સંસ્કૃતિની અન્ય ચીજોની જેમ, ગુજરાતી નાટકોનું પણ વ્યવસાયિકરણ થઇ ગયું, એટલે “સારાં” નાટકોને બદલે “સફળ” નાટકોની માંગ વધતી ગઈ અને સાર્થક અથવા જીવન ઉપયોગી સર્જનો ઘટી ગયાં. એટલા માટે પાછલાં અમુક વર્ષોમાં અમુક ગુજરાતી નાટકો પરથી એવી હિન્દી ફિલ્મો બની છે, જે બોક્સ ઓફિસ પર ચાલે તેવી હોય. અફકોર્સ, સારી વસ્તુને પણ આર્થિક રીતે સફળ થવાનું જ હોય છે, પરંતુ જ્યારે પૈસા કમાવા એ એક માત્ર ઉદેશ્ય હોય, ત્યારે ગુણવત્તાનો ભોગ લેવાવાની શક્યતા વધી જાય.
પહેલાં સાવ એવું નહોતું. ગુજરાતી નાટ્ય વ્યવસાય એક જમાનામાં ઘણો વાઈબ્રન્ટ હતો, એટલું જ નહીં, જેને પારિવારિક કહી શકાય, મુદ્દા આધારિત કહી શકાય અને જેને અર્થપૂર્ણ કહી શકાય તેવાં નાટકો બનતાં હતાં અને તેના પરથી હિન્દી ફિલ્મો પણ બનતી હતી. એવી જ એક ફિલ્મ હતી “આરતી.” 1962માં આવેલી આ ફિલ્મમાં તે વખતની સુપરસ્ટાર મીના કુમારી આરતી ગુપ્તાની મુખ્ય ભૂમિકામાં હતી, અને તેની સાથે એટલા જ ખમતીધર અશોક કુમાર અને પ્રદીપ કુમાર હતા.
19મી સદીના મુંબઈમાં ઘણી નાટક કંપનીઓ કામ કરતી હતી. તે સૌની પાછળ “સમાજ” શબ્દ લાગતો હતો, જેમ કે – આર્ય નાટિકા સમાજ, શ્રી લક્ષ્મી નાટક સમાજ, રોયલ નાટક સમાજ, શ્રી વાંકાનેર આર્ય નાટક સમાજ અને મુંબઈ ગુજરાતી નાટક સમાજ. તેમાં ડાહ્યાભાઈ ઝવેરીની શ્રી દેશી નાટક સમાજ કંપનીની શરૂઆત 1889માં થયેલી અને છેક 1980 સુધી તે નાટકો ભજવતી હતી.
આ કંપનીનાં ‘માલવપતિ’ (1924), ‘વડીલોના વાંકે’ (1938), ‘સંપત્તિ માટે’ (1941), ‘ગાડાનો બેલ’ (1946), ‘સામે પાર’ (1947), ‘સર્વોદય’ (1952) જેવાં નાટકો અત્યંત લોકપ્રિય થયાં હતાં. ‘વડીલોના વાંકે’ નાટકના તો પાંચસોથી વધુ શો થયા હતા. આ કંપનીના એક નાટ્યકાર પ્રફુલ્લા દેસાઈનું “સંસ્કાર લક્ષ્મી” નાટક સાઈઠના દાયકામાં મુંબઈ-ગુજરાત-મહારાષ્ટ્રની ગુજરાતી વસ્તીમાં બહુ જાણીતું થયું હતું.
“આરતી” ફિલ્મનો આધાર આ “સંસ્કાર લક્ષ્મી” હતું. મીના કુમારીની યાદગાર ભૂમિકાઓમાંથી એક “આરતી” છે. તે વખતે મીના કુમારીની જે પણ ફિલ્મ આવતી, તેમાં જોવા જેવી મીના કુમારી હોય, બાકી બધા ઝાંખા પડી જતાં. 1962માં મીનાની ત્રણ ફિલ્મો આવી, અને ત્રણેમાં તેને ફિલ્મફેર બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી હતી; સાહેબ, બીબી ઔર ગુલામ; મૈં ચૂપ રહુંગી અને આરતી. તેમાં “સાહેબ, બીબી ઔર ગુલામ” માટે તેને એ ટ્રોફી મળી હતી.
રસપ્રદ વાત એ છે કે ગીત ગાતા ચલ, અંખિયો કે ઝરોખો સે, ચિત્તચોર, દુલ્હન વહી જો પિયા મન ભાવે, મૈને પ્યાર કિયા, હમ આપકે હૈ કૌન જેવી અનેક બ્લોકબસ્ટર પારિવારિક ફિલ્મો આપનારી કંપની રાજશ્રી પ્રોડકશનની પ્રોડ્યુસર તરીકે શરૂઆત જ થઇ હતી “આરતી”થી. મૂળ રાજસ્થાનના મારવાડી પરિવારના તારાચંદ બડજાત્યાએ, જે દિવસે દેશ આઝાદ થયો, તે 15મી ઓગસ્ટ 1947ના રોજ મુંબઈમાં “રાજશ્રી” નામની ફિલ્મ ડિસ્ટ્રબ્યૂશન કંપની શરૂ કરી હતી.
પંદર વર્ષ સુધી અનેક સફળ ફિલ્મોનું વિતરણ કર્યા પછી, 1962માં બડજાત્યાએ ફિલ્મ નિર્માણ ક્ષેત્રે ઝુકાવ્યું અને પહેલી ફિલ્મ તરીકે ગુજરાતી નાટક “સંસ્કાર લક્ષ્મી”નો વિષય પસંદ કર્યો. આવનારા બે દાયકામાં રાજશ્રી પિક્ચર્સ કેવા પ્રકારની ફિલ્મો બનાવશે, તેનું ડી.એન.એ. “આરતી”માં જ સ્થાપિત થઇ ગયું હતું. તેનું નિર્દેશન તેમણે કે.એલ. સાઈગલની ઠુમરી “બાબુલ મોરા નૈહર છૂટો જાય”થી જાણીતીથી થયેલી ફિલ્મ “સ્ટ્રીટ સિંગર”(1938)વાળા ફણી મઝૂમદારને સોપ્યું હતું.
ગુજરાતી નાટકો એ જમનામાં કેટલાં પ્રગતિશીલ હતાં, તેનું ઉદાહરણ “સંસ્કાર લક્ષ્મી” છે, અને એટલે જ બડજાત્યાએ તેને ફિલ્મનો વિષય બનાવ્યું હતું. એ અર્થમાં “આરતી” રાજશ્રી પિક્ચર્સની પહેલી નારીવાદી ફિલ્મ છે અને એ વખતે તેવી ભૂમિકા ભજવવા માટે મીના કુમારીથી વધુ કોણ યોગ્ય હતું!
ફિલ્મમાં, આરતી ગુપ્તા એક ઉદાર દિલની ડોક્ટર છે. તેનાં એન્ગેજમેન્ટ તેના સિનિયર અને બોસ ડો. પ્રકાશ (અશોક કુમાર) સાથે થાય છે. આ સંભવિત યુગલ વચ્ચે એક વિરોધીતા છે; આરતી ડોક્ટરના વ્યવસાયને લોકોની સેવા માટેના અવસર તરીકે જુએ છે, ડો. પ્રકાશ તેને પૈસા કમાવાનું સાધન ગણે છે. એક અકસ્માતમાં, દીપક (પ્રદીપ કુમાર) નામનો બેરોજગાર અને ગરીબ કવિ આરતીનો જીવ બચાવે છે.
પરિણામે, આરતી તેને પ્રેમ કરવા લાગે છે. તે ડો. પ્રકાશ સાથે વિવાહ ફોગ કરીને દીપક સાથે લગ્ન કરે છે અને તેના પિતા, એક બહેન, એક ભાઈ (મરાઠી એકટર રમેશ દેવનું ડેબ્યુ), તેની પત્ની (શશીકલાનો પહેલો જાણીતો વેમ્પ રોલ) અને ત્રણ બાળકોથી ભરેલાં એક ગરીબ ઘરમાં લગ્નજીવન શરૂ કરે છે. તેનો ખુદનો પરિવાર અને ડો. પ્રકાશ આ નિર્ણયનો વિરોધ કરે છે. ડો. પ્રકાશનો તો અહં ઘવાઈ જાય છે. તે દીપકના પરિવારને પણ ઓળખે છે અને વારંવાર મુલાકાત લે છે, જેથી આરતીના વૈવાહિક જીવનમાં કલેશ ઊભો થાય છે. આરતીને પ્રકાશની હરકત પસંદ નથી.
ત્યાં સુધી કે દીપકની શંકાથી ત્રાસીને ઘર છોડી દે છે અને પિતાના ઘરે આવી જાય છે. એવામાં દીપકને એક ગંભીર અકસ્માત થાય છે. તેનું ઓપરેશન કરવા માટે માત્ર ડો. પ્રકાશ જ સક્ષમ છે. તે એક શરતે દીપકની સર્જરી કરવા તૈયાર થાય છે કે આરતી પતિના ઘરે પાછી આવે અને દીપકને માફ કરી દે.
મીના કુમારીનો આ “ઓથર-પેક” રોલ હતો. આરતી એક પત્ની તરીકે પીડિત છે અને પતિની ગેરસમજનો ભોગ બનેલી છે, છતાં એક સ્ત્રી તરીકે તે મહેનતુ છે, આદર્શવાદી છે અને પોતાના માટે શું યોગ્ય છે તેના નિર્ણય ખુદ કરે છે. તેની દૃઢતા અને વિવેકબુદ્ધિ આરતીનું જમા પાસું છે. એક દૃશ્યમાં, દીપક જ્યારે આરતી પર આરોપ મૂકે છે કે તેના દિલમાં પ્રકાશ માટે મીઠી લાગણી છે, ત્યારે આરતી તેની મક્કમતાનો પરચો આપીને દીપકને કહે છે કે આવા ઇલ્જામ મૂકીને મારી નજરમાંથી પડી ના જઈશ. પોતાના આદર્શ માટે તે મંગેતરને છોડી દેતાં અચકાતી નથી અને સ્વમાનનો પ્રશ્ન આવ્યો તો પતિનું ઘર પણ ત્યજી દે છે.
એક રસપ્રદ વાત એ છે કે પ્રદીપ કુમારનો રોલ માટે આપણા ગુજરાતી હરિભાઈ જરીવાલા ઉર્ફે સંજીવ કુમાર સામે ચાલીને બડજાત્યા પાસે ગયા હતા અને તેમને સાઈન પણ કરવામાં આવ્યા હતા, પરંતુ “દાંત બહુ આગળ પડતા” કહીને તેમની જગ્યાએ પ્રદીપ કુમારને લેવામાં આવ્યા હતા. સંજીવ કુમારને ત્યારે એટલું માઠું લાગ્યું હતું કે બે દાયકા પછી “સારાંશ” ફિલ્મ માટે રાજશ્રીએ હરિભાઈનો સંપર્ક કર્યો તો હરિભાઈએ ના પાડી દીધી. એ રોલ પણ લાજવાબ હતો અને અનુપમ ખેરની કેરિયર બનાવી ગયો હતો!
રોશનના સંગીત અને મજરૂહ સુલતાનપૂરીના શબ્દોમાં ફિલ્મમાં સુંદર 7 ગીતો હતાં. તેમાંથી બે તો આજે ય સાંભળવાનું મન થાય તેવાં છે; લતાના અવાજમાં આશાવાદી ગીત “કભી તો મિલેગી, કહીં તો મિલેગી, બહારોં કી મંજિલ, રાહી …” અને મહોમ્મદ રફીના સ્વરમાં રોમેન્ટિક “અબ ક્યા મિશાલ દૂં મૈં તેરે શબાબ કી, ઇન્સાન બન ગઈ હૈ કિરણ મહેતાબ કી.” રાજશ્રીવાળાઓની ફિલ્મોમાં સંગીત બહુ ઉમદા હોય છે તેની સાબિતી પણ પહેલી જ ફિલ્મમાં મળી હતી.
પ્રગટ : ‘સુપરહીટ’ નામક કોલમ, “સંદેશ”, 07 સપ્ટેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર