અને લાજવાબ છે. આજે જ્યારે સ્ત્રીઓની ત્વચાને ગોરી બનાવાની એક તોતિંગ ઇન્ડસ્ટ્રી ધમધમે છે ત્યારે 60 વર્ષ પહેલાં ગુલઝારે એક એવું ગીત રચ્યું હતું જેમાં શ્યામ રંગનું સન્માન કરવામાં આવ્યું હતું અને ગોરા રંગનો ઇનકાર કરવામાં આવ્યો હતો.
પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 19 ઍપ્રિલ 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર