મહારાષ્ટ્ર કથિત રૂપે “શાંત” પડ્યું, ત્યાં બિહારમાં ગાજવીજ થવા લાગી. મુખ્ય મંત્રી નીતિશ કુમારને મહારાષ્ટ્રમાં રમાયેલા “મહાભારત” પછી તરત જ ફડક પેસી ગઈ હતી કે તેમના ઘરે પણ રામાયણ થવાની શક્યતા છે, અને તેઓ કાઁગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધી અને આર.જે.ડી.ના તેજસ્વી યાદવ સાથે સંપર્કમાં હતા. આમ તો એ યોગાનુયોગ હોઈ શકે, પરંતુ લાંબી ખેંચતાણ અને વિલંબ બાદ આખરે મંગળવારે મહારાષ્ટ્રમાં શિંદે-ફડણવીસ સરકારનું 9+9 એમ 18 મંત્રીઓનું મંત્રીમંડળ બન્યું, એ જ દિવસે બિહારથી સમાચાર આવ્યા કે નીતિશ કુમાર પાર્ટી જનતા દળે (યુનાઇટેડ) ભા.જ.પ.થી છેડો ફાડ્યો છે.
રાજનીતિમાં કોઈ કાયમી દોસ્ત અને કાયમી દુશ્મન નથી હોતું. બધા સગવડિયા સંબંધો શોધતા હોય છે. નીતિશ કુમાર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેઓ બે વાર ભા.જ.પ. સાથે અને બે વાર લાલુ પ્રસાદના આર.જે.ડી. સાથે “ગોઠવણ” કરી ચુક્યા છે. બિનસંપ્રદાયિકતા અને પછાત વર્ગોના ઉત્થાનની રાજનીતિ કરતા નીતિશ કુમારે 2013માં ભા.જ.પે. નરેન્દ્ર મોદીને વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કર્યા, ત્યારે “સૈદ્ધાંતિક” મુદ્દે ભા.જ.પ.થી છેડો ફાડ્યો હતો. 2015માં તેમણે વિધાનસભાની ચૂંટણીમાં લાલુ યાદવના રાષ્ટ્રીય જનતા દળ સાથે હાથ મિલાવીને સરકાર રચી હતી. 2017માં તેમણે ગઠબંધન તોડીને છોડીને ફરી ભા.જ.પ.નો સહારો લીધો હતો. ભા.જ.પ.ને પણ જે.ડી.યુ.ની જરૂર હતી એટલે 2019માં લોકસભાની ચૂંટણીમાં તેને મોટો ભા બનાવ્યો હતો, પરંતુ 2013નું ‘અપમાન’ યાદ રાખીને કેન્દ્રીય મંત્રીમંડળમાં જે.ડી.યુ.ને એક જ મંત્રાલય (આર.પી. સિંહ) આપવામાં આવ્યું હતું. ત્યારથી નીતિશ સમસમીને બેસી રહ્યા હતા.
2020માં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં 43 બેઠકો પર સમેટાઈને રહી ગયેલા જે.ડી.યુ.ને મુખ્ય મંત્રી પદ તો મળ્યું, પરંતુ ભા.જ.પ.ના “મોટાભાઈ”ના વ્યવહારથી નીતિશ કુમાર સતત પરેશાની અનુભવતા હતા. એમાં, તેમને તેમના એક સમયના વિશ્વાસુ આર.સી.પી. સિંહમાં “એકનાથ શિંદે” નજર આવવા લાગ્યા, એટલે તેઓ ઔર સાવધ થઇ ગયા. કહેવાય છે કે નીતિશને રાજકીય રીતે ખતમ કરવા માટે ભાજપ આર.સી.પી. સિંહને મજબૂત કરી રહ્યું હતું. છેલ્લા છ મહિનાથી આ દિશામાં સક્રિય પ્રયાસો થઇ રહ્યા હતા.
જે.ડી.યુ.ના ભૂતપૂર્વ અધ્યક્ષ રહી ચુકેલા અને કેન્દ્રમાં ભા.જ.પ.ના નેતૃત્વવાળી એન.ડી.એ. સરકારમાં મંત્રી રામ પ્રતાપ સિંહને પહેલાં તો નીતિશ કુમારે રાજ્યસભામાં પુન: નોમિનેશન ન આપ્યું, જેના પગલે તેમણે મંત્રીપદેથી રાજીનામું આપવું પડ્યું. કેમ? કારણ કે આર.પી. ભા.જ.પ. સાથે ‘ઇલુ ઇલુ’ કરતા હતા. ચાર દિવસ પહેલાં જ જે.ડી.યુ.એ તેમને ભ્રષ્ટાચાર બદલ નોટિસ પકડાવી હતી. એ પછી આર.પી..એ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. કહે છે કે તેઓ “શિંદે” બનવા માગતા હતા અને ભા.જ.પ. તેમને આગળ ધરીને જે.ડી.યુ.માં ઊભાં ફાડિયાં કરવાની ફિરાકમાં હતી.
એક જમાનામાં આર.પી. અને નીતિશ એકબીજાના એટલા ખાસ હતા કે 2017માં લાલુ યાદવના રાષ્ટ્રીય જનતા દળે (આર.જે.ડી.) કાઁગ્રેસ તેમ જ અન્ય પક્ષો સાથે મળીને મહાગઠબંધન બનાવ્યું, ત્યારે આર.પી.ના કહેવાથી જ નીતિશ તેનાથી દૂર રહ્યા હતા. એવું પણ કહેવાય છે કે રાજનીતિક વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર અને નીતિશ કુમાર વચ્ચે અંતર વધ્યું તેમાં પણ આર.પી.ની વધતી રાજકીય મહત્ત્વાકાંક્ષાઓ કારણભૂત હતી.
આર.પી. બિહારમાં હતા, ત્યાં સુધીમાં જે.ડી.યુ.ની અંદર તેમના સમર્થકોનો એક વર્ગ તૈયાર થઇ ગયો હતો. તાજેતરમાં પાર્ટીએ જે ચાર નેતાઓને પાર્ટી વિરોધી ગતિવિધિ માટે સસ્પેન્ડ કર્યા હતા, તે આર.પી.ની નિકટના સમર્થક હતા. ગયા મહિને તો પાર્ટીની બેઠકમાં આ.પી.ને મુખ્ય મંત્રી બનાવો તેવા નારા પણ લાગ્યા હતા. આર.પી.ના સમર્થકો હમણાંથી કહેવા લાગ્યા હતા કે 24 ધારાસભ્યો તેમના સંપર્કમાં છે. આ બધા જ સંકેતો મહારાષ્ટ્રમાં જે થયું તે તરફ ઈશારો કરતા હતા.
એટલે નીતિશ કુમારે એવો માસ્ટરસ્ટ્રોક માર્યો કે બિહાર વિધાનસભામાં જેટલા વિરોધ પક્ષો હતા, તે સૌ સરકારમાં આવી ગયા અને જે ‘સરકાર’ હતી તે વિપક્ષમાં આવી ગઈ. આ મહાગઠબંધનની વાપસી છે. આમાં નીતિશ કુમારની સત્તા તો બરકરાર રહી જ છે, પરંતુ 2024ની લોકસભાની ચૂંટણી માટે પણ તેમાં ઘણા સૂચિતાર્થ છે.
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભા.જ.પ.નું સ્ટીમરોલર જેવી રીતે એક પછી એક ચૂંટણીઓમાં વિરોધીઓને કચડતું આવ્યું છે, તેને લઈને વિરોધ પક્ષોમાં એક પ્રકારની માયુસી અને વેક્યુમ ઊભું થયું છે. મોદી સામે પંગો લેવા માટે વિપક્ષી એકતા બહુ જરૂરી છે, પરંતુ તેમની પાસે કોઈ એક ચહેરો નથી જેને તેઓ લોકો સામે વિકલ્પ તરીકે મૂકી શકે.
સોનિયા ગાંધી લગભગ નિવૃત્ત જેવાં છે. રાહુલ ગાંધીનો દેખાવ બહુ ઉત્સાહજનક નથી. ગાંધી પરિવારને લઈને આમ પણ મતદારોમાં ખાસ ભરોસો નથી. શરદ પાવર મહારાષ્ટ્રની બહાર નીકળી શક્યા નથી. મમતા બેનરજી વિવિધ પક્ષોના સાંધા સીવવાની કોશિશ કરે છે, પરંતુ તાજેતરમાં તેમના મંત્રી પાર્થ ચેટરજીના તોતિંગ ભ્રષ્ટાચારમાં તેમની મમતાની છબીને ધક્કો લાગ્યો છે.
નીતિશ આમાં અવસર જોઈ રહ્યા છે; 2024ની લોકસભામાં ભા.જ.પ. સામે મહાગઠબંધન ઊભું કરવાની અને વડા પ્રધાનપદનો ચહેરો બનવાની. બિહારમાં ભા જ પ ને ખાડામાં ફેંકીને તેમણે એક રીતે 2024 માટે સળવળાટ ઊભો કર્યો છે. વિરોધ પક્ષો આ તકનો લાભ લઈને કેટલા એક થઇ શકે છે અને ભા.જ.પ. તેમાં હજુ શું પત્તાં રમે છે એ જોવાનું છે (તેની પાસે આર.સી.પી. સિંહનું પત્તું હજુ છે), પરંતુ એક વાત નિશ્ચત છે કે નીતિશ કુમારે આર.જે.ડી.ના તેજસ્વી યાદવને સહયોગી (અને નાયબ મુખ્યમંત્રી) બનાવીને બિહારમાં તેમની હાલકડોલક થતી સરકારને 2025 સુધી જીવતદાન આપી દીધું છે.
એવું મનાય છે કે નીતિશ બાબુ હવે બિહારમાં નહીં રહે અને રાષ્ટ્રીય રાજનીતિમાં સક્રિય થશે. જાણકાર લોકો કહે છે કે બિહારમાં તેનો તેજસ્વીને ઉત્તરાધિકારી બનાવશે. લાલુ યાદવ અને નીતિશ કુમારે હાથ મિલાવ્યા છે એ ભા.જ.પ. માટે ચિંતાનું કારણ તો છે. લાલુ અને નીતિશ બિહારમાં ઘાતક મિશ્રણ છે. બંનેનો સામાજિક આધાર બહુ મોટો અને મજબૂત છે. બિહારના 31 ટકા યાદવો અને મુસ્લિમો લાલુની પડખે છે અને બિન-યાદવ તેમ જ અન્ય પછાત અને અત્યંત પછાત સમુદાયો નીતિશને નેતા માને છે. ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશથી વિપરીત, ભા.જ.પ. બિહારમાં ઓ.બી.સી. અને દલિત મતદારોમાં સેંધ મારી શકી નથી. બિહારમાં 13 ટકા સવર્ણ મત સિવાય તેનો કોઈ આધાર નથી.
ભા.જ.પ. માટે એક માત્ર વિકલ્પ એ છે કે 2025માં પોતાના દમ પર બહુમતી મેળવવી. બીજો વિકલ્પ છ-બાર મહિના સુધી રાહ જોઇને જે.ડી.યુ.-આર.જે.ડી. ગઠબંધનમાં ફાચર મારવી. જે દિવસે નીતિશ કુમારે ભા.જ.પ. સાથે છેડો ફાડ્યો, ત્યારે સોશ્યલ મીડિયા પર એવાં કાર્ટૂન અને જોક્સ વહેતા થયા હતા કે કેન્દ્રીય એજન્સીઓ ઈ.ડી., સી.બી.આઈ., ઇન્કમ ટેક્સ હવે બિહારમાં ધામા નાખવામાં વ્યસ્ત છે.
બિહારના ઘટનાક્રમ પર ભૂતપૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવે ગોવડાએ કહ્યું હતું, “હું બિહારની ઘટનાઓ જોઈ રહ્યો છું. એ જોઈને મને એ દિવસો યાદ આવે છે જ્યારે જનતા દળ પરિવાર એક છત નીચે હતો. તેણે ત્રણ વડા પ્રધાન આપ્યા હતા. મારી તો ઉંમર થઇ ગઈ છે, પરંતુ યુવા પેઢી જો નક્કી કરે તો આ મહાન દેશને ઉત્તમ વિકલ્પ પૂરો પાડી શકે.”
બુધવારે, બિહારના 8માં મુખ્ય મંત્રીપદના શપથ લીધા પછી નીતિશ કુમારે સૂચક રીતે કહ્યું હતું, “હું પી.એમ.ના હોદ્દા માટે દાવેદાર નથી. પ્રશ્ન એ છે કે જે 2014માં આવ્યા હતા, તે 2024 પછી રહી શકશે કે કેમ?”
લાસ્ટ લાઈન :
“રાજનીતિ એટલે તમારી સ્વાર્થી ઈચ્છાઓને રાષ્ટ્રીય હિતોમાં ખપાવી દેવાની કળા”
— થોમસ સોવેલ, અમેરિકન રાજકીય વિશ્લેષક
પ્રગટ : ‘ક્રૉસલાઇન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સન્નડેલાઉન્જ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 14 ઑગસ્ટ 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર