એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટાએ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પરથી, મુંબઈમાં તેની સાથે બનેલી બે ઘટનાઓની વાત લખી છે. પહેલી ઘટનામાં, પ્રીતિની દીકરી ગિયા સાથે એક પાડોશી સ્ત્રીએ ‘ગેરવર્તન’ કર્યું હતું. પ્રીતિએ લખ્યા મુજબ, તેનાં સંતાનો બીજાં બાળકો સાથે બગીચામાં રમતાં હતાં ત્યારે, એક ‘એલિટ’ ફ્લેટમાં રહેતી એક સ્ત્રીએ ગિયાનો ફોટો પાડવા પ્રયાસ કર્યો. પ્રીતિએ શાલીનતાથી તેને ફોટો પાડતાં રોકી એટલે એ સ્ત્રી જવા લાગી અને અચાનક ગિયાને ઊંચકી લઈને તેના મોઢા પર તસતસતું ચુંબન ચોડી દીધું અને ‘કયુટ બેબી’ બોલીને નાસી ગઈ. “હું સેલિબ્રિટી ન હોત તો, મેં એનું મોઢું તોડી લીધું હોત, પરંતુ તમાશો ન થાય એટલે હું શાંત રહી.”
બીજી ઘટનાની એરપોર્ટ જતી વખતની છે. પ્રીતિએ તેનો વીડિયો પણ અપલોડ કર્યો છે. તેમાં એક વ્હીલચેરમાં એક દિવ્યાંગ માણસ પ્રીતિને તેની કાર પાસે રોકવા માટે મથામણ કરી રહ્યો છે. પ્રીતિના કહેવા પ્રમાણે, આ માણસ છેલ્લા એક વર્ષથી તેને પૈસા માટે હેરાન કરી રહ્યો હતો. શક્ય હતું ત્યારે તેણે પૈસા આપ્યા પણ હતા.
પ્રીતિ લખે છે, “એ દિવસે તેણે પૈસા માગ્યા એટલે મેં તેને કહ્યું કે સોરી, આજે છુટ્ટા નથી, ક્રેડિટ કાર્ડ છે. મારી સાથે એક બહેન હતાં તેમણે પર્સમાંથી પૈસા આપ્યા. પેલાએ પૈસા પાછા ફેંક્યા અને આક્રમક થઇને કહ્યું કે આટલા ન ચાલે.”
ત્યાં ઊભેલા લોકોને આમાં જોણું થયું અને ફોટા પાડવા લાગ્યા, વીડિઓ ઉતારવા લાગ્યા. પ્રીતિ કહે છે, “કોઈએ પેલાને અમારી કારની પાછળ આવતાં ન રોક્યો. જો અકસ્માત થયો હોત તો મને જ દોષિત ઠેરવવામાં આવી હોત, મારા સેલિબ્રિટી હોવા સામે સવાલ કરવામાં આવ્યો હોત, બોલિવૂડને ગાળો પડી હોત.”
પ્રીતિએ આ બે ઘટનાઓનો ઉલ્લેખ કરીને તેની પોસ્ટમાં એક અગત્યનો પ્રશ્ન ઉઠાવ્યો છે : સેલિબ્રિટીઓને અન્ય સામાન્ય લોકોની જેમ નિજતા(પ્રાઈવસી)નો અધિકાર નથી? શું સેલિબ્રિટીઓ પબ્લિક પ્રોપર્ટી છે કે હર કોઈ વ્યક્તિ હર કોઈ વક્ત તેનો અધિકાર જતાવા આવી શકે?
પ્રીતિ લખે છે, “લોકોએ એ સમજવાની જરૂર છે કે હું પહેલાં માણસ છું, પછી માતા છું અને એ પછી સેલિબ્રિટી છું. મારે મારી સફળતા માટે નિયમિત રીતે માફી માંગતા રહેવાનું ન હોય કે ન તો હું મહેનત કરીને જે ઠેકાણે પહોંચી છું એ માટે અને પજવવામાં આવે. આ દેશમાં બીજા લોકોની જેમ મરજી પડે તે રીતે જીવવાનો મને અધિકાર છે. મહત્ત્વની વાત એ છે કે મારાં બાળકો એમાં ભાગીદાર નથી. એ અબુધ છે અને તેમને સેલિબ્રિટી તરીકે લેવાની જરૂર નથી. એમનાથી આઘા રહો.”
સેલિબ્રિટી હોવું એ બેધારી તલવાર છે. એ લોકો મારા-તમારા જેવા બે હાથ, બે પગ, એક માથા વાળા માણસો જ હોય છે, પરંતુ તેમણે લાઈમ-લાઈટમાં રહીને પોતાની એક એવી પબ્લિક ઈમેજ ઊભી કરી હોય છે કે આપણે તેમને ‘સુપરહ્યુમન’ તરીકે જોતા થઇ જઈએ છીએ. પહેલાં એ સમજવું જોઈએ કે લોકો સેલિબ્રિટી સાથે અલગ વ્યવહાર કેમ કરે છે અને તેમના જીવનમાં આટલો બધો ઇન્ટરેસ્ટ કેમ હોય છે.
મનોવિજ્ઞાનમાં તેને સેલિબ્રિટી વર્શીપ સિન્ડ્રોમ કહે છે. આ એક એવી વૃત્તિ છે જેમાં વ્યક્તિ (ચાહક) સેલિબ્રિટી સાથે આત્મિયતા મહેસૂસ કરે છે. આપણે સેલિબ્રિટીને નિયમિતપણે મીડિયામાં જોતા હોઈએ છીએ, આપણે તેમના વિશે ઝીણામાં ઝીણા સમાચારો વાંચતા હોઈએ છીએ, એ આપણું મનોરંજન કરાવતા હોય છે, એ આપણા જીવનને સીધી કે આડકતરી રીતે પ્રભાવિત કરતા હોય છે. એટલે આપણે એવું માનતા થઇ જઈએ છીએ કે ‘હું તેને જાણું છું.’ આપણને સેલિબ્રિટીનો એટલો બધો પરિચય હોય છે કે એક રીતે આપણામાં તેમના પ્રત્યે અધિકારની ભાવના જાગે છે. આપણને એવું લાગવા માંડે છે કે સેલિબ્રિટીની દરેક હરકત પર ટિપ્પણી કરવાનો મને હક છે.
બીજું, સેલિબ્રિટીઓ ફેન્ટસીની દુનિયાના પ્રતિનિધિ છે જે આપણને આપણી બોરિંગ જિંદગીમાંથી છૂટવામાં મદદ કરે છે. આપણે એટલી ભંગાર જિંદગી જીવતા હોઈએ છીએ કે આપણને એવું લાગે છે કે જિંદગી તો પ્રીતિ ઝિન્ટા જેવી એક્સાઇટિંગ હોવી જોઈએ. એટલે આપણને તેની ફિલ્મથી લઈને તેના બાળક અને તેનાં કપડાંથી લઈને તેના બેડરૂમ બધામાં રસ પડે છે.
ત્રીજું કારણ બીજા કારણ સાથે જોડાયેલું છે. માણસોને સેલિબ્રિટીઓની લવ-લાઇફમાં પોતાની ખુદની ફેન્ટસી નજર આવે છે. અચેતન મનમાં, સેલિબ્રિટીઓના પ્રેમને આપણે “મોડેલ” ગણીએ છીએ અને તેની નકલ કરવા ઇચ્છીએ છીએ. જ્યારે સેલિબ્રિટીઓએ ભૂલ કરી હોય, તો લોકોમાં નારાજગી પેદા થાય છે. આનું કારણ છે. સેલિબ્રિટીઓ અથવા મનોરંજન આપણા “નાના મગજ”ને પ્રભાવિત કરે છે. વિજ્ઞાન, ફિલોસોફી, એસ્ટ્રોનોમી જેવા વિષયો સમજવા અઘરા હોય છે, એટલે “નાનું મગજ” એ દિશામાં જવા તૈયાર થતું નથી, પરંતુ સેલિબ્રિટીના હૂક-અપ કે બ્રેક-અપના સમાચાર આવે તો તે સક્રિય થઈ જાય છે.
દાખલા તરીકે, તમે “નાના મગજ”વાળાને પૂછો કે પ્રીતિનાં કેટલાં બ્રેક-અપ થયાં છે, તો તે નામ-તારીખ સાથે ગણાવશે, પણ એવું પૂછો કે પ્રીતિનાં ફેવરિટ પુસ્તકો ક્યાં છે, તો તેઓ મોઢું વકાસીને જોઈ રહેશે. હંગેરી દેશના 1,763 વયસ્કો પર કરવામાં આવેલા સર્વેમાં એવું બહાર આવ્યા હતું કે સેલિબ્રિટી પાછળ ગાંડા લોકોમાં બુદ્ધિ ઓછી હોય છે.
સેલિબ્રિટીઓ, દુકાનના માલ-સામાનની જેમ, એક કોમોડિટી છે તે વાત વીસમી સદીના મૂડીવાદનું સર્જન છે. તે પહેલાંના સમયમાં જે લોકો સફળ હતા જે ‘ફેમસ’ ગણાતા હતા, સેલિબ્રિટી નહીં. તેમનું ફેમસ હોવું સમાજના વ્યાપક હિતમાં હતું. જેમ કે આલ્બર્ટ આઈન્સ્ટાઈન કે મહાત્મા ગાંધી ફેમસ હતા, કારણ કે લોકો તેમને ચાહતા હતા અને તેમનાથી પ્રેરિત હતા. એટલા માટે તેમણે ક્યારે ય પોતાના પર અધિકાર જતાવ્યો ન હતો. એ અર્થમાં તેઓ પબ્લિક પ્રોપર્ટી હતા.
ગાંધીજી માનતા હતા કે તેમનું ખાનગી કહેવાય તેવું જીવન છે જ નહીં, અને જે છે તે સઘળું સાર્વજનિક છે. એટલા માટે તેમણે તેમની આત્મકથા ‘સત્યના પ્રયોગો’માં તેમના જીવનની એક પણ વાત છુપાવી નથી. સેલિબ્રિટીઓ બ્રાંડ ગણાય છે. જેમ બજારમાં મળતી કોઈ ચીજ-વસ્તુની ઉપયોગિતા એને કિંમત હોય છે તેવી રીતે સેલિબ્રિટીનું એક બ્રાંડ મૂલ્ય હોય છે. ટૂંકમાં એ પોતાને વેચતા હોય છે. એટલા માટે જ તેમની પબ્લિક ઈમેજ અને પ્રાઈવેટ જિંદગી વચ્ચેની સીમા ભૂંસાઈ જાય છે.
લોકો સેલિબ્રિટીને પબ્લિક પ્રોપર્ટી ગણે છે તેનો એક તાજો દાખલો અમિતાભ બચ્ચનનો છે. ગયા વર્ષે તેમણે કોર્ટમાંથી પોતાના પર્સનાલિટી રાઈટ્સ મેળવ્યા છે. અર્થાત, અમિતાભનું નામ, દેખાવ, અવાજ અને તેમના વ્યક્તિત્વની અન્ય ખાસિયતોના માલિક માત્ર અમિતાભ જ છે અને તેમની પરવાનગી વગર કોઈ વ્યક્તિ તેનો ઉપયોગ કરી નહિ શકે. આનો અર્થ એ થયો કે અમિતાભ ધારે તો પૈસા લઈને તેમની અંગત જિંદગીને પુસ્તક સ્વરૂપે બજારમાં વેચી શકે, પણ એ અધિકાર બીજા કોઈને નથી.
પ્રીતિએ જે મુદ્દો ઉઠાવ્યો છે તે ભારત માટે નવો છે અને સેલિબ્રિટીઓ પણ સાધારણ માતા-પિતા, બહેન-દીકરી છે તેવું લોકો સ્વીકારે તેમાં સમય લાગશે. ત્યાં સુધી રસ્તે જતો દિવ્યાંગ પણ એનો અધિકાર જતાવતો રહેવાનો. અમિતાભે જ એક વાર શાહરુખ ખાનને કહ્યું હતું કે, “તમે ગમે તેટલા સાચા હો, પણ તમે સેલિબ્રિટી છો અને એટલે લોકો કાયમ તમારો દોષ જ જોવાના.”
(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર”; 16 ઍપ્રિલ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર