અંદાજ બાબુજી કા કુછ નયા નયા હૈ
ખુદ સે હૈ બાત કરતે કૈસે હુઈ દશા હૈ!
સ્વર્ગસ્થ એક્ટર ઋષિ કપૂરની અધૂરી રહી ગયેલી છેલ્લી ફિલ્મ “શર્માજી નમકીન” માર્ચના છેલ્લા અઠવાડિયામાં રિલીઝ થઇ હતી. ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું ત્યારે જ ઋષિનું અવસાન થયું હતું. એમાં ફિલ્મ અટકી પડી હતી. જો કે, પરેશ રાવલે એ ભૂમિકા હાથમાં લઈને ફિલ્મ પૂરી કરવામાં સહકાર આપ્યો એટલે ફિલ્મ પડદા પર આવી શકી.
હિન્દી ફિલ્મોના ચાહકો ઋષિ કપૂરને છેલ્લીવાર પડદા પર જોઇને ભાવવિભોર થઇ ગયા, પણ કપૂર પુત્ર રણબીરે એક વાત જણાવી એ કદાચ વધુ દર્દનાક હતી. “શર્માજી નમકીન” જોયા પછી ઋષિના જ્યેષ્ઠ બંધુ રણધીર કપૂર એટલા પ્રભાવિત થયા કે ભત્રીજા રણબીર પાસે આવીને કહ્યું, “ડેડને કહેજે જોરદાર કામ કર્યું છે, અને એ છે ક્યાં, ચાલ તેને ફોન કરીએ.”
રણધીર કપૂરને યાદ જ નથી કે તેમના લઘુ બંધુનું બે વર્ષ પહેલાં અવસાન થઇ ગયું છે!
આને ડિમેન્શિયા કહે છે; ચિત્તભ્રંશ અથવા દિમાગી ક્ષમતામાં ક્ષતિ. પ્રચલિત ભાષામાં તેને ઉન્માદ અથવા ગાંડપણ કહે છે. ઉંમરની સાથે આવતા શારીરિક બદલાવના કારણે દિમાગની રચનામાં પણ પરિવર્તન આવે છે, જેના પરિણામસ્વરૂપ યાદદાસ્ત, વિચારશક્તિ, વર્તન અને મનોભાવ પર અસર પડે છે. ડિમેંશિયા કોઈ રોગનું નામ નથી. તે અમુક લક્ષણોના સમૂહનું નામ છે. લોકો તેને “ભૂલવાની બીમારી” કહે છે, પરંતુ તે સિવાય આચાર-વિચારનાં ઘણાં લક્ષણો તેમાં જોવા મળે છે. જેમ કે – કોઈ ઘટના યાદ ન રહેવી, સમય પર કોઈ શબ્દ કે નામ યાદ ન આવે, હિસાબ-કિતાબ સમજમાં ન આવે, ભીડમાં ડર લાગે, નવો ફોન વાપરતાં ન આવડે, વસ્તુઓ કે વ્યક્તિઓ ઓળખી ન શકાય, અજાણ્યા માણસો પર શંકા પડે, વગેરે. કોઈનામાં એક લક્ષણ હોય તો બીજામાં બીજું.
ડિમેન્શિયા અલ્ઝાઈમર રોગમાંથી આવે છે. અલ્ઝાઈમરમાં મગજના સેલ્સ નષ્ટ થાય અને તેનાથી દિમાગમાં ફેરફારો થાય, પરિણામે ડિમેન્શિયાનાં લક્ષણો પેદા થાય. અલ્ઝાઈમરનું સૌથી પહેલું લક્ષણ નવી માહિતીને યાદ રાખવાની અશક્તિ છે, કારણ કે તેનાથી દિમાગના શીખવાના હિસ્સામાં અસર પડે છે.
અમિતાભ બચ્ચને “બ્લેક” ફિલ્મમાં ક્રમશ: યાદદાસ્ત ગુમાવતા શિક્ષક દેવરાજ સહાયની ભૂમિકા કરી હતી. એક દૃશ્યમાં, તે ભૂલી જાય છે કે તેમણે કોના માટે આઈસક્રીમ ખરીદ્યો છે અને છુટ્ટા પૈસા પણ લેવાનું ભૂલી જાય છે. તેમને તેમની ભૂલો તરફ ધ્યાન દોરવામાં આવે છે ત્યારે તેમને ભાન થાય છે કે એ હવે પહેલાંના જેવા રહ્યા નથી. ફિલ્મના અંતે, આપણે જોઈએ છીએ કે એ સૌને ભૂલી જાય છે.
પશ્ચિમમાં, હોલીવૂડ એક્શન સ્ટાર ચાર્લ્સ બ્રોન્સન, એક્ટ્રેસ રીટા હેઈવર્થ, કોમેડિયન રોબિન વિલિયમ. પ્રેસિડેન્ટ રોનાલ્ડ રીગન, માર્ગારેટ થેચર અને લેખક આઈરીસ મર્ડોક ડિમેન્શિયાનો ભોગ બન્યાં હતાં.
ભારતમાં ડિમેન્શિયાને લઈને બહુ ગેરસમજો છે. લોકો એવું માનતા હોય છે કે ઉંમર થઈ એટલે ચારિત્ર્ય બગડી ગયું છે. આપણે ત્યાં એક કહેવત છે; સાઠે બુદ્ધિ નાઠે – સાઈઠ વર્ષ થાય એટલે વિચારશક્તિ નાસી જાય. લોકો તેમની સમસ્યાને એવું માનીને છુપાવતા હોય છે કે લોકો તેમને પાગલ ગણશે અને તેમના પર હસશે.
ઇન ફેક્ટ, મેડિકલ સાયન્સે પણ ડિમેન્શિયાને હજુ હમણાં સમજવાનું શરૂ કર્યું છે અને હજુ તેની પૂરી જાણકારી કે ઈલાજ મળ્યો નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે આધુનિક દવાઓ અને સારવારોની સુવિધાના કારણે માણસોની આવરદામાં ઘણો વધારો થયો છે એટલે ડિમેન્શિયાથી પીડાતા લોકોની સંખ્યા પણ પહેલાં કરતાં વધી છે. તેનો સંબંધ ઉંમર સાથે છે. ૬૫ વર્ષની ઉમર પછી તેનાં લક્ષણો જોવા મળે છે. જો કે, દરેક ઉંમરવાન વ્યક્તિને ડિમેન્શિયા નડે છે તેવું પણ નથી.
ડિમેન્શિયા લેટિન શબ્દ “ડે” અને “મેન્સ”થી બન્યો છે; “ડે” એટલે “વિના” અને “મેન્સ” એટલે “મગજ” – મગજ વિનાનો. અમેરિકામાં ઘણા ડોકટરો ડિમેન્શિયાને અપમાનજનક ગણીને મેડિકલ ભાષામાંથી કાઢી નાંખવાના પક્ષમાં છે. અંગ્રેજી બોલચાલની ભાષામાં આ શબ્દ ૧૩મી સદી છે, પરંતુ મેડિકલ ભાષામાં તે ૧૮મી સદીથી પ્રચલિત થયો છે.
મેડિકલ સાયન્સનો વિકાસ થયો નહોતો, ત્યારે સૌ પ્રથમ ગ્રીક ફિલોસોફરોએ દિમાગ પર ફોકસ કરીને તેની વિભિન્ન લાક્ષણિકતાઓ સમજવાનો પ્રયાસ કર્યો હતો. પ્રાચીન ગ્રીસમાં, પાયથાગોરસ, હિપોક્રેટ્સ, પ્લેટો અને એરિસ્ટૉટલનું તારણ હતું કે વૃદ્ધત્વની સાથે દિમાગ ક્ષીણ થવા લાગે છે.
બે હજાર વર્ષ પહેલાં, જુવેનલ નામના રોમન કવિએ ડિમેન્શિયાની સ્થિતિને સમજાવતાં લખ્યું હતું, “રસાલામાં ઘરડા માણસની આસપાસ દરેક પ્રકારના રોગો નાચ કરે છે. એમાં શરીરની ખરાબી કરતાં સૌથી વધુ ખરાબ ક્ષીણ થતું દિમાગ છે, જે ગુલામોનાં નામો ભૂલી જાય છે અને ગઈ રાતે ખાવા આવેલા જૂના મિત્રોને કે મોટાં કરેલાં બાળકોને ઓળખતું નથી.”
૧૬૦૦મી સદીમાં, ઇંગ્લિશ ફિલોસોફર ફ્રાંસિસ બેકોને સઠિયાપા (બુઢાપા) પર એક પુસ્તકમાં લખ્યું હતું, “દિમાગના પાછલા હિસ્સામાં વિસારો પેદા થાય છે, જેને જૂના જમાનામાં ‘વિસ્મૃતિનું ઘર’ કહેવામાં આવતું હતું.” શેક્સપિયરનાં નાટકો હેમલેટ અને કિંગ લિયરનાં નાયકો ડિમેન્શિયાથી પીડિત હતા.
કુમાર ઠાકુર નામના એક હિન્દી શિક્ષકે તેના પર સરસ કવિતા લખી હતી :
અંદાજ બાબુજી કા કુછ નયા નયા હૈ
ખુદ સે હૈ બાત કરતે કૈસે હુઈ દશા હૈ!
વો ભૂલતે હૈ ચશ્માં ઔર ભૂલતે હૈ છાતા
લગતા ઉન્હેં કિસીને ઉનકો અભી છુઆ હૈ
રાતોં કો નીંદ સેઉઠ બહાર ચલે વો જાતે હૈ
હૈ લાઈલાજ એ સબ કૈસી યે દુર્દશા હૈ!
વો અસ્પતાલ સારે જા જા કે થક ચુકે હૈ,
સબ ડોક્ટર હૈ કહતે ઉનકો બસ દુઆ હૈ!
ડિમેન્શિયા ઈલાજપાત્ર નથી, પરંતુ તેને રોકવા માટે અમુક પગલાં ભરી શકાય છે. અંગ્રેજીમાં કહે છે : યુઝ ઇટ ઓર લુઝ ઈ ટ- વાપરો અથવા ખોવો. જે ચીજનો ઉપયોગ ન થાય, તે જાતે જ નષ્ટ થઇ જાય. અ દિમાગને પણ લાગુ પડે છે. કશું પણ નવું વાંચતા રહેવું, કશું પણ નવું લખતાં રહેવું અને કશું પણ નવું શીખતા રહેવું એ દિમાગની કસરત છે. જેમ આપણે સક્રિય રહીને શરીરને ચુસ્ત બનાવીએ છીએ, તેવી રીતે બૌદ્ધિક કસરતથી દિમાગને ચુસ્ત રાખી શકાય.
શરીરની ફિટનેસની સાથે દિમાગની ફિટનેસથી મગજમાં નવા સેલ્સ બનતા રહે છે. ડિમેન્શિયા ઉંમરની સાથે બ્રેઈન સેલ્સ નષ્ટ થવાથી થાય છે. એનો અર્થ એ થયો કે સેલ્સ પેદા થતા રહે તો તેનાથી બચી શકાય.
એક આઈરિશ કહેવત છે : ભરપૂર હાસ્ય અને ભરપૂર ઊંઘ દરેક સમસ્યાનો ઈલાજ છે.
પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 10 ઍપ્રિલ 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દિવાલેથી સાદર