ગયા અઠવાડિયે, તિબેટિયન નેતા અને આધ્યામિક ગુરુ દલાઈ લામાને લઈને એક વિવાદ થયો હતો. 28મી ફેબ્રુઆરીએ, ધર્મશાલાના એક ગામ મેકલોર્ડ ગંજમાં, દલાઈ લામાની ઉપસ્થિતિમાં એક મંદિર ખાતે લગભગ 100 વિધાર્થીઓનો એક કાર્યક્રમ યોજાયો હતો. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો, પછી આ વિવાદ ચગ્યો હતો.
વીડિયોમાં, એક વિધાર્થીએ માઈકમાં દલાઈ લામાને પૂછ્યું કે હું તમને ભેટી શકું? 87 વર્ષીય દલાઈ લામાએ તેને સ્ટેજ પર આવવા કહ્યું. એ આવીને બેઠો એટલે તેમણે બાળકના હોઠ પર ચૂમી લીધી અને પછી પોતાની જીભ બહાર કાઢીને બાળકને તે ચૂસવા કહ્યું. બાળક થોડો ખસ્યો એટલે દલાઈ લામા હસ્યા અને બાળકને ખેંચીને ભેટ્યા.
કાર્યક્રમમાં ઉપસ્થિત એક વ્યક્તિએ આ આખી ઘટનાનો વીડિયો ઉતાર્યો અને સોશિયલ મીડિયા પર નાખ્યો. લોકોએ આ વીડિયોને ‘ઘૃણાસ્પદ,’ ‘ગંદો’ અને ‘બીમાર’ ગણાવીને દલાઈ લામાની જબરદસ્ત ટીકા કરી. અમુક લોકોએ તો ચાઈલ્ડ એબ્યુઝના અપરાધ હેઠળ દલાઈ લામા સામે પોલીસ ફરિયાદ કરવાનું પણ સૂચન કર્યું.
દલાઈ લામા અને તેમના અનુયાયીઓને આ વિવાદની જાણ થતાં તેમણે જનહિતમાં તાબડતોબ એક બયાન જારી કરીને બાળક અને તેના પરિવારની માફી માગી અને કહ્યું કે, “દલાઈ લામા જ્યારે પણ લોકોને મળે છે ત્યારે આવી નિર્દોષ અને રમતિયાળ શરારત કરે છે.”
દલાઈ લામાએ તો કોઈ બચાવ કરવાને બદલે સાર્વજનિક માફી માગીને વિવાદને આગળ ન વધાર્યો, પરંતુ હકીકત એ છે કે આવી રીતે જીભ કાઢવી એ તિબેટની એક પરંપરાનો હિસ્સો છે. તિબેટિયન લોકો આપસમાં મળે ત્યારે આવું કરતાં રહે છે પણ એ જ વાત સોશિયલ મીડિયા પર આવીને ‘કૌભાંડ’ બની ગઈ. એમાં ય પાછા એ દલાઈ લામા પોતે હતા, જે એક હાઈપ્રોફાઈલ વૈશ્વિક નેતા છે.
બાકી, સોશિયલ મીડિયા કેટલું ક્રૂર માધ્યમ છે તેનું આ લેટેસ્ટ ઉદાહરણ છે. સોશિયલ મીડિયા ધ્રુવીકરણ પર નભે છે. એમાં બહુમતી લોકોને આત્યંતિક, સામા છેવાડાનાં વલણ પસંદ હોય છે. લોકો કોઈ વિચાર કે વ્યક્તિની અત્યંત વાહવાહી કરે છે અથવા અત્યંત ટીકા કરે છે. લોકો ભાગ્યે જ ગમતી કે ન ગમતી વાત અથવા વ્યક્તિ માટે સંતુલિત સ્ટેન્ડ લઇ શકે છે. એટલા માટે તેમાં રોજ એક નવો વિવાદ ચાલતો રહે છે.
સોશિયલ મીડિયામાં લોકો ચીડમાં જીવે છે. દરેકને દરેકની સામે ચીડ છે. આપણે રોજ સવારે એક નવી ચીડ સાથે દિવસ શરૂ કરીએ છીએ અને રાત પડે બીજી કોઈક ચીડ લઈને સૂઈ જઈએ છીએ. ‘સૂઈ જઈએ છીએ’ કહેવું પણ ખોટું છે, કારણ કે આખા દિવસની ચીડ બંધ આંખો પાછળ જીવતી રહે છે. આપણને સુંદર સપનાં આવતાં બંધ થઈ ગયાં છે. આપણે ચીડનો એક રાક્ષસ પાળ્યો છે, અને એનું પેટ બહુ મોટું છે, એટલે આપણે નિરંતર એને ખવડાવતા રહેવું પડે છે. આપણે રોજ ચીડનો શિકાર શોધી લઈએ છીએ.
ક્યારેક મોદી-ગાંધી, ક્યારેક હિન્દુ-મુસ્લિમ, ક્યારેક મોરારિબાપુ, ક્યારેક મીડિયા, ક્યારેક હું અને ક્યારેક તમે. એનાથી કોઈ ફરક પડતો નથી કે હું તમારી પર મારી ભડાસ કાઢું છું કે બીજા કોઈની પર. ચીડની પ્રકૃતિ છે કે એ ક્યાંક ઠલવાવવી જોઈએ, અને તે ઠલવાઇને પાછી મળે છે. ચીડ કોરોના વાઇરસની જેમ ચેપી છે. તેનું કમ્યુનિટી સંક્રમણ થાય છે. રાજકારણ, મીડિયા અને આઈ.ટી. સેલ આ સંક્રમણ પર નભે છે. તે તમને સતત ચીડમાં રાખે છે. ચીડનું વ્યવસાયિક મૂલ્ય છે. સોશ્યલ મીડિયાનું અલગોરિધમ શું છે? એ તમારી ચીડને એમ્પ્લીફાઇ કરી મૂકે છે, જેથી તે જીવતી રહે. તે જીવતી રહે છે અને આપણને ‘ખાતી’ રહે છે.
આમાં જ દલાઈ લામા ઝપટમાં આવી ગયા. દલાઈ લામાના અનુયાયીઓ તો તેને ચીની કાવતરું પણ ગણે છે. “પરમ પૂજ્યની પ્રતિષ્ઠાને બગાડીને કોને ફાયદો થાય છે તે સમજાવાની જરૂર નથી,” ભારત સ્થિત સેન્ટ્રલ તિબેટિયન એડમિનિસ્ટ્રેશનના વડા પેન્પા ઝેરિંગે એક મીડિયામાં કહ્યું હતું, “જે સ્તર પર વિવાદ ચગાવામાં આવ્યો તેમાં રાજકીય હિતને નજરઅંદાજ ન કરાય.”
તિબેટિયન સમાજમાં આ એક જૂની પરંપરામાં છે જેમાં તેઓ જીભ કાઢીને અરસપરસ અભિવાદન કરે છે, પરંતુ પશ્ચિમી મૂલ્યોથી રંગાયેલા લોકોએ તેને સેક્સુઅલ એક્ટ ગણીને ‘ગંદુ’ બનાવી દીધું. આ ઘટના પછી રેડિયો ફ્રી એશિયાએ પેલા બાળકનો ઇન્ટરવ્યૂ કર્યો હતો જેમાં તેણે તેને કેવું લાગ્યું હતું તેના જવાબમાં કહ્યું હતું કે તેને ‘સકારાત્મક ઉર્જા’નો અનુભવ થયો હતો.
1997માં, હોલિવૂડ સ્ટાર બ્રાડ પિટની એક ફિલ્મ ‘સેવન ઈયર્સ ઇન તિબેટ’ આવી હતી. તેમાં પિટ જ્યારે તિબેટિયન લોકોના એક સમૂહને મળે છે ત્યારે તે સૌ તેને જોઇને જીભ બહાર કાઢે છે. આ પરંપરા 9મી સદી જૂની છે. તે વખતે લાંગ દરમા નામનો તિબેટનો રાજા હતો. એ અત્યંત ક્રૂર હતો અને તેની જીભ કાળી હતી. તિબેટના લોકો પુનર્જન્મમાં માને છે. તેમને ડર હતો કે રાજા પણ પુનર્જન્મ લેશે. પરિણામે, સદીઓ સુધી તિબેટિયન લોકો એકબીજાને મળે ત્યારે જીભ બહાર કાઢતા હતા, એવું સાબિત કરવા કે તેમની જીભ કાળી નથી અને તેઓ ક્રૂર રાજાનો પુનર્જન્મ નથી.
રિવાજો હંમેશાં તર્કશૂન્ય હોય છે. ચાહે તે ધર્મ હોય, દેશ હોય કે સંસ્થા હોય, માણસ સદીઓથી જાત-ભાતની રસમ નિભાવતો આવ્યો છે, અને ધર્મ, દેશ કે સંસ્થામાં માન્યતાઓ બદલાય, તો માણસ નવા રિવાજો પાળતો પણ આવ્યો છે. ઉદાહરણ તરીકે એક જમાનામાં ધાર્મિક અનુષ્ઠાન વખતે પશુનો બલિ ચઢાવાનો રિવાજ હતો, આજે નથી. સદીઓ પહેલાં નેશન સ્ટેટની રચના ન થઇ હતી, ત્યારે ન તો કોઇ રાષ્ટ્રધ્વજ હતો કે ન તો રાષ્ટ્રગાન. એક સમયે રાજાશાહી હતી, ત્યારે રાજાના માનમાં ઊભા થવાનો કે ગાન કરવાનો રિવાજ હતો, આજે નથી. આજે આપણે રાષ્ટ્રગાનમાં ઊભા થઈએ છીએ. રિવાજનું મહત્ત્વ તેના પ્રસંગ કે સંદર્ભમાં છે, રિવાજમાં નહીં. એ પ્રસંગ કે સંદર્ભ ન હોય, તો રિવાજનો મતલબ રહેતો નથી.
ઉત્તરોતર, તિબેટમાં જીભ કાઢવી એક રિવાજ બની ગયો. હવે તો જીભ કાઢવી એ સન્માન, આવકાર અને સહમતિનું પ્રતિક છે. સોશિયલ મીડિયા પર લોકોએ દલાઈ લામાના વર્તનમાં કિસ જોઈ હતી, જે એક પશ્ચિમી ખ્યાલ છે. મુસીબત એ છે કે લાગણીઓ અને શિષ્ટાચારની અભિવ્યક્તિમાં પશ્ચિમનાં ધારા-ધોરણનો રંગ ચઢી ગયો છે. પશ્ચિમમાં લાગણીઓની અભિવ્યક્તિઓને ઇન્દ્રિય સુખનાં ચશ્માંમાંથી જ જોવામાં આવે છે.
જીભ બહાર કાઢવાની ક્રિયાના અલગ-અલગ સમાજોમાં અલગ-અલગ અર્થ નીકળે છે. ત્યાં સુધી કે એક બાળક જીભ કાઢે તેનો અર્થ એક વયસ્ક જીભ બહાર કાઢે અથવા એક સ્ત્રી જીભ બહાર કાઢે તેનો એક પુરુષ જીભ કાઢે તેના કરતાં ભિન્ન અર્થ હોય છે. એનો અર્થ અસભ્યતા પણ થાય, ઘૃણા પણ થાય, રમત પણ થાય અને જાતીય ઉશ્કેરણી પણ થાય. તેનો સંદર્ભ જોવો પડે. દાખલા તરીકે, ન્યુઝીલેન્ડના માઓરી જાતિના લોકોમાં યુદ્ધ શરૂ થતાં પહેલાં લલકાર તરીકે જીભ કાઢવાનો રિવાજ છે. ત્યાં જીભ કાઢવી એ આક્રમકતાનું પ્રતિક છે.
લાગણીઓની અભિવ્યક્તિ દુનિયામાં એક સરખી, એટલે કે બાયોલોજીકલ નથી હોતી. લાગણીઓ પર સામાજિક વાતાવરણનો પણ એટલો જ પ્રભાવ પડે છે. દાખલા તરીકે, ઉત્તેજના, આશ્ચર્ય, ઉલ્લાસ, ખુશી જેવા ‘હાઈ અરાઉઝલ ઈમોશન્સ’ પશ્ચિમના વ્યક્તિવાદી સમાજોમાં વધુ સ્વીકૃત છે, જ્યારે શાંતિ, શીતળતા, આરામ, દુઃખ, કંટાળો જેવા ‘લો અરાઉઝલ ઈમોશન્સ’ને પૂર્વનાં સમાજો વધુ મહત્ત્વ આપે છે.
બાય ધ વે, તિબેટિયન સમાજમાં ‘ઇટ માય ટંગ’ (મારી જીભ ખાઈ જા) નામની એક રમત પણ છે. એમાં બાળકો તેમના દાદા પાસે જઈને તેમના કપાળ પર ચૂમી ભરે છે અને નાકને સ્પર્શ કરે છે. દાદા તેમને મોઢા વડે કેન્ડી, ચોકલેટ કે ટોફી આપે છે અને પછી કહે છે, મેં તમને બધું જ આપી દીધું છે અને હવે મારી પાસે મારી જીભ જ રહી છે.
પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર”; 23 ઍપ્રિલ 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર