ઇન્ફોસિસવાળા નારાયણ મૂર્તિ કહે છે કે ભારતને વિકસિત કરવું હોય તો યુવાન લોકોએ અઠવાડિયામાં 70 કલાક કામ કરવું જોઈએ. “ભારતને નંબર-1 બનાવવું હશે, તો આપણે બહુ કામ કરવું પડશે. 80 કરોડ લોકો મફત અનાજ પર જીવે છે. આપણે મહેનત કરીએ તો કોણ કરશે?” એમ મૂર્તિએ કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે તેઓ વર્ક-લાઈફ બેલેન્સમાં નથી માનતા.
મૂર્તિના “આરામ હરામ હૈ”ના નારામાં હવે લાર્સન એન્ડ ટુબ્રોના ચેરમેન એસ.એન. સુબ્રમણ્યન્ પણ જોડાયા છે. તેમણે મૂર્તિથી આગળ જઈને ભારતીયોને 90 કલાક કામ કરવાનો પાનો ચઢાવ્યો છે. સુબ્રમણ્યન્ કહે છે કે ઘરે બેસીને પત્ની સામે જોતા રહેવાના બદલે તમારે કામ કરવું જોઈએ.
“મને અફસોસ છે કે હું તમને રવિવારે કામ કરાવી શકતો નથી,” તેમણે એક પોસ્ટમાં તેમના કર્મચારીઓને કહ્યું હતું, “હું તમને રવિવારે કામ કરાવી શકું તો મને બહુ આનંદ થશે કારણ કે હું પોતે રવિવારે કામ કરું છું. ઘરે બેસીને શું કરો છો? પત્ની સામે કેટલું જોયા કરો? પત્નીઓ ક્યાં સુધી પતિઓ સામે જોયા કરે? ઓફિસ જાવ અને કામ કરો.”
મૂર્તિ અને સુબ્રમણ્યન્ના હૈયે દેશ હિત હશે તે સાચું, પરંતુ તેઓ ભારતીય કામદારો અને કર્મચારીઓની જિંદગીની અસલિયતથી વાકેફ નથી. કરોડો રૂપિયાનો પગાર મેળવતા સાહેબો માટે વર્ક-લાઈફ બેલેન્સ ના હોય અથવા ઘરે બેસીને પત્નીને નીરખતા રહેવાની ક્ષમતા ના હોય તેનો અર્થ એ નથી કે દેશના કરોડો લોકોની પણ એવી જ હાલત છે. દેશ હિતની વાત બરાબર છે, પણ માણસોને સૌથી પહેલાં પોતાના અને પોતાના પરિવારનાં હિતોની ચિંતા હોય છે.
આર.પી.જી. એન્ટરપ્રાઇઝના ચેરમેન હર્ષ ગોયન્કાએ સુબ્રમણ્યન્ના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે કામ હોંશિયારીથી થવું જોઈએ, ગુલામીમાં નહીં. હર્ષ ગોયન્કાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું હતું :
“અઠવાડિયામાં 90 કલાક કામ? તો પછી શા માટે સન-ડેનું નામ બદલીને ‘સન-ડ્યુટી’ ન કરવામાં આવે અને ‘હોલિડે ડે’ને એક કલ્પના ગણી લેવામાં આવે? હું મહેનત અને સમજદારીથી કામ કરવામાં માનું છું, પરંતુ જીવનને સતત ચાલતી ઓફિસ શિફ્ટ બનાવી દેવી બરાબર છે? સફળ થવાની આ રીત નથી, આ થાકી જવાની રીત છે. વર્ક-લાઈફ બેલેન્સ વિકલ્પ નથી, તે એક જરૂરિયાત છે. સમજદારીથી કામ કરો, ગુલામીથી નહીં.”
ઓફિસના કર્મચારીએ કેટલા કલાક કામ કરવું જોઈએ તે હંમેશાં વિશ્વમાં ચર્ચાનો વિષય રહ્યો છે. આજે આપણે સૌથી વધુ કામ કરીએ છીએ. ઔધોગિક ક્રાંતિ પછી મશીનો આવવાથી માણસોની કામ કરવાની ક્ષમતામાં જબ્બર વધારો થયો હતો. આજે તો એવી સ્થિતિ છે કે સાહેબો તેમના કર્મચારીઓથી ખુશ નથી, અને તેઓ વધુ કામ કરે તેવી અપેક્ષા રાખતા થયા છે.
હાલમાં, વિશ્વભરની કંપનીઓમાં ઔપચારિક રીતે આઠ કલાક કામ થાય છે. પાંચ દિવસનું અઠવાડિયું હોય તો તે 40 કલાક થયા. ઔદ્યોગિક ક્રાંતિ વખતે, કંપનીઓ તેમનું ઉત્પાદન વધારવા માટે કામદારો પાસે દિવસમાં 10-16 કલાક કામ કરાવતી હતી અને તેનની અસર તેમની પારિવારિક જિંદગી પર પડવા લાગી, ત્યારે કામના કલાકો આઠ નિર્ધારિત કરવામાં આવ્યા હતા.
1લી મે, 1888ના રોજ અમેરિકમાં 13,000 કારખાનાંના 3 લાખ કામદારોએ આઠ કલાક જ કામ કરવાની માંગણી સાથે હડતાળ પાડી હતી. ‘મે ડે’ને દુનિયાભરમાં કામદારોના હકના દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને વિડમ્બના એ છે કે ભારતમાં ‘મે ડે’ની ઉજવણી વચ્ચે જ મજદૂર ધારાઓ બદલવામાં આવ્યા છે.
દુનિયાની પહેલી સફળ ઓટોમોબાઈલ કંપનીના માલિક હેનરી ફોર્ડે 1914માં તેમની ફોર્ડ કંપનીના કર્મચારીઓ માટે કામકાજનો દિવસ આઠ કલાક કર્યો અને તેમના પગારમાં પણ વધારો કર્યો. તેનું પરિણામ ખૂબ જ અદ્દભુત હતું, અને અન્ય કંપનીઓએ પણ તે નિયમ તેને અપનાવ્યો હતો. ત્યારથી આઠ કલાકનો નિયમ થઇ ગયો છે.
એ વાત સાચી છે કે આજે દુનિયાભરમાં માણસો ખૂબ કામ કરે છે. એમાં કદાચ મહત્ત્વાકાંક્ષા, તાકાત, લોભ, આર્થિક ચિંતા, આનંદ, ગર્વ જેવી લાગણીઓ કામ કરતી હશે. આપણું મહત્ત્વ છે તે સાબિત કરવા કે ફરજની તીવ્ર ભાવનાથી પણ લોકો લાંબા કલાકો કામ કરે છે. અમુક કારણો નકારાત્મક છે, પરંતુ ઘણાં હકારાત્મક છે.
વ્યક્તિગત કારણો ગમે તે હોય, ભારતીય સમાજમાં આટલા લાંબા કામના કલાકો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. ભારતમાં લોકો અલગ રીતે કામ કરે છે. લોકો પર સામાજિક, પારિવારિક જેવી અનેક જવાબદારીઓ હોય છે અને તેમને જો સતત આટલા કલાકો સુધી કામ કરવાનું કહેવામાં આવે તો તે ડિપ્રેશનમાં જતા રહી જશે. વ્યક્તિની તાકાતની એક મર્યાદા હોય છે અને તેને દિવસમાં 12 કલાક કામ કર્યા પછી આરામની જરૂર હોય છે. આ ભારતીય સમાજમાં પ્રચલિત વ્યવસ્થા છે અને તે સૌથી વધુ વ્યવહારુ છે.
મેટ્રો શહેરોમાં તો આ જોવા પણ મળે છે. મનોવિજ્ઞાનમાં જોબ બર્ન આઉટ નામની ધારણા વિકસી છે. કામકાજમાં દીર્ઘકાલીન સ્ટ્રેસના પગલે બર્નઆઉટની પ્રક્રિયા શરૂ થાય છે. બર્નઆઉટ એટલે શારીરિક અને ભાવનાત્મક થકાવટ. બર્નઆઉટનાં ત્રણ મુખ્ય લક્ષણો છે : થકાવટ (કામ કરવાનો ઉત્સાહ ન હોય), ભાવશૂન્યતા (કામ સાથે લગાવ ન હોય) અને અક્ષમતા (વ્યવસાયિક ક્ષમતામાં ઘટાડાનો અહેસાસ).
1974માં, હર્બટ ફ્રોડેનબર્ગર નામના જર્મન-અમેરિકન મનોવિજ્ઞાનીએ, બર્નઆઉટ : ધ હાઈ કોસ્ટ પફ હાઈ એચિવમેન્ટ નામના પુસ્તકમાં પહેલીવાર આ શબ્દ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, કામ કર્યા પછી મળતા વળતર, સન્માન અને વિશ્રામની સરખામણીમાં કામનું ભારણ, ડેડલાઈન, કામના કલાકો અને સ્ટ્રેસ વધી જાય ત્યારે બર્નઆઉટ થવાય.
પડદા પર બેવકૂફ ભમતારામના કિરદારથી જગમશહૂર બનેલા ચાર્લી ચેપ્લિને ઔધીગિક ક્રાંતિની ટ્રેજેડી પર 1936માં ‘મોડર્ન ટાઈમ્સ’ નામની બહેતરીન ફિલ્મ બનાવી હતી. તેમાં ચાર્લી એક ફેકટરીની એસેમ્બલી લાઈન પર નટ-બોલ્ટ ચઢાવવાનું કામ કરે છે. તેમાં તે મશીનના બેલ્ટમાં ભરવાઈ જાય છે. મશીનના મોઢામાં ઘુસી જાય છે. મહા-મહેનતે એ મશીનમાંથી બહાર આવે છે, પણ ત્યાં સુધીમાં તો તે પાગલ થઇ ગયો હોય છે.
ઔધોગિકરણ એક વિરાટ મશીન છે. તે તેની ગતિએ ચાલી રહ્યું છે અને મજદૂરો તેમાં હોમાઈ રહ્યા છે, તેવો કટાક્ષ કરવા માટે ચેપ્લિને આ દૃશ્ય બનાવ્યું હતું. ‘મોડર્ન ટાઈમ્સ’ના ટાઈટલ શોટમાં ચેપ્લિને બે પ્રતીકાત્મક દૃશ્યો સાથે મૂક્યાં હતાં, જેમાં એક દૃશ્યમાં ઘેટાંને વાળવામાં આવી રહ્યાં છે અને બીજામાં એક ફેક્ટરીમાંથી કામદારોનાં ધાડાં બહાર નીકળી રહ્યાં છે. પેલા દૃશ્યમાં એની ‘બેવકૂફી’થી ફેકટરીમાં અવ્યવસ્થા ફેલાઈ જાય છે અને તેને હોસ્પિટલમાં ભરતી કરી દેવામાં આવે છે. એ સાજો થઈને બહાર આવે છે પણ બેરોજગાર થઇ ગયો છે, એટલે તેને સામ્યવાદી ગણીને તેને જેલમાં મોકલવામાં આવે છે.
90 કલાક કામ કરવાની સાહેબોની માંગણી આ ‘મોડર્ન ટાઈમ્સ’ને હકીકતમાં બદલવા જેવી છે.
પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 19 જાન્યુઆરી 2025
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર