આઝાદીના થોડા દિવસો અગાઉ, જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલે એક દૂતને કલકત્તામાં ગાંધીજી પાસે મોકલ્યો હતો. તેણે કહ્યું કે તે એક પત્ર લાવ્યો છે. મહાત્માએ પહેલાં એને જમાડ્યો અને પછી પત્ર વાંચ્યો. તેમાં લખ્યું હતું, “બાપુ, તમે રાષ્ટ્રપિતા છો. ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ પહેલો સ્વાધીનતા દિવસ હશે. અમે ઈચ્છીએ છીએ કે તમે દિલ્હીમાં આવીને તમારા આશીર્વાદ આપો.”
પત્ર વાંચીને ગાંધીજીએ કહ્યું, “કેવી મૂર્ખામી છે! જ્યારે બંગાળ સળગી રહ્યું છે, હિંદુ અને મુસ્લિમ એકબીજાની હત્યા કરી રહ્યા છે, અને કલકત્તાના અંધકારમાં હું તેમની ચીસો સાંભળી રહ્યો છું, ત્યારે કેવી રીતે દિલમાં રોશની લઈને દિલ્હી જાઉં! બંગાળમાં શાંતિ કરવા માટે મારે અહીં જ રહેવું પડશે અને તેના માટે જરૂર પડી તો મારો જીવ પણ આપીશ.”
ગાંધીજી દૂતને વિદાઈ આપવા બહાર નીકળ્યા. એ એક વૃક્ષ નીચે ઊભા હતા. ત્યાં એક સૂકું પાંદડું નીચે પડ્યું. ગાંધીજીએ તેને ઉઠાવ્યું અને હથેળી પર મૂકીને બોલ્યા, “મિત્ર, તું દિલ્હી પાછો જઈ રહ્યો છે. પંડિત નહેરુ અને પટેલને ગાંધી શું ભેટ આપી શકે. મારી પાસે ના સત્તા છે અને ના સંપત્તિ છે. પહેલા સ્વતંત્રતા દિવસની ભેટ તરીકે આ સુકાયેલું પાંદડું નહેરુ અને પટેલને આપજે.” આ સાંભળીને દૂતની આંખો ભરાઈ આવી. ગાંધીજી મજાક કરીને બોલ્યા, “ભગવાન કેટલો દયાળુ છે! એ નથી ઈચ્છતો કે ગાંધી સૂકું પાંદડું મોકલે.” એટલે તેમણે પાંદડું ભીનું કરીને કહ્યું કે તારા આંસુઓથી ભીનાં આ પાંદડાને ભેટ તરીકે લઇ જા!
15 ઓગસ્ટ, 1947ના રોજ ભારતને આઝાદી મળી, ત્યારે મહાત્મા ગાંધી એની ઉજવણી માટે દિલ્હીમાં ન હતા. ગાંધીજી લાગણીઓના ઉન્માદના માણસ ન હતા. એમને આઝાદીનો આનંદ હતો, પણ વિભાજનની ખુશી ન હતી. ત્યારે બંગાળમાં ભયાનક રમખાણો ફાટી નીકળ્યાં હતાં, અને મહાત્માને આઝાદીના જશ્નને બદલે, તોફાનોની ચિંતા હતી. 14મીની મધરાતે નહેરુ તેમનું જગપ્રસિદ્ધ ટ્રાઇસ્ટ વિથ ડેસ્ટિની ભાષણ આપી રહ્યા હતા, ત્યારે ગાંધીજી દિલ્હી છોડીને કલકત્તામાં ઉપવાસ કરવા ગયા હતા. તેઓ પૂર્વ બંગાળ (જે પાકિસ્તાનમાં ગયું હતું) જવા માગતા હતા, કારણ કે ત્યાં મુસ્લિમો બહુમતીમાં હતા અને ગાંધીજીએ નક્કી કર્યું હતું કે વિભાજના દિવસે તેઓ પૂર્વ બંગાળના હિંદુઓની રક્ષા માટે તેમની સાથે રહેશે.
કલકત્તાના કૉન્ગ્રેસી અગ્રણીઓએ આગ્રહ કરીને તેમને કલકત્તામાં જ શાંતિ સ્થાપિત કરવા રોક્યા હતા. 15મી ઓગસ્ટનો દિવસે ગાંધીજી આ હિન્દુ-મુસ્લિમ રામખાણોના પશ્ચાતાપમાં 24 કલાકના ઉપવાસ પર ઊતરી ગયા હતા. કૃશકાય મહાત્માના ઉપવાસની એવી અસર થઈ કે પૂર્વ બંગાળનો શક્તિશાળી મુસ્લિમ નેતા શહીદ સુહરાવર્દી મહાત્માના પગે પડ્યો અને ખાતરી આપી કે રમખાણો રોકાઈ જશે.
તેમની એ દિવસની સાત નોંધ તેમનાં પુસ્તકોમાં છે. તે દિવસે ગાંધીજીએ તેમની મિત્ર અને બ્રિટિશ સુધારક અગાથા હેરિસનને એક પત્ર લખ્યો હતો. તેમાં એ લખે છે, “મને અખબારો વાંચવાનો સમય નથી મળતો. હું જો મૂળભૂત રીતે સાચો હોઉં, તો કોણ મારા માટે સારું બોલે છે કે ખરાબ તેનાથી શું ફરક પડે છે. તારે અને મારે જેટલું શક્ય હોય તેટલું સારું કામ કરીને ખુશ રહેવું જોઈએ. એટલે અખબારોને રજા.”
તેમણે બીજો પત્ર રામેન્દ્ર સિંહાને લખ્યો હતો, જેમના પિતાનું તોફાનો રોકવામાં મોત થયું હતું, “તમારા પિતામાં વીરને છાજે તેવી અહિંસા હતી. સૌથી સારી સલાહ એ જ આપી શકું કે આજે આપણને આઝાદી મળી છે તેને જાળવી રાખવા તમે સૌએ શક્ય એટલી કોશિશ કરવી જોઈએ અને તમે જે પહેલું કામ કરી શકો તેમ છો, તે તમારા પિતાની વીરતાનું અનુકરણ.”
ગાંધીજી ત્રીજો સંદેશો પશ્ચિમ બંગાળના નવા મંત્રીઓને આપ્યો હતો, “આજથી તમે કંટાળો તાજ પહેર્યો છે. સત્ય અને અહિંસાને પ્રોત્સાહન આપવા પ્રયાસ કરજો. સત્તાથી સાવધાન રહેજો. સત્તા ભ્રષ્ટ બનાવે છે. તેની ચમક-દમકમાં ફસાઈ ના જતા. યાદ રાખજો, ગામડાંના ગરીબોની સેવા કરવા તમને સત્તા મળી છે.”
તે પછી ગાંધીજી રાજ્યના નવા રાજ્યપાલ સી. રાજગોપાલાચારીને મળ્યા હતા અને તોફાનો રોકાઈ જવા બદલ અભિનંદન આપ્યા હતા. બે વાગે કોમ્યુનિસ્ટ પાર્ટીંના અમુક સભ્યો સાથે ગાંધીજીની વાતચીત થઇ હતી. તેમાં તેઓએ કહ્યું હતું, “આપણે આઝાદીને જાળવી શકીશું? દેશમાં હિંદુ-મુસ્લિમ એકતા પર એવી મજબૂતી નજર નથી આવતી, જે બ્રિટિશ રાજ સામેની લડાઈમાં જોવા મળી હતી. આઝાદીના જશ્નમાં હું સામેલ ના થઇ શક્યો, તે મને ગમ્યું નથી.”
મહાત્મા અમુક વિધાર્થીઓને મળ્યા હતા અને તેમને કહ્યુ હતું, “આપણી પાસે હવે બે દેશ છે અને બંનેમાં હિંદુ અને મુસ્લિમો નાગરિકોને રહેવાનું છે, જો એવું હોય, તો ટુ નેશન થિયરી અથવા દ્વિરાષ્ટ્રવાદની ધારણાનો અંત આવ્યો કહેવાય.”
સાંજે ગાંધીજીની પ્રાર્થના સભા હતી. તેમાં તેમણે હિંદુ-મુસ્લિમો વચ્ચે ફરીથી ભાઈચારા માટે કલકત્તાને અભિનંદન આપ્યા. શહેરમાં હિંદુઓ અને મુસલમાનોએ જોશ સાથે ત્રિરંગો લહેરાવ્યો. મુસલમાનો હિંદુ દોસ્તોને મસ્જીદમાં લઇ ગયા અને હિંદુઓ મુસલમાન દોસ્તોને મંદિરમાં લઇ ગયા. આઝાદીના ઉન્માદમાં એક વિશાળ ભીડે ગવર્નર હાઉસ પર કબ્જો કરી લીધો હતો. ગાંધીજીએ તેનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે આ જો જનસાધારણના હાથમાં આવેલી સત્તાનો સંકેત હોય તો તેમને ખુશી થશે, પણ લોકો જો એમ વિચારતા હોય કે તેઓ સરકારી અને બીજી સંપત્તિઓ સાથે જે ધારે તે કરી શકે છે, તો તેમને બહુ દુઃખ થશે. ગાંધીજીએ લોકોને ચેતવ્યા હતા કે તેમણે આ આઝાદીનો બુદ્ધિ અને સંયમથી ઉપયોગ કરવો પડશે.
મહાત્માની આ સાતે વાતો એ દિવસ કરતાં પણ આજે, આઝાદીનાં ૭૩ વર્ષે, વધુ પ્રાસંગિક છે.
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક વૉલ પરેથી સાભાર