
રાજ ગોસ્વામી
રાજ કપૂરે તેમની 40 વર્ષની સિનેમાઈ કારકિર્દીમાં ઘણી નોંધપાત્ર ફિલ્મો બનાવી હતી, પરંતુ એમાં જો કોઈ એક વિશેષ અને સીમાચિહ્નરૂપ ફિલ્મ હોય, તો તે છે 1951માં આવેલી ‘આવારા.’ એક્ટર, પ્રોડ્યુસર અને ડિરેક્ટર તરીકે ‘આવારા’ તેમની ત્રીજી ફિલ્મ (તે પહેલાં, 48માં ‘આગ’ અને 49માં ‘બરસાત’ બનાવી હતી). આ ફિલ્મથી રાજ કપૂરને આંતરરાષ્ટ્રીય નામ મળ્યું.
‘આવારા’ ભારતમાં તો લોકપ્રિય થઇ જ, વિશેષ તો દક્ષિણ એશિયામાં પણ હલચલ મચાવી હતી અને સોવિયત સંઘ, પૂર્વ એશિયા, આફ્રિકા, કેરેબિયન, મધ્ય પૂર્વ અને પૂર્વ યુરોપમાં તેને ચાહકો મળ્યા. તેનું એક હિટ ગીત, ‘આવારા હૂં, યા ગર્દિશ મેં હૂં આસમાન કા તારા હૂં’ (ગાયક મુકેશ, બોલ શૈલેન્દ્ર) સોવિયત સંઘ, ચીન, બલ્ગેરિયા, તુર્કી, અફઘાનિસ્તાન અને રોમાનિયામાં પણ એટલું ગણગણાવામાં આવતું હતું. પંડિત નહેરુ જ્યારે પહેલીવાર સોવિયેતની મુલાકાત પર ગયા હતા, ત્યારે તેમને જોઇને ભીડ ‘આવારા હૂં’-ના નારા લગાવતી હતી.
આ ફિલ્મે વિદેશમાં 20 કરોડથી વધુ ટિકિટનું વેચાણ કર્યું હોવાનો અંદાજ છે. તે ઉપરાંત, ચીનમાં 10 કરોડથી વધુ અને સોવિયત સંઘમાં લગભગ 10 કરોડ ટિકિટો વેચાઈ હતી. ‘આવારા’ સર્વકાલિન હિટ ફિલ્મ છે. 2012માં, ટાઇમ મેગેઝિન દ્વારા ઓલ-ટાઇમ 100 શ્રેષ્ઠ ફિલ્મોની 20 નવી એન્ટ્રીઓમાં ‘આવારા’નો સમાવેશ કરવામાં આવ્યો હતો.
ફિલ્મની સફળતાનું એક કારણ તેની વિષયવસ્તુ હતી. તે વખતે દુનિયામાં સમાજવાદ અને સામ્યવાદની બોલબાલા હતી. ભારતની આઝાદીને હજુ માત્ર ચાર વર્ષ થયાં હતાં અને રાજ કપૂરે સામાજિક વિસંગતાઓનો વિષય લઈને ‘આવારા’ બનાવી હતી. પોતાની ફિલ્મોમાં સામાજિક સંદેશાઓ આપવાની શરૂઆત આ ફિલ્મની સફળતાથી થઇ હતી.
તે સમયે, હિન્દી સિનેમામાં સંગીતને ફિલ્મની સફળતાનું મુખ્ય કારણ માનવામાં આવતું હતું, પરંતુ રાજ કપૂર તેમાં સંગીત ઉપરાંત સશક્ત વાર્તા પણ લઇ આવ્યા હતા.
રાજ કપૂરની પુત્રી રિતુ નંદાએ તેમના પુસ્તક ‘રાજ કપૂર : ધ વન એન્ડ ઓનલી શોમેન’માં લખ્યું છે, “આવારાની વાર્તાનો વિષય વર્ગ ભેદ હતો, જેમાં આઝાદી પછી ભારતને મળેલી ગરીબીમાં લપેટીને એક રોમેન્ટિક વાર્તા રજૂ કરવામાં આવી હતી. આ ફિલ્મ કાદવમાં કમળના ફૂલની જેમ ખીલી હતી. ત્યાં સુધી આવી કોઈ ફિલ્મ બની નહોતી. આ ફિલ્મ, એક રીતે, આઝાદ દેશનો જશ્ન મનાવતી હતી અને તેને એ પણ શીખવતી હતી કે મુશ્કેલ સમયનો સામનો કેવી રીતે કરાય.”
ખ્વાજા અહમદ અબ્બાસ દ્વારા લખાયેલી આ ફિલ્મ રાજ (રાજ કપૂર) નામના એક યુવાનની આસપાસ ફરે છે જે એક જજ રઘુનાથ(પૃથ્વીરાજ કપૂર)નું અન્નૌરસ સંતાન છે. તેનો જન્મ થતાં જ તેને ત્યજી દેવામાં આવે છે. આ આવારા છોકરો જગ્ગા (કે.એન. સિંહ) નામના એક અપરાધીની છત્રછાયામાં ઉછરે છે, અને આગળ જતાં તેનું જીવન એવો વળાંક લે છે કે તેણે તેના પિતાની અદાલતમાં ખૂની તરીકે ઊભા રહેવું પડે છે, અને વકીલ તરીકે રીટા તેના બચાવમાં આવે છે.
‘આવારા’ની વાર્તા દ્વારા રાજ કપૂર એક એવો ઉદારવાદી વિચાર આપવા માંગતા હતા કે કોઈ વ્યક્તિ જન્મથી ગુનેગાર નથી, પરંતુ સંજોગો કે સમાજ તેને ગુનો કરવા માટે મજબૂર કરે છે. ફિલ્મની એક ડ્રીમ સિક્વન્સ નવા સ્વતંત્ર ભારતના સામાન્ય માણસ માટે આશાનું પ્રતીક બની ગઈ હતી. તે દૃશ્ય પહેલાં, રાજ તેની અમીર પ્રેમિકા રીટા (નરગીસ) સાથે દિવસ પસાર કરીને આવતો હોય છે, ત્યારે રસ્તામાં જગ્ગા ચાકૂ બતાવીને તેને યાદ અપાવે છે કે તેનું કામ પ્રેમ કરવાનું નહીં, અમીરોને લૂંટવાનું છે.
તે રાતે રાજને એક સપનું આવે છે. રાજ રીટા માટેના પ્રેમ અને જગ્ગા તરફની વફાદારી વચ્ચે ફસાઈ ગયેલો છે. સપનામાં, કશ્મ-કશનાં ઉમડતાં વાદળો વચ્ચે, રીટા પ્રગટ થાય છે અને ગાય છે; તેરે બિના આગ યે ચાંદની, તૂ આજા, આજા, તેરે બિના બેસૂરી યે બાંસુરી.
આ ફિલ્મે સમગ્ર વિશ્વમાં વંચિત લોકો સાથે એક વિશેષ સંવાદ સ્થાપિત કર્યો હતો.’આવારા’ એ તે સમયના ભારતના મુખ્ય મુદ્દાઓ બેરોજગારી અને ન્યાય વ્યવસ્થામાં ભ્રષ્ટાચારને સામાન્ય લોકોના ધ્યાન પર લાવવામાં સફળ રહી હતી.
એકવાર ખ્વાજા અહમદ અબ્બાસે સોવિયેત નેતા નિકિતા ખ્રુશ્ચેવને તેમના દેશમાં આ ફિલ્મની લોકપ્રિયતાનું રહસ્ય પૂછ્યું હતું, ત્યારે તેમણે કહ્યું હતું,
“બીજા વિશ્વ યુદ્ધની ભયાનકતાનો સૌથી વધુ સામનો રશિયન લોકોએ કર્યો હતો. ઘણા રશિયન ફિલ્મ નિર્માતાઓએ આ વિષય પર ફિલ્મો બનાવીને તેમને યાતનાની યાદ અપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ‘આવારા’માં રાજ કપૂરે ‘જખ્મો સે ભરા સીના હૈ મેરા, હસ્તી હૈ મગર યે મસ્ત નજર’ ગાઈને લોકોમાં આશા જગાવી હતી અને તેમને પીડા ભૂલવામાં મદદ કરી હતી.”
‘આવારા’ની વાર્તા પત્રકાર-લેખક ખ્વાજા અહમદ અબ્બાસે લખી હતી. તેમની ઈચ્છા હતી કે મહેબૂબ ખાન તેનું નિર્દેશન કરે. તેમને વાર્તા ગમી હતી અને તેઓ રાજની ભૂમિકામાં દિલીપ કુમાર અને જજની ભૂમિકામાં પૃથ્વીરાજ કપૂરને લેવા માંગતા હતા.
ખ્વાજા અહમદ અબ્બાસ તેમની આત્મકથા ‘આઈ એમ નોટ એન આઇલેન્ડ’માં લખે છે, “હું મહેબૂબના વિચાર સાથે સહમત ન હતો કારણ કે તેનાથી વાર્તામાં અસલી પિતા-પુત્રના સંબંધની ચમક ઓછી થઈ જતી હતી. એ સંબંધ જ ફિલ્મનો આત્મા હતો. રાજ કપૂરને આ વાર્તાની ખબર પડી એટલે તે મને મળવા આવ્યો હતો અને કહ્યું કે અબ્બાસ સાહેબ આ વાર્તા હવે મારી છે. હવે તે કોઈને ન આપતા. તેણે પિતા પૃથ્વીરાજ કપૂરને આ ફિલ્મ કરવા માટે મનાવવાની નવી જવાબદારી મારા પર મૂકી હતી.”
એ આસાન નહોતું. પૃથ્વીરાજ કપૂર એક હેન્ડસમ એકટર હતા અને હિરોના વુદ્ધ પિતાની ભૂમિકા કરવા તૈયાર નહોતા. રાજ કપૂરને પણ વિશ્વાસ નહોતો કે તેઓ હા પાડશે. અબ્બાસ ત્યારે પત્તું ખોલ્યું કે હિરો બીજો કોઈ નહીં પણ તમારો દીકરો રાજ છે.
ભારતીય સિનેમાના ઇતિહાસમાં, કોઈ ફિલ્મ નિર્માતાએ પોતાની ત્રણ પેઢીઓને એક જ ફિલ્મમાં નિર્દેશિત કરવાનો રેકોર્ડ બનાવ્યો હોય તો તે કપૂર ખાનદાન છે. ‘આવારા’માં પૃથ્વીરાજ ઉપરાંત, તેમના પિતા (અને રાજ કપૂરના દાદા) બશેશ્વર નાથ કપૂરની પણ એક નાનકડી ભૂમિકા હતી. વીસ વર્ષ પછી, 1971માં, રાજ કપૂરના મોટા પુત્ર રણધીર કપૂરે ‘કલ આજ ઔર કલ’ નામની ફિલ્મ બનાવી જ એટલા માટે હતી કે તે પૃથ્વીરાજ, રાજ અને પોતાને એક સાથે ફિલ્મમાં નિર્દેશિત કરી શકે.
આવારાની રજૂઆતના માત્ર 20 વર્ષ પછી, 1971માં, તેમના મોટા પુત્ર રણધીર કપૂરે રાજ કપૂરની જેમ જ પરાક્રમ કર્યું હતું, જ્યારે રણધીરે કલ આજ ઔર કલ સાથે હિન્દી ફિલ્મોમાં અભિનેતા અને દિગ્દર્શક તરીકે પદાર્પણ કર્યું હતું. આ ફિલ્મમાં પૃથ્વીરાજ કપૂરે રાજ કપૂરના પિતાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં બબીતાએ રણધીરના પ્રેમીની ભૂમિકા ભજવી હતી, જે પાછળથી વાસ્તવિક જીવનમાં તેની પત્ની બની હતી.
(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 08 જાન્યુઆરી 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર