જેજુરી
અરુણ કોલટકર
અંગ્રેજીમાંથી અનુવાદ : હેમાંગ દેસાઈ
અનુક્રમ
બસ
પૂજારી
ખંડેર
પગથિયું
પાણી પુરવઠો
દરવાજો
ચૈતન્ય
બટુક દેરી
ભાત
ઘોડાનાળ દેરી
મનોહર
ડોશી
ચૈતન્ય
ટેકરી
પૂજારીનો પોરિયો
પતંગિયું
ઉઝરડો
અજામિલ અને વાઘ
વાઘ્યા માટે એક ગીત
મુરલી માટે એક ગીત
મહાકુંડ
પથ્થરોની ઢગલી
મકરંદ
મંદિરિયો ઉંદર
એક જાતનો વધસ્તંભ
કબાટ
યશવંત રાવ
નીલી ઘોડી
ચૈતન્ય
જેજુરી અને સ્ટેશન દરમ્યાન
રેલ્વે સ્ટેશન
ઇન્ડિકેટર
સ્ટેશન શ્વાન
ચાવાળો
સ્ટેશન માસ્ટર
બાધા
ડૂબતો સૂરજ
અરુણ કોલટકર
અને
અશોક શહાણેને
અર્પણ
બસ
એસ.ટી. બસની ખુલ્લી બારી
પર બટન મારી, તાડપત્રીના પડદા
પડ્યા રહે, ઠેઠ જેજુરી સુધી..
ઠંડોગાર પવન વીંઝાય.
તાડપત્રીનો ફડફડતો ખૂણો
તમારી કોણી પર સતત ઝીંકાય.
તમે ઘૂઘવતા રસ્તાને જુઓ.
બસમાંથી છલકતા પ્રકાશમાં
કદાચ સવારના સંકેત દેખાય.
સામે બુઢ્ઢાના નાક પર ટકી રહેલા
ચશ્મામાં ઝીલાતો તમારો બેતરફી ચહેરો,
વનરાજીમાં બસ એટલું જ જોવાનું થાય.
લક્ષ્ય પર રાખી બાજ નજર
તમે થાઓ અગ્રસર, પળેપળ.
બુઢ્ઢાના ત્રિપુંડ્રકથીએ પર.
બહાર સૂરજ ઊગે, ગુપચુપ.
તાડપત્રીનાં કાણાંમાંથી અંદર ઘૂસે
ને બુઢ્ઢાના ચશ્મા ચકનાચૂર.
એક વહેરાયેલું કિરણ ડ્રાઈવરનાં
જમણાં લમણે લખાય, થોડું સુસ્તાય.
એકાએક બસ ટર્ન લે, લગભગ કાટખૂણે.
ઘોડવાટ પર કમરતોડ પ્રવાસ બાદ
બેતરફી ચહેરા સાથે
આપ બસમાંથી ઊતરો
ત્યારે બુઢ્ઢાના માથામાં પગ પડી ન જાય, જોજો.
પૂજારી
ગરનાળાની દીવાલ ઠંડી વેદી.
ઉપર ઉભડક બેસી
સમયાહુતી આપે પૂજારી.
બસ મોડી પડી હશે?
ભાણામાં પૂરણપોળી ફળશે?
વિચારોમાં ગરકે પૂજારી.
ભીનો ખડબચડ પથ્થર અડતાં
ફડકેલાં આંડ સંકોચી,
મડદાંના હાથની ભાગ્યરેષા અનુસરતા,
દ્રષ્ટિમર્યાદા પરે વમળાતા,
પેચદાર રસ્તાને ઝાંકવા
તડકામાં ડોકું કાઢે પૂજારી.
સૂરજ ખોળે ધરે એનું મસ્તક,
ગામના હજામની હેળથી
ટપારે એનાં ગાલ.
એની જીભ પર મમળતો,
આમથી તેમ રઝળતો સોપારો
છે એક મંત્ર
જે એકાએક સિદ્ધ થાય.
એની મનોકામના સમી બસ
હવે હાંસિયે મૂકેલું ટપકું બની જાય.
એની અલસ ચપકલી નજર હેઠળ
એનાં નાક પર થયેલા મસા માફક
એ ધીમે ધીમે ફેલાય.
ખખડધજ બસ એને વટાવે
ખાડામાં ખાબકે ધડામ…
બામણના ડોળા ભૂરાય.
સ્ટેશનની પરિક્રમા કરી
ધીમા મિયાંમણાં કાઢતી
હવે એ ઊભે પૂજારી સમક્ષ.
મુખ પર મીંદડીયું સ્મિત.
ભીંસલ જડબે
જીવતો જાત્રી, રેડી ટુ ઈટ.
ખંડેર
મારુતિનાં માથે પડી છે છત.
લાગતું નથી કોઈને હોય પત.
ખુદ મારુતિનેય નહીં. કદાચ,
એમને આવું જ મંદિર મનપસંદ છે.
એનાં ગલુડિયાં લઈ રખડતી
કાબરી કૂતરીને આખરે મળી
આ ખંડેરની ઓથડી. કદાચ,
એને પણ આવું જ મંદિર પસંદ છે.
તૂટેલી લાદીઓનો ધરાર કાટમાળ, એ
મુખ્ય દ્વારની પેલે પાર, કૂતરી કરે ખબરદાર.
એની પરિમિતિમાં સીમિત ગલુડિયાં લોટપોટ.
કદાચ, એમને પણ આવું જ મંદિર પસંદ છે.
પેલા કાળાકાનાળાએ તો હદ કરી.
એનાં પગતળે તખતી સ્હેજ ઉછળી
કે પેલા છાણીયા વંદાના
પેટમાં પડી ફાળ, કાળઝાળ,
ને એ તો જાય દોડ્યો, રણછોડ્યો.
ફૂટેલી દાનપેટી, એનું સુરક્ષા કવચ.
મહાકાય મોભની ઓશિંગણ, એને તો રહ્યે જ છૂટકો.
બાપડીને ક્યારેય મળ્યો જ નહિ છટકવાનો મોકો.
પૂજન અર્ચન માટે ખચિત અનુચિત
પણ મંદિર કરતાં લગીરે ઓછું નથી આ મંદિર.
પગથિયું
કોઈ પગથિયું નથી એ.
પડી ગયેલો થાંભલો છે.
હા.
થાંભલો જ છે.
પાણી પુરવઠો
નાળ જેવો એક પાઇપ
ઓટલીની કોરેકોરે સરકે
ઘરના ખૂણેથી વળે
પછી એકાએક થંભે
અને લંબરૂપે ઊંચકાય
દીવાલની સોડમાં ભરાય
એક યુ ટર્ન પછી અણધાર્યો વળાંક
ને ઓચિંતી બ્રેક મારી અટકી જાય
તૂટેલી ડોકવાળો ઉંદર પિત્તળનો નળ
ઝળુંબે એ તથ્યથી તદ્દન અજાણ
કે જીવાતા જીવનની ઘટમાળ
ઘંટીના સુપુષ્ટ પડિયાને
એક વસૂકી ગયેલા નળ હેઠળ,
સબડાવી શકે છે જીવનભર
દરવાજો
માંચડેથી અરધાઅરધ
ઉતારી લીધેલા મસીહ.
લેલૂંબ લટકતા શહીદ.
એક મિજાગરો તૂટતાં
એક મિજાગરે ટકી રહેલો
ભારી સામંતી દરવાજો.
એક ખૂણો રસ્તાની ધૂળ ફાકે.
બીજો ઊંચા ઉંબરે
માથું ભાંગે.
સમય જતાં ઉત્તરોઉત્તર
સતેજ થતી સ્મૃતિ માફક
એનાં લાકડાની સૂકાયેલી નસ
ચોખ્ખે ચોખ્ખી ભળાય.
જાણે શરીરરચના વિજ્ઞાનનાં
પુસ્તકમાંથી પ્રગટેલો આબેહૂબ
ખાલ ખેંચેલો, કસાયલ પુરુષ,
જે પ્રત્યાગમનનો માર્ગ ભૂલતાં
બેખુદી છાંડવા, સુધી પામવા,
દેશી શરાબીની મસ્ત અદાથી
લળી રહ્યો છે આ વૃદ્ધ દ્વાર પર.
મિજાગરાની માં પૈણે ને ચોકઠાંની પાંખની આંખ.
આ ખભે સૂકાવા નાંખેલી
ચડ્ડીની ચિંતા
ના હોત ને, બૉસ!
તો આ દરવાજો તો
ક્યારનોય
ઊપડી ગયો હોત.
ચૈતન્ય
બહુ થયું હવે
ચૈતન્યએ પથ્થરને કીધું
પથ્થરની ભાષામાં
લૂછી નાંખ મોં પરથી આ ઢાકઢોળ
જામતાં નથી તને આ લાલી ને લિપસ્ટિક ટુ હેવી
અને એક સહજ પથ્થર
બની રહેવામાં શરમ વળી કેવી
ફૂલ તો હું ત્યારે પણ લાવીશ
ઝેંડુનાં ફૂલ તારે માટે
તારા ફેવરિટ ખરું કે નહીં
અને મારા પણ
બટુક દેરી
બટુક દેરી એનાં દેવને અંધારામાં રાખે.
તમે પૂજારીને બાકસ આપો.
વારાફરતી બધા દેવ ઉજાગર થાય.
ચમકીલું પિત્તળ. દમકીલો પથ્થર. નિર્વિકાર.
દીવાસળીની જીવનરેષા
પુનર્જીવિત કરે પળવાર
એકેએક હાવભાવ, ભંગિમા
પ્રગટ થાય, ફરી ખોવાય.
પેલા કયા દેવ, તમે પૂછો.
દેવી અષ્ટભુજા, પૂજારી હરખાય.
શંકાશીલ દીવાસળી ખોંખારો ખાય.
તમે ગણો અને ગણગણો
પણ હાથ તો છે પૂરા અઢાર.
જે હોય તે, પૂજારી માટે તો એ સાક્ષાત, અષ્ટભુજા માત.
તમે નીકળી આવો બહાર, સળગાવો ચારમિનાર
વીસ ફુટિયા કાચબાની પીઠ પર ટેણીયા રમે ધરાર.
ભાત
ગઈકાલે જ
કોઈ ડોસાએ
વીસ ફૂટિયા કાચબાની
પીઠ પર
ચોકથી દોરેલી
સોગટાબાજીની ચોકડીયા ભાત
ઉઘાડા પગતળે ભૂંસાય
ને ટેણીયાઓની દોડાદોડમાં
ઉત્તરોઉત્તર ઝંખવાય
ઘોડાનાળ દેરી
આ પથ્થરમાં પડેલી ફાટ
એટલે ટેકરીનાં પડખે પડેલી લાત
અહીં જ થયેલો ખરીપ્રહાર
– કારમો વજ્રાઘાત –
જયારે ખંડોબા
ભૂરા ઘોડા પર સવાર
જીન નાંખેલી નવોઢા સથવાર
વળોટી ગયેલા આ ખીણ
ને ત્યાંથી એ ત્રિપુટી
ચકમકમાંથી ખરતા
તણખા પેઠે
ભાગી છૂટેલી
ટેકરીની બીજી બાજુ રાહ જોતાં
સૂકા ઘાસની ગાંસડી સમા
ઘર ભણી
મનોહર
દરવાજો ખૂલ્લો ફટાક.
મનોહરને થયું,
બીજું એક મંદિર.
કયા દેવનો થશે સાક્ષાત્કાર.
કુતુહલવશ
એણે ભીતર ડોકાવ્યું.
ફાટી આંખે તાકતા
વાછરડા સાથે તારામૈત્રક રચાયું
કે તરત આવ્યો બ્હાર.
અને બોલ્યો
કોઈ મંદિર નથી
કોઢારું છે, યાર.
ડોશી
ડોશી તમારા શર્ટની
બાંય પકડી
પાછળ પાછળ ટીંગલાય.
કે'કે બસ આઠાનામાં
તમને ઘોડાનાળ દેરી
બતાવશે , જે તમે
અગાઉ જોઈ ચૂક્યા છો.
તોયે એ ખોડંગાય, તમારા શર્ટ પર
એની પકડ ધીમેધીમે તંગ થાય.
સ્હેજે ચસકવા નહિ દે તમને.
જાણો છો ને આ ડોશીઓની જાત.
બસ વળગી જ પડે જળોની માત.
આખરે તમે પાછળ ફરો.
હવે તો સામસામેનો જંગ, કરો યા મરો.
બહુ થયું, સાલું ફારસ ખતમ કરો.
પણ જેવું તમે સાંભળો કે
આવી અક્કરમી ટેકરી પર
એક કંગાળ ડોશી બીજું શું કરે?
તમે ભાળો નિરભ્ર આકાશ.
એની ગોળીએ દીધેલી આંખોમાં
ઊભરાતું નીતર્યું શુભ્ર આકાશ.
અને તમારી બાવરી નજર સમક્ષ
એની આંખો ફરતેની તિરાડો પ્રસરે.
ઘરડી ચામડીની સીમા પાર વિસ્તરે.
અને ટેકરીઓ તડતડે.
અને મંદિરો તડતડે.
અને તૂટી પડે આકાશ.
ભાંગીને ભૂક્કા થતી રકાબીનો ખણકાર
એકલી અટૂલી અનબ્રેકેબલ
ડોશીની આસપાસ.
અને તમે એકાએક ઘટો,
કકડભૂસ ગગડો
ને બની રહો એના હાથનું ચિલ્લર.
ચૈતન્ય
દ્રાક્ષ જેવા મીઠાં છે
જેઝુરીના પથ્થર
ચૈતન્ય બોલ્યા
પછી ફાકયો એક પથરો
અને થૂંકી નાંખ્યા
દેવો
ટેકરી
ટેકરી
દાનવ
ધૂળકટ ખભા
શેલની સ્કંધાસ્થિ
દાનવ
ટેકરી
ખડકની પાંસળીમાં
હુલાવી દીધેલા થોર
ટેકરી
દાનવ
સ્ફટિક ઘૂંટણ
ચૂનાની કમર
દાનવ
ટેકરી
થોરની ફેણ
આકાશમાં ઉંદરડી
ટેકરી
દાનવ
પથ્થરમાં પગથિયાં
કરોડરજ્જુ ને મણકા
દાનવ
ટેકરી
લૂ લાગેલી
ભુકરિયા સાથળ
ટેકરી
દાનવ
પેડુમાં ગ્રેનાઇટ
ભાંગેલા કમાનદ્વાર
દાનવ
પૂજારીનો પોરિયો
આ પાંચ ટેકરીઓ
એટલે ખંડોબાએ મારેલા
પાંચ દાનવ
કે'શે પૂજારીનો પોરિયો
એક ટેણિયો બનશે તમારો ગાઈડ
કેમ કે સ્કૂલમાં વૅકેશન છે
શું લાગે છે તને
સાચી હશે એ કથા
તમે પૂછશો તો
જવાબ નહીં આપે
બસ અકળાશે થોડો ખભા ચડાવશે
અને દૂર દૂર ખોવાઈ જશે એની આંખો
તાપમાં બળી મરેલા આછેરા ઘાસિયામાં
ક્ષણિક ચળવળાટ આછો ચળકાટ
ભળાતાં જ એ બોલી પડશે
જુઓ
પતંગિયું
ત્યાં
પતંગિયું
નથી એની કોઈ રામકહાની.
એ તો સરકતી પલનો પલકાર.
એની ધરી પર ફરે.
નથી એનું કોઈ ભવિષ્ય.
ન ભૂત સાથે કરાર.
એ તો સાંપ્રત પર સાધેલો શ્લેષ.
એક ટચુકડું પીળું પતંગિયું.
આ નિર્જન ટેકરીઓ
પાંખમાં સંકોરતી
એક ચપટીભર પીળાશ,
ઊઘડે જે બંધ થતાં પહેલાં
બંધ થાય જે ઊ…
અરે ક્યાં ગયું
ઉઝરડો
ઈશ્વર અને પથ્થર
વચ્ચે ભેદરેખા
જો હોય કોઈ
તો પણ જેજુરીમાં તો
સાવ આછી, મારા ભાઈ.
પ્રત્યેક પથ્થર અહીં
દેવ કે એનો પિતરાઈ.
દેવ સિવાય અહીં
કોઈ પાક થાય નહીં.
બારે મહિના
બંજર જમીન ને
પથરાળ દેશમાં
દોહ્યલાં દેવ લણાય અહીં.
પેલી રાક્ષસી શિલા
જાણે બેડરૂમ ઈન અ વિલા
શિલાભૂત પત્ની છે ખંડોબાની
ને એના પર પડેલી ફાટ
ગુસ્સામાં એકવાર
પતિએ એના પર વીંઝેલી
તલવારનો દૂઝતો ઘા
ખણો પથ્થર
ને ઉછળે કથા.
અજામિલ અને વાઘ
વાઘલોકોએ રાજા પાસે જઈ
કરી ફરિયાદ, 'અમે ભૂખ્યાં છીએ.
15 દિવસ અને 16 રાતથી
એક દાણોય
પડ્યો નથી પેટમાં.
અજામિલે એક નવો કૂતરો
પાળ્યો છે, એનાં ઘેટાંનો રખેવાળ.
એની આણ પ્રવર્તે ગાંવ દેહાત.'
'આ તો નાલેશી કહેવાય.'
રાજા ગુસ્સે થઇ બોલ્યો.
'જાણ કેમ ના કરી મને પહેલાં?
તૈયારી કરો, આજે થશે જમણવાર.
એવો પાઠ ભણાવીશ કે મામો યાદ કરશે જીવનભર.'
'સાંભળો મહારાજ,' બધા વાઘ એકીસૂરે પોકારી ઊઠ્યા.
'સંભાળજો નાથ.' રાણીએ પણ તાકીદ કરી.
પણ રાજા તો નીકળી પડ્યા
એકલા
ભળભાંખરે.
ને કલાકએકમાં તો પાછા ફર્યા સુજન રાજ.
કાળી સૂજેલી આંખ
ને પ્લાસ્ટરમાં પૂંછડી પાંખ.
પછી ધીમેથી બોલ્યા, 'હવે સમજાયો આખો મામલો.
અને આ વખતે તો મેં રચ્યો છે કાતિલ કારસો.
આપણે હલ્લો કરવો પડશે એકસામટો.
આપણું સંખ્યાબળ ભારે
અને ગફલત કરે એ હારે
તો ફતેહ કરો આજ, સેનાપતિ તમારો વાઘરાજ.'
પણ કૂતરો તો જાણે
વીજળીનો ચમકાર.
એણે તો ભારે કરી, આખી સેનાને જ બંદી બનાવી.
એક પણ ઘેટાંનો વાળ વાંકો થાય એ પહેલાં તો
બેડીએ પડ્યા ભડવીર
પચાસ વાઘ અને વાઘરાજ સડક, એકદમ સ્થિર.
બચવાનો કોઈ રસ્તો ન દીસે.
કૂતરો તો એકસાથે એકાવન મોરચે ભીંસે.
બધાને સામટા ગુલાબના હારમાં બાંધી
એણે તો માલિકની સામે ખડકી દીધાં.
‘કે'વું પડે અજામિલ, તારો કૂતરો તો જબરો,'
વાઘરાજ સ્હેજ હસીને બોલ્યા
લોહીઝાણ મોંમાંથી તૂટેલા દાંત થૂંક્યા.
'પણ કંઈ ગેરસમજ થઇ હોય એવું લાગે છે.
ધારત તો અમે આખા ઝુંડનો સફાયો કરી નાંખત.
પણ અમે અહીં શિકાર કરવા નહોતા આવ્યા.
અમારે મન સિદ્ધિ કરતાં સાધન ઉજિયારૂં.
મળવા આવેલા અમે, હૈયે મૈત્રીનું મજિયારું.’
કૂતરાએ જીવનમાં જૂઠાણાંનો એક શબ્દ
પણ ઉચ્ચાર્યો નહોતો, ક્યારેય નહીં.
બિચારો સાદાઈ અને ભોળપ અવતાર.
એટલે એ તો કવરાઇ ગયો બાપડો.
માથું ધુણાવા માંડ્યો બેબાકળો.
પણ અજામિલ, ભલો ભરવાડ, તો
જોયું ન જોયું કરે,
વાઘરાજની એકેએક વાતમાં હામી ભરે.
બેડીઓ છોડવાનો કર્યો હુકમ.
પ્રીતિભોજનનું આપ્યું નિમંત્રણ.
ઉપહારનો અનાદર વાઘ બિચારા કેમક કરે.
લવારા અને શેકેલાં ઘારાંની જ્યાફત
પછી જેવી અજામિલે કરી પેશકશ
કે સ્થાયી સંધિકરાર વિષે કરવી ઘટે સહમતી
બધા વાઘ ગરજી ઊઠ્યા,
‘સહમતી. સહમતી. સહમતી.'
સહુએ કાંટા છરી હેઠાં મૂકી
આજીવન મૈત્રીની દીધી ખાતરી.
હેલ અજામિલ, ભલો ભરવાડ.
વાઘલોક સંગ કર્યા કરાર
શાહી ઠાઠથી આપી વિદાય
ઘેટાંની ભેટ, લેધર જૅકેટ, ઊનની સોગાદ.
હેલ અજામિલ, ભલો ભરવાડ.
મૂર્ખ નહોતો એ ખંધો ચાલબાજ. એને થયું,
વાઘ લોકોને પણ ભૂખ તો લાગવાની.
અને ભરવાડની ફરજ ભૂખ ભાંગવાની.
હવે એ વેણુ વગાડવા મુક્ત હતો, દિન હો કે રાત
ખાઈ ધરાયેલા વાઘ અને માતેલા ઘેટાં એકસાથ
એક તળાવે પાણી પીએ ને દોસ્તી-યારી બની રહે.
વાઘ્યા માટે એક ગીત
મેં સૂરજ પાસેથી
પીળો સ્કાર્ફ
લીધો ના લીધો ત્યાંતો
એ લીરાઈ ગયો.
જાણું છું એ તો માત્ર અડધિયું
પણ એથી રૂડું મળે
ત્યારે છાંડી દઈશ આ પંચિયું.
મારી માંનું મેં ખૂન કરેલું
એની ચામડી ખાતર.
જુઠ્ઠું શું કામ બોલું
ઝાઝી માથાકૂટ વગર
હળદર રાખું છું એ પાઉચ
મેં સીવી લીધેલું.
મારી જવાબદારી
આ તેલનું કૅન લઇ ફરવાની.
ને તારી ફરજ એને ભરવાની.
ભીખ નહીં માંગુ તો મારે
કરવી પડશે ચોરી, હુજૂર
બોલો છે મંજુર?
ખંડોબાની દેરી
ઊગે ભલે દિવસ સાથે.
પણ જોજો પડે નહીં
રાત સાથે.
હું એને જ્યોતના ટેકે
ઝાલી રાખીશ.
મને કાઢી ના મૂકશો
મારું તેલ જ મારું જીવન.
ગ્રામ નહીં તો આપો એક ટીપું
ખાવા પૂરતું સમ.
આ વાજાને
એક જ તાર.
ને એક ભયંકર ખંજવાળ.
ખંજવાળું એને તો
આવે એક જ અવાજ.
અને જો વહાવે એ
એક જ સૂર
તોયે કોને કરું ફરિયાદ, છું મજબૂર
કેમ કે ખુદ મારા ગળામાંય ક્યાં છે
એક શબ્દીય ગીતથી વિશેષ
કોઈ શબ્દ?
God છે એક શબ્દશ્લેષ
અને હું એને ઊલટાવી જાણું છું.
મારા પડખે ખોડાયેલા વિષદંત
તરીકે પિછાણું છું.
દાંતમાં ફસાયેલા ઘેટા રૂપે
જીભ પર ફરકતા સ્વાદ સ્વરૂપે
એને માણું છું.
અને આ એક જ ગીત
હું સદા ગુનગુનાવું છું.
મુરલી માટે એક ગીત
જો
ટેકરીની ટોચ પર ચરવા
ઊતરી આવ્યો છે ચંદ્ર
એને ભગાડી જવાની કોશિશ કરી, તો ખેર નથી
સાલા ઘોડાચોર
દેખાતી નથી એનાં પડખે ખંડોબાની મહોર
જો
ડાબી હાંસડીની બરાબ્બર નીચે
છૂંદણાંમાં વંચાય છે એનું નામ
લંપટ બુઢ્ઢા
ખંડોબાની બાઈ પર નજર ના બગાડ
બીજું બધું પછી પહેલાં દોઢિયાંની ચમક દેખાડ
મહાકુંડ
પાણીનું એક ટીપુંય નથી
પેશ્વાઓએ બાંધેલા મહાકુંડમાં.
જામેલા કચરાની શતાબ્દિ સિવાય
કશુંય નથી એમાં.
પથ્થરોની ઢગલી
શોધો એક એવી જગા
જ્યાં જમીન ન હોય
બહુ ઉબડખાબડ
ન પવન હોય
બહુ જોરાવર
સ્થાપો એક પથ્થર
બીજા ઉપર
શોધો ત્રીજો
આરોપવા પહેલા બે પર
અને ચોથો, પછી પાંચમો એમ ચલાવો ક્રમ
બાકી બધાને ધ્યાનમાં રાખી
એકેએકને કરજો પસંદ
એકેએકનાં
ચોક્કસ કદ
ને ચોક્કસ વજન
પહેલો ચીવટથી પસંદ કરશો
મતલબ જેના પર તમે
મંડાણ કરી શકો
તો ટકશે સઘળા પથ્થર
તારું કલ્યાણ કરે પરમાત્મા
ઓ નવોઢા
તું જેટલી હોંશિયાર
એટલી જ હો નસીબદાર
એવી પ્રભુપ્રાર્થના
ઘરે જા હવે
તારા પતિ સાથે
તમે બંને સુખના
સહભાગી બનો
ને ભગવાન કરી એ ટકે
મકરંદ
શર્ટ કાઢી અંદર
પૂજા કરવા જાઉં?
ના ભૈશાબ.
આભાર.
હા, તારે જવું હોય તો
શોખથી જા.
ને જતાં પહેલાં
પેલી માચિસ
આપતો જા.
હું બ્હાર ચોકમાં છું
ત્યાં કોઈને નડતર નહીં
બેએક કશ મારું તોયે હરકત નહીં.
મંદિરિયો ઉંદર
મંદિરિયો ઉંદર મધ્યશૂળને કસતી
કાળી પૂંછડીનો વળ ખોલે.
ઝરપતો જાડોભમ લોહીનો રગેડો
ત્રિશૂળની અડધી કાંઠીએ ડોલે.
શૂરવીર દેવનાં તગડા ખભે
થોભે પળવાર મંદિરિયો ઉંદર
-દિવ્ય માંસપેશીમાં ઊઠતી લહેર-
ને ચારેકોર છોડે ચકોર નજર.
મલ્હારી માર્તન્ડની રુદ્ર આંખ
ને કેસરિયા ચહેરા પર
નાંખે એક ત્રાંસી નજર
કે તુરંત બેટા રફુચક્કર.
છતથી ઝૂલતી સાંકળને કુંડલી મારે,
મંદિરિયો ઉંદર નેણ મીંચકારે.
રોશનીમાં ન્હાતી કડીઓમાં
એની આંખ લશકારા મારે.
ઢાળ પર ધીમે રહી સરકે
ને મહાઘંટની કોરે ઊભી
નિર્લજ્જ નીચે ડોકાવે,
ઘૂંટણિયે પડી મહાલિંગ પર
કેળાં ચોળતી સગીરાને ઝાંકે,
એનાં કાંડે ખણખણતી ચૂડી
લીલાં ચમકીલાં તણખા ખેરવે
મંદિરિયો ઉંદર અનિમેષ તાળો મેળવે.
ને પૂજારીની ભૂખરી અઠવાડિક દાઢીમાં
ગુપચુપ ફરકતો મલકાટ દેખાય
કે તુરંત મંદિરિયો ઉંદર
ગર્ભગૃહના ખૂણામાં
ગંજાવર નગારા પાછળ
એકાએક ગાયબ થઇ જાય.
સારું કે છેલ્લી ઘડીએય છટક્યો.
કેમ કે ઘંટ તો ટનટનાટન મંડી જ પડ્યો.
એક જાતનો વધસ્તંભ
પૂંછડી પગમાં દબાવી,
પગ સ્ટીલપ્લેટેડ ડિલમાં લપાવી,
મંદિરના ચોકમાં પીઠિકા પર
બેઠું છે પાઠરું વાછરડું.
તમે શિંગડું પંપાળો. એની ખૂંધ પસવારો.
ને ઉપર એક વિચિત્ર, પવિત્ર
વાછરડું પણ જેની મોર પીઠ કરી
બેઠું છે એ, યાતનાનું ઓજાર જુઓ.
પથ્થરના મંચથી ખાસ્સો અધ્ધર
કિચૂડતા સાંધા પર સૂતેલો આડેધડ
એક જાતનો વધસ્તંભ, એક ક્રોસ છે એ.
પણ આને બે અતિરિક્ત કાતિલ પાંખ.
તમે વચ્ચે સૂઓ ને વહેરાઈ જાઓ
અંગે અંગ વિચ્છેદિત થાઓ.
ખીલા અને કડીવાળો તો રહે એમનો એમ.
પણ બીજો જાલિમ હીંચોળે, ચગડોળની જેમ.
ટેકરી, મંદિર સઘળું બેફામ નાચે.
વાછરડું અને કાચબો હવામાં નાસે.
નક્ષત્રો ગીધડાં પેઠે માથે
ચંડાલ ચકરાવા લેતા ભાસે.
બેશક, હવે એવું કોઈ ના કરે.
ગેરકાનૂની કહેવાય.
આમ પણ નક્ષત્રો
ભરબપોરે ક્યાંથી દેખાય?
લોહીની કાળીચીસ નદી પણ
લાયબંબાની માફક
લાકડાની સૂકાતી નસની
દસ-લૅની કેડીએ વહે નહીં.
તર્જનીના નખથી તમે
સરલોઈનનું રીવેટ કાઢવા જાઓ
કે તરત જ ગભરાઓ, મૃદુ અંગુઠો કરગરે
પ્રભુ! કુલે પડેલો ગોબો સમતલ થાઓ.
કબાટ
ફૂટેલો કાચ ટકી રહે
જૂનાં પીળચા
અખબારની ઓથે
ચોકઠાનું હરેક
ચતુષ્કોણ જાણે
એક સમુદાય
કાચનાં અરક્ષિત કાટખૂણિયાં
પડુંપડું સમલંબકમાં ખૂંપેલા
ખતરનાક રૂપેરી ખંજર
કબાટની છ છાજલીએ
ચોખ્ખીચટાક હારમાં
ખડકી દેવાયેલા સોનેરી દેવ
શેરબજારનાં ભાવપત્રોની
પટ્ટીઓ પાછળ દ્રશ્યમાન
સોનેરી ટોળીના મોંઘા દેવ
વેતરાયેલા તંત્રીલેખ ને
સનાતન યૌવનની ખાતરી
પૂઠેથી ઝાંકતા દોંગા દેવ
કાંજી કરેલ અભિપ્રાય પાછળ
તમને દેખાઈ જાય
એક સોનેમઢેલ બાહુ
અને ધાર્યું હતું એમ
ને સ્વાભાવિક પણ છે
દરવાજા પર લટકે તાળું
યશવંત રાવ
કોઈ દેવની શોધમાં છો આપ?
મારા ધ્યાનમાં છે એક.
નામ એનું યશવંત રાવ.
હી ઈઝ વન ઑફ ધ બેસ્ટ
પાછા જેજુરી જાવ તો મળજો એને.
નામ એનું, લખી લો, યશવંત રાવ.
એ દ્વયમ દરજાનો દેવ, એ વાત સાચી,
એનો વાસ પણ મુખ્ય મંદિરની બહાર.
કમ્પાઉન્ડ વૉલથીએ આગળ છેક.
એક નજરે તો લાગે
ફેરિયા, કોઢિયામાંનો એક.
વદનં મધુરં, વસનં મધુરંવાળા દેવ
પણ ખરા, મારી જાણમાં.
તમારા હેમ ખાતર, કુશળક્ષેમ ખાતર
દિવ્ય સાક્ષાત્કાર કરાવતા દેવ.
અંગારની સેજ પર લોટાવતા દેવ .
તમારી જોરૂની કૂખ ભરતા દેવ.
તમારા વેરીને મેખ મારતા દેવ.
આર્ટ ઓફ લિવિંગ શીખવતા દેવ.
જર દ્વિગુણી, જમીન ત્રિગુણી કરતા
વૅલ્થ મૅનેજર, ઇન્વેસ્ટમેન્ટ બેંકર દેવ.
તમે માઈલો ટાંગા રગડો,
બાધા મૂકવા પેટ ઘસડો
ત્યારે મૂછમાં મરકતા દેવ.
ને ચડાવામાં ના હોય સોનાનો હાર
તો તો માર્યા ઠાર, ભૂંડા શ્રાપ આપતા દેવ.
એ બધા હોઈ શકે અઠંગ ઑન્ટ્રપ્રનર
પણ મારા ટેસ મુજબ એ સૌ
ક્યાંતો સરેરાશ, ક્યાંતો સાવ બકવાસ.
યશવંત રાવ,
બેસાલ્ટનો ઢગલો,
ટપાલપેટી પેઠે લળકતો,
પ્રોટોપ્લાઝમની મોરછાઈ
કે દીવાલ પર મારેલી
બાદશાહી લાવાપાઇ,
ન એને હાથ, ન તો પગ
માથુંય ગાયબ, બસ ધડ.
યશવંત રાવ.
એક મળવા જેવો દેવ.
આપનું એકાદ અંગ ઓછું હશે,
તો યશવંત રાવ તમને હાથ દેશે
ને ફરી એકવાર પગભર કરશે.
યશવંત રાવ
કોઈ ચમત્કારી બાબા નથી.
એની ફૂંકથી નહીં ફરે તમારું કપાળ,
રાતોરાત તમે નહીં બનો ભૂપાળ.
સ્વર્ગની ફ્લાઈટમાં પ્રેફર્ડ સીટનું પણ ઠનઠન ગોપાળ.
પણ હાડકાં ભાંગ્યા હોય કોઈનાં
તો યશવંત રાવ એનો રામબાણ ઉપચાર.
શરીર તમારું સળંગસૂત્ર થશે, એની ગૅરંટી,
ને આત્મા તો એની મેતે એનું ફોડશે, તા’રે શું વળી.
યશવંત રાવ એટલે…
એક જાતનો હાડવૈદ.
ફર્ક એટલો કે
એ તમને સમજી શકશે સાંગોપાંગ,
કેમ કે એ ખુદ છે નિરંકાર, નિરંગ, નિરુપાંગ.
નીલી ઘોડી
બોખી ગાયિકા
મોઢું ફાડે.
ગડબડિયા ગળાની
સર્કિટ તોડે.
અર્ધદગ્ધ જીભલડી
તણખાની બોછાડ છોડે.
ખુદ પર પડી બેવડ વળી ગયેલું મોઢું
તડકે તપી ઘેરોઘટ, વાન એનો કાળોકટ.
બેફામ પડતી થાપે, પડછંદ ધોલના તાલે
એને લાગે તાન, ચડે બેસૂરી ઝાંઝ,
ઢોલચી કરે સમૂહગાન, એનો ચહેરો ભૂરોભટ..
એનો ભાઈ શીળીચાઠાંળો, સાવકો
આમળે, મરડે, કરે એકતારાનો ટંકાર.
ભગવાનનાં ભૂલકાં બન્યાં છે સંગીતકાર.
તમે પૂજારી તરફ વળો
-આવા અલૌકિક કૅબરેનું આયોજન
ખુદ એનાં ઘરે થાય, એટલી ભલમનસત-
અને પૂછો,
‘ભાવિકોનાં ભજનની ઘોડી તો નીલી ને
આ ફોટામાં તો ગોરીચિટ્ટી, એવું કેમ?’
‘નીલી જ લાગે છે મને તો…'
પૂજારી મરમરે,
મોંમાં રમતી સોપારીને
ડાબેથી જમણે ફેરવે.
અને સૂડીનાં પાનાનો છેડો
ભલી ઘોડીનાં પેટ પર વલય દોરે.
અન્યથા શ્વેત વસ્તુઓ પર
પડછાયો બતાવવા ચિત્રકારો પ્રયોજે
એ નીલાઈ ચીંધી ભવાં ચડાવે પૂજારી.
ઢોલકી ધબાધબ કૂટ્યે જાય એની છાતી.
ચૈતન્ય
ટેકરીના ઢોળાવ પર ચરતા
દંતકથાના ધણે
અધવચ ઊંચું જોયું
જયારે દેખાયા ચૈતન્ય
ટેકરીઓ મૂંગીમંતર
જયારે પસાર થયા ચૈતન્ય
એક ગાયની ઘૂઘરી રણકી
જયારે ઓઝલ થયા ચૈતન્ય
અને ફરી ચરવા લાગ્યું
દંતકથાનું ધણ
જેજુરી અને સ્ટેશન દરમ્યાન
ત્રણસો થાંભલા, પાંચસો પગથિયાં, અઢાર મહેરાબવાળા
ટેકરીની તળેટીમાં ટૂંટવાતા
નાનકડા મંદિરોનાં ગામ અને એનાં
ત્રેસઠ ઘરોમાં અટવાતા ત્રેસઠ પૂજારીઓને પાછળ છોડી
તમે ચોસઠમું કસબણનું ઘર વટાવો
જેની જાહોજલાલી એક જુદા જ કસબને આભારી છે.
એક એવી કળા જેની વાત કરવાનું ટાળશે પૂજારીનો પોરિયો.
એક એવું ઘર જ્યાં એ કદી ગયો નથી
ને, ન કરે નારાયણ તો, કદી જશે નહીં.
તમે ખંડેર બાજુથી નીકળો પણ પેલી કૂતરી ક્યાંયે દેખાય નહીં.
પછી આવે ગોરક્ષનાથ હેર કટિંગ સલૂન
પછી મ્હાલસકંત કૅફે
અને ઘંટી.
બસ પૂરું.
સમાપ્ત.
તમે હવે છો ગામ બા'ર.
હાથમાં એક નાળિયેર
ખીસામાં પૂજારીનો કોલિંગ કાર્ડ
અને મનમાં ઘૂમરાતાં પ્રશ્નો લેલાર.
પણ તમે હવે એકાએક અધવચ થોભી જાઓ
એક બાજુ જેજુરી અને બીજી બાજુ રેલ્વે સ્ટેશન.
લગભગ થીજી જાઓ
સ્તબ્ધ, ત્રાજવાંનાં કાંટાની જેમ સમાધિમગ્ન.
એકસરીખા પલડાં વચ્ચે પૂર્ણ સંતુલન સાધ્યું છે
-ન કોઈ વધ ન કોઈ ઘટ-
એ કાંટા જેવા સ્થિતપ્રજ્ઞ.
પણ જેણે તમને આમ મૂઠ મારી છે
રીતસર હવા કાઢી છે એ તો
એક દ્રશ્ય.
જુવારનાં ખેતરમાં એક જાતનાં લણણી નૃત્યમાં મશગુલ
ડઝનેક મરઘાં કૂકડાંનું અજાયબ ઝુંડ. તમે ભાળ્યું નથી કદી એવું વૃંદ.
સાત કૂકડાં એક કૂદકે એમની ઊંચાઈથી ચારગણા ઉપર જાય
કે બાકીનાં પાંચ દાણાં ભરેલી ચાંચ સંગ ભોંયભેગાં થાય.
ઉપર અને નીચે અને ઉપર
અને નીચે & નીચે ઉપર
ઉપર અને નીચે અને ઉપર
અને નીચે & નીચે ઉપર
ઉપર અને નીચે અને ઉપર
અને નીચે & નીચે ઉપર
તમે આભા બની જોયા કરો, એથી તદ્દન અજાણ કે
ડાબા ખભે તોળાતા પૂજારી ને જમણા પર સ્ટેશન અધિકારી
વચ્ચે ઊભાઊભા બાઘા મારતા તમે કેવા બેવકૂફ લાગો છો.
રેલ્વે સ્ટેશન
1. ઇન્ડિકેટર
લકડિયા સંત
બેરંગી ચંટ
ઇન્ડિકેટર
થયું અંતર્ધ્યાન
મારી દસ ગુલાંટ
ગળી ગયું છે
એની જાણમાં રહેલા
બધા સ્ટેશનોનાં નામ
મોં પરથી કાઢી
ખીસે ઘાલ્યા છે
બંને હાથ
આગામી ગાડીને
કેટલી વાર
ખબર હશે તોયે નહીં કે'
ઘડિયાળનો ગોળમટોળ ચહેરો
માંડે એનાં આંકડાનો સરવાળો
ગ્રાન્ડ ટોટલ ઝીરો
2. સ્ટેશન શ્વાન
સ્થળની ચેતના
ધબકે ખૂજલીયાળા
સ્ટેશન શ્વાનના ડિલમાં
જે છેલ્લા ત્રણસો વરસથી
આગમન અને પ્રસ્થાનનાં
ઝાડ નીચે કરી રહ્યો છે તપ
શ્વાન જમણી આંખ ઉઘાડે
ધારીને જોઈ રહે ખાસ્સી વાર
આ કોઈ માનવ છે દાનવ કે અર્ધદેવ
કે અષ્ટભૂજાળુ સમયપત્રક
જાદુઇ ઇલાજી હાથે
પોસવારવા આવ્યું માથે
કે સદેહે સ્વર્ગારોહણ કરાવવા આવ્યું વિમાન
તારણ પર આવે શ્વાન
એકે નહીં સમય હજી પાક્યો નથી વિશ્રામ
3. ચાવાળો
ચાવાળા શિખાઉ છોકરાએ
લીધું છે મૌનવ્રત
એને કંઈ પૂછો ત્યારે તમારા મોં પર
તીર્થોદકનાં છાંટણાં કરે
તમારું ભૂત ભગાડે અને
સિંકમાં કપરકાબી ધોવા
અંગેની અમુક વિધિઓ
અને હસ્ત પ્રક્ષાલન કરતો રહે
4. સ્ટેશન માસ્ટર
બુકીંગ ક્લાર્ક પુનર્જન્મના સિદ્ધાંતમાં માને
બીજી ગાડીનું આગમન થશે જ
કહી કાઉન્ટર પર ટિકિટ સરકાવે
શ્રદ્ધાની જાળ ફેલાવે
પણ નિયત સમય તરફ વાત વળતાં જ જીભ કાઢે
તંગ તર્જની વરિષ્ઠ માર્ગદર્શક દેખાડે
દ્વિમુખી સ્ટેશન માસ્ટર
એક એવા સંપ્રદાયનો સેવક
જે લાઈન નંખાઈ એ સિવાયનાં
પ્રત્યેક સાલમાં છપાયેલા
પ્રત્યેક સમયપત્રકને સંદિગ્ધ માને
પણ પ્રથમ પત્રકનું અર્થઘટન
વિચક્ષણ વિવેચકની અદાથી કરે
ને પછીનાં પ્રત્યેક પત્રકનું તાત્પર્ય
પંક્તિઓ વચ્ચેના અવકાશમાં ખોળે
એ ડૂબતા સૂર્યને બેચેન નજરે જોઈ રહે
જાણે સૂર્યાસ્ત કોઈ નિગૂઢ વિધિનો ભાગ
ને રખેને છેલ્લી ઘડીએ
એમાં કંઈ આઘુંપાછું થાય
આખરે હકાર અને નકાર મધ્યે
એનું માથું ધૂણે અને ભાવુક સ્વરે એ કહે
છપાઈ ચૂકેલાં અને છાપવાનાં
સઘળાં સમયપત્રક
જે તે ક્ષણે જે તે લાઈન પર
એક સાથે વૈધ હોય છે કેમ કે
આખરે તો એ સઘળાં
લાઈન નંખાઈ એ સાલના
પત્રકમાં નિહિત, સંમિલિત હોય છે
એનાં બંને મુખ
એકી સાથે થાય
રાતાંભૂત
5. બાધા
ઘડિયાળને ઘેટાંનો ધરાવો ચડાવો
પાટા પર એક નાળિયેર વધેરો
ઇન્ડિકેટરને કુકડાનાં લોહીથી નવડાવો
સ્ટેશન માસ્ટર પર દૂધાભિષેક કરો
અને બાધા લો કે
કોઈ તમને કે'
ગાડી ક્યારે આવશે
તો બુકિંગ ક્લાર્કને સોનાની નક્કર ટ્રેન ધરાવશો
6. ડૂબતો સૂરજ
ડૂબતો સૂરજ
ક્ષિતિજને સ્પર્શે
લગભગ એ જ બિંદુએ
જ્યાં પાટા કોઈ અગમવાણીનાં
સમાંતરકની માફફ
જાણે એકમેકને મળવા તરસે
પૈંડા જેવો બૃહત
ડૂબતો સૂરજ
***